You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇન્ડોનેશિયામાં ભૂકંપ: પ્રવાસન ટાપુ લોમ્બોક પર 14નાં મૃત્યુ
ઇન્ડોનેશિયાના લોકપ્રિય પ્રવાસન સ્થળે આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે ઓછામાં ઓછા 14 લોકો મૃત્યુ પામ્યાં છે.
મધ્ય ઇન્ડોનેશિયાના લોમ્બોક ટાપુ પર સ્થાનિક સમય મુજબ રવિવારે સવારે 7 વાગ્યે (ભારતીય સમય અનુસાર સવારે 8.30 વાગ્યે) 6.4ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો.
આ ટાપુ સમગ્ર વિશ્વના પ્રવાસીઓમાં લોકપ્રિય છે અને બાલીથી 40 કિલોમીટર પૂર્વમાં આવેલો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપને કારણે ઘણી ઇમારતોને નુકસાન થયું છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે.
યૂએસ જિયોલૉજિકલ સર્વે અનુસાર આ ભૂકંપનું કેંદ્રબિંદુ ઉત્તર લોમ્બોકના માતારામ શહેરથી 50 કિલોમીટર ઉત્તરપૂર્વમાં હતું.
આ ભૂકંપ બાદ તેનાથી ઓછી તીવ્રતાના બીજા 60 કરતાં વધારે આંચકા અનુભવાયા હતા. જેમાંથી સૌથી મોટો આંચકો 5.4ની તીવ્રતાનો હતો.
શું તમે આ વાંચ્યું?
આ પ્રકારની હોનારતોમાં રાહતનું કાર્ય કરતી ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય સંસ્થાના પ્રવક્તા સુતોપો પુર્વો મુગ્રોહોએ એક નિવેદનમાં કહ્યું, "લગભગ 40 જેટલાં લોકો ઘાયલ થયા છે અને ડઝનબંધ મકાનોને નુકસાન થયું છે."
તેમણે કહ્યું, "અમારો અંદાજ છે કે આ આંકડો વધતો રહેશે કારણે હજી અમે પૂરેપૂરી વિગતો મેળવી રહ્યા છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જણાવ્યું, "હાલ અમારી પ્રાથમિકતા લોકોને એ સ્થળેથી બહાર કાઢવા અને રાહત કાર્ય શરૂ કરવાનું છે. ઘાયલ થયેલા કેટલાક લોકોની દવાખાનામાં સારવાર ચાલું છે."
તેમણે ભૂકંપમાં પડી ગયેલી ઇમારતોની તસવીરો ટ્વિટર પર પોસ્ટ કરી છે. જેમાં રસ્તા અને ગલીઓમાં ઠેરઠેર ઇમારતોનો કાટમાળ જોવા મળે છે.
એક વ્યક્તિએ એએફપી સમાચાર સંસ્થાને ભૂકંપ બાદ થયેલી અફરાતફરી વિશે જણાવ્યું. તેમણે કહ્યું, "ભૂંકપ ખૂબ જ શક્તિશાળી હતો...માર ઘરમાં રહેલી દરેક વ્યક્તિ ગભરાઈ ગઈ હતી. અમે બધા જ ઘર છોડીને ખુલ્લી જગ્યામાં ભાગ્યા."
તેમણે ઉમેર્યું, "મારા પાડોશીઓ પણ ઘરની બહાર નીકળીને ખુલ્લામાં આવી ગયા અને વીજ પુરવઠો અચાનક કપાઈ ગયો."
ઇન્ડોનેશિયામાં ભૂકંપનું જોખમ સતત રહે છે કારણ કે તે સમગ્ર પેસિફિક વિસ્તારમાં ભૂકંપ અને જ્વાળામુખીઓના ફાટવાનું કારણ બનતા 'રિંગ ઑફ ફાયર' તરીકે ઓળખાતા ભૂમંડળમાં આવેલું છે.
વિશ્વનાં સમુદ્ર સપાટીથી ઉપર આવેલા કુલ જ્વાળામુખીમાંથી અડધા જ્વાળામુખી આ રિંગનો જ ભાગ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો