એ જીવ જે ફરીથી જુવાન થઈ શકે છે અને ક્યારેય મરતો નથી

ઇમેજ સ્રોત, ZAFERKIZILKAYA/SHUTTERSTOCK
- લેેખક, ક્રિસ બારાનિયુક
- પદ, બીબીસી માટે
ટુર્રિટોપ્સિસ ડોહર્ની નામે ઓળખાતી જેલીફિશમાં એવી ક્ષમતા છે કે પોતાના કોષોને બદલીને ફરીથી જુવાન થઈ શકે છે.
બીજા શબ્દોમાં કહીએ તો આ માછલી કોઈ પણ ઉંમરે, વૃદ્ધાવસ્થામાં પણ પોતાના કોષોમાં ફેરફાર કરીને ફરીથી બાલ્યાવસ્થા પ્રાપ્ત કરી શકે છે.
સાયન્સ ફિક્શનની ટીવી સિરિઝ 'ડૉક્ટર હૂ'નો હિરો પણ પોતાના રૂપરંગને તદ્દન બદલી નાખે છે.
ટુર્રિટોપ્સિસ ડોહર્ની માછલીની જેમ તે નવજીવન પ્રાપ્ત કરી શકે છે.
ખરાબ રીતે ઘાયલ થઈ ગયા બાદ કે મોત સમીપ આવી ગયું હોય ત્યારે ડૉક્ટરનું પાત્ર આ રીત અજમાવીને ફરી સાજું થઈ જાય છે.
પોતાને ગમે ત્યારે યુવાન કરી દેવાની જેલીફિશની ક્ષમતા બહુ અદભૂત વ્યવસ્થા છે.
વૃદ્ધાવસ્થા, બીમારી કે જીવને ખતરો હોય ત્યારે આ વ્યવસ્થા બહુ કામ આવી શકે તેવી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પ્રક્રિયા શરૂ થાય ત્યારે જેલીફિશના 'બેલ' અને 'ટેન્ટિકલ્સ' બદલાઇને ફરી 'પૉલિપ' થઈ જાય છે.
અર્થાત તે સમુદ્રના તળિયે એક છોડ જેવી થઈને પડી રહે છે.
જેલીફિશ આ રીતે છોડની જેમ પડી રહેવાને કારણે 'સેલ્યુલર ટ્રાન્સડિફરેન્શિએશન' નામની પ્રક્રિયા શરૂ થાય છે.
આ પ્રક્રિયામાં શરીરના કોષો બદલાવા લાગે છે અને એક નવું શરીર બનવા લાગે છે. આ પ્રક્રિયા અનેકવાર થઈ શકે છે.
સંશોધકોએ હાલમાં જ જેલીફિશના ડીએનએના એક નાનકડા હિસ્સાનું સિક્વન્સિંગ કર્યું છે.
ઇટાલીના સેલેન્ટો યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટેફાનો પિરાઇનો પણ તે સંશોધનમાં સામેલ હતા.
તેઓ હવે એક વ્યાપક પ્રોજેક્ટનું સંકલન કરી રહ્યા છે, જેમાં 'ટુર્રિટોપ્સિસ ડોહર્ની'ના કોષો એકબીજા સાથે કેવી રીતે સંવાદ કરે છે તે સમજવાની કોશિશ કરવામાં આવશે.

ઇમેજ સ્રોત, A PEARSON
કોઈ પણ જીવના જીનોમને સંપૂર્ણ રીતે સમજી શકાય તે પછી 'લાઇફ રિવર્સલ'નું રહસ્ય પૂરી રીતે સમજી શકાય તેમ છે એમ તેઓ માને છે.
પ્રોફેસર પિરાઇનોની લેબમાં જેલીફિશનું મોત થયું હોય તેવું પણ જોવા મળ્યું છે.
તેનો અર્થ એ કે જેલીફિશ અમર પણ નથી. આમ છતાં જેલીફિશ પોતાને નવા શરીરમાં ઢાળી દે છે તે અદભૂત છે.
સાથે આવી જ બીજી બે જેલીફિશની પણ ભાળ મળી છે. તે માછલીઓમાં પણ આવા જ ગુણો જોવા મળ્યા છે.
પૂર્વીય ચીની સમુદ્રમાં મળતી 'ઑરેલિયા એસપી 1'નો પણ તેમાં સમાવેશ થાય છે.

જીવનને વધુ એક તક

ઇમેજ સ્રોત, ANDREA MARSHALL / WPOTY 2016
આ જ પ્રક્રિયાનો મનુષ્ય માટે વિચાર કરીએ તો સવાલ થાય કે શું આપણે પુનઃજન્મ લઈ શકીએ ખરાં?
કેટલાક અંશે આપણે નવજીવન મેળવીએ પણ છીએ.
જેમ કે બળી જવાના અને ઘા પડ્યાના ડાધ અને તડકાને કારણે ત્વચાને થતું નુકસાન થોડા વખતમાં ભૂંસાઈ જાય છે.
ત્વચા નવી આવી શકે તે રીતે હાથ અને પગની આંગળીઓના ટેરવા પણ નવા બની જતાં હોય છે.
પહેલાં એવું મનાતું હતું કે દર સાત કે દસ વર્ષે આપણે સંપૂર્ણરીતે નવા મનુષ્ય બની જતા હોઈએ છીએ.
આટલા વખતમાં આપણા શરીરના જૂના બધા જ કોષો નાશ પામતા હોય છે. તેની જગ્યાએ નવા કોષો આવી જતા હોય છે.
આ એક ખોટી માન્યતા જ હતી પણ એ વાત સાચી છે કે આપણા શરીરમાં સતત કોષોનો નાશ પણ થઈ રહ્યો છે અને તેની જગ્યાએ નવા કોષો બની પણ રહ્યા છે.
સંશોધનો વધતાં ગયાં તે સાથે ડૉક્ટરો નવા કોષો ઉગાડવાની પ્રક્રિયામાં વધારે ને વધારે પ્રગતિ કરતા રહ્યા છે.
કેટલાક પશુઓમાં પણ નવજીવન શક્ય બનતું હોય છે, પણ તે માત્ર શરીરના અમુક અંગો પૂરતું જ મર્યાદિત હોય છે.


ઇમેજ સ્રોત, CARL HANSEN
તેનું એક ઉદાહરણ સાલામેન્ડરમાં મળે છે.
લંડનની યુનિવર્સિટી કૉલેજના ડૉક્ટર મેકસીમિના યુન કહે છે, "સાલામેન્ડર પુનઃજન્મના ચેમ્પિયન છે. તે પોતાના હૃદય, જડબા, સમગ્ર હાથ-પગ, પૂંછડી અને કરોડરજ્જુને સમગ્ર રીતે બદલી શકે છે."
સાલામેન્ડર કઈ ખાસ પ્રક્રિયાને કારણે આવું કરી શકે છે તેની ભાળ હજી મળી નથી.
જોકે, ડૉક્ટર યુન સાલામેન્ડરના કપાયેલા કેટલાક હિસ્સા પર પ્રયોગો કરી રહ્યા છે.
કપાઈ ગયેલા અંગની જગ્યાએ નવા બની રહેલા 'બ્લાસ્ટિમસ' તરીકે ઓળખાતા કોષોના એક ઝુમખા પર તેઓ પ્રયોગો કરી રહ્યા છે.
ડૉક્ટર યુન અને તેમના સહયોગીઓના પ્રયોગોમાં હાલમાં જ એવા પ્રમાણ મળ્યા છે કે સાલામેન્ડર P53 તરીકે ઓળખાતા વિશેષ પ્રોટીનને રોકે છે.
તેના કારણે કોષોને નવું રૂપ મળે છે. એટલે કે પ્રોટીનની પ્રક્રિયાને અટકાવી દેવાથી જરૂરી માંસપેશી, નળીઓ અને હાડકાઓના કોષો બનવામાં મદદ મળે છે.
એવી આશા છે કે મનુષ્યમાં પણ આ પ્રકારની પ્રક્રિયા કરીને ફાયદો મેળવી શકાશે.
ડૉક્ટર યુનની ટીમ આ પ્રક્રિયામાં રોગપ્રતિકારક શક્તિ કઈ રીતે કામ કરે છે તેની પણ તપાસ કરી રહી છે.
અત્યાર સુધી એવું મનાતું હતું કે રોગપ્રતિકારક કોષ 'મેર્કોફેગસ'ને કારણે જ કોષનું નવજીવન શક્ય બનતું નહોતું.
જોકે, હવે એવું જાણવા મળ્યું છે કે કોષના પુનઃજીવન માટે તે સૌથી વધુ જરૂરી છે.
તેમનું માનવું છે કે 'કદાચ આ કોષની જ નવજીવનમાં મુખ્ય ભૂમિકા હોઈ શકે છે.'
એ પણ નોંધવું જોઈએ કે સાલામેન્ડરની અલગ અલગ પ્રજાતિમાં નવજીવન માટેની રીત પણ જુદી જુદી છે.
દાખલા તરીકે 'એક્સોલોટ્લ્સ' કોઈક રીતે સ્ટેમ સેલ બનાવવાની પ્રક્રિયા આરંભી શકે છે, જેના કારણે આખરે તેમાંથી કોષ બની શકે છે.
નવા કોષ બનવાથી નવજીવન શક્ય બને શકે છે.
તેનાથી જુદી રીતે 'ન્યૂટ્સ' માંસપેશી બનાવવા માટે 'ડીડિફરેન્શિએશન'ની પ્રક્રિયાનો સહારો લે છે. આ પ્રક્રિયામાં એક વિશેષ કોષ બનવા લાગે છે.
ડૉક્ટર જ્યારે તેને પુનઃજીવિત કરે છે ત્યારે તે એકદમ અલગ બની જાય છે.
તેના આકાર અને પ્રકાર જુદા હોય છે અને ઘણીવાર લિંગ પણ બદલાઇ જાય છે.
જોકે, ફટાફટ નવજીવન ધારણ કરી લે તેવા જીવોની સંખ્યા બહુ ઓછી છે પણ આપણને સતત નવાં નવાં ઉદાહરણો મળી રહ્યાં છે.


ઇમેજ સ્રોત, JEFF COWIE
બે વર્ષ પહેલાં જ ઇક્વેડોરમાં વરસાદી જંગલોમાં સંશોધકોને જોવા મળ્યું કે દેડકાઓની કેટલીક પ્રજાતિ (પ્રિસ્ટિમેન્ટિસ મ્યુટાબિલિસ) થોડી જ વારમાં પોતાની ખરબચડી અને કાંટેદાર ત્વચાને એકદમ મુલાયમ બનાવી શકે છે.
દસેક વર્ષથી આ દેડકા પર વિજ્ઞાનીઓ નજર રાખી રહ્યા છે.
તે ત્વચાને બદલી નાખે તેના કારણે સહેલાઈથી આસપાસના વાતાવરણમાં ભળી શકે છે. અત્યાર સુધી તેની આ ક્ષમતા વિશે કોઈનું ધ્યાન ગયું નહોતું.
નોટિંગહમ ટ્રેન્ટ યુનવર્સિટીના ડૉક્ટર લુઇસ જેન્ટલ કહે છે, "તે એટલી ઝડપથી રૂપ બદલી નાખે છે કે કોઈનું તેના પર ધ્યાન ગયું નહોતું. તેણે બધાને મૂર્ખ બનાવ્યા હતા."
કેટલાક જીવ છદ્મવેશ ધારણ કરી લેવા માટે જાણીતા છે.
તેમાં ઑક્ટોપસની ઘણી પ્રજાતિઓનો સમાવેશ થાય છે, જે આસપાસના પર્યાવરણમાં એકરૂપ થઈ જવા પોતાના રંગ અને રૂપને બદલી નાખે છે.
જોકે, એ જાણવા નથી મળ્યું કે આ પ્રક્રિયા કેવી રીતે શરૂ થાય છે.
ડૉક્ટર જેન્ટલના જણાવ્યા અનુસાર ઠંડીના કારણે માનવીના શરીર પરના રુવાટાં ઊભાં થઈ જાય છે તે આપોઆપ શરૂ થઈ જતી એક પ્રક્રિયા છે.
તેઓ કહે છે, "કદાચ એટલા માટે કે આસપાસના માહોલને પામી જવાની ક્ષમતા તેમાં હશે અને તેથી જાણીજોઈને તે આવો પ્રતિસાદ આપતા હશે."
કેટલાક જીવ 'મેટામૉર્ફોસિસ'ની પ્રક્રિયા દ્વારા નવો આકાર મેળવી લે છે.


ઇમેજ સ્રોત, TIM GRAY
તેનું સૌથી જાણીતું ઉદાહરણ રેશમના કિડાનું છે.
ઇયળ તરીકે તે કોશેટો બનાવે છે બાદમાં તેમાંથી પતંગીયું બને છે. તેમાં પણ કેટલાંક ઉદાહરણ બહુ આશ્ચર્યજનક છે.
'સિંગલ સેલ અમીબા' એકબીજા સાથે મળીને નવા જ આકારના કોષો બનાવી લે છે. બીજા શબ્દોમાં કહીએ નવા આકાર માટે કોષો સંયુક્ત થાય છે.
દાખલા તરીકે 'ડાયકોસ્ટીલિયમ ડાયકોડિયમ' ખોરાક શોધવા માટે એકબીજા સાથે જોડાઈને કામ કરે છે.
તેના દ્વારા એક અલગ 'સ્લગ' બને છે જે ખોરાક પર સ્તર બનાવી દે છે.
તેના કારણે તેમાં ફરીથી ફેરફારો થાય. હવે તે એવો આકાર લે છે, જેમાંથી સ્પોર્સ રિલિઝ થાય છે.
તે પોતાની રીતે નવજીવનની પ્રક્રિયા ફરી શરૂ કરી શકે છે.
આવાં ઉદાહરણો જોયા પછી ડૉક્ટર યુન કહે છે, 'સાયન્સ ધીરે ધીરે સાયન્સ ફિક્શન જેવું બનવા લાગ્યું છે.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















