BBC Top 5 News: ટ્રમ્પના વકીલે કહ્યું, કિમ જોંગ-ઉન બેઠક માટે 'કરગર્યા' હતા

ઇમેજ સ્રોત, Reuters
ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ રૂડી જૂલિયાનીએ કહ્યું છે કે જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિએ ઉત્તર કોરિયા સાથેની પ્રસ્તાવિત મુલાકાત રદ કરી દીધી હતી, ત્યારે કિમ જોંગ-ઉન તેને ફરીથી ગોઠવવા માટે 'કરગર્યા' હતા.
ઇઝરાયલમાં એક કોન્ફરન્સમાં જૂલિયાનીએ કહ્યું કે ટ્રમ્પની કડકાઈને કારણે જ ઉત્તર કોરિયા પોતાનું વલણ બદલવા માટે મજબૂર થયું છે.
ટ્રમ્પે મે માં ઉત્તર કોરિયા પર 'ખૂબ વધારે ક્રોધ અને નફરત'નો આક્ષેપ લગાવીને આ મુલાકાતને આગળ ન વધારવાની જાહેરાત કરી હતી.
પરંતુ સિંગાપોરમાં 12 જૂને પ્રસ્તાવિત આ દ્વિપક્ષીય મંત્રણાની તૈયારીઓ ઉત્તર કોરિયાના મૈત્રીભર્યા પ્રતિભાવ બાદ ફરી વખત પાટે ચડી હતી.
જૂલિયાનીએ ઇઝરાયલમાં ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સમાં પોતાના સંબોધનમાં આ ટિપ્પણી કરી હતી.
વૉલ સ્ટ્રીટ જર્નલે આ વિશે સૌપ્રથમ અહેવાલ આપ્યો કે જૂલિયાનીએ કહ્યું, "કિમ જોંગ-ઉન ઘૂંટણીયે પડી ગયા હતા અને એ તેના માટે 'કરગર્યા'. એવી જ સ્થિતિમાં જે રીતે તમે એમને જોવા ઇચ્છશો."
શું તમે આ વાંચ્યું?
જૂલિયાની રાષ્ટ્રપતિ ટ્રમ્પના વકીલ છે અને એ અમેરિકની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રશિયાના કથિત હસ્તક્ષેપની તપાસના વિષયો પર દેખરેખ રાખી રહ્યા છે.
ઉત્તર કોરિયા તરફથી જૂલિયાનીની આ ટિપ્પણી પર હજી સુધી કોઈ પ્રતિક્રિયા મળી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કિમ જોંગ-ઉન સાથે મુલાકાતના સંબંધે મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યોજનાઓ 'સારી રીતે આગળ વધી રહી છે.'

અયોધ્યાના હિંદુ મંદિરમાં થયું ઇફ્તાર પાર્ટીનું આયોજન

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા થોડા દાયકાઓથી ઉત્તર પ્રદેશનું અયોધ્યા શહેર રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને લઈને ચર્ચામાં રહ્યું છે.
વર્ષ 1992માં બાબરી મસ્જિદ ધરાશાયી કર્યા બાદ દેશના ઘણા વિસ્તારોમાં સાંપ્રદાયિક હિંસા થઈ અને લોકો પણ મર્યા.
હાલમાં આ મામલો અદાલતમાં છે. આ તમામ વિવાદો વચ્ચે અયોધ્યામાં સાંપ્રદાયિક સૌહાર્દની બીજી તસવીર પણ જોવા મળી.
સોમવારે અયોધ્યાના વર્ષો જૂના સરયૂ મંદિરના મહંતે રમઝાન નિમિત્તે મુસલમાનો માટે ઇફ્તાર પાર્ટી રાખી.
આ પ્રસંગ નિમિત્તે ઘણા મુસ્લિમ બિરાદરોએ ત્યાં જઈને નમાઝ વાંચી અને રોઝા પણ તોડ્યા.
મંદિરના મહંત જુગલ કિશોર શરણ શાસ્ત્રીએ બીબીસીને જણાવ્યું, "આ માત્ર એવું બતાવવા માટે કરવામાં આવ્યું હતું કે અયોધ્યામાં હિંદુ અને મુસલામાન કેટલા સૌહાર્દથી રહે છે."
"ઘણાં મુસ્લિમ ભાઈઓ અહીં ઇફ્તાર માટે આવ્યા હતા અને સંતોએ તેમનાં હાથે તેમને ઇફ્તારનું ભોજન પીરસ્યું હતું."
જુગલ કિશોરે કહ્યું હતું કે આવું આયોજન તેમણે ત્રણ વર્ષ પહેલાં પણ કર્યું હતું.
તેઓ કહે છે, "ત્રણ વર્ષ પહેલાં અમે આની શરૂઆત કરી હતી પરંતુ ત્યારબાદ હું બીમાર પડી ગયો. આ કારણે ગયા વર્ષે તેનું આયોજન થયું ન હતું. પરંતુ હવે આ સિલસિલો ચાલું રહેશે."

યમનના દરિયામાં શર્ણાર્થીઓની બોટ ઊંધી વળી જતા 46 ડૂબ્યા

ઇમેજ સ્રોત, IOM
યુએનના અધિકારીઓના જણાવ્યા મુજબ સોમાલિયાથી 46 શરણાર્થીઓને યમન લઈ જતી બોટ ઊંધી વળી જતા તમામ ડૂબી ગયા છે.
ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (આઈઓએમ)ના જણાવ્યા અનુસાર યમના દરિયા કિનારા નજીક બનેલી આ ઘટનામાં 16 લોકો લાપતા છે.
બચી ગયેલા એક પીડિતે જણાવ્યું કે દાણચોરોની આ બોટમાં 100 લોકો બેઠા હતા જેઓ ખાડી દેશોમાં રોજગારી સંદર્ભે જઈ રહ્યા હતા. રિપોર્ટ પ્રમાણે દરેક શરણાર્થી ઇથોપીયન હતા.
આઈઓએમ કહે છે કે બુધવારે સવારે 'ગલ્ફ ઑફ એડન' સ્થિત આ બનાવ બન્યો હતો. પીડિતોમાં 37 પુરુષો અને નવ મહિલાઓ હતી.
રિપોર્ટમાં જણાવ્યું છે કે કોઈપણ શરણાર્થી પાસે લાઇફ જૅકેટ નહોતું.
આઈઓએમના અધિકારી જણાવે છે, "દર મહિને સાત હજારથી પણ વધારે શરણાર્થીઓ આ ભયાનક જોખમ ખેડે છે."

લંડનની 115 વર્ષ જૂની હોટલમાં લાગી ભીષણ આગ

ઇમેજ સ્રોત, GORDON LEWIS
સેન્ટ્રલ લંડનમાં આવેલી 115 વર્ષ જૂની મેન્ડેરિન ઓરિએન્ટલ હોટલમાં ભીષણ આગ લાગી છે.
ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલાં જ સૈકા જૂની હોટલની આ ઇમારતમાં મોટાપાયે સુધારાની કામગીરી કરવામાં આવી હતી.
સ્થાનિક સમય 16.00 BST(ભારતના લગભગ રાત્રે 8.30) વાગ્યે આ ફાઇવ સ્ટાર હોટલમાં દુર્ઘટના ઘટી હતી.
આગને કારણે હોટલમાં રોકાયેલાં 36 મહેમાનો અને હોટલના સ્ટાફના 250 સભ્યોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
આ બિલ્ડિંગમાં જાણીતા ગાયક રોબી વિલિયમ્સ પણ હાજર હતા.
લંડન ફાયર બ્રિગેડે જણાવ્યું કે બિલ્ડિંગના અમુક માળ આગની ઝપેટમાં આવી ગયા હતા પરંતુ સમયસર આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, FILIP LATKA
હાઈડ પાર્કની વિલિયમ સ્ટ્રીટમાં આવેલી 12 માળની આ ઇમારતમાં લાગેલી આગને કાબૂમાં કરવા 120 અગ્નિશમન કર્મચારીઓને કામે લગાડાયા હતા.
દુર્ઘટનાને પગલે પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે, હાલમાં કોઈ જાનહાનીની માહિતી મળી નથી.

વિરાટ કોહલી 12 મહિનામાં 160 કરોડ રૂપિયા કમાયા

ઇમેજ સ્રોત, @IMVKohli
ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીને ફોર્બ્સની વાર્ષિક યાદીમાં વધુ કમાણી કરનાર ખેલાડી તરીકે વધુ એકવાર સ્થાન મળ્યું છે.
ફોર્બ્સે સૌથી વધુ કમાણી કરનાર 100 ખેલાડીઓની યાદી તૈયાર કરી છે. આ યાદીમાં વિરાટનું 83મું સ્થાન છે અને તેઓ ભારતના એકમાત્ર ખેલાડી છે.
29 વર્ષના વિરાટ કોહલીએ છેલ્લાં 12 મહિનામાં 160 કરોડ 45 લાખ રૂપિયાની કમાણી કરી છે.
જેમાં 26 કરોડ 76 લાખ 86 હજાર રૂપિયા પગાર અને મેચ જીતીને કમાયા અને 133 કરોડ 73 લાખ 58 હજાર જાહેરાતોથી કમાયા છે.
અમેરીકાના બૉક્સર ફ્લોયડ મેવેદર આ યાદીમાં પ્રથમ સ્થાને છે. છેલ્લાં સાત વર્ષમાં તેઓ આ યાદીમાં પ્રથમ રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












