ડોનાલ્ડ ટ્રમ્પ કેમ સ્કૂલમાં શિક્ષકોને બંદૂકધારી બનાવવા માગે છે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંદૂકો દ્વારા થતી હિંસા પર વ્હાઇટ હાઉસમાં આયોજિત એક કાર્યક્રમમાં સ્કૂલોની પાસે ગન ફ્રી ઝોન સમાપ્ત કરવાની વાત કરી છે.

ટ્રમ્પે સ્કૂલોના શિક્ષકોને ગન આપવાની વાતનું સમર્થન કર્યું છે.

તેમણે કહ્યું, "હથિયારધારી શિક્ષક સ્કૂલમાં થતા આવા હુમલાઓને રોકી શકે છે."

ગયા અઠવાડિયે ફ્લોરિડાની સ્કૂલમાં થયેલા ગોળીબાર બાદ આવા હુમલાઓ ફરી ના થાય તે સુનિશ્વિત કરવાની જ્યારે અપીલ કરવામાં આવી રહી છે એ સમયે ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે.

અમેરિકન રાષ્ટ્રપતિએ બંદૂક ખરીદનારની પૃષ્ઠભૂમિ અંગે વ્યવસ્થિત તપાસ કરવાની વાતને પણ સમર્થન આપ્યું છે.

ટ્રમ્પે શું કહ્યું?

ટ્રમ્પે આયોજીત કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓને જણાવ્યું, "અમે બંદૂક ખરીદવા આવનાર વ્યક્તિ અંગે સંપૂર્ણ તપાસ કરીશું અને લોકોના માનસિક સ્વાસ્થ્ય પર ભાર આપીશું."

આ કાર્યક્રમને ટીવી પર પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

"હવે પહેલાંની જેમ માત્ર વાતો જ નહીં થાય. આ ઘણા સમયથી ચાલ્યું આવે છે, આવી અનેક ઘટનાઓ બની છે. હવે અમે તેને ખત્મ કરીશું."

ટ્રમ્પે એ પ્રસ્તાવનું પણ સર્મથન કર્યું જેનો પ્રચાર ગન લૉબી સમૂહ નેશનલ રાઇફલ એસોસિયેશન કરતું આવ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સ્કૂલના શિક્ષકોને અને અન્ય સ્ટાફને પણ હથિયાર આપવાની માગનું ભારપૂર્વક સમર્થન કર્યું. તેમણે કહ્યું, "કોઈ એવો શિક્ષક છે કે જે હથિયાર ચલાવવામાં પાવરધો છે તો તે હુમલાને તરત રોકી શકે છે."

ટ્રમ્પે સ્કૂલની આસપાસ ગન ફ્રી ઝોનની આલોચના પણ કરી હતી.

બીજી તરફ ફ્લોરિડા ગોળીબારમાં બચી ગયેલા લોકોએ રાજ્યની રાજધાનીમાં જનપ્રતિનિધિઓને અસૉલ્ટ રાઇફલના વેચાણ પર નિયંત્રણ મૂકવાની વાત કહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો