ઓસ્ટ્રેલિયા ચર્ચના જાતીય શોષણનો ભોગ બનેલા લોકોની માફી માગશે

ઓસ્ટ્રેલિયાની સંસદમાં વડાપ્રધાન માલ્કોમ ટર્નબુલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઓસ્ટ્રેલિયાની સંસદમાં વડાપ્રધાન માલ્કોમ ટર્નબુલનું નિવેદન

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન માલ્કોમ ટર્નબુલે જણાવ્યું છે કે તે બાળ જાતીય શોષણના ભોગ બનેલા લોકોની રાષ્ટ્ર વતી માફી માંગશે.

ચાર વર્ષ લાંબી તપાસને અંતે મળેલાં તથ્યોને આધારે જાણવા મળ્યું હતું કે, હજારો બાળકોનું ઓસ્ટ્રેલિયાની વિવિધ સંસ્થાઓમાં જાતીય શોષણ થયું હતું.

દાયકાઓ સુધી ચાલેલી આ ગુનાહિત પ્રવૃત્તિમાં ચર્ચો, શાળાઓ અને સ્પોર્ટ્સ ક્લબ્સ જેવી સંસ્થાઓ સામેલ હતી.

ટર્નબુલે જણાવ્યું હતું કે આ વર્ષે થોડા સમય બાદ માફી માંગવામાં આવશે.

તમને આ વાંચવું પણ ગમશે:

તેમણે ગુરુવારે ઓસ્ટ્રેલિયાની સંસદમાં જણાવ્યું, "એક રાષ્ટ્ર તરીકે આપણે આ ઘટનાને એવા સ્વરૂપમાં દર્શાવવી જોઈએ જેમાં આ શોષણનો ભોગ બનેલાં લોકો પ્રત્યે આપણી શુભેચ્છાઓ પ્રતિબિંબિત થાય. તેઓ એક બાળક તરીકે જે ગરીમા અને સંમાનના હકદાર હતાં તેનાથી એ લોકોએ તેમને વંચિત રાખ્યાં હતાં જેમને એ બાળકોની સંભાળ રાખવાની જવાબદારી અપાઈ હતી."

બાળપણમાં જાતીય શોષણનો ભોગ બનેલી વ્યક્તિએ લખેલી નોંધની તસવીર

ઇમેજ સ્રોત, Royal Commission

ઇમેજ કૅપ્શન, બાળપણમાં જાતીય શોષણનો ભોગ બનેલી વ્યક્તિએ લખેલી નોંધ

રોયલ કમિશન દ્વારા થયેલી તપાસ ડિસેમ્બરમાં પૂરી થઈ હતી. આ કમિશને 400 કરતાં વધુ સૂચનો કર્યાં છે, જેમાં કેથોલિક ચર્ચને તેમના બ્રહ્મચર્યના નિયમો બદલવાનું પણ સૂચન છે.

તપાસમાં કહેવામાં આવ્યું છે કે, "આ કિસ્સો કેટલાંક લોકો જ ખરાબ હોવાનો નથી. સમાજની મોટી સંસ્થાઓ ગંભીર રીતે નિષ્ફળ ગઈ છે."

ટર્નબુલે જણાવ્યું હતું કે તેમની સરકાર જે લોકો તેમના બાળપણમાં આ શોષણનો ભોગ બન્યા હતાં તેમનો સંપર્ક કરશે અને રાષ્ટ્રીય માફીમાં તેઓ કઈ બાબતોનો સમાવેશ કરવા ઇચ્છે છે તેની માહિતી મેળવવામાં આવશે.

તેમણે રાજ્ય સરકારો અને સંસ્થાઓને શોષણનો ભોગ બનેલાં લોકો માટેની રાહત યોજનામાં ભાગ લેવાનો અનુરોધ કર્યો છે.

તેમણે કહ્યું, "આપણા પર ભોગ બનેલા લોકોનું ઋણ છે, અને આ તકને આપણે વેડફવી ન જોઈએ."

ઓસ્ટ્રેલિયન સરકારે 30 મિલિયન ઓસ્ટ્રેલિયન ડૉલર્સ (ભારતીય ચલણ પ્રમાણે 1.5 રૂપિયા)ની સહાય આ શોષણનો ભોગ બનેલા લોકો માટેની રાહત યોજના માટે ફાળવ્યા છે. જેમાં શોષિતોને વ્યક્તિ દીઠ દોઢ લાખ ઓસ્ટ્રેલિયન ડૉલર્સ (1.33 કરોડ રૂપિયા) સુધીની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત તેમને કાઉન્સેલિંગ અને અન્ય સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે.

આ તપાસ પંચે ભોગ બનેલાં 8 હજાર કરતાં વધું લોકોને સાંભળ્યા હતા, પરંતુ ભોગ બનેલાઓનો સાચો આંકડો ક્યારેય જાણવા નહીં મળે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો