ગર્ભનિરોધ માટે મહિલાઓ નસબંધી જ કેમ કરાવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, હેના હૅરિસ ગ્રીન
- પદ, બીબીસી ફ્યૂચર
રાજી કેવટ છત્તીસગઢના ગનિયારીની રહેવાસી છે. નસબંધી અંગે એમનો મત મિશ્ર છે.
નસબંધી એ મહિલાઓમાં ગર્ભનિરોધ માટે કરાતું ઑપરેશન છે.
રાજી કેવટે વર્ષ 2014માં આ ઑપરેશન કરાવ્યું હતું. એમની નસબંધી ભારતના સરકારની નસબંધી શિબિરમાં કરવામાં આવી હતી.
ત્યારબાદ રાજીએ પોતાની બહેન શિવકુમારી કેવટને પણ નસબંધી કરાવવાની સલાહ આપી હતી.
શિવકુમારી અને બીજી 82 મહિલાઓ નવેમ્બર 2014ના રોજ વિલાસપુરના ખાલી પડેલા દવાખાનાની ઇમારતની સામે આ ઑપરેશન માટે આવી હતી.
મહિલાઓની સર્જરી કરનારા ડૉક્ટરે એક જ છરી વડે એ તમામ મહિલાઓનું ઑપરેશન કરી નાંખ્યું હતું.

નસબંધીને કારણે થયાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Reuters
આરોપ મૂકવામાં આવ્યો છે કે ડૉક્ટરે દરેક સર્જરી બાદ પોતાના હાથમોજાં બદલવાની પણ તસ્દી નહોતી લીધી.
સર્જરી બાદ મહિલાઓને હરોળમાં દવાખાનાના ભોંયતળિયા પર આરામ માટે ઊંઘાડી દેવાઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑપરેશનની રાત્રે શિવકુમારીના પેટમાં ભયંકર દુખાવો ઊપડ્યો અને ઉલટી થઈ. થોડા દિવસોમાં જ શિવકુમારીનું મૃત્યુ થઈ ગયું.
સરકારે સત્તાવાર નિવેદન આપ્યું કે શિવકુમારીના મોતનું કારણ નકલી દવાઓ છે. પણ પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે શિવકુમારીનું મોત સેપ્ટોસીમિયાને કારણે થયું છે.
આવું સર્જરી દરમ્યાન થતાં ઇન્ફૅક્શનને કારણે થતું હોય છે. શિવકુમારી સાથે એ કૅમ્પમાં નસબંધી કરાવનારી 13 મહિલાઓનાં પણ મૃત્યુ થઈ થયાં હતાં.
બહેનને ઑપરેશનમાં ગુમાવ્યા બાદ પણ રાજીનું કહેવું છે કે કોઈ પૂછે તો તે હજુ પણ મહિલાઓને ગર્ભનિરોધ માટે સર્જરી કરાવવાની સલાહ આપશે.
આવું કહેવા પાછળ રાજીનું કારણ સ્પષ્ટ છે કે જો તમે આ સર્જરી નહીં કરાવો તો તમારું કુટુંબ મોટું થઈ જશે.
દુનિયાની તમામ મહિલાઓનું રાજીની જેમ જ માનવું છે કે ગર્ભનિરોધ માટે ઑપરેશન જ સૌથી સટીક અને ભરોસાપાત્ર પદ્ધતિ છે.
આજના સમયમાં મહિલાઓ માટે નસબંધી મહત્ત્વનો વિકલ્પ છે.
જોકે, પશ્ચિમી યુરોપ, કેનેડા કે ઑસ્ટ્રેલિયામાં ગર્ભનિરોધક દવાનું ચલણ વધારે છે.
પણ એશિયા અને લૅટિન અમેરિકામાં મહિલાઓ માટે નસબંધી સૌથી લોકપ્રિય વિકલ્પ છે.
2015ના સંયુક્ત રાષ્ટ્ર સર્વેક્ષણ અનુસાર, દુનિયાભરમાં 19 ટકા પરણેલી કે કોઈની સાથે સેક્સ સંબંધ ધરાવતી મહિલાઓ ગર્ભનિરોધ માટે આ રીતનો ઉપયોગ કરે છે.
બીજી બાજુ, આઈયુડી એટલે કે 'ઇન્ટ્રા યુટેરાઈન ડિવાઇસ'નો ઉપયોગ માત્ર 14 ટકા મહિલાઓ જ કરે છે. આ મામલે ગર્ભનિરોધની ગોળીઓ લેતી મહિલાઓનું પ્રમાણ માત્ર 9 ટકા જ છે.
ગર્ભનિરોધ માટે મહિલાઓની સર્જરી ભારતમાં વધારે લોકપ્રિય છે. દુનિયાભરની સરખામણીમાં અહીં ગર્ભનિરોધ માટે કુલ મહિલાઓમાંથી 39 ટકા મહિલાઓ ઑપરેશન કરાવે છે.

નસબંધીનો કાળો ઇતિહાસ

ઇમેજ સ્રોત, WELLCOME COLLECTION
સરકારી ગર્ભનિરોધનો કાર્યક્રમ દુનિયામાં સૌથી પહેલાં અમેરિકામાં શરૂ થયો હતો.
1907માં અમેરિકાના ઇન્ડિયાના નામના રાજ્યે કાયદો બનાવીને ગર્ભનિરોધ માટે નસબંધીને જરૂરી બનાવી દીધી હતી. પરિવાર નિયોજન માટે આ દુનિયામાં પહેલો કાયદો હતો.
બાદમાં અમેરિકાના અન્ય રાજ્યોમાં આવા જ બીજા કાયદા બનાવી દેવામાં આવ્યા. હિટલરના સમયમાં નાઝી શાસને અમેરિકાના આ કાયદામાંથી પ્રેરિત થઈને જ યહૂદીઓની નસબંધી કરી હતી.
1970ના દાયકામાં અમેરિકાના મોટાભાગના રાજ્યોમાં આ કાયદાને સમાપ્ત કરી દેવામાં આવ્યો.
આ જ દરમ્યાન અમેરિકામાં ફેમિનિઝ્મ, યૌનક્રાંતિ અને ગર્ભનિરોધક ગોળીઓનું ચલણ ખૂબ વધી રહ્યું હતું.
લગભગ આ ગાળામાં જ આઝાદ થઈ રહેલા દેશો જેવા કે ભારત, ફિલીપાઇન્સ અને બાંગ્લાદેશમાં ગર્ભનિરોધ માટે નસબંધી અભિયાન શરૂ કરાયું.
આ અભિયાનને આંતરરાષ્ટ્રીય ધોરણે ઘણું સમર્થન સાંપડ્યું. પેરુ અને ચીનને તો નસબંધી અભિયાન માટે વિદેશી મદદ પણ મળી હતી.
આજની તારીખે સૌથી વધારે નસબંધીના ઑપરેશન ભારતમાં જ થાય છે. સંખ્યા અને વસ્તીની ટકાવારી સંદર્ભે ભારતે પ્રથમ સ્થાને છે.

ઇમેજ સ્રોત, SHAHID TANTRAY
આનું કારણ એ હોઈ શકે કે ભારત એ પહેલો દેશ છે કે જ્યાં દુનિયામાં પ્રથમ વખત પરિવાર નિયોજન વિભાગ બનાવવામાં આવ્યો. આ વિભાગો દ્વારા નસબંધી પર ભાર મૂકવામાં આવ્યો.
ભારત સરકારે 1970ના દાયકામાં મોટા પાયે નસબંધી અભિયાનની શરૂઆત કરી હતી.
આંતરરાષ્ટ્રીય સંગઠનો અને બીજા દેશોએ આ માટે ભારતની મદદ કરી હતી. વિશ્વ બૅન્ક, અમેરિકન સરકાર અને 'ફોર્ડ ફાઉન્ડેશન'એ ભારતનાં ગર્ભનિરોધ અભિયાનમાં મદદ કરી હતી.
1997માં અમેરિકાએ જનસંખ્યા કચેરીના નિદેશક આર.ટી. રૅવનહૉલ્ટે સેન્ટ લુઈ ડિસ્પેચને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સરકારનું લક્ષ્ય 10 કરોડ મહિલાઓમાંથી 25 ટકા મહિલાઓની નસબંધી કરવાનું છે.
રૅવનહૉલ્ટનો તર્ક હતો કે સ્વાસ્થ્ય ક્ષેત્રે અમેરિકાની પ્રગતિના કારણે જો દુનિયાની વસ્તી વધી તો અમેરિકાની ફરજ બને છે કે વધતી જતી વસ્તીને તે અંકુશમાં રાખે.
આજ અમેરિકન સરકારની સંસ્થા યુએસએડ, દુનિયાભરનાં પરિવાર નિયોજન અભિયાનોમાં મદદ કરતી હતી. 2014માં યુએસએડના એક અહેવાલ અનુસાર દુનિયાભરમાં નસબંધીનો પ્રચાર કરવા જણાવ્યું છે.
1970ના દાયકામાં જબરદસ્તી નસબંધી કરાવવાના અભિયાન દરમ્યાન લગભગ 60 લાખ લોકોની નસબંધી કરાવવામાં આવી હતી.
અભિયાન દરમ્યાન 2 હજાર કરતાં વધારે લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ ભારતમાં ફૅમિલી પ્લાનિંગ અંગે સરકારી દ્રષ્ટિકોણમાં બદલાવ આવવાની શરૂઆત થઈ હતી.

ઇમેજ સ્રોત, KEYSTONE/HULTON ARCHIVE/GETTY IMAGES
ભારતમાં સરકાર નસબંધીનું ટાર્ગેટ નક્કી કરતી હતી. પણ આખરે એ ચલન બંધ થઈ ગયું.
ગર્ભનિરોધ માટે ગોળીઓ અને બીજી પદ્ધતિનું ચલણ વધારવા પર ભાર મુકાવા લાગ્યો. છેલ્લાં બે વર્ષોમાં ભારત સરકારે 'મિશન પરિવાર વિકાસ' અમલી બનાવ્યું છે.
જોકે, ગર્ભનિરોધ માટે નસબંધી માત્ર ભારતમાં જ લોકપ્રિય છે એવું નથી.
સંયુક્ત રાષ્ટ્ર સંઘના આંકડા જણાવે છે કે પરણેલી કે યૌન સંબંધ ધરાવતી મહિલાઓમાં 20.5 ટકા આ પદ્ધતિ અપનાવતી હતી. પણ, એ સંખ્યા અત્યારે ઘટીને 19 ટકાની જ રહી ગઈ છે.
જોકે, ભારતમાં સ્થિતિ અલગ છે. અહીં, નસબંધીથી ગર્ભધારણ રોકનારી મહિલાઓની સંખ્યા 34 ટકાથી વધીને 39 ટકા થઈ ગઈ છે.
2016 સુધી તો સરકાર કાયદેસર કૅમ્પ લગાડીને નસબંધી અભિયાન ચલાવતી હતી. પણ, હવે આ કૅમ્પનું આયોજન બંધ કરી દેવાયું છે.
નસબંધીથી ગર્ભનિરોધની પ્રક્રિયાને ફેરવી ન શકાય જ્યારે બીજા વિકલ્પોમાં મહિલાઓ ઇચ્છે ત્યારે એને અટકાવી શકે છે, જેમ કે ગોળીઓ ખાવી.
નસબંધીને સર્જરી દ્વારા ફરીથી ફેરવી પણ શકાય છે. પણ, તે અટપટું, મુશ્કેલીભર્યું અને ખર્ચાળ ઑપરેશન છે અને મોટે ભાગે નિષ્ફળ જ રહેતું હોય છે.

ગર્ભનિરોધની કાયમી રીત

ઇમેજ સ્રોત, Getty Images
દુનિયાભરમાં જે મહિલાઓ એ નક્કી કરી લે છે કે એમણે હવે બાળકો નથી જોઈતા, એમના માટે ઑપરેશન કરાવવું સૌથી સરળ અને ભરોસાપાત્ર વિકલ્પ છે.
અમેરિકામાં તો ઘણી મહિલાઓ બાળક પેદા થયા બાદ તરત જ આ સર્જરી કરાવી લે છે. તો કેટલીક મહિલાઓ કૉન્ડોમનો ઉપયોગ કે દવા જેવા વિકલ્પો અજમાવી ગર્ભનિરોધ કરે છે.
નસબંધી કરાવ્યા બાદ મહિલાઓને બીજી વખત ગર્ભનિરોધની ચિંતા રહેતી નથી. આની આડઅસરો પણ નથી.
પણ, જેવું છત્તીસગઢની શિવકુમારી અને બીજી મહિલાઓ સાથે બન્યું એ રીતે ઘણી વખત અસુરક્ષિત વાતાવરણમાં ઑપરેશન થતા હોય છે.
ગનિયારીની 'જન સ્વાસ્થ સહયોગ હોસ્પિટલ'નાં નિદેશક યોગેશ જૈન જણાવે છે કે જે દુર્ઘટના નસબંધી કેમ્પ દરમ્યાન શિવ કુમારી સાથે ઘટી તે થવાનું તો નક્કી જ હતું.
એમના કહેવા અનુસાર ગરીબ મહિલાઓ પાસે કોઈ વિકલ્પ હોતો નથી.
મોટાભાગે આવા કૅમ્પોમાં મહિલાઓને માણસ તરીકે નહીં પણ એક આંકડા તરીકે ગણવામાં આવે છે. એમના જીવની કોઈ કિંમત હોતી નથી.

ઇમેજ સ્રોત, SHAHID TANTRAY
'પૉપ્યુલેશન ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા' દ્વારા છત્તીસગઢની ઘટનાની તપાસ કરાઈ અને જાણવા મળ્યું કે નસબંધીની શિબિરોમાં આવવા મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે સરકારે કરેલો ખર્ચ ઑપરેશનના ખર્ચ કરતાં 20 ગણો હતો.
તો ઑપરેશન કરાવનારી દરેક મહિલાને 600 થી 1400 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
2014માં બનેલી ઘટના બાદ કેન્દ્ર સરકાર જાગી અને શિબિરોમાં સ્થિતિ સુધારવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
'પૉપ્યુલેશન ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા'ની સોનલ શર્મા જણાવે છે કે ભારત સરકારે એમના સૂચનને માન આપી નસબંધી માટે શિબિર લગાડવાનું બંધ કરી દીધું.
એના બદલે જો મહિલા નસબંધી કરાવવા માગતી હોય તો તેણે અઠવાડિયાના નક્કી કરેલા દિવસે હૉસ્પિટલ જવાનું રહે છે.
આનાથી નસબંધી અભિયાનોની યોગ્ય દેખરેખ રાખી શકાય છે. પણ, નસબંધીની સગવડોમાં ઊણપ જોવા મળી રહી છે.
છત્તીસગઢમાં જ મુંગેલી જિલ્લા હોસ્પિટલમાં એક સર્જન નસબંધી માટે અઠવાડિયામાં બે દિવસે આવે છે.
અઠવાડિયામાં 20 મહિલાઓની જ સર્જરી થઈ શકે છે. જ્યારે આવી સર્જરીની માગ ઘણી વધારે છે.
હવે આ દુર્ઘટના બાદ પણ જો છત્તીસગઢની મહિલાઓ નસબંધીથી ગર્ભનિરોધ કરાવવા માગતી જ હોય તો એનો અર્થ સ્પષ્ટ છે કે મહિલાઓની નજરમાં પરિવાર નિયોજનની આ સૌથી સારી રીત છે.
જોકે, એની પ્રક્રિયા હજી પણ ચર્ચામાં જ છે.

જે જવાબો હજુ મળ્યા નથી

ઇમેજ સ્રોત, Getty Images
ભલે નસબંધીથી ઑપરેશન સાફ સુઘડ વાતાવરણમાં કરવામાં આવે પણ છતાંય આ સર્જરી ભારે જોખમી છે. આ મહિલાઓના અસ્તિત્વ પર આક્રમણ છે.
તમામ વિવાદો છતાં નસબંધીથી મહિલાઓ માટે ગર્ભનિરોધનો વિકલ્પ સમાપ્ત થઈ જાય છે. આનાથી નૈતિકતા પર પણ સવાલ ઊભા થાય છે. સરકારે આ વિકલ્પનો દુરુપયોગ કર્યો છે.
પેરુમાં 1990ના દાયકામાં ગરીબ મહિલાઓની મોટા પાયે નસબંધી એમની જાણ બહાર કરી દેવામાં આવી હતી.
આ વિકલ્પ અંગે એક મુશ્કેલી એ છે કે મહિલાઓ પર નસબંધીથી ગર્ભનિરોધનું દબાણ કરી એમની સામે હાજર બીજા વિકલ્પ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવે છે.
જોકે, તેઓ અન્ય વિકલ્પોની પસંદગી કરી શકે છે. જો એમની પાસે વિકલ્પ ઉપલબ્ધ ના હોય તો કાં તો તે નસબંધી કરાવે અથવા તો વધુ બાળકો પેદા કરવાના ભય સાથે જીવે.
ભારતમાં ગર્ભનિરોધક ગોળીઓ અને આઈયુડીની ઉપલબ્ધતા ઓછી છે. જો મહિલાઓને આઈયુડી વાપરવું છે તો એને યોગ્ય રીતે લગાડવા માટે નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી બની જાય છે.
જાણકારીના અભાવે મહિલાઓને ગર્ભનિરોધના તમામ વિકલ્પો મળી શકતા નથી.

ઇમેજ સ્રોત, SHAHID TANTRAY
મધુ ગોયલ દિલ્હીના ગ્રેટર કૈલાસમાં આવેલી 'ફોર્ટિસ લા ફેમ હોસ્પિટલ'માં ગાયનેકૉલોજિસ્ટ છે.
તેમના પાસે અમીર મહિલાઓ આવતી હોય છે. આ વર્ગની મહિલાઓમાં પણ નસબંધી જ લોકપ્રિય વિકલ્પ છે.
જોકે, નસબંધી કરાવતી મોટાભાગની મહિલાઓ ઉંમરલાયક હોય છે અને યુવાન મહિલાઓ ગર્ભનિરોધના અન્ય વિકલ્પો અંગે શંકા ધરાવે છે.
ઘણી મહિલાઓને વહેમ છે કે ગર્ભનિરોધ ગોળી એમને કાયમી ધોરણે વંધ્યત્વ અર્પી શકે છે.
મધુ ગોયલ જણાવે છે કે મહિલાઓમાં જાગૃતિ આવી રહી છે એ વાત સારી છે. મહિલાઓ ગર્ભનિરોધ અપનાવી રહી છે.
ભારતમાં છૂટાછેડાના મુદ્દા વધી રહ્યા છે એ કારણથી ભારતમાં ઘણી મહિલાઓ નસબંધીને પલટાવવા માંગે છે, જેથી બીજા પતિ સાથે નવેસરથી પરિવાર શરૂ કરી શકે.
મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયે 2016માં 'નેશનલ પોલિસી ફૉર વુમન' શરૂ કરી હતી.
એમાં ગર્ભનિરોધ માટે મહિલાઓને બદલે પુરુષો પર ભાર મૂકવામાં આવ્યો હતો. જોકે, આ નીતિ હજી સંપૂર્ણપણે અમલી બની શકી નથી.
જે રીતે આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા સાથે ભારતમાં નસબંધી લોકપ્રિય છે તે વિચારધારામાં ફેરફાર થતા હજુ સમય લાગી જશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













