આપણા બ્રહ્માંડમાં કેટલા તારા છે તે જાણવા મળ્યું

જ્યારે પણ તમે રાત્રે આકાશ નિહાળી રહ્યા હોવ છો ત્યારે તમારા મનમાં એક વિચાર અચૂક આવે કે આ બ્રહ્માંડમાં કેટલા તારા છે?

જવાબ છે- પૃથ્વી પર જેટલા દરિયાઈ તટ છે અને ત્યાં જેટલા રેતીના કણો છે એનાથી પણ ઘણા વધારે બ્રહ્માંડમાં તારા છે.

આ દાવો છે અમેરિકાના ખગોળશાસ્ત્રી કાર્લ સગનનો. એમણે આ વાત એક ટીવી શૉમાં જણાવી હતી.

પણ શું આ દાવો સાચો છે? શું બ્રહ્માંડના તારાની ગણતરી કરી શકાય ખરી?

આકાશગંગામાં 20 હજાર કરોડ તારા?

કેમ્બ્રિજ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રી પ્રોફેસર ગેરી ગિરમોર આપણી આકાશગંગામાં હાજર તારાઓની ગણતરી કરી રહ્યા છે. આકાશગંગામાં જ પૃથ્વી અને સૌર મંડળ છે.

પ્રોફેસર ગેરી એ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યા છે કે જેના હેઠળ યુરોપીયન અંતરિક્ષ યાન દ્વારા આપણી આકાશગંગામાં હાજર તારાઓની ગણતરી કરવામાં આવી રહી છે.

તેમણે બીબીસીને જણાવ્યું, "અંતરને ધ્યાનમાં રાખીને અમારી ટીમે જે પહેલો ડેટા બહાર પાડ્યો છે."

"એમાં 2 અબજ કરતાં ઓછા તારા છે. જે આપણી આકાશગંગાનાં કુલ તારાના માત્ર એક ટકા જ છે.''

આ મૉડલની ગણતરીને જો ધ્યાનમાં લેવામાં આવે તો આકાશગંગામાં લગભગ 20 હજાર કરોડ તારા હોઈ શકે છે.

આ તો માત્ર આકાશગંગાની વાત છે. તો આખા બ્રહ્માંડમાં કેટલા તારા હશે?

તમે આ વાંચ્યું કે નહીં?

પ્રોફેસર ગેરી ગિરમોર જણાવે છે કે બીજી આકાશગંગામાં આપણી આકાશગંગા જેટલા તારા હોઈ શકે છે.

જો આપણે એ ખબર પડી જાય કે બ્રહ્માંડમાં કેટલી આકાશગંગા છે તો તારાઓની સંખ્યાનો અંદાજ મેળવી શકાય.

બ્રહ્માંડમાં 10 હજાર કરોડ આકાશગંગા છે

બ્રહ્માંડમાં આકાશગંગાની સંખ્યાની જાણકારી મેળવતા પહેલાં એ જાણવું જરૂરી છે કે તે કેટલી ચમકદાર છે.

શું બીજું બધું પણ આપણી આકાશગંગાની જેમ જ છે કે પછી આપણા કરતાં અલગ છે?

પ્રોફેસર ગેરી ગિરમોર જણાવે છે, ''આ જાણવા માટે આપણે આકાશગંગાનું અંતર અને આકાર અંગે જાણકારી મેળવવાની રહેશે."

"આનાથી આપણે એ ખબર પડે છે કે બ્રહ્માંડનો ફેલાવો થઈ રહ્યો છે. આને હબલ લૉ કહેવામાં આવે છે.''

હબલ લૉની મદદ વડે પ્રોફેસર ગેરી આકાશગંગાનું અંતર અને આકાર અંગે ભાળ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બ્રહ્માંડમાં 10 હજાર કરોડ આકાશગંગા છે અને દરેક આકાશગંગામાં લગભગ 20 હજાર કરોડ તારા છે.

હવે આ સંખ્યાઓનો ગુણાકાર કરી બ્રહ્માંડમાં તારાઓની સંખ્યાની જાણકારી મેળવી શકાય છે. એટલે બે પછી 22 શૂન્ય લાગશે.

કેટલા રેતીના કણ

ચાલો હવે દરિયાના કિનારાની વાત કરીએ.

સૌથી પહેલાં તો આપણે એ જાણવું પડશે કે આખી દુનિયામાં કેટલા દરિયાના કિનારા છે અને એનું ઘનફળ કેટલું છે.

આ માટે આપણે કિનારાની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ માપવી પડશે.

ઓપન સ્ટ્રીટ મેપ એવો પ્રોજેક્ટ છે, જેના પર દુનિયાભરના 20 લાખ લોકો પોતાનો ડેટા શેર કરે છે.

અમેરિકા, બ્રિટન અને કૅનેડાની સરકારો પણ આમાં પોતાનો ડેટા શેર કરે છે.

પાણીની જાળવણી કરતી સંસ્થા ડેલ્ટર્સનાં શોધકર્તા જેનેડી ડોનચેટ્સ જણાવે છે, "જો આપણે ઓપન સ્ટ્રીટ મેપ અનુસાર જાણકારી મેળવીએ તો એક દરિયા કિનારો લગભગ 1.9 કિલોમીટર લાંબો છે."

"દુનિયામાં લગભગ ત્રણ લાખ કિલોમીટર લાંબો રેતાળ દરિયા કિનારો છે."

એક ઘન મીટર રેતીમાં એક હજાર કરોડ કણ હોય છે

હવે આના ઘનફળની જાણકારી મેળવવાની રહેશે પણ આ ખૂબ મુશ્કેલ છે.

છતાં એમ કહી શકાય કે મોટા ભાગના તટ લગભગ 50 મીટર પહોળા અને લગભગ 25 મીટર ઊંડા છે.

હવે એનો ગુણાકાર કરી એનું ઘનફળ શોધી શકાય છે.

300000000 X 50 X 25 = 3,75,000,000,000 એટલે કે 37 હજાર 500 કરોડ ઘન મીટર.

દરેક ઘન મીટરમાં લગભગ એક હજાર કરોડ કણ

37 હજાર 500 કરોડને 1000 કરોડ સાથે ગુણીએ તો પૃથ્વીપરના તમામ દરિયા કિનારા પર રેતીના કણ અંગેની જાણકારી મેળવી શકાય છે.

આનો ગુણાકાર કરવાથી જવાબ મળશે 3.75 પછી 21 શૂન્ય. એટલે કે 4 બાદ 21 શૂન્ય.

આપણને જવાબ મળે છે 20,000,000,000,000,000,000,000 તારા છે બ્રહ્માંડમાં અને પૃથ્વીના તટો પર 4,000,000,000,000,000,000,000 રેતીના કણો છે. એટલે કે કાર્લ સગન સાચા છે.

બ્રહ્માંડમાં પૃથ્વીના દરિયા કિનારા પર જેટલા રેતીના કણો છે એના કરતાં તારાઓની સંખ્યા વધારે છે.

આખા બ્રહ્માંડમાં તારાઓની સંખ્યા 2 પછી 22 શૂન્ય જેટલી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો