મશીને છીનવી લીધી કર્મચારીની નોકરી અને બૉસ કંઈ ન કરી શક્યા

ઇમેજ સ્રોત, IBRAHIM DIALLO
ટેકનૉલૉજીએ આપણા જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. તેની દખલગીરી તો હવે એટલી હદે વધી ગઈ છે કે તેણે હવે મનુષ્યોની જગ્યા લેવાનું શરૂ કરી દીધું છે.
મશીન અને રૉબોટ આજે મનુષ્યો માટે ખતરા સમાન છે. તેઓ મનુષ્યો કરતાં સારી રીતે કામ કરી શકે છે અને નોકરીઓ છીનવી રહ્યા છે.
તેનો એક પુરાવો જોવા મળ્યો છે અમેરિકાના લૉસ એન્જલસમાં જ્યાં કંપનીના બૉસે નહીં પણ એક મશીને કર્મચારીઓને કંપનીમાંથી બહાર કાઢી મૂક્યા.
તે કર્મચારીએ પોતાની કહાણી બ્લૉગ પોસ્ટના માધ્યમથી શેર કરી છે.
આ મામલો સાંભળવામાં જેટલો વિચિત્ર લાગે છે, તેના કરતાં પણ વધારે આ મામલામાં લૉજિક છે.
આ કહાણી છે ઇબ્રાહિમ ડાયલોની કે જેઓ આઠ મહિના પહેલાં જ કંપની સાથે જોડાયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
અચાનક જ તેમની સાથે વિચિત્ર ઘટનાઓ ઘટવા લાગી. સૌથી પહેલાં તો તેમનું ઇલેક્ટ્રોનિક કાર્ડ કામ કરતું બંધ થઈ ગયું. પણ તેમણે વિચાર્યું કે કદાચ નવું કાર્ડ આવ્યું હશે એટલે જૂનું કાર્ડ બંધ થઈ ગયું હશે.
પોતાના બ્લૉગ પર ઇબ્રાહીમ ડાયલો કહે છે, "ઑટોમૅટિક સિસ્ટમ કંપની માટે ઘણી મદદરૂપ હોઈ શકે છે, પણ મશીન જ્યારે કોઈ ભૂલ કરે તો મનુષ્યો માટે કોઈ રસ્તો હોવો જરૂરી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌથી પહેલી વખત જ્યારે કાર્ડે કામ ન કર્યું ત્યારે તેમણે ગાર્ડની મદદથી ઑફિસમાં પ્રવેશ મેળવી લીધો.
તેમણે તુરંત તેમણે પોતાના બૉસને ફરિયાદ કરી. બૉસે પણ સમસ્યાનું સમાધાન લાવવા વાયદો કર્યો.
તમે આ વાંચ્યું કે નહીં?
પરંતુ ત્યારબાદ જ્યારે તેઓ કામ કરવા માટે સિસ્ટમ પર બેઠા તો જોયું કે કમ્પ્યૂટર સિસ્ટમે પણ તેમને બ્લૉક કરી દીધા છે.
લંચ બાદ તેમના બૉસે કહ્યું કે તેમને ઇબ્રાહીમનો કૉન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હોવાનો ઈ-મેઇલ મળ્યો છે.
જોકે, ત્યારે પણ તેમણે કંઈક સમાધાન લાવવા આશ્વાસન આપ્યું.
આ જ ઘટના બીજા દિવસે પણ ઘટી. બીજા દિવસે પણ ગાર્ડની મદદથી તેઓ ઑફિસમાં પ્રવેશ્યા અને બે લોકોએ તેમને કહ્યું કે જ્યાં સુધી તેઓ ઑફિસમાં રહેશે, તેમના પર નજર રાખવામાં આવશે.

ઇમેજ સ્રોત, Getty Images
આશ્વાસન મળ્યા બાદ બૉસ ઇબ્રાહીમને મદદ કરી શક્યા નહીં.
ઇબ્રાહીમ કહે છે, "મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને બૉસ કંઈ કરી શક્યા નહીં."
"કંપનીના ડાયરેક્ટરે પણ કંઈ પગલાં ભર્યા નહીં. તેઓ બન્ને મારી વસ્તુઓ જબરદસ્તી પૅક કરતા અને ઑફિસ છોડતા જોતા રહ્યા."
ઇબ્રાહીમને નોકરી 3 વર્ષના કૉન્ટ્રાક્ટ પર મળી હતી. પણ આઠ મહિનામાં જ તેમણે પોતાની નોકરી ગુમાવવી પડી હતી.
ત્રણ અઠવાડિયાં ગયાં પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નહીં.

સિસ્ટમના આ પગલા પાછળ શું કારણ હતું?

ઇમેજ સ્રોત, Getty Images
કંપનીએ ઑફિસમાં એક સૉફ્ટવેર પ્રોગ્રામને લૉન્ચ કર્યો હતો. એ સૉફ્ટવેર જ નક્કી કરે છે કે કંપનીમાં કોને રહેવાનો અધિકાર છે અને કોને નહીં.
ત્રણ અઠવાડિયા સુધી ડાયલોનો કોન્ટ્રાક્ટ નવી સિસ્ટમમાં રિન્યૂ ન થયો અને મશીને તેમને પૂર્વ કર્મચારી જાહેર કરી દીધા હતા.
જોકે, ત્રણ અઠવાડિયા બાદ તેમને ઑફિસે પરત ફરવા પરવાનગી મળી હતી.
આટલા સમય સુધી તેમને પગાર મળ્યો ન હતો. તેવામાં ઇબ્રાહીમે નવી નોકરી શોધવાનું નક્કી કર્યું.
આ ઘટના બાદ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સના નિષ્ણાત ડેવ કોપ્લીન કહે છે કે આ ઘટનાને મશીન અને મનુષ્યો વચ્ચેના સંબંધ મામલે ચેતવણી સ્વરૂપે જોવી જોઈએ.
તેઓ કહે છે, "આ ઘટના એ વાતનું ઉદાહરણ આપે છે કે જ્યારે મશીન અને મનુષ્યો વચ્ચે તકરાર થાય છે ત્યારે મનુષ્યની કેવી રીતે હાર થાય છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














