ગુજરાત : 'મેન્સ્ટ્રુઅલ હાઇજીન'ના અભાવે મહિલાઓ અને કિશોરીઓને કયા રોગ થઈ શકે?

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી ગુજરાતી
આજે #NoMoreLimits સાથે વિશ્વભરમાં 'મેન્સ્ટ્રુઅલ હાઇજીન'(માસિક વિશે કાળજી) દિવસ મનાવવામાં આવી રહ્યો છે. મહિલાના રોજબરોજના જીવનની આ એક એવી બાબત છે જેના પર મોટાભાગે વધુ વાત નથી કરવામાં આવતી.
ગુજરાતમાં મહિલાઓમાં ખાસકરીને કિશોરીઓમાં 'મેન્સ્ટ્રુઅલ હાઇજીન' વિશે કેટલી જાગરૂકતા છે તે એક અગત્યનો સવાલ છે.
વળી 'મેન્સ્ટ્રુઅલ હાઇજીન'માં ગુજરાતમાં કેવી સ્થિતિ છે અને તેને સુધરાવા માટે શુ કરવું તે મુદ્દો પણ મહત્ત્વનો છે.
સંયુક્ત રાષ્ટ્રના એક કાર્યક્રમ યુનાઇટેડ નેશન્સ ફૉર ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)ના અનુસાર વિશ્વમાં કરોડો મહિલાઓ અને કિશોરીઓને તેમના માસિકને સન્માન અને સ્વચ્છતા સાથે મેનેજ કરવાના અધિકારથી વંચિત રાખવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Thinkstock
માસિક સંબંધિત કાળજીની વાત આવે ત્યારે તેમાં મહિલાઓના સામાજિક-આર્થિક પરિબળની ભૂમિકા પણ ભાગ ભજવે છે.
નેશનલ હેલ્થ ફૅમિલી સરવે- 4, 2015-2016 અનુસાર ગુજરાતમાં 60 ટકા મહિલાઓ માસિક સંબંધિત કાળજી માટે જરૂરી સુવિધા મેળવવા સક્ષમ હતી.
જેઓ અર્થ કે 60 ટકા મહિલાઓ 'મેન્સ્ટ્રુઅલ હાઇજીન' માટે જરૂરી સુરક્ષિત પ્રોટેક્શનની સવલતો મેળવી શકી હતી. ચાળીસ ટકા મહિલાઓ તેનાથી વંચિત રહી જે મોટો આંકડો છે.
મહિલાઓ માસિક સમયે જરૂરી યોગ્ય કાળજી ન રાખે તો તેનાથી તેમને ભવિષ્યમાં કેટલીક તકલીફો પણ થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

હાઇજીન નહીં રાખવાથી આ બીમારો થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
સુરતની સિવિલ હૉસ્પિટલના ગાયનેકૉલૉજિસ્ટ ડૉ. રાગિણી વર્મા અનુસાર, હાઇજીનના અભાવે મહિલાઓના ગર્ભાશયમાં આંતરિક ઇન્ફેક્શન થઈ શકે છે. તેમને રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન થવાનો ભય રહે છે.
ડૉ. રાગિણીએ જણાવ્યું કે, "ક્યારેક આ ઇન્ફેક્શન પેડુમાં અને અંદરની નળીઓને પણ નુકસાન કરી શકે છે. ઉપરાંત યોનિમાં પણ ચેપ લાગવાની શક્યતા રહે છે."
તમે આ વાંચ્યું કે નહીં?
મહિલાઓમાં હાઇજીનની જાગરૂકતા વિશે તેમને પૂછતા તેમણે કહ્યું, "દસ વર્ષ પહેલા કરતાં હવે જાગરૂકતા સારી છે. પણ હાઇજીનની બાબતે હજુ પણ સ્થિતિ સુધારવાની જરૂર છે.
"શરૂઆતમાં સમાન્ય લાગતી તકલીફ મહિલાઓ માટે ભવિષ્યમાં મોટી તકલીફ સર્જી શકે છે.
"માસિકમાં યોગ્ય કાળજી અને સ્વચ્છતા ન રાખવામાં આવે તો બળતરા અને ચકામા જેવી તકલીફ પણ સર્જાતી હોય છે.
"આવી પરેશાનીનાં કારણે મહિલા તેના રોજિંદા જીવનમાં સંપૂર્ણ ક્ષમતા સાથે કામ નથી કરી શકતી."

ઇમેજ સ્રોત, Getty Images
માસિક સંબંધિત સમસ્યા અને તેની પાછળના કારણો વિશે તેમણે કહ્યું કે મહિલાઓમાં આ વિષેની જાણકારીનો અભાવ અને સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાને લીધે ઘણી વાર મુશ્કેલી સર્જાય છે.
તેમણે કહ્યું, "ખરાબ ગુણવત્તાના કપડાં વાપરવા અને જરૂર મુજબ કપડાં કે પૅડને બદલવામાં ન આવે તેથી ઇન્ફેક્શન થતું હોય છે. "
"વળી આ સમસ્યા માત્ર ગ્રામ્ય નહીં શહેરોમાં રહેતી મહિલાઓમાં પણ જોવા મળે છે. કિશોરીઓ અને પુખ્તવયની મહિલાઓને પણ હોય છે."
"નાણાંના અભાવે જરૂરી પૅડ કે સામાજિક-આર્થિક પરિસ્થિતિ હાઇજીન માટે કારણભૂત હોય છે. ખાસ કરીને કિશોરીઓને શાળામાં હાઈજીન વિશે શિક્ષિત કરવાની જરૂર છે."
વધુમાં મહિલાઓના સ્વાસ્થ્ય મામલે કાર્ય કરતી સંસ્થા 'ઓ વુમનિયા'ના સહસ્થાપક કૃતિકા કટરાટે જણાવ્યું કે મહિલાઓમાં હાઇજીનના અભાવે સર્વિકલ કૅન્સરનું પ્રમાણ અને યુટીઆઈની બીમીરી જોવા મળતી હોય છે.
અસુરક્ષિત શારીરિક સંબંધ, અપૂરતી સ્વચ્છતાથી પણ ઇન્ફક્શન થાય છે, આથી તેનાથી કેટલાક પ્રકારના રોગ થઈ શકે છે.

'મેન્સ્ટ્રુઅલ હાઇજીન' માટે શું કરવું?

ઇમેજ સ્રોત, HYPE PR
હાઇજીનના અભાવે થતા ઇન્ફેક્શન સામે રક્ષણ મેળવવા માટે માસિકનાં દિવસો દરમિયાન સંપૂર્ણ કાળજી રાખવી જરૂરી છે.
'મેન્સ્ટ્રુઅલ હાઇજીન' માટે ડૉ. રાગિણીએ કહ્યું,"બને તેટલી સ્વચ્છતા જાળવવી જોઈએ અને સમયે સમયે પૅડને બદલતા રહેવું. તેનો નિકાલ પણ વ્યવસ્થિત રીતે કોથળીમાં બંધ કરીને કરવો જોઈએ.
"માસિક એક કુદરતી પ્રક્રિયા છે એવી સમજ મહિલાઓમાં કેળવવી પડે. કેમ કે ઘણી વાર એવું બનતું હોય છે કે કિશોરીની માતા તેની ગેરમાન્યતા તેની દીકરીમાં દાખલ કરતી હોય છે.
"આથી તેમને શિક્ષિત કરીને જરૂરી પ્રોટેક્શન કિટ જેમ કે પૅડ સસ્તા ભાવે ઉપલબ્ધ કરવા જોઈએ."


હાઇજીન વિશે જણાવતાં કૃતિકા કટરાટે કહ્યું કે પ્રથમ વાર માસિક આવે, ત્યારે મોટાભાગની કિશોરીઓને તેના વિશે જાણકારી નથી હોતી.
તેમણે કહ્યું, "મહિલાઓ તેમના પ્રાઇવેટ પાર્ટ્સ બરાબર સ્વચ્છ રાખે અને હંમેશાં સ્વચ્છ સુરક્ષિત કોટનનું કપડું કે સૅનિટરી પૅડ વાપરે તો બીમારીઓ સામે રક્ષણ મેળવી શકે છે.
"તદુપરાંત મહિલાઓની સાથે સાથે પુરુષોની પણ એટલી જ જવાબદારી છે. તેમણે પણ મહિલાના 'મેન્સ્ટ્રુઅલ હાઇજીન' વિશે વિચારવું જોઈએ. અસુરક્ષિત શારીરિક સંબંધ હાઇજીન માટે સમસ્યા છે.
"પહેલાં કિશોરીઓમાં 14-15 વર્ષે માસિક આવી જતું હતું, હવે 8-9 વર્ષે આવી જાય છે. આથી તેમને આ પહેલાં જ પ્રાથમિક કક્ષાથી જ આ વિશેનું શિક્ષણ આપવું જોઈએ."
હાઇજીન માટે જરૂરી સૅનિટરી કિટ વિશે તેમણે કહ્યું કે, બજારમાં સૅનિટરી પૅડ, ટેમ્પુન, કપ અને કપડાં એમ ચાર વિકલ્પ છે.
જે પરવડે અને યોગ્ય લાગે તે વિકલ્પ અપનાવવો જોઈએ, પરંતુ નાયલોન અને પોલિસ્ટરનાં કપડાં ન વાપરવાં જોઈએ.

ગુજરાતમાં કેવી સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ મામલે કૃતિકા કટરાટે કહ્યું કે પહેલા કરતાં હવે આ વિષે જાગરૂકતા વધી રહી છે. જો કે, શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં સ્થિતિ થોડી વધુ પડકારજનક છે.
તેઓ કહે છે ,"કિશોરીઓને સ્કૂલ સ્તરેથી જ શિક્ષિત કરવાની જરૂર છે. સંવાદ કરીને સમજાવવાની પણ જરૂર છે.
"ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓને અને સ્કૂલે જતી બાળાઓને 'મેન્સ્ટ્રુઅલ હાઇજીન' વિશે જાણકારી નથી હોતી. ઉપરાંત માસિક વિશેની ગેરમાન્યતાઓને લીધે પણ તેમને ઘણું સહન કરવું પડે છે."
દરમિયાન 'મેન્સ્ટ્રુઅલ હાઇજીન' વિશે રાજ્યમાં ઉપલબ્ધ સેવાઓ વિશે બી. જે મેડિકલ સંસ્થાના કૉમ્યુનિટી મેડિસિન વિભાગના ડૉ. શીખા જૈને કહ્યું કે,"કોઈ પણ સરકારી હૉસ્પિટલમાં જઈને ડૉક્ટર પાસે ચેક અપ કરાવી શકાય છે."
તેમણે કહ્યું, "નિશુલ્ક નિદાન અને જાણકારી મહિલાઓને આ હૉસ્પિટલ પરથી મળી શકે છે. જોકે, તેમ છતાં સુવિધાઓ વિશે મહિલાઓને વ્યાપક પ્રમાણમાં માહિતગાર કરવાની જરૂર છે."
જોકે અત્રે નોંધવું રહ્યું કે, નેશનલ હેલ્થ ફૅમિલી સરવે- 4, 2015-2016 અનુસાર 'મેન્સ્ટ્રુઅલ હાઇજીન'ની બાબતે તમિલનાડુ સૌથી મોખરે હતું, જેમાં મહિલાઓ હાઇજીન માટે સુરક્ષિત રીત અપનાવતી મહિલાઓનું પ્રમાણ 90 ટકા હતું.
ગુજરાત આ મામલે પંજાબ, હરિયાણા, કેરળ અને હિમાચલ પ્રદેશ કરતાં પણ પાછળ હતું.

'મેન્સ્ટ્રુઅલ હાઇજીન'ની સ્થિતિ સુધરવા શું કરવું?

ઇમેજ સ્રોત, iStock
સ્થિતિ સુધાર વિશે કૃતિકા કટરાટ જણાવે છે કે, રાજ્ય અને ભારત સરકાર બન્ને આ મામલે પ્રયાસરત છે. વળી કેટલાંક એનજીઓ પણ તેના માટે કામ કરે છે.
ઘણી જગ્યાએ ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓને સેનિટરી પૅડ બનાવવાનું નાનું યુનિટ સ્થાપી આપવામાં આવે છે.
જેથી તેઓ સસ્તા અને સારા પૅડ બનાવીને તેને જરૂરિયાતમંદ મહિલાઓ સુધી તેને પહોંચાડી શકે.
તદુપરાંત આનાથી આ મહિલાઓને પણ રોજગાર મળે છે. સાથેસાથે હવે રેલવે સ્ટેશન પર મહિલાઓ માટે ફ્રીમા સૅનિટરી પૅડ ઉપલબ્ધ છે.

યુનિસેફ શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
સંયુક્ત રાષ્ટ્રના એક કાર્યક્રમ યુનાઇટેડ નેશન્સ ફૉર ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)ના વર્ષ 2017ના અહેવાલ અનુસાર વિશ્વમાં 1.8 બિલિયન કિશોરીઓ અને મહિલાઓ દર મહિને માસિકમાં આવે છે.
યુનિસેફ અનુસાર કોઈ પણ મહિલા અથવા કિશોરીને વિશ્વમાં ક્યાંય પણ તેમના માસિક ચક્ર સંબંધિત પ્રક્રિયા સ્વચ્છતા અને સન્માનપૂર્વક મેનેજ કરવાનો અધિકાર હોવો જોઈએ.
મહિલાઓના આત્મવિશ્વાસ અને સામર્થ્યને બળ આપવા માટે 'મેન્સ્ટ્રુઅલ હાઇજીન' ઘણું જરૂરી છે.
પણ જાતિગત અસમાનતા, સામાજિક ધોરણો મુજબ ભેદભાવ, સામાજિક-આર્થિક પરિસ્થિતિ, સંસ્કૃતિના બહાને પ્રવર્તતી ગેરમાન્યતાઓ, ગરીબી અને સુવિધાઓનો અભાવ મહિલાઓના માસિક સંબંધિત કાળજી સામે અવરોધ સર્જે છે.
આ અવરોધોને દૂર કરવા માટે મહિલાઓ માટે માસિક સમયે તેમને જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરવી અને સામાજિક સહકાર ઉપરાંત તેમને શિક્ષિત કરવાથી આ મામલે સ્થિતિ સુધરી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












