You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિરોધીઓ શા માટે એકઠા થયા, મોદીને હરાવવા કે 2019ની ચૂંટણી માટે?
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બેંગલુરુથી બીબીસી ગુજરાતી માટે
કર્ણાટકની રાજનીતિના ઇતિહાસમાં આ સમય અત્યારસુધીનો સૌથી વિચિત્ર સમય છે.
જનતા દળ સેક્યુલર (જેડીએસ)ના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીની બાજુમાં રાજ્યની સત્તા ગુમાવનાર મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ઊભા છે.
બંને એકબીજાની વાત સાથે સહમતિ દર્શાવતા નજરે પડી રહ્યાં છે.
રાજભવનમાં રાજ્યપાલ વજુભાઈ વાળા સમક્ષ કુમારસ્વામી અને સિદ્ધારમૈયા પોતાની સરકાર બનાવવાનો દાવો રજૂ કરી રહ્યા છે.
આ દૃશ્ય એ લોકો માટે વિચિત્ર છે જેઓ કર્ણાટકની રાજનીતિને છેલ્લાં 12 વર્ષોથી જોઈ રહ્યા છે.
દેવગૌડાથી અલગ થયા હતા સિદ્ધારમૈયા
કર્ણાટકની રાજનીતિના હાલના ઇતિહાસ પર નજર કરીએ તો સિદ્ધારમૈયાએ પૂર્વ પ્રધાનમંત્રી અને પોતાના ગુરુ એચ ડી દેવગૌડાનો સાથે એટલા માટે છોડી દીધો, કારણ કે તેમણે સત્તાની ચાવી તેમના દીકરા કુમારસ્વામીના હાથમાં સોંપી દીધી હતી.
પાર્ટીમાં પોતાને અસ્વીકૃતિ મળ્યા બાદ સિદ્ધારમૈયાએ ‘અહિંદા’ (અલ્પસંખ્યક, ઓબીસી અને દલિત) બનાવ્યું અને કોંગ્રેસની મદદથી તેમણે મોટી છલાંગ લગાવી.
દેવગૌડા સાથે શરૂ થયેલી આ દુશ્મનીના પરિણામ સ્વરૂપે સિદ્ધારમૈયાએ વોક્કાલિગા સમુદાયથી આવનાર અધિકારીઓ સાથે પણ ભેદભાવ કર્યો. ઉલ્લેખનીય છે કે દેવગૌડા વોક્કાલિગા સમુદાયથી જ આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આના જવાબમાં કુમારસ્વામીએ ચતુરાઈ બતાવતા સિદ્ધારમૈયા દ્વારા દેવગૌડા પર કરવામાં આવતા રાજનીતિક હુમલાઓને સંપૂર્ણ રીતે વોક્કાલિગા સમુદાય પર થતા હુમલાના રૂપે બતાવવાનું શરૂ કરી દીધું.
પોતપોતાની વોટબેંક
આ સાથે જ વોક્કાલિગા વોટ એકઠા થઈ ગયા અને તેનું પરિણામ એવું આવ્યું કે ચામુંડેશ્વરી વિધાનસભાથી સિદ્ધારમૈયાને હારનો સામનો કરવો પડ્યો.
સિદ્ધારમૈયા અને કુમારસ્વામી વચ્ચે એવો જ વૈચારિક મતભેદ હતો કે 2013ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે હાઈ કમાન્ડે સિદ્ધારમૈયાને વોક્કાલિગા વોટબેંક પર મજબૂત પકડ બનાવવા કહ્યું તો તેમાં આનાકાની કરવા લાગ્યા.
આને બદલે તેમણે લિંગાયત વોટબેંક તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું, જ્યાં અખિલ ભારતીય વીરશૈવ મહાસભામાં લિંગાયતને અલગ અલ્પસંખ્યક ધર્મનો દરજ્જો આપવાની માગ ઉઠવા લાગી હતી.
પરંતુ સિદ્ધારમૈયા અને તેમના સાથી લિંગાયત સમુદાયના લોકોને અલ્પસંખ્યક દરજ્જાના ફાયદા સમજાવવામાં નિષ્ફળ રહ્યા.
રાજનીતિક વિશ્લેષક મદન મોહનનું માનીએ તો કોંગ્રેસનું તટસ્થ રહેવું તેમના માટે ઊલટું સાબિત થયું.
અન્ય એક વિશ્લેષક મહાદેવ પ્રકાશ કહે છે, "સિદ્ધારમૈયાએ હંમેશા પોતાની સરકારને 'અહિંદા સરકાર' હોવાનો દાવો કર્યો.”
“સાથે જ તેઓ સતત લિંગાયત અને વોક્કાલિગા સમુદાય તરફ પણ પોતાનો રસ બતાવતા હતા. આ બંને સમુદાયના મતદારો સિદ્ધારમૈયા વિરુદ્ધ એકઠા થયા.”
“પરંતુ અહિંદા મતદાતાઓ સંપૂર્ણ રીતે તો તેમની વિરુદ્ધ એકઠાં ન થયા પણ એવું લાગે છે કે તેઓમાંથી પણ માત્ર કુરુબા (જે જાતિથી સિદ્ધારમૈયા આવે છે) અને મુસ્લિમોએ તેમને વોટ આપ્યા."
મોદીની અસર
પરંતુ ધારવાડ યુનિવર્સિટીમાં રાજનીતિ વિજ્ઞાન વિભાગના પ્રોફેસર હરીશ રામાસ્વામીના વિચારો થોડા અલગ છે.
તેઓ કહે છે, "મોદીની રેલીએ ઘણી જગ્યાના વોટ ભાજપ તરફ વાળી દીધા. જ્યારે કોંગ્રેસે પણ ત્રણ મોટી ભૂલો કરી. સિદ્ધારમૈયાએ પોતાની લડાઇ માત્ર યેદિયુરપ્પા સુધી જ સિમિત રાખવાની જરૂર હતી. રાહુલ ગાંધીના મેદાનમાં આવવાથી આ લડાઇ રાહુલ વિરુદ્ધ મોદીની બની ગઈ."
આ સાથે જ પ્રોફેસર રામાસ્વામી કહે છે કે મોદીની અસર હજુ પણ છે. ખાસ કરીને યુવા મતદાતાઓ અને એવા લોકોમાં જેઓ અંતિમ સમય સુધી પોતાના વોટને લઈને અનિશ્ચિત રહે છે. આખરે તેઓ મોદી તરફ આકર્ષાય છે.
તેઓ કહે છે, "જ્યાંસુધી મોદી મેદાનમાં નહોતા ઊતર્યા, ત્યાં સુધી યુવા મતદાતાઓના મત સિદ્ધારમૈયા તરફ દેખાતા હતા."
જ્યારે મદન મોહન કહે છે, "એ પણ મુખ્ય છે કે જે રીતે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ દેવગૌડા અને મોદીને અવગણ્યા તે બાબત જનતાને પસંદ પડી નહોતી. કોંગ્રેસની હારમાં આ બાબતનું પણ યોગદાન રહ્યું."
પોતાનું નામ જાહેર ના કરવાની શરતે ભાજપના એક નેતાએ જણાવ્યું કે એ વાતમાં કોઈ શંકા નથી કે જો મોદી કર્ણાટકમાં પ્રચાર માટે ન આવ્યા હોત તો તેમની પાર્ટી 100નો આંકડો પણ મેળવી શકી ન હોત.
ભાજપની ભૂલ
ભાજપ પૂર્ણ બહુમતિ ના મેળવી શકી તેની પાછળ રાજનીતિક ચિંતક પાર્ટીની અંદર ચૂંટણી લડવા માટે ઊભા થયેલા મતભેદનો નિકાલ ન થયો એ હોવાનું જવાબદાર માનવામાં આવે છે.
પ્રો.રામાસ્વામી કહે છે, "આ સમગ્ર વોટિંગ મોદી માટે સકારાત્મક સંદેશ તો છે, પરંતુ આપણે તેને સંપૂર્ણ રીતે સિદ્ધારમૈયા સરકાર વિરુદ્ધ થયેલા વોટિંગ તરીકે પણ ન જોવું જોઈએ."
કર્ણાટકના રાજનીતિક ચિંતકો વચ્ચે એ વાતની સહમતિ પણ છે કે સિદ્ધારમૈયાની જનકલ્યાણકારી યોજનાઓને લોકોએ પસંદ તો કરી, પરંતુ તેઓ તેને વોટમાં બદલી ન શક્યા.
અંતે કોંગ્રેસના નેતાના શબ્દોમાં કહીએ તો 'જાતિએ તેમને હરાવી દીધા'.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો