બ્રિટનના 23 રાજદૂતોની રશિયા દ્વારા 'હકાલપટ્ટી'

લૌરી બ્રિસ્ટોને

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, રશિયામાં બ્રિટનના રાજદૂત, લૌરી બ્રિસ્ટોને રશિયાના વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા

બ્રિટનમાં રશિયાના પૂર્વ જાસૂસ અને તેમની પુત્રી પર જીવલેણ હુમલા મુદ્દે બંને રાષ્ટ્રો વચ્ચે વિવાદ વકરી રહ્યો છે.

વળતાં પગલાં લેતાં રશિયાએ બ્રિટનનાં 23 રાજદૂતોને દેશમાંથી નીકળી જવા જણાવ્યું છે.

રશિયાના વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે, બ્રિટનની ઍમ્બેસીના સ્ટાફને એક અઠવાડિયામાં નીકળી જવા માટે કહેવામાં આવશે.

તમને આ પણ વાંચવું ગમશે

ઉપરાંત રશિયા અને બ્રિટન વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત બ્રિટિશ કાઉન્સિલ તથા સેન્ટ પિટ્સબર્ગ ખાતેનું બ્રિટિશ કૉન્સ્યુલેટ બંધ કરી દેવામાં આવશે.

આ પહેલા બ્રિટને ત્યાં ફરજ બજાવતા રશિયાના 23 કૂટનીતિજ્ઞોને દેશમાંથી નીકળી જવા નિર્દેશ આપ્યા છે.

રશિયાના જાસૂસની મોતની તપાસ

ઇમેજ સ્રોત, Getty Images

રશિયાના પૂર્વ જાસૂસ સર્ગેઈ સ્ક્રિપલ (ઉં.વ.66) તથા તેમના પુત્રી યૂલિયા સ્ક્રિપલ (ઉં.વ.33)ની ઉપર બ્રિટનના વિલ્ટશાયર માં ઝેરી ગેસથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે બંને બેભાન થઈ ગયાં હતાં.

બ્રિટનની સરકારનું કહેવું છે કે, રશિયા દ્વારા વિકસાવવામાં આવેલાં 'નૉવિચૉક' પ્રકારના ઝેરી ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બ્રિટનનાં વડાંપ્રધાન થેરેસા મે પણ રશિયાને 'જવાબદાર' ઠેરવી ચૂક્યા છે.

શુક્રવારે વિદેશ પ્રધાન બૉરિસ જૉન્સનના કહેવા પ્રમાણે, 'ભારે શક્યતા' છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઝેરી ગેસ હુમલાના આદેશ આપ્યા હોય.

શનિવારે રશિયાના વિદેશ મંત્રાલયે ત્યાં તહેનાત બ્રિટનના રાજદૂત દોરી બ્રિસ્ટોને સમન્સ પાઠવીને, બ્રિટનનાં નિયંત્રણો મુદ્દે રશિયાનો જવાબ સોંપ્યો હતો.

રશિયાના જાસૂસની મોતની તપાસ

ઇમેજ સ્રોત, Getty Images

વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું, બ્રિટનના રાજદૂતોને 'અનિચ્છનિય વ્યક્તિઓ' જાહેર કરશે. સાથે જ ઉમેર્યું હતું કે, જો કોઈ પગલાં લેવામાં આવે તો વળતા પગલા લેવાનો અધિકાર અબાધિત રાખે છે.

બેઠક બાદ બ્રિટન રાજદૂતે જણાવ્યું હતું કે, બ્રિટનને રશિયાની જનતા સાથે કોઈ વાંધો નથી, પરંતુ 'ખુદને બચાવવા શક્ય તમામ પગલાં લઈશું.'

મૉસ્કો ખાતે બીબીસીના સંવાદદાતા સારાહ રેઇન્સફોર્ડના કહેવા પ્રમાણે, બ્રિટને લીધેલાં પગલાં કરતાં રશિયાનાં પગલાં વધુ આકરાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો