ગ્રાઉન્ડ રિપોર્ટ: શ્રીલંકામાં સિંહાલા પાડોશીઓએ મુસ્લિમોને બચાવ્યા

- લેેખક, મુરલીધરન કાસી વિશ્વનાથન
- પદ, બીબીસી સંવાદદાતા
શ્રીલંકામાં તાજેતરમાં મુસ્લિમો અને સિંહાલા જૂથો વચ્ચે તાજેતરમાં કોમી અથડામણો થઈ હતી.
એક તરફ કોમી અથડામણો અને હિંસા ફાટી નીકળવાના અહેવાલો છે.
તો બીજી તરફ લોકો તેમના પાડોશીઓને હુમલાઓ સામે રક્ષણ આપી રહ્યા છે અને બૌદ્ધ સાધુઓ શાંતિની અપીલ કરી રહ્યા હોવાના ઉદાહરણો પણ બહાર આવી રહ્યા છે.

'પાડોશી હોય છે શા માટે?'

પાંચમી માર્ચે બનેલી ઘટનાઓ બાબતે 76 વર્ષના મોહમ્મદ થાયુપે કહ્યું, "બપોરે અઢી-પોણા ત્રણ વાગ્યાની આસપાસ અથડામણ શરૂ થઈ હતી."
"તેમણે ખાસ કરીને મુસ્લિમોના ઘરો પર હુમલા શરૂ કર્યા હતા. તેમાં મારું ઘર પણ એક હતું."
મોહમ્મદ થાયુપની દુકાન શ્રીલંકાના કેન્ડી જિલ્લાના ડિગાનાના પાલ્લેકાલ્લા વિસ્તારમાં આવેલી છે.
તેમની દુકાન હાથમાં લાઠીઓ અને તૂટેલા કાચ લઈને નીકળેલા ટોળાના આક્રમણનો ભોગ બની હતી.

આવું અગાઉ ક્યારેય થયું નથી

મોહમ્મદ થાયુપના પરિવારમાં 11 સભ્યો છે અને તેમનું ગુજરાન આ દુકાનમાંથી થતી આવક તેમજ ડ્રાઈવર તરીકે કામ કરતા તેમના દીકરાને મળતા પગારમાંથી ચાલે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોહમ્મદ થાયુપે કહ્યું હતું, "હું અહીં 36 વર્ષથી રહું છું. આવું અગાઉ ક્યારેય થયું નથી. સ્થાનિક સિંહાલા લોકોની મદદ વિના આવું કંઈ પણ કરવું શક્ય નથી."
"તેનું કારણ એ છે કે મારા દુકાનની બાજુમાં જ આવેલી સિંહાલા વ્યક્તિની દુકાન પર હુમલો કરવામાં આવ્યો ન હતો, પણ એ દુકાનની બાજુમાંની એક અન્ય મુસ્લિમની દુકાનને નિશાન બનાવવામાં આવી હતી."

ઘરો તથા દુકાનો પર હુમલા

મોહમ્મદ થાયુપે ઉમેર્યું હતું, "હુમલાનું નિશાન મુસ્લિમોના ઘરો તથા દુકાનો હતાં. તેથી અમે ભયભીત હતા અને ઘરમાં જ ભરાઈ રહ્યાં હતાં."
"ઘરની બહાર નીકળતાં અમને હજુ પણ ડર લાગે છે, પણ અમારા પાડોશી નિમલ સમરસિંગાએ મારા પરિવારને તેમના ઘરમાં રહેવા બોલાવ્યો હતો."
"અમારા પરિવારમાં 11 લોકો હોવાથી હું ખચકાતો હતો, તેમ છતાં તેમણે આગ્રહ છોડ્યો ન હતો."
તમને આ પણ વાંચવું ગમશે
સાંજે સાત વાગ્યા પછી મોહમ્મદ થાયુપના ઘર પર પથ્થરમારો શરૂ થયો હતો. તેમનો પરિવાર આખી રાત પાડોશીના ઘરમાં રહ્યો હતો.
મોહમ્મદ થાયુપે કહ્યું, "હુમલાખોરોએ અમને મારી નાખ્યા હોત એમ હું નથી કહેતો, પણ અમે ભયભીત હતાં ત્યારે પાડોશીએ અમને મદદ કરી હતી."

જિંદગી ફરી કઈ રીતે શરૂ થશે?

ટેલિવિઝન મિકેનિક તરીકે કામ કરતા નિમલ સમરસિંગાએ કહ્યું હતું, "સામાન્ય રીતે સિંહાલા લોકોને કોઈની સાથે કંઈ તકલીફ હોતી નથી. હુમલાખોરો સ્થાનિક લોકો હતા એવું હું નથી માનતો."
નિમલ સમરસિંગાએ કહ્યું, "અમે આવી વાતોને બહુ મહત્ત્વ આપતા નથી. મુશ્કેલીના સમયમાં અન્યોને મદદ ન કરી શકીએ તો પાડોશી હોવાનો શો અર્થ?"
હુમલામાં નાશ પામેલી દુકાનમાં મોહમ્મદ થાયુપે ફરીથી કામ શરૂ કર્યું નથી. બધું જેમનું તેમ, વેરવિખેર પડ્યું છે.
મોહમ્મદ થાયુપે કહ્યું હતું, "દુકાન સાફ કરવા જે મજૂરો આવશે તેમને મારે બે હજાર રૂપિયા ચૂકવવા પડશે. મારી પાસે એક પૈસો પણ નથી. જિંદગી ફરી કઈ રીતે શરૂ થશે તેની મને કંઈ ખબર નથી."
બૌદ્ધ સાધુનું સમયસરનું પગલું

ડિગાના હિજિરા સ્થિત શ્રી હિન્દુસારા વિહારાઈ મઠના સાધુ કરડીકલા સંથવિમલા થેરારે હુમલાઓ વિશે કહ્યું હતું, "આ સારી બાબત નથી. બૌધ્ધ ધર્મ આપણને હંમેશા શાંતિનો બોધ આપે છે."
ઉશ્કેરાયેલા અને શસ્ત્રધારી લોકો હિજિરામાં એકઠા થતા હતા ત્યારે કરડીકલા સંથવિમલા થેરારે સ્વયંસ્ફૂર્ત પગલાં લઈને તેમના મઠની આસપાસ રહેતા સંખ્યાબંધ મુસ્લિમોને બચાવ્યા હતા.
કરડીકલા સંથવિમલા થેરારે કહ્યું હતું, "હિજિરા સિટી, અમ્બાહાલન્થા અને કુમ્બુક્કાનંદુરા વિસ્તારોમાં આશરે પાંચ હજાર મુસ્લિમ પરિવારો રહે છે."
"હુમલા શરૂ થયા કે તરત હું મઠમાં પહોંચી ગયો હતો અને સિંહાલા લોકોને એકઠા કરવાનું શરૂ કર્યું હતું."
તેમણે સિંહાલા લોકોને એકઠા કરીને તેમને મુસ્લિમોની રક્ષા કરવા જણાવ્યું હતું. તામિલોએ મુસ્લિમોનું ચાર દિવસ સુધી રક્ષણ કર્યું હોવાનું તેમણે બીબીસીને જણાવ્યું હતું.
કથિત હુમલાખોરો વિશે પોતે કંઈ પણ ન જાણતા હોવાનો દાવો તેમણે કર્યો છે.


તેમની માફક કેટલાક અન્ય બૌદ્ધ સાધુઓએ પણ પાડોશમાંના મુસ્લિમોને રક્ષણ આપ્યું હતું.
કેન્ડી જિલ્લામાં કરવામાં આવેલા હુમલાઓમાં 150થી વધારે દુકાનો, ધાર્મિક સ્થળો અને ઘરોને આગ ચાંપવામાં આવી હતી.
આ હુમલાઓ સંબંધે 150થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમ છતાં તેમના વિશેની કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
ટેલ્ડેનિયા વિસ્તારમાં 20 ફેબ્રુઆરીએ થયેલા એક માર્ગ અકસ્માતમાં ચાર મુસ્લિમોએ એક ડ્રાઈવરને માર માર્યો હતો.
એ ડ્રાઈવર સિંહાલા કોમનો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.
આ ઘટનાને પગલે ડિગાનામાં અથડામણ થઈ હતી, કારણ કે ઉપરોક્ત ઘટનામાં સંડોવાયેલો એક મુસ્લિમ ડિગાનાનો રહેવાસી હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














