જ્યારે પ્રિન્સ હેરીએ મેઘનને કહ્યું, ‘અત્યંત સોહામણી દેખાય છે’

લગ્ન પછી એકમેકને ચૂંબન કરી રહેલાં પ્રિન્સ હેરી અને મેઘન માર્કેલ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, લગ્ન પછી એકમેકને ચૂંબન કરી રહેલાં પ્રિન્સ હેરી અને મેઘન માર્કેલ

પ્રિન્સ હેરી અને મેઘન માર્કેલનાં લગ્ન માટે વિન્ડસર આવેલા તમામ લોકોનો બ્રિટનના રાજવી પરિવારે આભાર માન્યો છે.

બ્રિટન, કોમનવેલ્થ રાષ્ટ્રો અને દુનિયાભરમાંથી આ લગ્નમાં રસ લેનારા તમામ લોકોનો આભાર માનતો એક મેસેજ રાજવી પરિવારના ટ્વિટર અકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

પ્રિન્સ હેરી અને મેઘન માર્કેલને નિહાળવા માટે હજ્જારો લોકોએ વિન્ડસરની શેરીઓમાં લાઇન લગાવી હતી.

એ લોકો કરતાં અનેકગણા વધુ લોકોએ લગ્ન સમારંભનું જીવંત પ્રસારણ દુનિયાભરમાં ટેલિવિઝન પર નિહાળ્યું હતું.

line

'અત્યંત સોહામણી દેખાય છે'

મેઘન માર્કેલ

ઇમેજ સ્રોત, PA

પ્રિન્સ હેરી અને મેઘન માર્કેલે વિન્ડસર કેસલસ્થિત સેન્ટ જ્યોર્જીસ ચેપલમાં ક્વીન અને 600 અન્ય મહેમાનોની હાજરીમાં આજીવન સાથે રહેવાની પ્રતિજ્ઞા કરી હતી તથા એકમેકને વિંટી પહેરાવી હતી.

પ્રિન્સ હેરીએ તેમનાં પત્ની મેઘન માર્કેલને લગ્નની ભેટ તરીકે એમરાલ્ડ-કટ અક્વામરીન વિંટી ભેટ આપી હતી. એ વિંટી પ્રિન્સ હેરીનાં સદગત મમ્મી પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયેનાની છે.

તમે આ વાંચ્યું કે નહીં?

બ્રિટિશ ડિઝાઇનર ક્લેર વ્હાઇટ કેલ્લેરે બનાવેલો શ્વેત બોટ-નેક ડ્રેસ પહેરીને ચર્ચમાં ઈસુની પ્રતિમા નજીક પહોંચેલાં મેઘન માર્કેલને પ્રિન્સ હેરીએ કહ્યું હતું, 'અત્યંત સોહામણી દેખાય છે.'

રાજવી પરિવારના સભ્ય લગ્ન વખતે લશ્કરનો યુનિફોર્મ પહેરે ત્યારે તેમનો ચહેરો ક્લિન-શેવ હોવો જોઈએ એવી પરંપરા છે, પણ પ્રિન્સ હેરીને ક્વીને આ નિયમમાંથી મુક્તિ આપીને આછી દાઢી રાખવાની છૂટ આપી હતી.

નવવધૂની બ્રાઇડ્ઝમેઇડ્ઝ તથા પેજબોય્ઝ બનેલાં 10 બાળકોમાં પ્રિન્સ જ્યોર્જ અને પ્રિન્સેસ શાર્લોટ પણ સામેલ હતાં.

line

પ્રિન્સ ચાર્લ્સે કર્યું 'કન્યાદાન'

મેઘન માર્કેલને ઈસુ ખ્રિસ્તની પ્રતિમા નજીક લઈ જઈ રહેલા પ્રિન્સ ચાર્લ્સ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, મેઘન માર્કેલને ઈસુ ખ્રિસ્તની પ્રતિમા નજીક લઈ જઈ રહેલા પ્રિન્સ ચાર્લ્સ

મેઘન માર્કેલના પિતા થોમસ માર્કેલ આરોગ્યના કારણોસર દીકરીનાં લગ્નમાં હાજર રહી શક્યા ન હતા. તેથી વરના પિતા પ્રિન્સ ચાર્લ્સ મેઘનને ચર્ચામાં લાવ્યા હતા.

નવદંપતિ હવે ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સ તરીકે ઓળખાશે. નવદંપતિએ લગ્ન પછીની પહેલી રાત વિન્ડસર કેસલમાં જ પસાર કરી હતી.

મેઘન માર્કેલ અને પ્રિન્સ હેરી તત્કાળ હનીમૂન પર જવાનાં નથી. હનીમૂન પર જતાં પહેલાં નવદંપતિએ બ્રિટનમાં થોડો સમય રહેવાનું નક્કી કર્યું છે.

મેઘન માર્કેલે અગાઉ કહ્યું હતું કે રાજવી પરિવારનો હિસ્સો બનવાની સાથે તેઓ એકદમ સક્રીય થવા ઇચ્છે છે.

મેઘન માર્કેલ અને પ્રિન્સ હેરી મંગળવારે પ્રિન્સ ઓફ વેલ્સની 70મી બર્થડે પેટ્રોનેજ ઊજવણીમાં હાજરી આપશે.

બકિંગહામ પેલેસ ખાતે યોજાનારો એ કાર્યક્રમ મેઘન માર્કેલ માટે પહેલી રોયલ ગાર્ડન પાર્ટી હશે.

લગ્ન કર્યા પછી નવદંપતિ હાજરી આપવાનાં હોય એવો પહેલો સત્તાવાર કાર્યક્રમ પણ એ હશે.

લગ્ન પછી ઊજળી બપોરે વિન્ડસરમાં કાઢવામાં આવેલા વરઘોડાને નિહાળવા હજ્જારો લોકો આવ્યા હતા.

ક્વીને લગ્ન પછી બપોરે સેન્ટ જ્યોર્જીસ હોલમાં ભોજન સમારંભમાં તમામ 600 મહેમાનોએ વિવિધ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો.

line

'આનંદદાયક વૈવિધ્ય'

લગ્નનું એક દૃશ્ય

ઇમેજ સ્રોત, PA

આધુનિકતા સાથેની બ્રિટિશ પરંપરા અને નવવધૂની આફ્રિકન-અમેરિકન સંસ્કૃતિનું સંયોજન લગ્નવિધિમાં જોવા મળ્યું હતું.

વિન્ડસરના ડીન રેવરન્ડ ડેવિડ કોન્નેરે કેન્ટરબરીના આર્કબિશપ રેવરન્ડ જસ્ટિન વેલ્બીની હાજરીમાં સર્વિસનું સંચાલન કર્યું હતું.

અમેરિકન એપિસ્કોપલ ચર્ચના પ્રમુખ અને અત્યંત આદરણીય બિશપ માઇકલ કરીએ મહેમાનોને સંબોધન કર્યું હતું. તેમને આ માટે મેઘન માર્કેલે આમંત્રણ આપ્યું હતું.

લાગણીસભર, લાંબા પ્રવચન બાદ બિશપ કરીએ કહ્યું હતું કે લગ્ન સમારંભમાં જોવા મળેલું વૈવિધ્ય 'આનંદદાયક' હતું.

પ્રિન્સ હેરીનાં સદગત મમ્મી પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયેનાનાં બહેન લેડી જેન ફેલ્લોવેસે સોંગ ઓફ સોલોમોનમાંથી વાચન કર્યું હતું.

કરેન ગિબ્સન અને ધ કિંગ્ડમ ક્વાયરે લગ્ન સમારંભમાં બેન ઈ કિંગનું વિખ્યાત ગીત 'સ્ટેન્ડ બાય મી' પર્ફોર્મ કર્યું હતું.

નવદંપતિ રજિસ્ટરમાં સહી કરી રહ્યું હતું ત્યારે 2016માં બીબીસીનો યંગ મ્યુઝિશ્યન એવોર્ડ જીતી ચૂકેલાં 19 વર્ષનાં સેલોંવાદક શેકુ કાન્નેહ મેસને વિખ્યાત ફ્રેન્ચ અને ઓસ્ટ્રિયન સંગીતકારોની રચનાઓ રજૂ કરી હતી.

શેકુ કાન્નેહ મેસન સાથે બીબીસી નેશનલ ઓર્કેસ્ટ્રા ઓફ વેલ્સ, ધ ઈંગ્લિશ ચેમ્બર ઓર્કેસ્ટ્રા અને ધ ફિલહાર્મોનિયાના સંગીતકારો પણ આ પર્ફોર્મન્સમાં જોડાયા હતા.

નવદંપતિ લગ્ન પછી ચર્ચમાંથી રવાના થઈ રહ્યું હતું ત્યારે ગોસ્પેલ ક્વાયરે પણ પર્ફોર્મ કર્યું હતું.

line

'કેટલાક લોકો રડી પડ્યા'

વીડિયો કૅપ્શન, રૉયલ વેડિંગમાં સસ્તાં સેનિટરી પૅડ બનાવતી ભારતીય મહિલાઓ

લગ્નમાં હાજર રહેલા મહેમાનોમાં ઓપ્રા વિન્ફ્રે, જ્યોર્જ તથા અમલ કલૂની, ડેવિડ તથા વિક્ટોરિયા બેકહેમ અને સર એલ્ટન જોનનો સમાવેશ થાય છે.

લગ્ન પછી યોજાયેલા સત્કાર સમારંભમાં સર એલ્ટન જોને પર્ફોર્મન્સ પણ આપ્યું હતું.

ક્વીને બપોરે યોજેલા ભોજન સમારંભમાં ભારતસ્થિત માયના મહિલા ચેરિટીના સુહાની જલોટા પણ હતાં.

સુહાની જલોટાએ જણાવ્યું હતું કે સર એલ્ટન જોને આનંદદાયક પર્ફોર્મન્સ આપ્યું હતું. પ્રિન્સ ઓફ વેલ્સ અને વરરાજા પ્રેમપૂર્ણ ભાષણ આપ્યાં હતાં અને કેટલાક લોકો તો રડી પડ્યા હતા.

ફૂટબોલ સ્ટાર ડેવિડ બેકહેમે તેમની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું, "પ્રિન્સ હેરીને હંમેશની માફક ખુશખુશાલ નિહાળવા એ આપણા બધા માટે ગૌરવપૂર્ણ છે."

ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ, ટીવી પર્સનાલિટી જેમ્સ કોર્ડન, ગાયક જેમ્સ બ્લન્ટ, અભિનેત્રી કેરી મુલિગન અને ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ રગ્બી ખેલાડી જોની વિકિન્સન પણ લગ્નમાં હાજર રહ્યા હતા.

પ્રિન્સ હેરીના કાકા અર્લ સ્પેન્સર, ડચેસ ઓફ યોર્ક સારા ફર્ગ્યુસન અને ડચેસ ઓફ કેમ્બ્રિજનાં બહેન પિપ્પા મિડલટનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

line

બ્લેક ટાઈ ડિનર અને આતશબાજી

લગ્નમાં આવેલા લોકો

ઇમેજ સ્રોત, TOM NICHOLSON/EPA

આ કોઈ સરકારી સમારંભ ન હતો તેથી વડાં પ્રધાન થેરેસા મે સહિતના એકેય રાજકારણીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.

જોકે, પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીના માતાના મૃત્યુ પછી કાયદાકીય બાબતોમાં તેમના સ્પેશ્યલ ગાર્ડિયન તરીકે કાર્યરત બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન સર જોન મેજરને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

પ્રિન્સ ચાર્લ્સે યોજેલા ડિનરમાં મેઘન માર્કેલ અને પ્રિન્સ હેરીના 200 ગાઢ દોસ્તો તથા પરિવારજનોને હાજરી આપી હતી.

વિન્ડસર કેસલ નજીકના ફ્રોગમોર હાઉસ ખાતે બ્લેક ટાઈ ડિનર અને ફટાકડાની આતશબાજી સાથે લગ્નની ઊજવણી પૂર્ણ થઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો