પ્રેસ રિવ્યૂ: દિલ્હીની સરકારી સ્કૂલ્સમાં 'હેપ્પીનેસ'ને અભ્યાસક્રમમાં સમાવાશે

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સ્પ્રેસમાં પ્રકાશિત થયેલા એક સમાચાર અનુસાર દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનિષ સિસોદિયાએ જણાવ્યું છે કે, આગામી શૈક્ષણિક સત્રથી દિલ્હીની સરકારી શાળાઓમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને 'હેપ્પીનેસ કરિક્યુલમ' ભણાવવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અભ્યાસક્રમનો નર્સરીથી ધોરણ 8 સુધીના વર્ગોમાં સમાવેશ કરવામાં આવશે અને તેને દરરોજ ભણાવવામાં આવશે.
આ જાહેરાત કરતા સિસોદિયાએ કહ્યું હતું કે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવાનો હોય છે અને આ પગલાંથી તેઓ એ દિશામાં આગળ વધી રહ્યા છે.
ઇન્ડિયન એક્સ્પ્રેસના સમાચારમાં તેમને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે, છેલ્લાં ત્રણ વર્ષોમાં દિલ્હીની શાળાઓમાં નોંધપાત્ર પરિવર્તન થયું છે.
જેમાં માત્ર શાળાઓની આંતરમાળખાકિય ક્ષમતાઓ અને સુવિધાઓ જ નહીં, પરંતુ વિવિધ આયોજનો દ્વારા શિક્ષણના પરિણામો સુધારવાના પણ ગંભીર પ્રયાસો થયા છે.
તમને આ વાંચવું પણ ગમશે:
શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ સમાજ માટે જરૂરી નૈતિકતા અને ઉપયોગીતાયુક્ત હોવું જોઈએ. જ્યારે આપણે આર્થિક સમાનતા લાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ, ત્યારે ખુશી (પ્રસન્નતા - હેપ્પીનેસ)ની સમાનતા માટે પણ પ્રયાસો કરવા જોઈએ.
આ સમગ્ર અભ્યાસક્રમ પ્રવૃત્તિ આધારિત હશે અને તે માટે કોઈ પરીક્ષા નહીં લેવાય. પરંતુ 'હેપ્પીનેસ ઇન્ડેક્સ'ને આધારે સમયાંતરે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે.

ઈસરો પણ પુનઃ ઉપયોગમાં લેવાય તેવું રોકેટ વિકસાવી રહ્યું છે

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન - ઇસરો) પણ છઠ્ઠી ફેબ્રુઆરીએ અમેરિકાથી ઈલોન મસ્કે પ્રક્ષેપિત કરેલા ફાલ્કન હેવી રોકેટની જેમ જ, ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા રોકેટના ભાગ વિકસાવી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર અનુસાર ઇસરોના ચેરમેન ડૉ. કે. સિવાને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે ઇસરોનો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગ પણ ત્રણ પ્રકારની ટેક્નોલૉજી વિકસાવવામાં કાર્યરત છે.
જેમાં રોકેટને ભ્રમણકક્ષામાં પ્રવેશ, હવાઈ પટ્ટી પર ઉતારીને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા રોકેટ્સ અને રોકેટ્સમાં ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા ભાગોની ટેક્નોલૉજીનો સમાવેશ થાય છે.
અમે બીજી ટેક્નોલોજીનું પ્રદર્શન આગામી બે વર્ષમાં પ્રયોગાત્મક રીતે કરી શકિશું.
તેમને એમ કહેતા પણ ટાંકવામાં આવ્યા છે કે, ઈસરોની પ્રાથમિકતા 'ફેટ બોય' તરીકે ઓળખાતા રોકેટ જીએસએલવી એમકે-3ની વહન ક્ષમતા 4 ટનથી વધારીને 6.5 ટન કરવાની છે.
તેનો મુખ્ય હેતું ઉપગ્રહોના પ્રક્ષેપણ માટે વપરાતા રોકેટ્સમાં થતો ખર્ચ ઘટાડવાનો છે.

જીતેન્દ્ર પર જાતીય શોષણનો આક્ષેપ

ઇમેજ સ્રોત, Getty Images
વીતેના જમાનાના ડાન્સિંગ સ્ટાર જીતેન્દ્ર પર તેમની જ સંબંધી મહિલાએ 50 વર્ષ પહેલાં જીતેન્દ્રએ શિમલામાં તેમનું કથિત જાતીય શોષણ કર્યું હોવાની ફરિયાદ કરી છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત સમાચાર અનુસાર હિમાચલ પ્રદેશની પોલીસે બુધવારે એ બાબતની પુષ્ટિ કરી હતી કે તેમને આ મહિલા દ્વારા અભિનેતા જીતેન્દ્ર વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ મળી છે.
સમાચાર અનુસાર અભિનેતાના અસલી નામ રવિ કપૂરના નામે તેમના વિરુદ્ધ તેમની સંબંધી મહિલાએ આ ફરિયાદને ધ્યાનમાં લઈ પોલીસને ગુનો નોંધવાની અરજી, હિમાચલ પ્રદેશના ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસને મોકલી છે.
જોકે, અભિનેતાના વકીલ રિઝવાન સિદ્દિકીએ આ ફરિયાદ બેબુનિયાદ હોવાનો દાવો કર્યો છે. આ સમાચારમાં સિદ્દિકીને એમ કહેતાં ટાંકવામાં આવ્યા છે કે, તેમના અસીલે આ પ્રકારની કોઈ પણ ઘટના બની હોવાનો ઇન્કાર કર્યો છે. આમ છતાં કોઈ પણ કોર્ટ કે પોલીસ આવા આધાર વિહિન, વિચિત્ર અને બનાવટી દાવાઓને 50 વર્ષના સમય બાદ ધ્યાનમાં ન લઈ શકે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












