ડૉક્ટર બનવા હવે રશિયા કેમ નથી જઈ રહ્યા ભારતીય વિદ્યાર્થીઓ

રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ
ઇમેજ કૅપ્શન, રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ
    • લેેખક, નિતિન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા, મૉસ્કોથી

'દીકરો ડૉક્ટરીનું ભણવા માટે રશિયા ગયો છે.' ગુજરાતના અનેક શહેરોમાં આ વાત સામાન્ય હતી.

આપે પણ ઘર કે ઓફિસમાં કોઈ પરિચિતના પુત્ર કે પુત્રી રશિયામાં તબીબી અભ્યાસ માટે ગયા હોય તેવું સાંભળ્યું હશે.

વિશેષ કરીને રશિયામાં મેડિસિનમાં અભ્યાસ કરીને ડૉક્ટર બનનારા લોકો વિશે તમે કદાચ જાણતા હશો. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન આ પ્રમાણ ઘટ્યું છે.

મારે વાત સમજવી હતી એટલે મૉસ્કો પહોંચીને સૌથી પહેલાં એ કામે જ વળગ્યો.

વિશાલ શર્મા
ઇમેજ કૅપ્શન, વિશાલ શર્મા

હોટલથી આરયુડીએન યુનિવર્સિટી પહોંચવામાં એક કલાક જેટલો સમય લાગ્યો.

શહેરની ગીચ વસ્તીથી દૂર મિકલૂખોમકલાયા વિસ્તારમાં આ યુનિવર્સિટી આવેલી છે.

રશિયાના આ વિસ્તારમાં રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી અજવાળું રહે છે. સાંજે સાડા છ આજુબાજુ હું ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં ચહલપહલ હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ગેટમાં પ્રવેશતાં જ અમને લાગ્યું કે કોઈ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા છીએ.

અમને દક્ષિણ એશિયાથી લઈને આફ્રિકા અને ચીનના વિદ્યાર્થીઓ જોવા મળ્યા.

કૅમેરા વગેરે કાઢી રહ્યા હતા, ત્યારે પાછળથી હિંદીમાં અવાજ આવ્યો, "આપ કા સ્વાગત હૈ."

પાછળ વિશાલ શર્મા અને ભામિની ઊભાં હતાં, તેમનાં ચહેરા પર સ્મિત હતું.

line

રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ

ભારતીય વિદ્યાર્થિની ભામિની
ઇમેજ કૅપ્શન, રશિયામાં અભ્યાસ કરતી મેરઠની ભામિની

ભામિની મૂળ ઉત્તર પ્રદેશના મેરઠનાં છે. તેઓ ત્રણ વર્ષથી રશિયામાં છે.

પહેલા વર્ષ દરમિયાન તેમણે રશિયન ભાષા શીખી અને છેલ્લાં બે વર્ષથી તબીબી અભ્યાસ ચાલી રહ્યો છે.

ભામિની કહે છે, "અહીં પોતાની સલામતીનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. અહીં વાલી, પરિવાર કે ખુદનું ઘર કંઈ જ નથી. ખુદે જ દરેક સમસ્યાનો સામનો કરવાનો છે."

"જો બધુંય બરાબર રહે તો બહુ સારું, બાકી દુનિયાના સૌથી મોટા દેશની રાજધાની પૂર્ણપણે સલામત નથી."

ભામિની સાથે આવેલા વિશાલ શર્મા મૂળ દિલ્હીના છે. તેઓ સાત વર્ષથી રશિયામાં છે, તેઓ 'ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એસોસિયેશન'ના અધ્યક્ષ છે.

અમે કૅમ્પની બહાર નીકળી રહ્યાં હતાં ત્યારે વિશાલે સોવિયેતકાળની ડિઝાઇનવાળી એક ઇમારત તરફ ઇશારો કર્યો. એ હૉસ્ટેલ હતી અને અમારો આગામી પડાવ પણ.

વર્તમાન સમયમાં પણ રશિયામાં તમે કોઈ ઇમારત, કચેરી કે યુનિવર્સિટીની બહાર મંજૂરી વગર બેગમાંથી કૅમેરો સુદ્ધાં કાઢી ન શકો. જોકે, અમારા માટે વિશાલે મંજૂરી લઈ રાખી હતી.

આઠ માળ ઊંચી હૉસ્ટેલની ઇમારતમાં લિફ્ટ નથી, પરંતુ એર કન્ડિશન સહિતની સુવિધાઓ સારી હતી. લોબીમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર તથા એટીએમ પણ છે.

line

ભણતરનો ખર્ચ

રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ
ઇમેજ કૅપ્શન, રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ

લેડીઝ હૉસ્ટેલમાં અન્ય ભારતીય વિદ્યાર્થિનીઓ સાથે મુલાકાત થઈ.

એક રૂમમાં બે વિદ્યાર્થિની રહે છે. કૉમન એરિયામાં જમવાનું બનાવવા માટેની પેન્ટ્રી અને વોશિંગ મશીનની સુવિધા છે.

દર મહિને સરેરાશ 12 થી 15 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે તબીબી અભ્યાસક્રમ માટે વાર્ષિક ખર્ચ રૂપિયા બે થી ચાર લાખની વચ્ચે થાય છે.

રશિયામાં 50થી વધુ મેડિકલ કૉલેજોમાં તબીબી અભ્યાસક્રમ ચાલે છે. મૉસ્કોમાં ભણવાનું મોંઘું છે પરંતુ કુર્સ્ક કે ત્વેર જેવાં શહેરોમાં ઓછો ખર્ચ થાય છે.

line

સંખ્યા ઘટી

મેડિકલ કોલેજ
ઇમેજ કૅપ્શન, રશિયમાં 50થી વધારે મેડિકલ કૉલેજ છે

અગાઉ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલ કે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે રશિયામાં આવતા હતા.

શીતયુદ્ધ વખતે ભારત અને રશિયા એકદમ નિકટના મિત્રો હતાં, પરંતુ હવે વિદ્યાર્થીઓ અમેરિકા, બ્રિટન કે ઑસ્ટ્રેલિયા જવાનું પસંદ કરે છે, વિદ્યાર્થીઓને આકર્ષવાની દોટમાં રશિયા પાછળ રહી ગયું છે.

આજના સમયમાં રશિયામાં અભ્યાસ કરતાં કુલ વિદ્યાર્થીઓમાંથી 90 ટકા તબીબી ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યા છે.

ભામિનીના કહેવા પ્રમાણે, "અહીં સૌથી મોટો પડકાર રશિયન ભાષા શીખવાનો છે. રશિયન ભાષા બરાબર રીતે આવડી જાય તો વાંધો નહીં, અન્યથા સમસ્યાઓ ઊભી થાય છે."

અભ્યાસ સસ્તો હોવા ઉપરાંત પ્રમાણમાં સરળતાથી એડમિશન મળતું હોવાને કારણે વિશ્વભરના 125 જેટલા દેશોના વિદ્યાર્થીઓ ભણવા માટે રશિયા તરફ નજર માંડે છે.

વિશાલના કહેવા પ્રમાણે, "ગત વર્ષોમાં કેટલાક એવા કિસ્સા નોંધાયા છે કે વિદ્યાર્થીઓને અગાઉથી જણાવવામાં નહોતું આવ્યું કે તેમણે રશિયન ભાષામાં અભ્યાસ કરવાનો રહેશે."

2017માં સ્લોલેન્સ્ક સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના 100થી વધુ વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા હતા, કારણ કે તેમને જણાવાયું ન હતું કે 'છ વર્ષ સુધી રશિયન ભાષામાં જ ભણવાનું રહેશે.' આ મામલો રશિયા ખાતે ભારતીય દૂતાવાસ સુધી પહોંચ્યો હતો.

line

વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાનું કારણ

પંકંજ સરન, રશિયામાં ભારતીય રાજદૂત
ઇમેજ કૅપ્શન, પંકજ સરન, રશિયામાં ભારતીય રાજદૂત

રશિયા ખાતે ભારતના રાજદૂત પંકજ સરણે બીબીસી ગુજરાતી સાથે વિદ્યાર્થીઓની સમસ્યા બાબતે વિસ્તારપૂર્વક વાત કરી હતી.

તેમના કહેવા પ્રમાણે, "સોવિયેતકાળ દરમિયાન મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરતા હતા. વચ્ચે તેમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ હવે તેમાં થોડી વૃદ્ધિ થઈ છે. બંને રાષ્ટ્રો વચ્ચે ઇન્ફોર્મેશન ગૅપ છે, જેને દૂર કરવાની જરૂર છે."

"બીજું કારણ એ છે કે અહીં દરેક કામ રશિયન ભાષામાં થાય છે, જેથી ભાષાની સમસ્યા નડે છે."

"ત્રીજું કારણ એ છે કે હજુ બંને દેશોની સરકારો વચ્ચે ડિગ્રીને માન્યતા આપવા સંબંધિત કરાર નથી થયા."

વાસ્તવમાં છેલ્લાં કેટલાક વર્ષો દરમિયાન ભાષા ઉપરાંત ભારતમાં કાર્યરત એજ્યુકેશન એજન્ટ્સ પરનો વિશ્વાસ ઘટી રહ્યો છે.

થોડા દિવસો પછી મારી મુલાકાત મૉસ્કોના રેડ સ્ક્વેયર ખાતે મેડિકલનો અભ્યાસ કરી રહેલા છ વિદ્યાર્થીઓ સાથે થઈ હતી. વિશાલ શર્મા પણ અમારી સાથે હતા.

line

રશિયા શા માટે જાય છે વિદ્યાર્થીઓ?

મૉસ્કો સ્થિત રેડ સ્ક્વેર
ઇમેજ કૅપ્શન, મૉસ્કો સ્થિત રેડ સ્ક્વેર

તેમણે કહ્યું, "કન્સલટન્ટની મદદથી મેડિકલના વિદ્યાર્થીઓ ભારતથી રશિયા આવે છે. તેમને સંપૂર્ણ માહિતી અને ગાઇડલાઇન્સ પણ આપવામાં નથી આવતાં.

"તેમને જેવું કહેવામાં આવે છે તેવું અહીં હોતું જ નથી. તેમને એ પણ ખબર નથી હોતી કે એડમિશન પ્રોસેસ શું છે."

છેલ્લાં ઘણાં વર્ષોથી આ અંગે ફરિયાદો વધી છે. તેથી બંને રાષ્ટ્રોની સરકારે નક્કી કર્યું છે કે રશિયા જતા વિદ્યાર્થીઓ 'અધિકૃત એજન્ટ' મારફતે જ જાય.

એ દિવસે બીજા વિદ્યાર્થીઓ સાથે અમારી વાતચીત થઈ. તેઓ મધ્ય પ્રદેશ, કર્ણાટક અને ગોવાથી અભ્યાસ માટે આવ્યા હતા.

ઇન્દોરની અનામિકા માને છે, "આ ધારણા ખોટી છે કે અહીં આવતા વિદ્યાર્થીઓને બાદમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે."

તેમણે ઉમેર્યું, "રશિયાની મેડિકલ કૉલેજો પોતાની ગુણવત્તા માટે વિશ્વમાં જાણીતી છે."

line

ભારત પરત ફરે ત્યારે શું?

મૉસ્કો સ્થિત મેડિકલ કોલેજ હૉસ્ટેલ
ઇમેજ કૅપ્શન, મૉસ્કો સ્થિત મેડિકલ કૉલેજ હૉસ્ટેલ

વિદ્યાર્થીઓના માતાપિતાની સૌથી મોટી ચિંતા એ પણ હોય છે કે તેમનાં બાળકો અભ્યાસ પૂરો કરી ભારત પરત ફરશે ત્યારે શું થશે?

મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાનો એક નિયમ એવો છે કે જે વિદ્યાર્થીઓ રશિયાથી ડૉક્ટરીનો અભ્યાસ કરીને ભારતમાં પ્રેક્ટિસ માટે આવે, તેમને એક પરીક્ષા પાસ કરવી પડે છે.

ડઝનથી પણ વધારે એવા વિદ્યાર્થીઓના કિસ્સા છે જેઓ પરીક્ષા પાસ નથી કરી શક્યા. તેમના માટે રશિયામાં કામ કરવું પણ સરળ નથી.

આ વિશે અનામિકા જણાવે છે, "આશા છે કે આ પરીક્ષા પાસ કરી લઈશું. જો નહીં થાય તો જોઈશું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો