અમેરિકાએ પુતિનના નજીકના લોકો પર પ્રતિબંધ લગાવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાએ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનના નજીકના સાત લોકો અને 17 વરિષ્ઠ સરકારી અધિકારીઓ સહિત અનેક કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.
આ બધા પર 'સમગ્ર વિશ્વમાં હાનિકારક પ્રવૃત્તિઓ ચલાવવાનો' આરોપ છે.
અમેરિકાએ રશિયાના ઉચ્ચ વર્ગ સાથે સંબંધ ધરાવતી 12 કંપનીઓ, શસ્ત્ર નિકાસ કરતી સરકારી કંપનીઓ અને એક બૅન્ક પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
આ સિવાય જે લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના બૉડિગાર્ડ, તેમના જમાઈ, રાષ્ટ્રપતિના નજીકના સહયોગી અને તેમના નિયંત્રણ હેઠળની ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે.

'વહીવટી પગલાં'

ઇમેજ સ્રોત, Getty Images
વ્હાઇટ હાઉસના પ્રવક્તા સારા સૅન્ડર્સે કહ્યું છે કે આ પ્રતિબંધોનો અર્થ એ નથી કે અમેરિકાએ રશિયા સાથેના તેમના સંબંધો ખતમ કર્યા છે.
તેમણે કહ્યું હતું "આજે જે પ્રતિબંધ લાદવામાં આવ્યા છે અને જે વહીવટી પગલાં ઉઠાવાયા છે, તેમાં અમેરિકન કોંગ્રેસની મંજૂરી ધ્યાને લેવાઈ છે.”
"આથી એ સાબિત થાય છે કે રાષ્ટ્રપતિની વાત એકદમ સાચી હતી કે રશિયા પર કોઈ પણ આકરાં પગલાં ઉઠાવતું નહોતું."
તમને આ પણ વાંચવું ગમશે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સારા સૅન્ડર્સે જણાવ્યું હતું "અમે રશિયન સરકાર સાથે હકારાત્મક સંબંધ ઇચ્છીએ છીએ, પરંતુ તે ત્યારે જ શક્ય છે જ્યારે તેમના વ્યવહારમાં પણ બદલાવ આવે."

રશિયાનો જવાબ

ઇમેજ સ્રોત, EPA
આ પ્રતિબંધોના જવાબમાં રશિયાએ પણ કડક પગલાં લેવાની ધમકી આપી છે.
રશિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે આ પ્રકારના દબાણથી રશિયા પોતાના રસ્તાથી હટશે નહીં.
રશિયન વિદેશ મંત્રાલયે અમેરિકાના નિર્ણયને મૂર્ખામીભર્યો કહ્યો છે, જેને કારણે બન્ને દેશો વચ્ચે આર્થિક સંબંધો ખરાબ થશે.
વૉશિંગ્ટનમાં રહેલા બીબીસી સંવાદદાતા બાર્બરા પ્લેટ ઉશરે કહ્યું છે કે અમેરિકાએ રશિયાના રાષ્ટ્રપતિ વિરુદ્ધ અત્યાર સુધીના સૌથી આક્રમક પગલાં લીધા છે.

ઇમેજ સ્રોત, AFP
પ્રતિબંધિત કરાયેલા લોકોમાં સુલેમાન કરીમોવનું નામ પણ શામેલ છે. તેઓ રશિયાના સૌથી ધનિક નાગરિકોમાંના એક છે. તેમનો પરિવાર રશિયાનો સૌથી મોટો સોનાનો ઉત્પાદક છે.
ગયા મહિને અમેરિકાએ કથિત સાયબર હુમલાઓ અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં દખલ કરવાના આરોપ હેઠળ 19 રશિયન નાગરિકો પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ પછી રશિયા અને બ્રિટન વચ્ચે ચાલી રહેલી રાજકીય ગતિવિધિમાં, બ્રિટનનો સાથ આપતા અમેરિકાએ પણ ઘણા રશિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












