TOP NEWS : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અપરિણીત છે : આનંદીબહેન પટેલ

મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે રવિવારે મધ્ય પ્રદેશના એક ગામમાં સરકારી કાર્યક્રમને સંબોધિત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપરિણીત ગણાવ્યા હતા. તેમનો આ વીડિયો સોમવારે વાઇરલ થયો હતો.

ગુજરાતી અખબાર 'દિવ્ય ભાસ્કર'ના અહેવાલ પ્રમાણે, આનંદીબહેને હરદા જિલ્લાના તિમારી ગામ ખાતે એક કાર્યક્રમમાં કહ્યું હતું, "આપ જાણો છો કે તેમણે લગ્ન નથી કર્યું.

"નરેન્દ્રભાઈએ લગ્ન નથી કર્યું. અવિવાહિત હોવા છતાંય તેઓ જાણે છે કે બાળકનાં જન્મ પહેલાં અને પછી મહિલાઓને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે."

આનંદીબહેનનું આ નિવેદન ભાજપને અસહજ કરી શકે છે, કારણ કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે 2014ની ચૂંટણીમાં ઉમેદવારી કરતી વખતે તેમણે પોતાનાં લગ્ન વિશે સ્પષ્ટતા કરી હતી.

ચૂંટણી પંચનાં એફિડેવિટમાં તેમણે જણાવ્યું હતું કે જશોદાબહેન સાથે તેમનું લગ્ન થયું છે. આ પહેલા તેઓ આ ખાનું ખાલી છોડી દેતાં હતાં.

તમે આ વાંચ્યું કે નહીં?

કુટુંબ નિયોજનની જવાબદારી માત્ર મહિલાઓ પર?

'નેશનલ હેલ્થ મિશન'ના રિપોર્ટ મુજબ, પરિવાર નિયોજનની જવાબદારી મહિલાઓ પર જ આવે છે.

રિપોર્ટ અનુસાર 93 ટકા મહિલાઓએ કુટુંબ નિયોજનના ઓપરેશન કરાવ્યાં હતાં, જ્યારે માત્ર સાત ટકા પુરુષોએ નસબંધી અપનાવી હતી.

અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે, હેલ્થ મૅનેજમૅન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમમાં રાજ્યો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, પરિવાર નિયોજનનાં કુલ 14,73,418 ઓપરેશન્સમાંથી 93.1 ટકા મહિલાઓએ કરાવેલાં ઓપરેશન્સ હતાં.

11મા કોમન રિવ્યૂ મિશનમાં આરોગ્ય મંત્રાલય, શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી વિભાગના અધિકારીઓએ મળીને સ્થિતિની સમીક્ષા કરી હતી.

પુરુષ નસબંધીની સરખામણીમાં મહિલાઓની નસબંધી મુશ્કેલ હોવા છતાંય પુરુષો સામાજિક માન્યતા ઉપરાંત કટોકટી વખતે કરાવાયેલી બળજબરીપૂર્વકની નસબંધીને લીધે ખચકાટ અનુભવે છે, એમ પણ આ અહેવાલ ઉમેરે છે.

આનંદીબહેનનું ફરમાન

મધ્ય પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલે કહ્યું છે કે રાજ્યની યુનિવર્સિટીઓ તથા કોલેજો તા. 21મી જૂનના દિવસે 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' ઊજવવામાં આવે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ, "એ જ દિવસે બપોરે ચાર વાગ્યા સુધીમાં સીડી, ફોટોગ્રાફ્સ, કેટલાં લોકોએ ભાગ લીધો તેનાં 'પુરાવા' મોકલી આપવા રાજભવનના સચિવાલય દ્વારા મોકલવામાં આવેલા સર્ક્યુલરમાં આદેશ અપાયો છે"

આ માટે જરૂરી કોર્ડિનેશનનું કામ રાજીવ ગાંધી ટેક્નિકલ યુનિવર્સિટીને સોંપવામાં આવ્યું છે. કોંગ્રેસે આ પગલાંની ટીકા કરી છે.

કોંગ્રેસના પ્રવક્તા માનક અગ્રવાલના કહેવા પ્રમાણે, "શું તેમણે શૈક્ષણિક બાબતોમાં આવી તત્પરતા દાખવી છે?"

'USને માઇગ્રન્ટ કૅમ્પ નહીં બનવા દઉં'

અમેરિકામાં વસતા ગેરકાયદેસર વસાહતીઓ સામે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીનો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બચાવ કર્યો છે.

વ્હાઇટ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલાં નિવેદન પ્રમાણે ,"અમેરિકાને માઇગ્રન્ટ કૅમ્પ બનવા દેવામાં નહીં આવે, અમેરિકા શરણાર્થીઓને પાળનારું રાષ્ટ્ર ન બની શકે."

નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે, "યુરોપમાં શું થઈ રહ્યું છે તે જુઓ, તથા અન્ય રાષ્ટ્રોમાં શું થઈ રહ્યું છે તે જુઓ."

આ પહેલા ટ્રમ્પના પત્ની મિલેનિયા તથા તેમની જ પાર્ટીના અન્ય કેટલાક નેતાઓ આ કાર્યવાહીનો વિરોધ કરી ચૂક્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો