J&K: ભાજપ-પીડીપી ગઠબંધન તૂટ્યા પછીનો ઘટનાક્રમ

જમ્મુ-કાશ્મિરમાં હવે રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય તેવા અણસાર દેખાઈ રહ્યા છે. ભાજપે-પીડીપી સાથેનું ગઠબંધન તોડી સરકારમાંથી સમર્થન પરત લઈ ખેચતાં હવે રાજકારણ ગરમાયું છે.

વિપક્ષોએ ભાજપ અને પીડીપી પર પ્રહારો કરવાના શરૂ કરી દીધા છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ગઠબંધન તૂટતાંની સાથે જ રાજ્યપાલને પોતાનું રાજીનામું મોકલાવી દીધું છે.

ઉપરાંત પીડીપીએ અન્ય પક્ષો સાથે ગઠબંધન કરી સરકાર બનાવવાનો ઇનકાર કરી દીધો છે.

આ પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં ભાજપની બેઠક મળી હતી. જેમાં ગઠબંધન તોડવાનો નિર્ણય લેવાયો હતો.

ગઠબંધન તૂટ્યા બાદ શું થયું?

પીપલ્સ ડેમૉક્રેટિક પાર્ટી(પીડીપી)નાં નેતા અને જમ્મુ-કાશ્મીરના પહેલાં મહિલા મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ગઠબંધન તોડવા પર ભાજપની એવું કહીને ટીકા કરી કે રાજ્યમાં બળપ્રયોગની નીતિ નહીં ચાલી શકે.

તેમણે શ્રીનગરમાં પત્રકાર પરિષદમાં કહ્યું, "એવું વિચારીને પીડીપી સાથે ગઠબંધન કર્યું હતું કે ભાજપ એક મોટો પક્ષ છે. કેન્દ્રમાં સરકાર છે. અમે તેના દ્વારા જમ્મુ-કાશ્મીરના લોકો સાથે સંવાદ અને પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છતા હતા."

"તે સમયે કલમ 370ને લઈને ઘાટીના લોકોમાં શંકા હતી, પરંતુ અમે ગઠબંધન કર્યું જેથી સંવાદ ચાલુ રહે."

શું ભાજપે ગઠબંધન તોડ્યું તેની તમને નવાઈ લાગી, આ પ્રશ્નના જવાબમાં મહેબૂબા મુફ્તીએ કહ્યું, "શૉક તો નથી લાગ્યો, ગઠબંધન સત્તા માટે ન હતું, હવે અમે કોઈ ગઠબંધન કરવાના નથી"

નેશનલ કૉન્ફરન્સે શું કહ્યું?

નેશનલ કૉન્ફરન્સે કાશ્મીરના રાજકારણમાં થયેલી હલચલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે હવે રાજ્યપાલનું શાસન જ એક માત્ર વિકલ્પ હશે.

પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શ્રીનગરમાં કહ્યું કે નેશનલ કૉન્ફરન્સને 2014માં સરકાર બનાવવાનો જનાદેશ નહોતો મળ્યો.

તેમણે કહ્યું, "આજ 2018માં પણ સરકાર બનાવવાનો જનાદેશ નથી. અમે અન્ય પક્ષ સાથે મળીને સરકાર બનાવીશું નહી."

"ના અમે કોઈનો સંપર્ક કર્યો છે કે ના કોઈએ અમારો સંપર્ક કર્યો છે. રાજ્યપાલનું શાસન લગાવવા સિવાય હવે કોઈ વિકલ્પ રહેતો નથી. હાલત ધીમે ધીમે સુધરશે. એના માટે અમે રાજ્યપાલને સંપૂર્ણ સમર્થન આપીશું."

રાહુલ મેદાનમાં આવ્યા

જમ્મુ-કાશ્મીરમાં પીડીપી અને ભાજપનું ગઠબંધન તૂટતાં હવે રાહુલ ગાંધીએ તેના પર વ્યંગ કર્યો છે. તેમણે બંને પક્ષોના ગઠબંધનને અવસરવાદી ગણાવ્યું છે.

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ટ્વીટમાં લખ્યું છે, "ભાજપ-પીડીપીના અવસરવાદી ગઠબંધને જમ્મુ-કાશ્મિરને આગમાં હોમી દીધું છે. અનેક નિર્દોષ લોકો માર્યા ગયા, જેમાં અમારા બહાદુર સૈનિકો પણ સામેલ છે."

"ભારતે તેની કિંમત ચૂકવવી પડી છે અને તેના કારણે યૂપીએની ઘણાં વર્ષોની મહેનત બરબાદ થઈ ગઈ."

"રાષ્ટ્રપતિ શાસન દરમિયાન પણ આ નુકસાન ચાલુ જ રહેશે. અક્ષમતા, ઘમંડ અને નફરત હંમેશા નિષ્ફળ જતી હોય છે."

પીડીપી સાથે ગંઠબંધન નહીં કરે કોંગ્રેસ

રાહુલ ગાંધીના ટ્વીટ પહેલાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ પીડીપી સાથે ગઠબંધન નહીં કરે.

તેમણે કહ્યું, "પીડીપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવાનો કોઈ સવાલ જ નથી. ભાજપ જમ્મુ-કાશ્મીરમાં પોતાની નિષ્ફળતાથી ભાગી શકે નહીં."

તેમણે આગળ કહ્યું, "મને ખુશી છે કે કેન્દ્ર સરકારે પોતાની ભૂલ માની લીધી છે. ભાજપ અને પીડીપી ત્રણ વર્ષ સુધી સરકાર ચલાવવામાં પૂરી રીતે નિષ્ફળ રહ્યા છે. ત્રણ વર્ષોમાં રાજ્યને તબાહ કરી દીધું છે."

તેમણે ભારત સરકારની નિષ્ફળતા અંગે કહ્યું કે ભાજપ નિષ્ફળતાનો દોષ પીડીપી પર ના નાખી શકે.

મહેબૂબા મુફ્તીના ભાજપ પર વાર

ભાજપ બાદ પીડીપીના નેતા મહેબૂબા મુફ્તીએ પણ પત્રકાર પરિષદ કરી હતી.

મહેબુબા મુફ્તીએ પત્રકાર પરિષદમાં જ જાહેરાત કરી કે તેમણે રાજ્યપાલને રાજીનામું મોકલી દીધું છે.

તેમણે કહ્યું કે હવે તેઓ કોઈ ગઠબંધન કરીને સત્તામાં રહેવા માગતા નથી.

મહેબૂબા મુફ્તીએ કહ્યું, "અમારે 370ની કલમને બચાવવાની હતી, જેનું અમે અમારા કાર્યકાળ દરમિયાન રક્ષણ કર્યું છે."

ભાજપ પર નિશાન સાધતાં તેમણે કહ્યું, "જમ્મુ-કાશ્મીરમાં બળપ્રયોગની નીતિ નહીં ચાલે. કાશ્મીર કોઈ દુશ્મનોનો પ્રદેશ નથી."

"પીડીપીના કાર્યકર્તાઓને ખૂબ મુશ્કેલી સહન કરવી પડી તેમ છતાં તેઓ અમારી સાથે ઊભા રહ્યા."

પોતાની સરકારના કામકાજને ગણાવતાં તેમણે કહ્યું, "અમે સીઝફાયર કરાવ્યો, અમે 11 હજાર યુવાનો સામેના કેસ પરત લેવડાવ્યા, ઉપરાંત અમે 370 કલમનું રક્ષણ કર્યું. આ ગઠબંધન ભાજપે તોડ્યું છે."

શા માટે ભાજપે છેડો ફાડ્યો?

જમ્મુ અને કાશ્મીર ભાજપના પ્રભારી રામ માધવે કહ્યું હતું, "પીડીપી સાથે આગળ વધવું મુશ્કેલ બની ગયું હતું."

"ગઠબંધન બનાવવાનો મુખ્ય ઉદ્દેશ પ્રદેશમાં શાંતિ અને વિકાસનો હતો."

"જમ્મુ-કાશ્મીરના ત્રણેય ભાગમાં (જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ) વિકાસ કરવાનું તેમનું લક્ષ્ય હતું."

"જેમાં ભારે પ્રમાણમાં કાશ્મીર ઘાટીમાં આતંકવાદ વધ્યો છે અને કટ્ટરવાદ વકર્યો છે."

માધવે ઉમેર્યું હતું કે રમઝાન મહિનામાં અમે શાંતિ સ્થાપિત કરવા માટે પ્રયત્નો કર્યા. રમઝાન મહિનામાં સંઘર્ષ વિરામ લાગુ કરવામાં આવ્યો, પરંતુ તેમાં શાંતિ સ્થપાઈ નહીં અને પરિસ્થિતિ બગડતી ગઈ.

મહેબૂબા મુફ્તી પરિસ્થિતિને સંભાળી શક્યાં નહીં. કાશ્મીરમાં જે કામ કરવા ઇચ્છતાં હતાં તે ના થઈ શક્યાં.

સ્થિતિ પર કાબુ મેળવવા માટે રાજ્યપાલનું શાસન લાવવામાં આવે અને સ્થિતિને સુધારવા માટે પ્રયાસ કરવામાં આવે.

રામ માધવે કહ્યું કે કાશ્મીર ઘાટીમાં મૂળભૂત હકો જ ખતરામાં છે.

પત્રકાર શુજાત બુખારીની શ્રીનગરમાં ધોળા દિવસે હત્યા થાય અને તેમના હત્યારાને પકડવામાં સમય જતો રહે, તે ચિંતાજનક છે.

જે પરિસ્થિતિ બની રહી છે તેમાં પ્રેસ ફ્રિડમ અને ફ્રિડમ ઑફ સ્પીચ ખતરામાં આવી ગયાં છે.

ભાજપે વર્તમાન સમયમાં રાજ્યપાલ શાસન લાદવાની માગ કરી છે.

ઘટનાક્રમની પૃષ્ઠભૂમિ

ભાગલાવાદી નેતાઓએ બુધવારે પૂર્ણ બંધનું એલાન આપ્યું છે. પત્રકાર શુજાત બુખારીની હત્યાના વિરોધમાં આ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

આ પહેલાં સોમવારે રમઝાન પૂર્ણ થયા બાદ સિક્યુરિટી એજન્સીઝે આતંકવાદીઓ સામે આક્રમ કાર્યવાહી શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્ય જમ્મુ, લદ્દાખ અને કાશ્મીર એમ મુખ્યત્વે ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે.

વિધાનસભાની ચૂંટણીઓ બાદ જમ્મુમાં ભાજપને (25), કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (28) તથા નેશનલ કૉન્ફરન્સને (15) કાશ્મીર અને લદ્દાખમાં સફળતા મળી હતી.

જ્યારે 12 બેઠકો સાથે કોંગ્રેસ ચોથા ક્રમે રહી હતી.

ત્રિશંકૂ વિધાનસભામાં ભાજપ અને પીડીપીના ગઠબંધન બાદ સત્તા મુદ્દે ગૂંચ ઉકેલાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો