આ સ્ત્રીને ખબર ના પડી અને જનમ્યું બાળક!

ઇમેજ સ્રોત, iStock
કોઈ સ્ત્રી ગર્ભવતી હોય અને પ્રેગ્નન્સીની ખબર તેને લેબર રૂમમાં એડમિટ થયા બાદ પડે એ વાત તમે માની શકો?
વાત માનવી મુશ્કેલ છે, પણ તાજેતરમાં આવી એક ઘટનાએ લોકોને આશ્ચર્યચકિત કરી મૂક્યા હતા, પણ સવાલ એ છે કે આવું શક્ય છે?
અમે સત્ય જાણવા માટે ડૉક્ટરો સાથે વાત કરી હતી.
પહેલીવાર મા બનવાનું આમ પણ મુશ્કેલ હોય છે, પણ વિચારો કે પોતે ગર્ભવતી છે એ વાતની ખબર કોઈ સ્ત્રીને તે ડિલિવરી માટે લેબર રૂમમાં એડમિટ થાય ત્યારે પડે તો શું થાય?
ડૉક્ટર એ સ્ત્રીને કહે કે તમને પેટમાં દુખાવો થઈ રહ્યો છે તે સામાન્ય નહીં પણ લેબર પેઇન એટલે કે સુવાવડ પૂર્વે થતી પીડા છે ત્યારે શું થાય?
ઇંગ્લેન્ડના ન્યૂ કેસલમાં રહેતી 21 વર્ષની શાર્લોટ થોમ્પસન થોડા સમય પહેલા સમાચારોમાં અચાનક ચમકી હતી.

કેમ ના ખબર પડી?

ઇમેજ સ્રોત, Twitter
શાર્લોટ થોમ્પસનના સમાચારોમાં ચમકવાનું કારણ હતું તેની 'સરપ્રાઇઝ' સુવાવડ.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમને લેબર રૂમમાં લઈ જવામાં આવ્યાં એ પહેલાં સુધી એવો કોઈ સંકેત મળ્યો ન હતો કે તેઓ પ્રેગ્નન્ટ છે.
પ્રેગ્નન્સીના ત્રીજા મહિનાથી મહિલાઓનું પેટ ઉપસી આવતું હોય છે, પણ શાર્લોટનું પેટ એકદમ સપાટ હતું.
તમે આ વાચ્યું કે નહીં?
ડેઇલી મેલ અખબારમાં પ્રકાશિત કરવામાં આવેલા એક સમાચાર અનુસાર, 2015ની ડિસેમ્બરની રાતે શાર્લોટ અચાનક જાગી ગયાં હતાં. તેમને પેટમાં જોરદાર દર્દ અને બ્લિડિંગ થઈ રહ્યું હતું. તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા.
હોસ્પિટલમાં નર્સીસે શાર્લોટને જણાવ્યું હતું કે તેઓ પ્રેગ્નન્ટ છે અને તેમને પેટમાં પીડા થઈ રહી છે તે લેબર પેઇન છે.
બે કલાક બાદ શાર્લોટના ખોળામાં તેમની દીકરી મોલી હતી, જે હવે બે વર્ષની થઈ ચૂકી છે અને સ્વસ્થ છે.

પિરિયડ સાઇકલ

ઇમેજ સ્રોત, Getty Images
શાર્લોટની સુવાવડ કરાવી ચૂકેલાં ડૉ. વેનેસા મૈકેએ જણાવ્યું હતું કે પોતે પ્રેગ્નન્ટ છે એ વાતની ખબર સ્ત્રીઓને ન પડવાનાં ઘણાં કારણો છે.
કેટલીક મહિલાઓને એવું લાગે છે કે પોતાને દર મહિને પિરિયડ આવે છે ત્યારે પ્રેગ્નન્સી કઈ રીતે હોઈ શકે, પણ ઘણી વખત પ્રેગ્નન્સી દરમ્યાન પણ બ્લીડિંગ થતું હોય છે એ બહુ ઓછી મહિલાઓ જાણતી હોય છે.
એ ઉપરાંત પ્રેગ્નન્ટ થયા પહેલાં કોઈ સ્ત્રીની પિરિયડ સાઇકલ નોર્મલ ન હોય તો પણ ગર્ભ રહી શકે છે.
ડૉ. વેનેસા મૈકેએ કહ્યું હતું, "આવા કિસ્સામાં કોઈ સ્ત્રીનું પ્રેગ્નન્સી પહેલાંનું વજન પણ મુખ્ય ભૂમિકા ભજવતું હોય છે."
તમે આ વાંચ્યું કે નહીં?
"કોઈ સ્ત્રી દુબળી-પાતળી હોય તો તેમને જન્મનારું બાળક પણ દુબળું-પાતળું અને નાનકડું હોઈ શકે છે."
"કોઈ સ્ત્રી બહુ જ સ્વસ્થ અને વજનદાર હોય તો પણ પોતે પ્રેગ્નન્ટ છે એ જાણવામાં તેને તકલીફ થઈ શકે છે."
"પેટની માંસપેશીઓની તાકાત પર પણ ઘણું નિર્ભર કરતું હોય છે. કોઈ સ્ત્રી પહેલીવાર પ્રેગ્નન્ટ થાય ત્યારે તેનો બેબી બમ્પ બહાર આવવામાં વધુ સમય લાગે છે, કારણ કે તેના પેટની માંસપેશીઓ પહેલીવાર ખેંચાતી હોય છે."
"મજબૂત માંસપેશીઓ ઘણીવાર અંતિમ સમય સુધી બેબી બમ્પ દેખાવા દેતી નથી."

ઇન્સ્ટાગ્રામ સ્ટારની વાત

ઇમેજ સ્રોત, Instagram
ઇન્સ્ટાગ્રામની સ્ટાર સારાહ સ્ટેજ યાદ હશે તો આ વાત પર વિશ્વાસ કરવામાં તમને જાજો સમય નહીં લાગે.
સારાહે તેમની પ્રેગ્નન્સીના સમયના અનેક ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા, પણ એ પૈકીના મોટાભાગના ફોટોગ્રાફ્સમાં સારાહનું પેટ એકદમ સપાટ હતું.
ડૉ. વેનેસા મૈકેના જણાવ્યા મુજબ, પોતે પ્રેગ્નન્ટ છે એ વાતની કોઈ સ્ત્રીને છેલ્લે સુધી ખબર ન પડી હોય તેવા કિસ્સાઓ જૂજ હોય છે.
એક અભ્યાસના તારણ અનુસાર, કોઈ સ્ત્રીને તેની પ્રેગ્નન્સીની ખબર ન પડી હોય તેવા કિસ્સાનું પ્રમાણ લગભગ સાડા સાત હજારમાં એકનું હોય છે.
જોકે, કેટલાક કિસ્સામાં તેનું કારણ ભાવુકતા પણ હોઈ શકે છે. ઘણીવાર એવું બને છે કે પોતે પ્રેગ્નન્ટ છે એ વાતની સ્ત્રીને ખબર હોય છે, પણ તેનો સ્વીકાર કરતાં એ ડરતી હોય છે.
એ સ્ત્રીઓને એવું લાગતું હોય છે કે આમ કરવાથી તેઓ પ્રેગ્નન્સી સંબંધી મુશ્કેલીઓને નજરઅંદાજ કરી શકશે. અલબત, આવું કરવું કોઈ પણ રીતે યોગ્ય નથી.
લેબર રૂમમાં અચાનક એડમિટ થવું કોઈ પણ સ્ત્રી માટે જેટલું આશ્ચર્યજનક હોય છે એટલું જ તેના પરિવારજનો અને દોસ્તો માટે પણ હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












