ઇન્ડોનેશિયામાં એક મહિલાને આખેઆખી ગળી ગયો અજગર

ઇન્ડોનેશિયામાં સાત મીટર લાંબો અજગર એક મહિલાને ગળી ગયો પછી સ્થાનિક વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

સામાન્ય રીતે આવી ઘટનાઓ ઓછી બનતી હોય છે, પણ ઇન્ડોનેશિયામાં એક વર્ષમાં આવી બીજી ઘટના બની છે.

શું થયું હતું?

સુલાવેસી પ્રાંતના મુના દ્વીપમાં રહેતાં 54 વર્ષનાં વા ટિબા ગુરુવારથી લાપતા હતાં. તેઓ છેલ્લે તેમના શાકભાજીના બગીચામાં જતાં જોવા મળ્યાં હતાં.

સ્થાનિક લોકોએ વા ટિબાની શોધ શરૂ કરી હતી.

એક દિવસ પછી લોકોને વા ટિબાનાં સેન્ડલ તથા બગીચામાં ઉપયોગમાં લેવાતી કુહાડી મળી આવી હતી.

બગીચાથી 30 મીટર દૂર બેઠેલો એક મોટો અજગર લોકોની નજરે ચડ્યો હતો. અજગરનું પેટ ફૂલેલું હતું.

સ્થાનિક પોલીસ વડા હમકાએ મીડિયાને કહ્યું હતું, "અજગર વા ટિબાને ગળી ગયો હોવાની શંકા લોકોને પડી હતી. તેથી તેમણે અજગરને મારી નાખ્યો હતો અને તેને બગીચાની બહાર લાવ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

"અજગરનું પેટ ફાડવામાં આવ્યું પછી જે જોવા મળ્યું તેનાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અજગરના પેટમાં મહિલાની લાશ હતી."

અજગરના પેટમાંથી મહિલાને કાઢવાની પ્રક્રિયાનો વીડિયો જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો હતો.

સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, જે મહિલાને અજગર ગળી ગયો હતો એ મહિલાનો બગીચો એક તોતિંગ ખડક પર હતો. એ ખડકમાં ઘણી ગુફાઓ હતી અને તેમાં સાપ પણ રહે છે.

કેવી રીતે કરે અજગર હુમલો?

મહિલા પર હુમલો કરનારો અજગર રેટિક્યૂલેટેડ પાયથન એટલે કે જાળીદાર શરીરવાળો હોવાનું માનવામાં આવે છે.

આ પ્રકારના અજગર બહુ શક્તિશાળી હોય છે અને તેમની લંબાઈ 10 મીટર સુધીની હોય છે.

આ પ્રકારના અજગર મોકો જોઈને હુમલો કરતા હોય છે અને તેમના શિકારના શરીર પર લપેટાઈને તેને જોરથી જકડી લેતા હોય છે.

અજગરની સખત પકડમાં આવેલા માણસ કે પશુનું ગૂંગળામણ કે હૃદયના ધબકારા અટકી જવાથી મૃત્યુ થતું હોય છે. એ પછી અજગર તેના શિકારને ગળી જતો હોય છે.

અજગરનું જડબું લચકદાર લિગામેન્ટ સાથે જોડાયેલું હોય છે. એ કારણે અજગર તેના મોટા શિકારને પણ આસાનીથી મોંમાં લઈ શકતો હોય છે.

બીબીસીને આપેલી મુલાકાતમાં અજગર સંબંધી બાબતોનાં નિષ્ણાત મેરી-રુથ લોએ કહ્યું હતું, "માણસોને ગળવાનું અજગર માટે આસાન નથી હોતું.

"માણસોના ખભા તેમને ગળવામાં અજગર માટે મુશ્કેલી સર્જતા હોય છે."

અજગર બીજાં મોટાં પ્રાણીઓને પણ ગળી જાય?

મેરી-રુથ લોએ કહ્યું હતું, "અજગર મોટેભાગે સ્તનધારી પ્રાણીઓ પર હુમલા કરતા હોય છે. અજગર ક્યારેક મગરમચ્છ સહિતનાં બીજા સરીસૃપ પ્રાણીઓને પણ ખાઈ જતા હોય છે."

અજગર સામાન્ય રીતે ઉંદરડા અને બીજાં નાનાં પ્રાણીઓને ખાઈ જતા હોય છે, પણ એક સમય પછી અજગર મોટા પ્રાણીઓનો શિકાર કરવા લાગે છે.

અજગર તો ભૂંડ અને ગાયને પણ ગળી જતા હોય છે. જોકે, ઘણીવાર અજગર વધારે મોટા શિકારને ગળી જાય છે.

2005માં એક બર્મી અજગરે એક મગરને ગળવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ પ્રયાસમાં અજગરનું શરીર ફાટી ગયું હતું અને બન્ને પ્રાણી મૃત્યુ પામ્યાં હતાં. વન અધિકારીઓને બન્નેનાં શબ મળ્યાં હતાં.

અજગર કોઈ માણસને પહેલીવાર ગળી ગયો?

ના, એવું નથી. 2002માં દક્ષિણ આફ્રિકામાં અજગર દસ વર્ષના એક બાળકને ગળી ગયો હતો.

2017માં ઇન્ડોનેશિયાના સુમાત્રામાં 7.8 મીટર લાંબા અજગરે એક માણસ પર હુમલો કર્યો હતો. જોકે, આકરા સંઘર્ષ પછી એ માણસ બચી ગયો હતો, પણ એ સંઘર્ષમાં ગંભીર રીતે ઘવાયો હતો.

ફિલિપીન્સના આદિવાસીઓ વચ્ચે લાંબો સમય રહેલા માનવવિજ્ઞાની થોમસ હેડલેંડનો દાવો છે કે ત્યાં રહેતા કુલ પૈકીના 25 ટકા આદિવાસીઓ પર અજગરે હુમલા કર્યા હતા.

એ લોકો કુહાડીની મદદથી ખુદને બચાવવાના પ્રયાસ કરતા હોય છે, પણ લંબાઈ ઓછી હોવાને કારણે તેઓ અજગરનો શિકાર બની જતા હોય છે.

ઇન્ડોનેશિયાની એક યુનિવર્સિટીમાં કાર્યરત સાપના નિષ્ણાત નિઆ કુર્નિયાવાને બીબીસીને કહ્યું હતું, "અજગરને નાનકડી હિલચાલની પણ ખબર પડી જાય છે.

"અજગરને અવાજ અને ટોર્ચના પ્રકાશથી પણ કોઈ હિલચાલની ખબર પડી જાય છે. તેથી અજગર માણસોની વસતીથી દૂર રહેતા હોય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો