‘રશિયાના ગૂગલ’ તરીકે ઓળખાતા યાંડેક્સ વિષે આપ જાણો છો?

ઇમેજ સ્રોત, _ultraforma_/Getty Images
- લેેખક, એનસતાસિયા જૈરિયાનોવા
- પદ, મૉસ્કોથી, બીબીસી ફ્યૂચર માટે
ગૂગલ દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન છે. એ વાત બધાં જ જાણે છે.
ઘણા લોકોને એ પણ ખબર છે કે ગૂગલ સિવાય ઘણા અન્ય સર્ચ એન્જિન્સ પણ છે, જેમ કે માઇક્રોસૉફ્ટનું બિંગ, ચીનનું બાયડૂ અને પ્રારંભિક સર્ચ વેબસાઇટ્સમાંથી એક યાહૂ.
આજની તારીખમાં ગૂગલ ફક્ત સર્ચ વેબસાઇટ નથી. ગૂગલે પોતાનો વિસ્તાર ઘણો વધારી દીધો છે.
પણ, તમને એ ખબર છે કે ગૂગલ જેવી જ એક અન્ય વિશાળ આઈટી કંપની છે? એ જે દેશમાં છે, એની બહાર બહુ જ ઓછા લોકો તેનું નામ જાણે છે.
એ દેશનું નામ છે રશિયા અને સર્ચ એન્જિનનું નામ છે 'યાંડેક્સ'.
તમે આ વાંચ્યું કે નહીં?
યાંડેક્સને રશિયાનું ગૂગલ કહેવામાં આવે છે. ગૂગલની જેમ યાંડેક્સ પણ સર્ચ એન્જિન ચલાવવા સિવાય અન્ય ઘણા વેપાર કરે છે.
યાંડેક્સની શરૂઆત 1990ના દશકામાં Yandex.ru તરીકે થઈ હતી. આજની તારીખમાં યાંડેક્સ રશિયાની વિશાળ આઈટી કંપની બની ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કંપનીના સંસ્થાપક અને પ્રમુખ આર્કેડી વોલોઝ કહે છે, "તમે અમને ફક્ત રશિયાનું ગૂગલ ના સમજો. તમે અમને રશિયાનું ઉબર કંપની, રશિયાનું સ્પૉટીફાઈ અને સાથે જ અન્ય ઘણું બીજું પણ કહી શકો છો."

રશિયાના બજાર ઉપર સંપૂર્ણ પકડ

ઇમેજ સ્રોત, JamaicaPlain/Getty Images
વર્ષ 2018માં ચાર જીબી મેમરી વાળી એક યુએસબી ફ્લૅશ ડ્રાઇવની કિંમત ફક્ત થોડાં ડૉલર છે.
પરંતુ, જ્યારે યાંડેક્સે એટલી જ મેમરી વાળા સર્વર સાથે પોતાની શરૂઆત કરી હતી, ત્યારે તેના માટે કંપનીને હજારો ડૉલર ખર્ચવા પડ્યા હતા.
આર્કેડી વોલોઝે આની જ મદદથી વર્ષ 1997માં યાંડેક્સની શરૂઆત કરી હતી. શરૂઆતમાં યાંડેક્સ, વોલોઝની સંચાર કંપની કૉમ્પટેક વોલોઝનો ફક્ત એક પ્રોજેક્ટ હતો.
આ સંચાર કંપનીની સ્થાપના વોલોઝે યાંડેક્સના એક દાયકા પહેલા કરી હતી. પરંતુ 2011માં જ્યારે કંપની પોતાનું આઈ.પી.ઓ. લઈને આવી, ત્યારે એના દ્વારા કંપનીએ 1.૩ અરબ ડૉલરનું રોકાણ એકત્ર કર્યું હતું.
આ ગૂગલનાં આઈ.પી.ઓ.થી થોડી જ ઓછી રકમ હતી. ગૂગલે પોતાના આઈપીઓ (ઇનિશિયલ પબ્લિક ઑફર, શેરને પ્રથમ વખત જાહેર જનતા માટે બહાર પાડવા) દ્વારા 1.7 અરબ ડૉલર એકત્ર કર્યા હતા.
કેટલાક હજાર ડૉલરનો ખર્ચ કરીને એક ફ્લૅશ ડ્રાઈવની મદદથી શરૂ થયેલી યાંડેક્સ આજે આટલી મોટી કંપની કેવી રીતે બની ગઈ?
આજની તારીખમાં પણ યાંડેક્સને રશિયાની બહાર બહુ ઓછાં લોકો જ જાણે છે. પરંતુ રશિયામાં એનું એટલું મોટું નામ છે કે ઘણા બધા વિદેશીઓ એમાં કામ કરે છે.
આમાંથી ઘણા તો ગૂગલ અને માઇક્રોસૉફ્ટમાં કામ કરી ચૂકયા છે. યાંડેક્સ, ગૂગલને પોતાની સૌથી મોટી હરીફ માને છે. પરંતુ કંપનીના રોકાણકાર ઓલ્ગા માસ્લિખોવા કહે છે કે યાંડેક્સે નક્કી કર્યું છે કે તે વિશ્વ સ્તરે ગૂગલની હરીફાઈમાં નહીં ઉતરે. એને બદલે કંપનીએ પોતાની સંપૂર્ણ શક્તિ રશિયાના બજાર ઉપર કેન્દ્રિત કરી છે.

ગૂગલથી બહેતર અનુવાદ

ઇમેજ સ્રોત, pressureUA/Getty Images
ઓલ્ગા કહે છે કે, "યાંડેક્સ એક સાર્વજનિક કંપની છે. જેને પોતાની કિંમત વધારવી છે. એને પસંદગી એ કરવાની છે, કે તે પોતાના નવાં ઉત્પાદનોને પોતાના મોજુદ બજારમાં ઉતારે કે નવાં બજારોમાં મજબૂત બ્રાંડના ઉત્પાદનોનું માર્કેટિંગ કરે. રશિયાની આર્થિક હાલતને જોતાં, આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તાર અત્યારે તો મુશ્કેલ લાગે છે. એટલે જ યાંડેક્સે નક્કી કર્યું છે કે તે રશિયામાં જ પોતાનો કારોબાર વિસ્તારશે."
પરંતુ એ માટે કંપની ફક્ત રશિયાના કર્મચારીઓ ઉપર આધારિત રહેવા નથી માગતી.
આજે ગૂગલની ભાષાઓના રિસર્ચર ડેવિડ ટાલબોટ યાંડેક્સની અનુવાદ સેવાના પ્રમુખ છે. ટાલબોટ મિખાઈલ બિલેંકોની ટીમનો ભાગ છે.
મિખાઈલ બિલેંકોએ પહેલા માઇક્રોસૉફ્ટ માટે મશીનથી શીખવા માટેના એક પ્લેટફૉર્મને વિકસિત કર્યું હતું. આજે મિખાઈલ, યાંડેક્સની મશીન ઇન્ટેલિજન્સ યુનિટના ચીફ છે.
જયારે ટાલબોટે યાંડેક્સમાં કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે ઘણો વિવાદ થયો હતો. કેમ કે યાંડેક્સે ઑનલાઇન ટ્રાન્સલેશનની એક એવી સિસ્ટમનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું, જેનો ઉપયોગ થોડા દિવસ પહેલાં જ ગૂગલે શરૂ કર્યો હતો.
પરંતુ ડેવિડ ટાલબોટે બીબીસીને જણાવ્યું હતું કે બંનેની રચના જુદી હતી. એનો મતલબ એ છે કે યાંડેક્સની સિસ્ટમ ગૂગલ કરતાં વધુ સારી રીતે અંગ્રેજીમાંથી રશિયન ભાષામાં અનુવાદ કરી શકતી હતી.

મશીન લર્નિંગ લાઇબ્રરી

ઇમેજ સ્રોત, serg3d/Getty Images
ડેવિડ ટાલબોટ કહે છે કે, "આજે ઘણાં લોકો પોતાની તકનીકને ખુલ્લા બજારમાં ઉતારે છે. તેઓ એને સંતાડીને નથી રાખતા. બીજા લોકો એ તકનીકનો ઉપયોગ કરે છે ત્યારે તેની ક્ષતિઓ જણાવે છે. જેનાથી નવી તકનીકમાં ઝડપથી સુધારણા થઇ જાય છે. જે લોકો પોને શોધેલી સિસ્ટમને સંતાડીને રાખે છે, તેમાં સુધારણાની ગુંજાશ ઓછી થઈ જાય છે."
ગત વર્ષે જ યાંડેક્સે મશીન શીખવાની લાઇબ્રરીને લૉન્ચ કરી હતી. તાજેતરમાં જ યાંડેક્સે કલાઉડ સર્વિસ શરૂ કરી છે.
આની મદદથી અન્ય કંપનીઓ પોતાના ટેક્નિકલ ઉત્પાદનોનો વિકાસ કરી શકે છે. ટૂંક સમયમાં જ યાંડેક્સની પોતાની ભાષા ઓળખી શકનારી તકનીક પણ સાર્વજનિક બજારમાં ઉતારશે.
રશિયામાં યાંડેક્સ સ્વયં સંચાલિત કારોના વ્યવસાયમાં પણ સૌથી આગળ છે. તાજેતરમાં જ કંપનીએ રશિયાનાં તાતારિસ્તાન વિસ્તારમાં સ્વયં સંચાલિત ટેક્સી સેવા શરૂ કરી છે.
તાતારિસ્તાનની રાજધાની કઝાનના ઉપ-નગર વિસ્તાર ઇનોપોલિસમાં શરૂ કરાયેલી આ સેવાનો ઉપયોગ લોકો કારના સ્ટિયરિંગને હાથ લગાવ્યા વગર કરી શકે છે.
એ ગૂગલની વેમો સેવા જેવી જ છે. ફક્ત આ રશિયામાં શરૂ કરવામાં આવી છે.

ગૂગલની જેમ ઘણી સેવાઓ

ઇમેજ સ્રોત, Erikona/Getty Images
યાંડેક્સમાં રશિયાના સૌથી નિષ્ણાત આઈટી એક્સપર્ટ કામ કરે છે. પરંતુ ઓલ્ગા મસ્લિખોવાનું કહેવું છે કે રશિયાના શિક્ષણ સંસ્થાનોમાંથી બહુ નિષ્ણાત લોકો ઉપલબ્ધ થતાં નથી. એટલે કંપની પોતાના ભાવિ કર્મચારીઓને પોતે જ તાલીમ આપી રહી છે.
યાંડેક્સ પોતાના શિક્ષણ સંસ્થાન ચલાવે છે, જે બાળકોને બેઝિક પ્રોગ્રામિંગ શીખવે છે. યાંડેક્સ સ્કૂલ ઑફ ડેટા એનાલિસિસ, સિનિયર વિદ્યાર્થીઓ અને યુવાનોને 2007થી જ વિનામૂલ્યે તાલીમ આપે છે.
રશિયાની ઘણી યુનિવર્સીટી સાથે સંયુકતપણે પણ યાંડેક્સ શિક્ષણ સેવાઓનું સંચાલન કરે છે.
યાંડેક્સ ફક્ત યુવાઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આંકડા સમજવાની તાલીમ નથી આપતી. એ સામાન્યજનોને પણ તેના ઉપયોગ અને ફાયદા શીખવે છે.
યાંડેક્સનું ટોલોકા પ્લેટફોર્મ લોકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગની સાથે-સાથે પૈસા કમાવાની તક પણ આપે છે. તેની વેબસાઇટ ઉપર આપ સેંકડો કામ કરી શકો છો.
લોકો પોતાની કાબેલિયત મુજબ કમાણી પણ કરી લે છે. એ માટે કોઈ ડિપ્લોમાની પણ જરૂર નથી હોતી.
જનતા સાથે યાંડેક્સનો સંબંધ આટલે સુધી જ સીમિત નથી. આ જ વર્ષે યાંડેક્સે એક મોબાઇલ ઍપ લૉન્ચ કરી છે. જેનું નામ છે નરોડનાયા કાર્ટા.
એનો મતલબ છે જનતાનો નકશો. ગૂગલની જેમ યાંડેક્સની મેપ સર્વિસ છે. આ નરોડનાયા કાર્ટા, આ જ નકશાની એડિટિંગ સર્વિસ છે.
આની મદદથી લોકો પોતાનાં લોકેશન અને વિસ્તાર વિષે નવી જાણકારી ઉમેરી શકે છે અને યાંડેક્સને પોતાની મેપ સેવા બહેતર કરવામાં મદદ કરી શકે છે. એટલે કે આ જનતાની મદદથી નકશા બનાવવાનું કામ છે.

રશિયાની ક્રાંતિની ૧૦૦મી વર્ષગાંઠ

ઇમેજ સ્રોત, Photos.com/Getty Images
ગૂગલ અને ઍપ્પલનાં પર્સનલ આસિસ્ટન્ટની જેમ જ યાંડેક્સનું પણ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળું પર્સનલ આસિસ્ટન્ટ છે. જેનું નામ છે એલિસા.
આપને જો પિત્ઝા ઓર્ડર કરવા હોય તો સ્માર્ટફોનનું એક બટન દબાવીને બસ એમાં પોતાની ઇચ્છા વ્યક્ત કરવાની રહેશે. પાપા જૉન નામની પિત્ઝા ચેઈને આ માટે યાંડેક્સ સાથે કરાર કર્યો છે.
મે 2018માં કંપનીએ યાંડેક્સ ડાયલૉગ્સ નામની સેવા શરૂ કરી છે. આમાં કોઈ પણ આવીને નવાં કૌશલ્યો ઉમેરીને એલિસાને બહેતર બનાવવાનો પ્રયત્ન કરી શકે છે.
કંપનીની મેપ સર્વિસમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્થળેથી ઈમોજી પોસ્ટ કરી શકે છે. આના ખૂબ મજાના પરિણામો મળ્યા. ઘણાં લોકોએ રાજધાની મૉસ્કોના દરેક વિસ્તાર સથે 'પૂ' ઈમોજી ઉમેરી દીધી.
હાલમાં જ યાંડેક્સે યાંડેક્સ.ઑટોપોએટ નામની સેવા શરૂ કરી છે. જે એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સર્વિસ પ્રખ્યાત કવિઓની ધૂન ઉપર કવિતાઓ લખે છે.
કંપનીએ ઈમોજીના અનુવાદની સેવા પણ શરૂ કરી છે. જેમાં પ્રખ્યાત હૉલીવૂડ ફિલ્મ લૉર્ડ ઓફ ધ રિંગ્સથી ચર્ચામાં આવેલી એલ્વિશ બોલીનો અનુવાદ પણ સામેલ છે.
યાંડેક્સની એઆઈ સર્વિસ સંગીતની ધૂનો પણ તૈયાર કરી શકે છે. 2017માં એક કોન્ફરન્સમાં એલેકઝાન્ડર સ્ક્રિયાબિન જેવું જ ઓરકેસ્ટ્રા યાંડેક્સના એઆઈએ રજુ કર્યું હતું. જે પ્રખ્યાત સંગીતકાર સ્ક્રિયાબિનના જન્મદિવસ ઉપર આયોજિત કાર્યક્રમનો એક ભાગ હતો.
કંપનીએ '1917-ફ્રી હિસ્ટ્રી' નામના એક સોશિયલ મીડિયા અભિયાનની પણ મદદ કરી છે. આ પ્રોજેક્ટએ રશિયાની ક્રાંતિની ૧૦૦મી વર્ષગાંઠ ઉપર એ વખતની હાલત લોકોને જણાવવાનો પ્રયત્ન કર્યો છે.
યાંડેક્સ.મેપ ઉપર લોકો એવરેસ્ટથી પણ ફોટો અપલોડ કરી શકે છે. હાલમાં જ આર્કેડી વોલોઝે કહ્યું છે કે અમને એક પાગલ વ્યક્તિની તત્કાલ જરૂર છે, જે અમારાં પાગલપણાં વાળા પ્રોજેક્ટ્સની આગેવાની સંભાળે.
તેઓ કદાચ આ વાત મજાકમાં કરી રહ્યા હતા. પરંતુ એમાં ય એક પ્રકારની ગંભીરતા હતી.

રશિયાની બહાર વ્યવસાયનો વિસ્તાર નહીં

ઇમેજ સ્રોત, Mordolff/Getty Images
આજની તારીખમાં યાંડેક્સ ટ્રાન્સલેશન, મેપ સર્વિસ અને અન્ય સેવાઓ તો આપી જ રહી છે, એ સિવાય તે તમારા માટે ભોજન મંગાવી શકે છે, ટેક્સી મંગાવી શકે છે. ઘરે બેઠાં ફિલ્મોનો આનંદ લેવામાં મદદ કરી શકે છે. આપને વાંચનમાં મદદ કરી શકે છે અને ટ્રેન પકડવામાં પણ મદદ કરી શકે છે.
એટલે કે આજે યાંડેક્સ, રશિયાના લોકોની જિંદગીના દરેક પગલાની સાથી બનવાનો પ્રયત્ન કરી રહી છે.
આપણામાંથી ઘણાં લોકો એવા છે જે માને છે કે આપણે, પોતાના પ્રિયજનોથી વધુ આપણા સ્માર્ટફોનને વધુ સારી રીતે જાણીએ છીએ. આજે રશિયાના લોકો ઘણો વધુ સમય ઑનલાઇન દુનિયામાં વિતાવે છે. એટલેકે યાંડેક્સની પાસે મોટા પ્રમાણમાં ડેટા છે, જે લોકોના વર્તાવની ચાડી ખાય છે.
આ ડેટાની મદદથી યાંડેક્સની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેવા પોતાનો વિસ્તાર વધારી રહી છે.
તો શું એક સમય એવો આવશે જયારે રશિયામાં ફક્ત યાંડેક્સનું રાજ હશે? રોકાણકારો ઇસ્કંદર ગિનિયાટુલ્લિન એવું નથી માનતા.
તેઓ કહે છે કે મજબૂત હરીફાઈ પછી બની શકે છે કે ઉબર અને યાંડેક્સની ટેક્સી સેવાઓ એક થઈ જાય. પરંતુ યાંડેક્સ દિન-પ્રતિદીન નવા નવાં ક્ષેત્રોમાં વિસ્તાર કરી રહી છે.
આ એ સેક્ટર છે જેને મુદ્દે આઇટીની દુનિયામાં બહુ આશાઓ જગાવવામાં આવી છે.
યાંડેક્સના ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સાથે જોડાયેલા રહેલા એલેકઝાન્ડર લારિયાનોવસ્કી કહે છે કે, "દુનિયામાં દરેક જગ્યાએ અમે આઈટી કંપનીઓનો આવો વિસ્તાર થતો જોયો છે. અથવા તો આપ પોતાના વ્યવસાયનો વિસ્તાર કરતાં જાઓ છો અથવા તો એમાં કાપ મુકતા જાઓ છો."
કેટલાંક મહિનાઓ પહેલા જ યાંડેક્સે રશિયાના પડોસી દેશ લિથુઆનિયામાં ટેક્સી સેવાઓ શરૂ કરી છે. આ પહેલા કંપનીએ અન્ય બાલ્ટિક દેશો લેટવિયા અને એસ્તોનિયામાં ટેક્સી સેવાઓ શરૂ કરી હતી. યાંડેક્સ એ વિસ્તારોમાં ફેલાવો કરી રહી છે, જે ક્યારેક સોવિયેટ સંઘનો ભાગ હતાં.
મજાની વાત એ છે કે યાંડેક્સ, તુર્કીમાં પણ વ્યવસાયનો વિસ્તાર કરી રહી છે, જયારે તુર્કી અને રશિયાના સંબંધોમાં ખટપટ થતી રહે છે.
લારિયાનોવસ્કી કહે છે કે એ લોકોને બાળપણમાં ભણાવવામાં આવ્યું હતું કે નવાં સોવિયેટ સંઘે પહેલા વિશ્વ યુદ્ધ પછીના તુર્કીની મદદ કરી હતી. એટલે કે રશિયા અને તુર્કી એક બીજાને દુશ્મન નહીં, ઐતિહાસિક રૂપે મિત્રો માનતા આવ્યા છે.
યાંડેક્સે તુર્કીના બજારમાં એ સમયે પગ મુક્યો હતો જયારે તેઓ ઝુકાવ પશ્ચિમી દેશો તરફ હતો. પરંતુ, એનો મતલબ એ નહોતો કે કોઈ રશિયાની કંપની, તુર્કીનો ઉપયોગ પશ્ચિમી દેશો સુધી પહોંચ બનાવવા માટે કરી રહી હતી.
આર્કેડી વોલોઝ કહે છે કે તેમની કંપની, અન્ય સર્ચ એન્જિનો સાથે હરીફાઈ કરવાનો વિચાર પણ નથી કરતી. તેમનું માનવું છે કે જ્યાં સુધી વ્યવસાયના નિયમોમાં બદલાવ નહીં આવે, તેઓ રશિયાની બહાર વ્યવસાયનો વિસ્તાર નહીં કરે.
પરંતુ એનો મતલબ એ જરાય નથી કે યાંડેક્સ નવા-નવા પ્રયોગો નહીં કરે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












