એ નેતા કે જેમણે 40 વર્ષમાં ચીનને બનાવ્યું સુપરપાવર

ચીન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી હિંદી
    • પદ, નવી દિલ્હી

ચીનમાં માઓત્સે તુંગ બાદ આર્થિક ક્રાંતિ લાવવાનો શ્રેય ડાંગ શ્યાઓપિંગને આપવામાં આવે છે.

શ્યાઓપિંગે 1978માં જે આર્થિક ક્રાંતિની શરૂઆત કરી હતી તેને વર્ષ 2018માં 40 વર્ષ પૂરાં થયાં.

ડાંગ તેને ચીનની બીજી ક્રાંતિ ગણાવતા હતા. આ આર્થિક સુધારા બાદ જ ચીન વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવામાં સફળ થયું.

આજની તારીખે ચીન વિશ્વમાં સૌથી વધુ વિદેશી હૂંડિયામણ ધરાવતો દેશ છે. તેની પાસે 3.12 ખર્વનું ડૉલરનું વિદેશી હૂંડિયામણ છે.

જ્યારે જીડીપીના મામલે તે વિશ્વમાં બીજા ક્રમે છે. તેના જીડીપીનું કદ 11 ખર્વ ડૉલર છે.

પ્રત્યક્ષ વિદેશી રોકાણને આકર્ષવામાં ચીનનો વિશ્વમાં ત્રીજો ક્રમ આવે છે.

માઓત્સે તુંગ અને ડાંગ શ્યાઓપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માઓત્સે તુંગ અને ડાંગ શ્યાઓપિંગ

ડાંગ શ્યાઓપિંગે જ્યારે 1978માં આર્થિક સુધારો શરૂ કર્યા ત્યારે ચીનની અર્થવ્યવસ્થાનો વિશ્વની અર્થવ્યવસ્થામાં માત્ર 1.8 ટકા હિસ્સો હતો. પણ વર્ષ 2017માં તે 18.2 ટકા થઈ ગયો.

ચીન હવે માત્ર એક ઊભરતી અર્થવ્યવસ્થા નથી પણ તે તેના ઇતિહાસની એ તાકત તરફ આગળ વધી રહ્યું છે જે 15મી અને 16મી સદીમાં વિશ્વની અર્થવ્યવસ્થામાં 30 ટકાની ભાગીદારી ધરાવતું હતું.

શું તમે આ વાંચ્યું?

ચીનને તાકતવર બનાવવામાં ત્રણ નેતાને જવાબદાર ગણવામાં આવે છે. માઓત્સે તુંગ, ડાંગ શ્યાઓપિંગ અને વર્તમાન રાષ્ટ્ર્પ્રમુખ શી જિનપિંગ.

શ્યાઓપિંગની આર્થિક ક્રાંતિના 40 વર્ષો બાદ ફરીથી જિનપિંગ જેવા નેતાના નેતૃત્વમાં ચીન આગળ વધી રહ્યું છે.

ચીનના લોકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક

જિનપિંગ ચીનની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે મૅન્યુફૅક્ચરિંગ સૅક્ટરમાં સુપરપાવર બનવા માગે છે.

આથી તેઓ ડાંગની નીતિઓને જ આગળ વધારી રહ્યા છે. તેમાં અર્થવ્યવસ્થાને વધુ વ્યાપક બનાવવા અને આર્થિક સુધારા જેવાં પગલાંનો સમાવેશ થાય છે.

ચીનની આર્થિક સફળતાનું જે મૉડલ છે તેની અને કમ્યૂનિસ્ટ રાજનીતિ વચ્ચે ટકરાવની પણ સ્થિતિ છે.

ખરેખર ચીનની અર્થવ્યવસ્થામાં આવેલા ઉછાળા માટે સરકારી યોજનાઓ અને ખાનગી ઉદ્યમીઓ સિવાય મુક્ત બજારમાં કોને કેટલો શ્રેય મળવો જોઈએ?

જિનપિંગના હાથમાં ચીનની સંપૂર્ણ રાજકીય સત્તાઓ છે આથી એક સવાલ ઊભો થાય છે કે અહીંના નેતાઓ અર્થવ્યવસ્થાને કેટલી હદે નિયંત્રણમાં રાખવા માગે છે?

line

ડાંગ શ્યાઓપિંગ અને અર્થવ્યવસ્થાની કાયાપલટ

ડાંગ શ્યાઓપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડાંગ શ્યાઓપિંગ

ચીનની અર્થવ્યવસ્થામાં વૃદ્ધિની કહાણી બીજા વિશ્વ યુદ્ધ બાદ માત્ર એક દેશના વિકાસની વાત નથી પણ તે એક નિયંત્રિત અર્થવ્યવસ્થામાંથી મુક્ત અને માર્કેટ આધારિત અર્થવ્યવસ્થા બનવાની કહાણી છે.

વિશ્વના ઘણા દેશોમાં ચીનના આ ફેરફારને અપનાવ્યો પણ તેમ છતાં તબક્કાવાર સફળતા મેળવવા મામલે શ્રેષ્ઠ દૃષ્ટાંત ચીન જ છે.

ચીને ઘરેલુ અર્થવ્યવસ્થામાં ક્રમિક પ્રક્રિયા શરૂ કરી હતી. ચીને અર્થવ્યવસ્થાને બજારના ભરોસે નહોતી મૂકી દીધી.

આ માટે તેમણે પહેલાં જ નક્કી કરી લીધું કે ક્યાં રોકાણ કરવાનું છે અને ક્યાં નથી કરવાનું.

તેમણે વિશેષ આર્થિક ક્ષેત્રનું નિર્માણ કર્યું. તેના માટે દક્ષિણના તટે આવેલા પ્રાંતોની પસંદગી કરી.

જિનપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ડાંગ શ્યાઓપિંગે કમ્યૂનિસ્ટ સમાજવાદી રાજનીતિના માહોલમાં એક નક્કર બદલાવનો પાયો નાખ્યો.

આ માટે તેઓ સૌપ્રથમ સોવિયેત આર્થિક મૉડલના બિબામાંથી બહાર આવ્યા.

ત્યારબાદ ચીનની અર્થવ્યવસ્થામાં આધુનિકરણની પ્રક્રિયા શરૂ થઈ. તેમાં ચીનની જરૂરિયાત અને પરિસ્થિતિ અનુસાર તેને સમાજવાદ સાથે શરૂ કરવામાં આવી.

ચીનના લેખક યૂકોન હૂઆંગે તેમના પુસ્તક ક્રેકિંગ ધી ચાઇના કનન્ડ્રમ : વ્હાય કન્વેન્શનલ ઇકૉનૉમિક વિઝડમ ઇન રૉન્ગમાં લખ્યું કે, "ડાંગ માત્ર એક મહાન સુધારક નહીં પણ તેમનામાં ઉત્સાહ ઘણો હતો. તેમનામાં અર્થવ્યવસ્થાની વૃદ્ધિ મામલે ધીરજ ઓછી હતી."

તેમણે જે આર્થિક સામાજિક સુધાર કર્યા હતા તેનું ઉદાહરણ માનવિય ઇતિહાસમાં નથી. ચીનનો જીડીપી 1978થી 2016 વચ્ચે 3230 ટકા વધ્યો.

line

70 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવી ગયા

ડાંગ શ્યાઓપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

આ દરમિયાન 70 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવી ગયા અને 38.5 કરોડ લોકો મધ્યમ વર્ગમાં સામેલ થયા.

ચીનનો વિદેશી વેપાર 17500 ટકા વધ્યો અને 2015 સુધી ચીન વિદેશી વેપારમાં વિશ્વમાં નેતૃત્વની ભૂમિકામાં આવી ગયો.

1978માં ચીને આખા વર્ષમાં જેટલો વેપાર કર્યો તેટલો વેપાર તે હવે માત્ર બે દિવસમાં કરે છે.

ચીની કમ્યૂનિસ્ટ પાર્ટી (સીસીપી)ના સામૂહિક નેતૃત્વના સહારે ડાંગે ચીનમાં સામાજિક આર્થિક બદલાવની પ્રક્રિયા શરૂ કરી હતી.

1960 અને 70ના દાયકામાં કેટલાક આર્થિક ફટકા બાદ તેઓ માઓની શૈલી મામલે ઘણા સતર્ક હતા.

જિનપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

આંતરરાષ્ટ્રીય સંબંધો માટે ડાંગ કેટલાક સિદ્ધાંત સાથે ચાલતા હતા. તેઓ ખુદને લો-પ્રોફાઇલ રાખતા હતા. તેમનું ધ્યાન સંપૂર્ણપણે ચીનની અર્થવ્યવસ્થાને ઝડપથી વિકસાવવા પર જ રહેતું હતું.

હાર્વર્ડ યુનિવર્સિટીમાં સામાજિક વિજ્ઞાનના પ્રોફેસર રહી ચૂકેલા એઝરા વોલેજે ડાંગ શ્યાઓપિંગની જીવનકથા લખી છે.

તેમણે ડાંગને એવા મહાન નેતા ગણાવ્યા છે જેઓ દરેક પ્રકારની ઉથલપાથલને રોકીને સ્થાયિત્વ લાવવાની ક્ષમતા ધરાવતા હતા.

ચીનમાં આર્થિક કાયાપલટથી માત્ર ચીનના નાગરિકો સંપન્ન બન્યા એવું નથી પણ ચીનની કમ્યૂનિસ્ટ પાર્ટીની સત્તામાં પકડ વધુ મજબૂત બની ગઈ.

ડાંગના આર્થિક ઉદારીકરણને ચીનમાં રાજકીય ઉદારીકરણ પણ કહેવામાં આવે છે.

line

શી જિનપિંગ અને તેમની નવી શૈલી

ડાંગ ઘણી વખત ટુ-કેટ થિયરીને ક્વોટ કરતા હતા. તેઓ કહેતા જ્યાં સુધી બિલાડી ઉંદરને પકડતી નથી ત્યાં સુધી કોઈ ફર્ક નથી પડતો કે તે સફેદ છે કે કાળી.

આ જ રીતે જિનપિંગે પણ ઔદ્યોગિક વિકાસ માટે ચીનનો પારંપરિક અભિગમ સાથે પ્રસ્તાવ મૂક્યો.

આ માટે તેમણે ટુ-બર્ડ (બે પક્ષી)ની થિયરી આપી. 2014માં 12મી નેશનલ કોંગ્રેસને સંબોધિત કરતા જિનપિંગે કહ્યું હતું કે પાંજરાને ખોલવાની જરૂર છે અને તેમાં વૃદ્ધ પક્ષીઓ (છેલ્લા શ્વાસે રહેલા ઔદ્યોગિક એકમો)ને કેદ કરવાની જરૂર છે.

તેમણે કહ્યું હતું કે આ જ પ્રક્રિયા હેઠળ ચીન નિર્વાણ સુધી પહોંચ્યો છે.

તેમાં જિનપિંગે મૌલિક તકનિક અને પર્યાવરણની રક્ષાની સાથે સાથે વિકાસ પર ભાર મૂક્યો.

બેન્ક

ઇમેજ સ્રોત, Getty Images

ચીનમાં હવે એવા પણ સવાલ ઊઠી રહ્યા છે કે ચીનમાં ભાવિ નાયક કોણ બનશે.

ગત વર્ષે માર્ચમાં નેશનલ પીપલ્સ કોંગ્રેસના રાષ્ટ્રપતિના કાર્યકાળની સમયાવધિ ખતમ કરી દેવાઈ હતી.

આ સાથે જ ચીનમાં સમાજવાદ પર જિનપિંગ વિચારધારાની શરૂઆત થઈ અને ચીનના નવા યુગની શરૂઆત પણ થઈ.

ચીનની કમ્યૂનિસ્ટ પાર્ટી પર જેનું નિયંત્રણ હોય છે તે જ વ્યક્તિ તમામ સત્તાને નિયંત્રિત કરે છે.

જિનપિંગ વિશે કહેવાય છે કે તેમણે પાર્ટીમાં તેમના વિરોધીઓને સંપૂર્ણ રીતે બેદખલ કરી દીધા છે.

ચીનના લોકો

ઇમેજ સ્રોત, Getty Images

તેમણે સરકારી ઉદ્યોગો પર નિયંત્રણ લાવી દીધું. ઉદાહરણ તરીકે તેમણે કમ્યૂનિસ્ટ પાર્ટીના નિયંત્રણમાંથી તમામ સરકારી કંપનીઓને બહાર લાવીને તેને પ્રશાસનના હાથમાં જવાબદારી આપી દીધી.

તેમના કાર્યકાળમાં એનજીઓ પર પણ તવાઈ લાવવામાં આવી. કેટલાય માનવાધિકાર કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી.

કેટલાક લોકોનું માનવું હતું કે શી જિનપિંગ તેમના પિતાની જેમ ઉદાર તાસીરના હશે.

શી ના પિતા ચોંગશુન 1978માં ગ્વાંગદોંગ પ્રાંતના ગવર્નર હતા. તેઓ ડાંગ શ્યાઓપિંગની આર્થિક ક્રાંતિના લીડર પણ હતા.

ડિસેમ્બર-2012ની શરૂઆતમાં શી જિનપિંગે પ્રથમ સત્તાવાર મુલાકાત ગ્વાંગદોંગમાં શેનચેનની કરી હતી.

આ પ્રવાસથી તેમણે સંદેશ આપવાની કોશિશ કરી હતી કે ડાંગના સુધાર આગળ વધારવામાં આવશે.

વળી છેલ્લા પાંચ વર્ષોમાં તેમણે આવું કરીને પણ બતાવ્યું.

line

ઉદારીકરણની મર્યાદા

ચીને ઉદારીકરણ માટે માળખુ તૈયાર કર્યું હતું. ચીનના નેતાઓએ કેન્દ્રીય નિયંત્રણવાળા નેતૃત્ત્વ પર ભાર મૂક્યો હતો.

પણ સ્થાનિક સરકાર, ખાનગી કંપનીઓ અને વિદેશી રોકાણકારો વચ્ચે સામંજસ્ય બનાવ્યું.

વિદેશી રોકાણકારોને ચીને સ્વાયત્તતા આપી. અગાઉના નેતાઓ કરતાં જિનપિંગે પબ્લિક-પ્રાઇવેટ-પાર્ટનરશિપને વધુ મહત્ત્વ આપ્યું.

2014 બાદ ચીનમાં ખાનગી રોકાણમાં મોટો વધારો થયો. જિનપિંગે વેપારનો દાયરો આખા ય વિશ્વમાં પ્રસરાવ્યો.

વન બેલ્ટ વન રોડ યોજના મારફતે માળખાગત અને વેપારનું નેટવર્કને એશિયા, યુરોપ અને આફ્રિકા સાથે જોડવું છે.

તાજેતરમાં જ ચીનના ઈરાદા પર પણ સવાલ ઊઠ્યા છે. શ્રીલંકા દેવું ચૂકવવામાં નિષ્ફળ રહ્યું તો ચીનને હમ્બન્ટોટા બંદરને 99 વર્ષ માટે લીઝ પર આપી દીધું.

આ કડીમાં જિબુતી, પાકિસ્તાન અને કિર્ગિસ્તાન પણ સામેલ છે. ચીન 2001માં વૈશ્વિક વેપારનો ભાગ બન્યો હતો.

આ પછી ચીન વિદેશી વેપારને સુગમ બનાવવા માટે સાત હજાર નિયમો રદ કરી ચૂક્યું છે. 2011થી ચીને ટેરિફમાં 10 ટકા કાપ મૂક્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો