You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તમે એક સાથે ઘણાં કામ કરો છો? જાણો, મલ્ટી ટાસ્કિંગ ખરેખર ફાયદાકારક છે કે નહીં
એકાગ્રતાને સફળતાનો મૂળ મંત્ર માનવામાં આવે છે. ટેલીફોનની શોધ કરનાર એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ એક સમયમાં એક જ કામ કરવાના આગ્રહી હતા.
એમના મત અનુસાર જો કામ કરતી વખતે મન ભટકે તો તેનો સ્પષ્ટ મતલબ એવો થાય કે તમારું મગજ એ કામ અંગે વિચારતું નથી.
મન ભટકવાથી તમે નિષ્ફળતા ભણી જઈ શકો છો. આ મુદ્દે ઘણાં સંશોધનો થયાં છે અને આજે પણ ચાલુ છે.
શરૂઆતનાં પરિણામો ગ્રેહામ બેલના અનુમાન મુજબ આવ્યાં, પણ હાલનાં સંશોધનો કંઈક જુદું જ ચિત્ર રજૂ કરે છે.
આજે દરેક કંપનીને મલ્ટી ટાસ્કર લોકોની જરૂરિયાત છે.
હવે ગ્રેહામ બેલનો એક જ લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રીત કરવાનો સિદ્ધાંત નબળો પડતો જણાય છે.
અહીંથી નવા સંશોધનની શરૂઆત થાય છે. જે મુજબ ક્રિએટિવિટી માટે એક સાથે ઘણા વિચારો મનમાં આવવા જરૂરી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિચારોમાં અટવાઈ જવાથી ઘણી વખતે આઉટ ઑફ ધ બૉક્સ આઇડિયા મળી શકે છે.
જ્યારે આપણે એક જ પાસા પર વિચાર કરીએ છીએ, ત્યારે સમય પણ વધુ વીતી જાય છે અને પરિણામ પણ કંઈ ખાસ સંતોષજનક હોતું નથી.
મનોવિજ્ઞાનમાં આને 'કૉગ્નિટિવ ફિક્સેશન' ગણવામાં આવે છે. નિષ્ણાંતો આને રચનાત્મક વિચારો માટે સૌથી મોટો અવરોધ ગણે છે.
મલ્ટી ટાસ્કિંગ કેટલું ફાયદાકારક
એક સમયમાં એક જ કામ કરવાની આદતમાંથી બહાર નીકળવા માટે મલ્ટી ટાસ્કિંગ કેટલું ફાયદાકારક છે, એ માટે અમેરિકાની કોલમ્બિયા બિઝનેસ સ્કૂલમાં એક પ્રયોગ કરવામાં આવ્યો હતો.
જેમા સામેલ વ્યકતિઓને બે પ્રકારનાં કામ આપવામાં આવ્યાં.
પહેલા પ્રયોગમાં બધાને એક ચોક્કસ સમયગાળો આપવામાં આવ્યો હતો.
આ સમયમાં તેમણે દરરોજ વપરાશમાં આવતી વસ્તુઓના વિવિધ ઉપયોગો અંગે વિચારવાનું હતું.
જ્યારે બીજા પ્રયોગમાં ઈંટ અને ટૂથપિકના જુદાજુદા ઉપયોગો વિશે વિચારવાનું જણાવાયું હતું.
ભાગ લેનારામાંથી કેટલાકને સૂચના આપવામાં આવી હતી કે તેઓ પ્રથમ ઈંટના ઉપયોગ અંગે જ વિચાર કરે. ત્યારબાદ ટૂથપિકનાઉપયોગ વિશે વિચારે.
જ્યારે કેટલાક લોકોને કોઈપણ કામ મરજી પ્રમાણે કરવાની છૂટ આપવામાં આવી.
પરિણામ એ હતું કે એક જ સમયમાં બે કામ કરનારાઓનું પ્રદર્શન ખૂબ સારું હતું.
આ રીતે બીજો એક પ્રયોગ કરવામાં આવ્યો. જેમાં ભાગ લેનારામાંથી કેટલાકને એક જ વખતમાં બે સમસ્યા ઉકેલવા માટે સૂચના આપવામાં આવી હતી.
જ્યારે બીજા લોકોને પહેલી અને પછી બીજી સમસ્યા ઉકેલવા માટે સૂચના આપવામાં આવી હતી.
આ પ્રયોગનાં પરિણામો પહેલાં કરવામાં આવેલા પ્રયોગો કરતાં આશ્ચર્યજનક હતાં.
જે લોકોએ એક જ વખતમાં બે સમસ્યાનું નિરાકરણ શોધી કાઢ્યું હતું એમની સંખ્યા 51 ટકા હતી.
એક પછી એક સમસ્યાનું નિરાકરણ શોધી કાઢનારાઓની સંખ્યા માત્ર 14 ટકા હતી.
કેટલાંક સંશોધનો એ પણ અણસાર આપે છે કે ગ્રૂપમાં કામ કરવાથી પરિણામો વધુ સારાં આવતાં નથી.
વાસ્તવમાં દરેક વ્યક્તિ કૉગ્નિટિવ ફિક્સેશનનો સામનો કરે છે પણ જ્યારે ગ્રુપમાં કોઈ મુદ્દે ચર્ચા થાય છે ત્યારે દરેક વ્યક્તિ પર એકબીજાના વિચારોનો પ્રભાવ પડતો હોય છે.
આ જ કારણ છે કે ઑફિસ મીટિંગમાં વાતચીત બાદ કોઈપણ સમસ્યાનો કામચલાઉ ઉકેલ તો મળી જાય છે પણ કોઈ નવો આઇડિયા મળી શકતો નથી.
એજ્યુકેશન યુનિવર્સિટી ઑફ હોંગકોંગના પ્રોફેસર ઉન-ના-સ્યૂ જણાવે છે કે આમાં થોડા સુધારા બાદ ઉમદા પરિણામો મેળવી શકાય તેમ છે.
સ્યૂ જણાવે છે કે જ્યારે તમે કોઈ ગ્રુપમાં કામ કરો છો અને કોઈ ખાસ વિચારને જ સાંભળી રહ્યા છો તો એ પણ ફિક્સેશનમાં જ ઉમેરો કરે છે.
પરંતુ જ્યારે કામમાં પરિવર્તન લાવીને તેને કરવામાં આવે ત્યારે કોઈ ખાસ વિચારની અસર ઓછી થઈ જાય છે. મગજ નવી રીતે વિચારવાનુ શરૂ કરી દે છે.
સ્યૂ જણાવે છે કે જ્યારે તમે કોઈ વિચાર પર અટકી જાવ ત્યારે કોઈ બીજું કામ શરૂ કરી દો.
સાથે નોટ અને પેન જરૂર રાખો. બીજુ કામ કરતી વખતે પહેલા કામ અંગે વિચાર જરૂર આવશે. વિચાર આવે કે તરત એને લખી લો.
સાથે-સાથે સ્યૂ એ પણ જણાવે છે કે જ્યારે તમે કોઈ ક્રિએટિવ આઇડિયા પર કામ કરતા હોવ ત્યારે બ્રેક જરૂર લો.
આ નાના-નાના બ્રેક આઇડિયાની તાજગી જાળવી રાખવામાં મદદ કરશે.
ખાસ કરીને સફળતા માટે લોકો ગ્રેહામ બેલના સિદ્ધાંત પર કામ કરે છે. ક્રિએટિવ કામ માટે એ જરૂરી પણ છે.
તેમ છતાં નવાં સંશોધનો જણાવે છે કે એક જ સમયમાં ઘણા આઇડિયા પર કામ કરવાથી ઉમદા પરિણામો મેળવી શકાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો