You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મલેશિયામાં ‘ફેક ન્યૂઝ’ બદલ 10 વર્ષ સુધીની સજાની દરખાસ્ત
'ફેક ન્યૂઝ' ના દૂષણનો સામનો કરવા મલેશિયા સરકારે નવો કાયદો ઘડવાની દરખાસ્ત રજૂ કરી છે, જેમાં 'ફેક ન્યૂઝ' ફેલાવનારાઓને દસ વર્ષ સુધીની જેલસજાની જોગવાઈ હશે.
આ ફેક ન્યૂઝ વિરોધી ખરડા અનુસાર, ખોટા સમાચાર ફેલાવવા બદલ દોષી પૂરવાર થનારા લોકોને કારાવાસની સજા કરવામાં આવશે અથવા 1.28 લાખ ડોલર એટલે કે અંદાજે 83 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બન્ને સજા કરવામાં આવશે.
મલેશિયામાં થોડા સપ્તાહોમાં રાષ્ટ્રીય ચૂંટણી યોજાવાની છે. એ પહેલાં સોમવારે આ ખરડો સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો.
ભિન્નમતને દબાવી દેવા માટે સત્તાવાળાએ ફેક ન્યૂઝ વિરોધી ખરડો રજૂ કર્યો હોવાનો આક્ષેપ આ ખરડાના વિરોધીઓએ કર્યો હતો.
આ ખરડામાં જણાવ્યા અનુસાર, 'સદંતર કે આંશિક રીતે ખોટા હોય તેવા સમાચાર, માહિતી, આંકડા અને અહેવાલો'ને 'ફેક ન્યૂઝ' ગણવામાં આવશે.
'જાણે-અજાણે ફેક ન્યૂઝનું કે ફેક ન્યૂઝ ધરાવતી સામગ્રીનું સર્જન, પ્રકાશન, છાપકામ, વિતરણ કે ફેલાવો કરશે' એ વ્યક્તિને ગુનેગાર ગણવામાં આવશે.
બ્લૉગ્ઝ, જાહેર મંચો અને સોશિયલ મીડિયાને પણ આ ખરડા હેઠળ આવરી લેવામાં આવ્યાં છે.
મલેશિયામાં રહેતા હોય કે બહારના દેશના હોય એ તમામ લોકોને મલેશિયાને સંબંધી 'ફેક ન્યૂઝ'નો આ સૂચિત કાયદો લાગુ પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેનો અર્થ એવો થયો કે ટેક્નિકલી પરદેશીઓને પણ સૂચિત કાયદા હેઠળ સજા કરી શકાશે.
સાચા કે ખોટા?
આ ખરડાને સામાન્ય ચૂંટણી પહેલાં વિરોધપક્ષનો અવાજ બંધ કરવાનો પ્રયાસ ગણાવવામાં આવી રહ્યો છે.
સામાન્ય ચૂંટણી ઓગસ્ટ સુધીમાં યોજવાની છે, પણ એ આગામી કેટલાંક સપ્તાહમાં જ યોજાશે તેવું માનવામાં આવે છે.
મલેશિયાના માનવાધિકાર જૂથ લોયર્સ ફૉર લિબર્ટીની સહસ્થાપક એરિક પોલ્સને બીબીસીને કહ્યું હતું, "ભિન્નમતનું ગળું ઘોંટવા માટે જ આ ખરડો રજૂ કરવામાં આવ્યો છે.
"સજા અત્યંત આકરી છે અને ફેક ન્યૂઝ કોને કહેવાય તેની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી.
"સરકાર ચૂંટણી પહેલાં આ કાયદો બનાવવા તલપાપડ છે. આ ખરડો પસાર થઈ જવાની શક્યતા પણ છે."
તેમણે ઉમેર્યું હતું કે વનએમબીડી એટલે કે મલેશિયાના સરકારી વિકાસ ભંડોળ કૌભાંડ વિશેના સમાચારો જેવી સ્ટોરીઓના રિપોર્ટિંગ પર આ ખરડાની માઠી અસર થશે.
આ ભંડોળમાં લાખો ડોલરની ગોબાચારી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.
શું છે વનએમબીડી?
વોલ સ્ટ્રીટ જર્નલ અખબારે 2015માં આ કૌભાંડ સંબંધે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો.
તે મુજબ આ ભંડોળમાંથી આશરે 70 કરોડ ડોલર મલેશિયાના વડાપ્રધાન નજીબ રઝાકના વ્યક્તિગત બૅન્ક અકાઉન્ટમાં કથિત રીતે જમા કરાવવામાં આવ્યા હતા.
વનએમબીડીમાંથી પોતાને કોઈ નાણાં મળ્યા હોવાનો નજીબ રઝાકે ઇન્કાર કર્યો હતો.
મલયેશિયાના એક પ્રધાને થોડા દિવસ પહેલાં જણાવ્યું હતું કે વનએમબીડી જે સમાચારને સરકાર સમર્થન નહીં આપે એ સમાચાર ખોટા ગણાશે.
એરિક પોલ્સને કહ્યું હતું, "જો સરકારનો આ માપદંડ હોય તો સાચા-ખોટાનો નિર્ણય માત્ર સરકાર કરે એવી પરિસ્થિતિ પણ સર્જાશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો