ચીને હવે શા માટે સુષમા સ્વરાજને મનાવવાના પ્રયત્ન કરવા પડશે?

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ શનિવારે ચીન પહોંચ્યાં હતાં.

ચાર દિવસની મુલાકાત દરમ્યાન તેઓ ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે મુલાકાત કરશે.

બન્ને દેશના વિદેશ પ્રધાનો વચ્ચે પારસ્પરિક સંબંધ મજબૂત બનાવવા તથા સહકાર વધારવા વિશે ચર્ચા થશે તેવી આશા છે.

ભારત અને ચીન વચ્ચે તંગદિલીનું કારણ બને તેવા ઘણા મુદ્દા છે. તેથી બન્ને દેશના વિદેશ પ્રધાનોની આ મુલાકાતને અત્યંત મહત્ત્વની ગણવામાં આવી રહી છે.

આ મુલાકાતનું મહત્ત્વ સમજાવતાં ચીનમાં ઉપસ્થિત વરિષ્ઠ પત્રકાર સૈબલ દાસગુપ્તાએ જણાવ્યું હતું કે સુષમા સ્વરાજની ચીન મુલાકાતનો હેતુ શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઈઝેશન(એસસીઓ)ની બેઠકમાં હાજરી આપવાનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જૂનમાં ચીન જવાના છે. તેઓ એસસીઓની રાષ્ટ્રાધ્યક્ષોની બેઠકમાં હાજરી આપશે.

ભારત આ સ્તરે એસસીઓમાં પહેલીવાર હાજરી આપી રહ્યું છે, કારણ કે ભારત અને પાકિસ્તાન તાજેતરમાં જ એસસીઓનાં સભ્ય બન્યાં છે. અત્યાર સુધી બન્ને દેશ નિરીક્ષકની ભૂમિકામાં હતા.

એસસીઓની બેઠકમાં ભારત ક્યા મુદ્દા ઉઠાવશે તેનો સંકેત આપતાં નરેન્દ્ર મોદીએ લંડનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન ઉગ્રવાદીઓને આશરો આપી રહ્યું છે.

શું છે એસસીઓ?

એસસીઓની બેઠકના મહત્ત્વ બાબતે સૈબલ દાસગુપ્તાએ જણાવ્યું હતું કે એસસીઓનો મુખ્ય ઉદ્દેશ ઉગ્રવાદ સામે લડવાનો છે,

જોકે, આ ફૉરમમાં કોઈ બે દેશ પારસ્પરિક મતભેદના નિરાકરણની નહીં, પણ સમગ્ર પ્રદેશના વિકાસની વાત જ કરી શકે છે.

તેથી મોટો સવાલ એ છે કે ભારત ઉગ્રવાદના મુદ્દાને કઈ રીતે ઉઠાવશે, તેનો પાકિસ્તાન કેવો જવાબ આપશે અને આ સંબંધે ચીનનો પ્રતિભાવ શું હશે?

આ સંબંધે ચીનના વિદેશ મંત્રાલયને શુક્રવારે સવાલ કરવામાં આવ્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

તેના જવાબમાં ચીને જણાવ્યું હતું કે પાકિસ્તાનની ટીકા કરવાને બદલે તેને ટેકો આપવો જોઈએ, કારણ કે ઉગ્રવાદને કારણે તેને મોટું નુકસાન થઈ રહ્યું છે અને ઉગ્રવાદ સામેની લડાઈમાં સૌથી મોટું યોગદાન પાકિસ્તાનનું છે.

ચીન માટે પાકિસ્તાન અત્યંત મહત્ત્વનું છે, કારણ કે ચીનની 'વન બેલ્ટ, વન રોડ' યોજના માત્ર પાકિસ્તાનમાં જ સફળ થઈ છે. મતભેદને કારણે એસસીઓ તૂટી જાય એવું ચીન નહીં ઇચ્છે.

આ સંબંધે સુષમા સ્વરાજને સમજાવવાના પૂરા પ્રયાસ ચીન કરશે.

જૈશ-એ-મહમ્મદના વડા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય ઉગ્રવાદી જાહેર કરવાના અનેક પ્રયાસ ભારતે કર્યા છે, પણ ચીને તેનો હંમેશા વિરોધ કર્યો છે.

આ મુદ્દે નરેન્દ્ર મોદી પણ પારોઠનાં પગલાં નહીં ભરે, કારણ કે બીજો કોઈ મુદ્દો હોય કે નહીં, નરેન્દ્ર મોદી ઉગ્રવાદનો મુદ્દો દરેક બેઠકમાં ઉઠાવ્યો છે.

જે દેશોમાં ઉગ્રવાદીઓ છે એ દેશો સાથે ચીનને મૈત્રીપૂર્ણ સંબંધ છે અને આ માટે ચીન દુનિયામાં બદનામ છે.

ચીનને ટક્કર આપવી હોય તો પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવવો જરૂરી છે અને તાલિબાનને કારણે દુનિયા ચિંતિત છે. તેથી નરેન્દ્ર મોદીએ જાણીજોઈને લંડનમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.

એસસીઓમાં ડોકલામ વિવાદ ચર્ચાશે?

એસસીઓની બેઠકમાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ પણ હાજરી આપવાનાં છે.

નિર્મલા સીતારમણ ચીનમાં ઘણો આદર ધરાવે છે એ ભારતમાં બહુ ઓછા લોકો જાણે છે.

ડોકલામ વિવાદ વખતે નિર્મલા સીતારમણે આકરું વલણ અપનાવ્યું હતું. એ માટે તેમને આદર આપવામાં આવે છે.

જોકે, રશિયા સાથેની વાતચીતમાં તેમની ભૂમિકા ઘણી મહત્ત્વની હશે, કારણ કે સંરક્ષણ સંબંધી બાબતોમાં રશિયા માટે ભારત મોટો ગ્રાહક છે, જ્યારે ઑઇલનો સૌથી મોટો ગ્રાહક ચીન છે.

તેથી જોરદાર ખેંચતાણ સર્જાવાની શક્યતાનો ઇનકાર કરી શકાય નહીં.

'વન બેલ્ટ, વન રોડ' યોજના સંબંધે ભારત પર દબાણ લાવવાના તમામ પ્રયાસ ચીન કરશે, કારણ કે નવી દિલ્હી આ યોજનાને સમર્થન આપતું નથી.

ચીને હાલ નેપાળ સાથે હાથ મિલાવ્યા છે અને એ લુંબિની સુધી તેનું રેલવે નેટવર્ક બિછાવવાનું છે.

લુંબિની ભારતની સરહદ નજીક આવેલું છે. તેથી ભારત પર આગામી સમયમાં દબાણ વધારવામાં આવે એ દેખીતું છે.

ભારત-ચીન વચ્ચે તંગદિલી શા માટે?

ડોકલામ વિવાદ

2017ના જૂનમાં ચીને ડોકલામ વિસ્તારમાં માર્ગ નિર્માણનું કામ શરૂ કર્યું ત્યારે ભારતીય સૈનિકોએ એ કામ અટકાવી દીધું હતું.

ડોકલામ વિવાદિત પ્રદેશ છે. તેના પર માલિકીનો દાવો ચીન તથા ભૂતાન બન્ને કરી રહ્યાં છે અને ભારત ભૂતાનના દાવાને ટેકો આપી રહ્યું છે.

વન બેલ્ટ, વન રોડ

ચીને આખી દુનિયામાં તેની પહોંચ વિસ્તારવા માટે એશિયા, યુરોપ અને આફ્રિકાના 65 દેશોને જોડવાની યોજના બનાવી છે. તેને 'વન બેલ્ટ, વન રોડ' નામ આપવામાં આવ્યું છે.

ચીન આ પ્રકલ્પ હેઠળ પાકિસ્તાનના ગ્વાદર બંદર સુધીના રોડનું નિર્માણ કરી રહ્યું છે. એ રોડ ગિલગિટ-બલુચિસ્તાન વિસ્તારમાંથી પસાર થાય છે.

આ વિસ્તાર હાલ પાકિસ્તાનના વહીવટ હેઠળના પ્રદેશમાં છે, પણ ભારત તેને પોતાનો હિસ્સો ગણે છે.

આ મામલે ચીન એક તરફ કાશ્મીર પર ભારતના અધિકારને નકારે છે, જ્યારે બીજી તરફ ગિલગિટ-બલુચિસ્તાન પરના પાકિસ્તાનના દાવાને સ્વીકારે છે.

એ ઉપરાંત ભારતના પાડોશી દેશ નેપાલ સાથે રેલવે અને માર્ગ વિસ્તાર બાબતે ચીને સહમતી સાધી છે.

એનએસજીમાં ભારતનો વિરોધ

ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપ(એનએસજી)માં ભારતની એન્ટ્રીનો ચીન વિરોધ કરતું રહ્યું છે.

એનએસજીમાં 48 દેશો સામેલ છે અને ભારતને અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ તથા મેક્સિકો સહિતના દેશોએ ટેકો આપ્યો છે.

એનએસજીમાં પાકિસ્તાનના પ્રવેશને ચીન ટેકો આપે છે, પણ ભારતનો વિરોધ કરે છે.

મસૂદ અઝહર પર પ્રતિબંધનો વિરોધ

મસૂદ અઝહર પર આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધ મૂકવામાં આવે તેવું ભારત ઇચ્છે છે પણ આ સંબંધી દરખાસ્તનો ચીને સંયુક્ત રાષ્ટ્રમાં વારંવાર વિરોધ કર્યો છે. તેથી મસૂદ અઝહર પર પ્રતિબંધ લદાયો નથી.

મસૂદ અઝહર પર પ્રતિબંધ લાદવા માટે સંયુક્ત રાષ્ટ્રની સલામતી પરિષદના 14 સભ્યોએ 2016માં સહમતિ આપી હતી પણ ચીને વીટો વાપરતાં ભારતના તમામ પ્રયાસ પર પાણી ફરી વળ્યું હતું.

(સૈબલ દાસગુપ્તા સાથે બીબીસીનાં સંવાદદાતા માનશી દાશે કરેલી વાતચીતના આધારે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો