ઈ-વેસ્ટ માઇનિંગ બની શકે છે મોટો બિઝનેસ અને પૃથ્વીને ઉપકારક

ઇમેજ સ્રોત, UNSW
- લેેખક, એમ્મા વૂલાકૉટ
- પદ, બિઝનેસ ટેક્નૉલૉજી સંવાદદાતા
દર વર્ષે લાખોની સંખ્યામાં ટીવી, ફોન અને બીજી ઇલેક્ટ્રૉનિક વસ્તુઓનો ભંગારમાં નિકાલ કરી દેવાય છે. તેમાંથી કિંમતી ધાતુઓ કાઢી શકાય તેમ હોવા છતાં તેને ફેંકી દેવાય છે.
પરંતુ હવે આવી ચીજોમાંથી ઈ-વેસ્ટ માઇનિંગ તરીકે ઓળખાતી ધાતુ કાઢવાની પદ્ધતિથી એક મોટો વેપાર બની શકે તેમ છે.
પ્રોફેસર વીણા સહજવાલાની ઓસ્ટ્રેલિયામાં આવેલી ખાણમાંથી સોનું, ચાંદી અને તાંબુ નીકળે છે, પણ ત્યાં તમને ક્યાંય કોદાળી કે પાવડા જોવા નહીં મળે.
તેમની આ 'શહેરી ખાણ' ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીમાં આવેલી પ્રયોગશાળા છે, જ્યાં ઇલેક્ટ્રૉનિક ઉપકરણોમાંથી ધાતુઓ કાઢવામાં આવે છે.
સિડનીમાં રહેતાં મટીરિયલ્સ સાયન્સના ઍક્સપર્ટ પ્રોફેસર વીણા માને છે કે થોડા વર્ષમાં તેમની આ કામગીરીથી નફો થશે.
તે કહે છે, "આર્થિક મોડેલ તૈયાર કર્યું તેનાથી ખ્યાલ આવે છે કે માઇક્રો-ફેક્ટરી ઊભી કરવા માટે થતો પાંચ લાખ ઓસ્ટ્રેલિયન ડૉલરનો ખર્ચ બે કે ત્રણ વર્ષમાં નીકળી જાય છે. તેના કારણે રોજગારી અને આવક ઊભી થઈ શકે છે."
"તેનો અર્થ એ થયો કે તેમાં પર્યાવરણીય, સામાજિક અને આર્થિક ફાયદા છે."
તમે આ વાંચ્યું કે નહીં?
પરંપરાગત માઇનિંગ કરતાં પણ આ પ્રકારની માઇક્રો-ફેક્ટરી વધારે નફાકારક થઈ શકે છે એવું સંશોધનમાં જણાયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍન્વાયર્નમૅન્ટ સાયન્સ એન્ડ ટેક્નૉલૉજી નામના સામયિકમાં હાલમાં જ પ્રગટ થયેલા અભ્યાસ અનુસાર જૂની કેથોડ-રે ટ્યૂબ ધરાવતા ટીવીમાં અંદાજે 450 ગ્રામ તાંબું, 227 ગ્રામ ઍલ્યુમિનિયમ અને લગભગ 5.6 ગ્રામ સોનું પણ હોય છે.
સોનાની ખાણમાં એક ટન કાચો માલ પર પ્રોસેસ કરવામાં આવે ત્યારે તેમાંથી પાંચ કે છ ગ્રામ સોનું મળે છે.
તેની સામે એક ટન ઇલેક્ટ્રૉનિક ચીજોના ભંગારમાંથી 350 ગ્રામ સોનું નીકળી આવે છે.
બિજિંગની સિંગઉઆ અને સિડનીની મૅકક્વાયર યુનિવર્સિટીએ સંયુક્ત કરેલા અભ્યાસમાં આ આંકડા મળ્યા હતા.
ઇલેક્ટ્રોનિક ભંગારમાંથી ધાતુ કાઢવાનું કામ કરતી ચીનની આઠ રિસાયકલિંગ કંપનીઓનાં આંકડા નિષ્ણાતોએ ચકાસ્યા તેમાંથી આ વિગતો જાણવા મળી.

ઇમેજ સ્રોત, Getty Images
ભંગારને એકઠો કરવાનો તથા મજૂરી, વીજળી, મટીરિયલ અને વાહનનો ખર્ચ ઉપરાંત રિસાયકલિંગનું કામ કરતી કંપનીઓએ કરેલા રોકાણો અને તેમની ઇમારતોનો મૂડી ખર્ચ પણ આ અભ્યાસમાં ધ્યાને લેવાયાં હતાં.
આ ખર્ચ સાથે ચીનની સરકાર રિસાયકલિંગ માટે સબસિડી આપે છે તેની પણ ગણતરી કરવામાં આવી હતી. તેના પરથી સંશોધકોને ખ્યાલ આવ્યો કે ઈ-વેસ્ટના માઇનિંગ કરતી ખાણમાંથી માઇનિંગ કરવું 13 ગણું વધુ ખર્ચાળ છે.
મૅકક્વાયર યુનિવર્સિટીના પ્રોફેસર જ્હોન મેથ્યૂઝ કહે છે, "ઈ-વેસ્ટનું માઇનિંગ અને તેમાંથી શુદ્ધ સોનું અને તાંબું તૈયાર કરી લેવાનું કામ બહુ નફાકારક બિઝનેસ સાબિત થઈ શકે છે."
"મૅટલની જાણકાર કંપનીઓ, ખાસ કરીને નાની ઉદ્યોગ સાહસિક કંપનીઓ આમાં સૌપ્રથમ ઝુકાવી શકે છે, કેમ કે તેમને ખ્યાલ છે ઈ-વેસ્ટની સમસ્યા કેટલી વિકરાળ છે."
ઈ-વેસ્ટનું પ્રમાણ વધતું જ જાય છે તે જોતા તેના રિસાયકલિંગનો બિઝનેસ પણ વધતો જવાની શક્યતા છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા ઇન્ટરનેશનલ ટેલિકૉમ્યુનિકેશન્સ યુનિયનના અંદાજ અનુસાર 2016ના વર્ષમાં 4.5 કરોડ ટન ઈ-વેસ્ટ તૈયાર થયો હતો. વર્ષ 2021 સુધીમાં તે વધીને 5 કરોડ ટન થવાનો અંદાજ છે.
વર્ષ 2016માં જ 4.35 લાખ ટન ફોનને ભંગારમાં ફેંકી દેવાયા હતા. તેમાં રહેલી ધાતુઓનું મૂલ્ય અંદાજે 9.4 અબજ યૂરોનું થતું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
ચીનમાં રિસાયલિંગ માટે ઈ-વેસ્ટની મોટા પાયે આયાત થતી હતી, તેની સામે ચીનની સરકારે કડક નિયંત્રણો મૂક્યાં છે. તેના કારણે યુરોપિયન સંઘ, અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને જાપાન જેવા દેશોમાં ઈ-વેસ્ટના નિકાલની ચિંતા ઊભી થઈ છે.
યુરોપિયન સંઘના ફંડથી ProSUM (Prospecting Secondary Raw Materials in the Urban Mine and Mining Wastes - શહેરી ખાણ અને માઇનિંગ વેસ્ટમાંથી કાચા પદાર્થો મેળવવા) નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
તેનો હેતુ ભંગારમાં કાઢી નખાયેલાં વાહનો, નકામી થયેલી બેટરીઓ અને ઇલેક્ટ્રૉનિક્સ તથા ઇલેક્ટ્રિકલ ઉપકરણોનો ભંગાર ક્યાં ઉપલબ્ધ છે તેની માહિતી કંપનીઓને મળે તે માટેનો છે.
આ ભંગારમાંથી કેવી ધાતુ મળી શકે છે તેની માહિતી પણ આપવાનો હેતુ છે.
યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટીના ડૉ. કીઝ બાલ્ડે કહે છે, "હાલમાં અમે યુરોપમાં આ માટેના પ્રયોગો કરવાના તબક્કામાં છીએ. નવા 'શહેરી માઇનિંગ'ના મૉડલના આધારે નવો જ બિઝનેસ કરવા માટે ઘણા વેપારી સાહસિકો આગળ આવી રહ્યા છે.”
“નવી ટેક્નૉલૉજી અને વર્ચ્યુઅલ માર્કેટ પ્લેસ ઊભા કરીને રિસાઇકલ કરી શકાય તેવી વસ્તુઓની માંગ અને પુરવઠાને એક બીજા સાથે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે."
"કંપનીઓ આ પ્રકારની માહિતીના આધારે પ્લાનિંગ કરી શકે છે. દાખલા તરીકે કેટલો ભંગાર મળશે અને ભવિષ્યમાં પોતાનો બિઝનેસ કેવો હશે વગેરે."
પરંપરાગત ખાણમાંથી માઇનિંગ માટે માનવ શ્રમ પર મોટો આધાર રાખવો પડે છે, જ્યારે ઈ-વેસ્ટ માઇનિંગ મોટા પાયે ઑટોમૅટેડ પદ્ધતિએ થઈ શકે છે.

ઇમેજ સ્રોત, xxx
દાખલા તરીકે પ્રોફેસર સહજવાલાની માઇક્રો-ફેક્ટરીમાં રોબો જ ઉપયોગી સાધનોને શોધીને અલગ પાડવાનું કામ કરે છે.
તેઓ કહે છે કે એક ચોક્કસ પ્રકારે ઈ-વેસ્ટ તૈયાર થાય છે. "પહેલા ભંગારની વસ્તુઓને તોડવામાં આવે છે. તે પછીના તબક્કે સ્પેશિયલ રોબોનો ઉપયોગ કરીને ઉપયોગી પાર્ટ્સ અલગ તારવી લેવાય છે."
તેઓ કહે છે, "તે પછીના તબક્કે નાની ફર્નેસમાં પાર્ટ્સને ગાળીને તેમાંથી ધાતુઓ મેળવી લેવાય છે. આ ઉપરાંત પ્લાસ્ટિકને પણ છૂટું પાડીને તેને હાઈગ્રેડ ફિલામેન્ટમાં ફેરવી નખાય છે, જે 3D પ્રિન્ટિંગમાં ઉપયોગમાં આવે છે."
ઍપલ કંપની એવી ટીકાને નકારી રહી છે કે તેના ફોનને રિસાયકલ કરવા મુશ્કેલ હોય છે. કંપનીએ ડેઇઝી નામનો રોબો હાલમાં પ્રદર્શિત કર્યો હતો, જે એક કલાકમાં 200 આઇફોનને ડિસેમ્બલ કરી શકે છે.
ડેઇઝી જુદા જુદા નવ પ્રકારના ફોનને તોડીને તેના પાર્ટ્સ અલગ કરી શકે છે અને તેમાંથી ઉપયોગી સાધનોને નોખા તારવી આપે છે.
પ્રોફેસર મેથ્યૂઝ કહે છે બીજી કંપનીઓએ પણ તેમની વસ્તુઓનો વપરાશ પૂરો થઈ જાય તે પછી તેનું માઇનિંગ થઈ શકે તે માટે પ્રયાસો કરવા જોઈએ.
તેઓ કહે છે, "ઈ-વેસ્ટમાં એક સૌથી ઉપયોગી પોલિસી ગ્રાહકો પાસેથી ડિપોઝીટ લેવાની છે. ગ્રાહક તેની ફોન જેવી ઇલેક્ટ્રૉનિક્સ વસ્તુઓ નકામી થાય ત્યારે નિશ્ચિત કેન્દ્ર પર પરત આપે અને આ ડિપોઝીટ પાછી મેળવે તેવું કરવું જોઈએ."
"કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સને સહેલાઈથી ડિસેમ્બલ કરી શકાય તેવી બનાવે, તે માટે તેમને પણ પ્રોત્સાહન આપવું જોઈએ,"

ઇમેજ સ્રોત, Getty Images
હાલમાં સૌથી વધુ ધ્યાન ટીવી સેટનું માઇનિંગ કરવા પર છે, કેમ કે તેનો ભંગાર મોટા પ્રમાણમાં એકઠો થયો છે. જોકે ભવિષ્યમાં સૌથી વધુ ઈ-વેસ્ટ સેલ ફોનનો હશે.
પ્રોફેસર મેથ્યૂઝ કહે છે, "સૌથી વધુ ધ્યાન તેના પર આપવાની જરૂર છે."
ગ્રીનપીસે ગયા વર્ષે પ્રકાશિત કરેલા અભ્યાસમાં જણાવાયું હતું કે 2014 સુધીમાં સ્માર્ટફોનના ઈ-વેસ્ટનું પ્રમાણ 33 લાખ ટનનું થઈ ગયું હતું.
ફોનમાં 60 જેટલી વસ્તુઓ હોય છે, જેમાં ઇરિડિયમ જેવી કિંમતી ધાતુ પણ હોય છે. તેનો ઉપયોગ ટચ સ્ક્રીન ટેક્નૉલૉજી માટે થાય છે.
ઇરિડિયમની ખાણો મુખ્યત્વે ચીનમાં છે અને ત્યાં પણ તેની અછત છે. તેના કારણે મહિનાઓથી તેની કિંમત વધી રહી છે.
આયર્લૅન્ડ જેવા દેશે RecEOL નામની પહેલ કરી છે. આ કાર્યક્રમ હેઠળ ઈ-વેસ્ટ માઇનિંગમાં ભંગારમાંથી ઇરિડિયમ મેળવવામાં આવે છે. સાથોસાથ ટેન્ટાલમ જેવી ધાતુ પણ મેળવવામાં આવે છે.
આ બધા કારણે ભવિષ્યમાં ઈ-વેસ્ટ માઇનિંગ વધારે નફાકારક થશે તેમ લાગે છે.
જોકે તેને કારણે થનારો ફાયદો મર્યાદિત પણ રહી શકે છે.
બ્રિટનની સૌથી મોટી વેસ્ટ અને રિસાયકલિંગ કંપની સુએઝ યુકેના ડિરેક્ટર એડમ રીડ ધ્યાન દોરે છે, તે પ્રમાણે ઇલેક્ટ્રૉનિક્સ કંપનીઓ હવે તેની પ્રોડક્ટમાં કિંમતી ધાતુઓ ઓછી વપરાય તેવી કોશિશ કરી રહી છે.
તેના કારણે ઈ-માઇનિંગ કરનારા માટે જૂની વસ્તુઓ વધારે ઉપયોગી છે. એડમ રીડ કહે છે, "તેના કારણે ભવિષ્યમાં ઇલેક્ટ્રૉનિક્સ આઇટમનું રિસાયલિંગ મોંઘું પડશે, કેમ કે તેમાંથી કિંમતી ધાતુઓ ઓછી મળે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















