You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ દેશ જે શાળાઓમાં ભણાવશે 'મૃત્યુના પાઠ' પરંતુ જાણો કેમ?
ગણિત, વિજ્ઞાન ,ઇતિહાસ ,મૃત્યુ?
આવનારા સમયમાં ઑસ્ટ્રેલિયાનાં બાળકોને અન્ય વિષયોની સાથે સાથે મૃત્યુ વિશેની સમજ આપતો વિષય પણ ભણાવવામાં આવશે એવું બની શકે છે.
ઑસ્ટ્રેલિયાનાં મેડિકલ એસોસિએશન ઑફ ક્વીન્સલેન્ડે આ અંગે દરખાસ્ત મૂકી છે.
તેઓ ઇચ્છે છે કે યુવાનો જીવનના અંત વિશે જાણે અને મોકળા મને તેના વિશે વાતચીત કરે.
ડૉક્ટરોના જણાવ્યાં મુજબ ઉમદા તબીબી વ્યવસ્થા અને લાંબી આવરદાએ પરિવાર સામે આકરા સવાલ ઊભા કર્યાં છે.
ડૉક્ટર રિચર્ડ જણાવે છે , ''અમારો હેતુ એ છે કે યુવાનો એમના માતા-પિતા અને દાદા-દાદી સાથે જીવનના અંત વિશે સહજતાથી વાત કરી શકે."
"જેથી તેઓ જાણી શકે કે એમના વડીલો કઈ રીતે મૃત્યુ ઇચ્છે છે. આ જાણકારી ભવિષ્યમાં તેમના માટે મદદરૂપ બની શકે છે.''
હાલમાં યુવાનો આ પ્રકારના કઠિન નિર્ણયો અંગે કોઈ વાતચીત કરી શકતા નથી, કારણ કે એને લઈને એક પ્રકારની ગેરમાન્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આપને આ પણ વાંચવું ગમશે
જેના કારણે તમારા નજીકના કેટલાય લોકો તમારી આંખોથી દૂર હૉસ્પિટલમાં પોતાનો જીવ છોડી દેતાં હોય છે.
આ જ કારણે બાળકોને શાળાઓમાં જ મૃત્યુ અંગેનું ભણતર આપવા અંગે યોજના બનાવવામાં આવી રહી છે.
જીવનની એ અંતિમ પળો
ઑસ્ટ્રેલિયાના ડૉક્ટરોનું માનવું છે કે જો બાળકોને વર્ગખંડમાં જ જરૂરી કાયદા અને નૈતિક ફરજોની સાથે સાથે ઇચ્છામૃત્યુ અંગે પણ જણાવવામાં આવશે તો એમના માટે આવા મુદ્દા ઓછા 'તકલીફ દાયક' હશે અને આનાથી લોકોને યોગ્ય નિર્ણય લેવામાં પણ મદદ મળશે.'
ડૉક્ટર રિચાર્ડ કિડ જણાવે છે કે જો શાળાઓમાં આ વિષય ભણાવવામાં આવશે તો યુવાનો, પોતાનાં સગાવહાલાંના અંતિમ દિવસોમાં તેમની સારવાર કઈ રીતે કરાવવી એ અંગે યોગ્ય નિર્ણયો લઈ શકશે.
તેઓ જણાવે છે, ''મેં 21 વર્ષના યુવાનોને આવી મુશ્કેલ સમસ્યા સામે લડતા જોયા છે."
"જેમને આ મામલે ખબર પડવી જોઈએ કે તેઓ શું કરે જેથી આવા સંજોગો એમના કુટુંબીજનોના હિતમાં ફેરવાઈ જાય અને કાયદાનું ઉલ્લંઘન પણ ન થાય.''
એમનું કહેવું હતું કે મૃત્યુ અંગે ગેરમાન્યતાને કારણે પરિવાર નિર્ણયો લેવામાં બહું મોડું કરી દે છે.
મોટાભાગના લોકોને ખબર પણ નથી હોતી કે તેમના સગાવહાલાં સાથે કંઈ આકસ્મિક બનાવ બની જાય તો તેઓ કયા પ્રકારની સારવાર કરાવે.
''ડેથ લેશન ''માં આની સાથે જોડાયેલા કાયદાકીય પાસાંઓ, ઇચ્છામૃત્યુ, ભવિષ્યમાં કયા પ્રકારની સારવાર કરાવવામાં આવે અને મૃત્યુની પ્રક્રિયા અંગે શિક્ષણ આપવામાં આવશે.
આ દેશ ઉજવે છે ડેથ ફેસ્ટિવલ
આ મુદ્દો, પહેલાંથી જ ભણાવવામાં આવતા વિષયો જેવા કે બાયૉલોજી, મેડિસિન, લૉ ઍન્ડ એથિક્સના એક ભાગ તરીકે ભણાવવામાં આવી શકે છે.
ડૉક્ટર કિડ જણાવે છે કે મૃત્યુ સાથે જોડાયેલું શિક્ષણ મળવાથી ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને બ્રિટન જેવા દેશોને મેક્સિકોના પગલે ચાલવાની પ્રેરણા મળશે.
મેક્સિકોમાં મૃત્યુ, સંસ્કૃતિનો એક ખાસ ભાગ છે. એટલે સુધી કે લોકો મૃત્યુની ઉજવણી પણ કરે છે. આ માટે મેક્સિકોમાં ડેથ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે.
એમણે ,આયરલૅન્ડનું પણ ઉદાહરણ આપ્યું કે જ્યાં મૃત્યુ બાદ ઉત્સવ મનાવવામાં આવે છે.
મૃત્યુ અંગે મોકળાશે વાત કરવાની પ્રથા શરૂ થવાથી લોકોમાં મૃત્યુનાં કારણોમાં પણ પરિવર્તન આવશે.
ઑસ્ટ્રેલિયામાં મોટાભાગના લોકોનાં મૃત્યુ હૉસ્પિટલમાં થતાં હોય છે.
જ્યારે ઘણા લોકોની એવી ઇચ્છા હોય છે કે તેઓ પોતાની અંતિમ ક્ષણો ઘરમાં પોતાના લોકો વચ્ચે જ પસાર કરે.
ડૉક્ટક કિડ જણાવે છે, ''માત્ર 15 ટકા લોકો જ પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લઈ શકે છે."
"મોટા ભાગના લોકોના નસીબમાં આ લખાયેલું હોતું નથી તેઓ હૉસ્પિટલમાં જ મૃત્યુ પામે છે."
"તો પછી થોડી તૈયારી કરીને એમને પોતાનો છેલ્લો શ્વાસ ઘરમાં જ લેવાની તક પૂરી પાડી શકાય છે.''
જીવન અને મરણનો સવાલ
હજારો વર્ષો પહેલાં ઘરમાં મરવું એ સામાન્ય વાત હતી. પણ આધુનિક સારવાર પદ્ધતિને કારણે એવાં ઉપકરણો વિકસાવવામાં આવ્યાં છે કે જેથી માણસને લાંબા સમય સુધી જીવિત રાખી શકાય છે.
હૉસ્પિટલોમાં આવાં જ ઉપકરણો પર માણસને મહિનાઓ કે વરસ સુધી જીવતો રાખી શકાય છે પણ અંતે દર્દીને આનાથી કોઈ લાભ થતો નથી.
તેઓ જણાવે છે, ''લોકો એ નક્કી કરી શકશે કે એક સમય બાદ લોકો હૉસ્પિટલમાં પડી રહેવાને બદલે ઘરમાં જ પોતાનો અંતિમ સમય પસાર કરે.''
ડેથ લેશનનો પ્રસ્તાવ ક્વિન્સલૅન્ડના શિક્ષણ વિભાગને મોકલી દેવામાં આવ્યો છે.
ડૉક્ટર કિડને આશા છે કે આ સંદેશ દુનિયામાં બાકીના ભાગોમાં પણ પહોંચશે.
બની શકે છે કે તમે કદાચ ભવિષ્યમાં તમારા ફેમિલી લંચ પર આ અંગે વાતચીત કરી રહ્યા હોવ.
આ વાતચીત એટલી સરળ તો નથી જ પણ જીવન અને મરણનો સવાલ ચોક્કસ બની શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો