પેરિસમાં સૂર્યપ્રકાશની અછત પહેલેથી હવે પૂરનો પ્રકોપ

અત્યંત ઠંડા શિયાળા અને આ જાન્યુઆરીમાં સૂર્યપ્રકાશની તીવ્ર અછતની સમસ્યાથી ઝઝૂમી રહેલા પેરિસ પર હવે પૂરનો ભય તોળાઈ રહ્યો છે.

પેરિસમાંથી વહેતી નદી સેઇનના જળ સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે.

નદીના બન્ને કિનારે રહેલાં ઘર અને ઓફિસિસને હાઇ ઍલર્ટ પર રાખવામાં આવ્યા છે, કારણ કે, સેઇનમાં પૂર આવે તેવી શક્યતા છે.

ભારે વરસાદ બાદ નદીના વધેલા જળ સ્તરને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હોવાના પણ અહેવાલો છે.

આ સપ્તાહના અંત સુધીમાં સેઇન નદીમાં વહેતા પાણીના જથ્થામાં વધારો થશે તેવું પૂર્વાનુમાન છે.

જેને કારણે નદીના સામાન્ય જળ સ્તરમાં કેટલાક મીટરનો વધારો થશે.

જળ સ્તર સામાન્ય સપાટી કરતાં ઉપર

નદીકાંઠાની આસપાસનાં માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. પેરિસની જાણીતી ટુરિસ્ટ બોટ ક્રૂઝ સહિતનો બોટ ટ્રાફિક પણ ખોરવાઈ ગયો છે.

સામાન્ય રીતે આ નદીનું જળ સ્તર બે મીટર જેટલું રહે છે, પરંતુ તેમાં ચાર મીટર જેટલો વધારો થઈને તેનું વહેણ છ મીટર (19 ફૂટ, 6 ઇંચ)ની ઊંચાઈએ પહોંચે તેવી શક્યતા છે.

આલ્મા બ્રિજ પાસે આવેલું ઝૂએવ તરીકે ઓળખતું ક્રિમિયન સૈનિકનું સ્ટેચ્યુ લાંબા સમયથી નદીમાં પાણીના સ્તરનું પ્રમાણ જાણવાની એક નિશાની તરીકે ઉપયોગમાં લેવાય છે.

શુક્રવારે પાણી આ પૂતળાની જાંઘ સુધી પહોંચ્યું હતું. જોકે, 1910માં આવેલા પૂરમાં પાણીનું સ્તર પૂતળાની ડોક સુધી પહોંચ્યું હતું. એ સમયે પેરિસમાં બે મહિના સુધી પાણી ભરાયેલું રહ્યું હતું.

ટ્રેન સેવા પ્રભાવિત

શહેરની ટ્રેન સેવા આગામી સપ્તાહ સુધી સ્થગિત કરી દેવાઈ છે.

ખૂબ જાણીતા લુવ્ર મ્યુઝિયમમાં નીચેના ભાગમાં રહેલા ઇસ્લામિક આર્ટ્સ વિભાગને પણ બંધ કરી દેવાયો છે.

આવનજાવન માટે બોટનો ઉપયોગ

શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને રસ્તાને બદલે બોટ્સમાં ફરવું પડી રહ્યું છે.

બીબીસીના કેવિન કોનોલીએ પેરિસથી જણાવ્યું છે કે ભારે પાણીના કારણે ભૂગર્ભ ગટરોમાં છૂપાઈને રહેતા ઉંદરો બહાર નીકળીને ઉપદ્રવ ફેલાવી રહ્યા હોવાનું .

શહેરમાં સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં ઉંદરો જોવા મળી રહ્યા છે.

ફ્રાન્સની રાષ્ટ્રીય હવામાન સેવાના જણાવ્યા અનુસાર, છેલ્લાં ડિસેમ્બર-જાન્યુઆરીના સમયમાં ઇતિહાસમાં આટલો બધો વરસાદ માત્ર ત્રીજી વખત જ પડ્યો છે.

મોસમ પરિવર્તન

પેરિસના મેયર એન હિડાલ્ગોએ જણાવ્યું હતું કે, શહેરમાં પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહ્યો છે.

છેલ્લાં કેટલાંક સમયમાં ઊનાળામાં હિટવેવ અને પૂરની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

તેમના મતે આ સ્થિતિ અનુસાર 'શહેર સ્પષ્ટ રીતે મોસમ પરિવર્તન'નો સામનો કરી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે ઊંચું જળસ્તર આગામી સપ્તાહ સુધી જળવાઈ રહેશે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલું હોવાથી જળસ્તરમાં ધીમેધીમે ઘટાડો થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો