પ્રેસ રીવ્યુ : પ્રાંસલાની રાષ્ટ્રકથા શિબિરમાં આગ

ઇમેજ સ્રોત, AMOL RODE/BBC MARATHI
દિવ્યભાસ્કરની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ રાજકોટ જિલ્લામાં ઉપલેટાથી 30 કિલોમીટર દૂર આવેલા પ્રાંસલામાંસ્વામી ધર્મબંધુ દ્વારા યોજાયેલી રાષ્ટ્રકથા શિબિરમાં વિદ્યાર્થિનીઓના ટેન્ટમાં શુક્રવારની રાત્રે અચાનક આગ ભભૂકી ઊઠતાં ત્રણ શિબિરાર્થી કિશોરીઓ મૃત્યુ પામ્યાના અહેવાલ છે. આ આગ શોટસર્કિટના કારણે લાગી હોવાનું કહેવાય છે.
અન્ય 15 શિબિરાર્થી કિશોરીઓ દાઝી જતાં તેમને નજીકની ધોરાજી, પોરબંદર અને ઉપલેટાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે.
આગમાં 50 ટેન્ટ સળગીને ખાખ થઈ ગયાના પણ અહેવાલ છે.
બનાવની જાણ થતાં જ રાજકોટના કલેક્ટર વિક્રાંત પાંડે અને જિલ્લા પોલીસ વડા અંતરીપ સુદ પણ મોડી રાતે પ્રાંસલા પહોંચ્યા હતા.
તમને આ પણ વાંચવું ગમશે
મોડી રાત્રેના જ્યાં વિદ્યાર્થિનીઓ ઊંઘી ગઈ હતી ત્યાં જ આગ લાગી હતી.
આગ પર કાબૂ મેળવવા માટે ધોરાજી, ઉપલેટા ઉપરાંત પોરબંદરથી ફાયર ફાઇટર્સ બોલાવવામાં આવ્યા હતા.
રાત્રિના 1:30 કલાકે આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયાનું જણાવાઈ રહ્યું છે.
આર્મી, એનડીઆરએફ અને નેવીના જવાનોએ શિબિર સ્થળ આસપાસ સર્ચ ઓપરેશન કરીને કિશોરીઓને સલામત સ્થળે ખસેડી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, AFP
કલેક્ટર વિક્રાંત પાંડેના જણાવ્યા મુજબ, કિશોરીઓમાંથી ડર દૂર કરવા મોડી રાત્રે જ આર્મીના અધિકારીઓએ કાઉન્સેલિંગ કર્યું હતું અને ડર દૂર કરવાની કોશિશ કરી હતી.
આગને કારણે દાઝી ગયેલી કિશોરીઓ અને અન્ય ઇજાગ્રસ્ત કિશોરીઓને હોસ્પિટલે પહોંચાડવા માટે 108 સહિત 40 જેટલી એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
પ્રાંસલામાં વર્ષોથી આ મૌસમ દરમ્યાન રાષ્ટ્રકથા શિબિરનું આયોજન થાય છે.
આ વખતે 10 હજારથી વધુ શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો.

ઇમેજ સ્રોત, AFP
સમગ્ર દિવસ દરમ્યાન અલગ-અલગ સ્પર્ધાઓ અને કાર્યક્રમોમાં શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો.
મોટાભાગના શિબિરાર્થીઓ ભોજન કર્યા બાદ આરામ કરી રહ્યા હતા.
ત્યારે કિશોરીઓ જે વિભાગમાં ટેન્ટમાં હતી ત્યાં આગ લાગી હતી.
પ્રાંસલામાં રાષ્ટ્રકથા શિબિર શરૂ થાય તેના થોડા દિવસો પહેલાં જ આર્મી અને નેવીના જવાનો પ્રાંસલા આવી પહોંચે છે.

ઇમેજ સ્રોત, AFP
ગત શુક્રવારથી શિબિર શરૂ થઈ ત્યારથી જ આર્મીના જવાનો ઉપસ્થિત હતા.
શુક્રવારે રાત્રે આગ લાગી તેની સાથે જ આર્મીના જવાનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાની કામગીરી કરી હતી.
તેમણે જે વિદ્યાર્થિનીઓ આગમાં ફસાઈ હતી તેમને બચાવીને સલામત સ્થળે પહોંચાડી હતી.
એવું પણ જણાવાઈ રહ્યું છે કે આ જવાનોને કારણે જ આગ પર ઝડપથી કાબૂ મેળવી લેવાયો હતો અને વધારે જાનહાની થતાં અટકી હતી.

પાસપોર્ટનો ઉપયોગ હવે રેસિડેન્સ પ્રુફ તરીકે નહી થઈ શકે

ઇમેજ સ્રોત, Getty Images
એનડીટીવી વેબસાઈટ પર પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ભારતીય પાસપોર્ટ હવેથી 'પ્રુફ ઓફ રેસિડેન્સ' તરીકે ઉપયોગમાં નહીં લઈ શકાય.
અહેવાલ મુજબ ભારતીય વિદેશ મંત્રાલય બહુ જલ્દી પાસપોર્ટના છેલ્લા પૃષ્ઠને (પેજ / પાનાને) છાપવાનું બંધ કરવાની વિચારણા કરી રહ્યું છે.
પાસપોર્ટના છેલ્લા પૃષ્ઠ પર પાસપોર્ટ ધારકનું એડ્રેસ, પિતાનું નામ, માતા અથવા પત્નીનું નામ છાપવામાં આવતું હોય છે.
અહેવાલ મુજબ નવા બનનારા પાસપોર્ટમાં ઉપરોક્ત વિગતો ઉપલબ્ધ દર્શાવતું છેલ્લું પૃષ્ઠ છાપવામાં નહીં આવે.

ઇમેજ સ્રોત, Getty Images
અહેવાલ મુજબ જે લોકો અવાર-નવાર વિદેશ પ્રવાસે જતા હોય છે તેમના પાસપોર્ટ ઓરેંજ (નારંગી) રંગના બનાવવામાં આવશે.
અવાર-નવાર વિદેશ જનારા લોકોના પાસપોર્ટનો રંગ નારંગી કરવા પાછળનો હેતુ તેમની ઇમિગ્રેશન પ્રક્રિયા ઝડપી થઈ શકે તેવો છે.
નવા અપાનારા પાસપોર્ટમાં ઇમિગ્રેશન સ્ટેટસનો ઉલ્લેખ પણ કરવામાં નહીં આવે.
ઇમિગ્રેશન સ્ટેટસની પાસપોર્ટ ધારકની વિગતો કોમ્પ્યુટર સિસ્ટમમાં સંગ્રહ કરવામાં આવશે, તેવું અહેવાલમાં જણાવાયું છે.

ઇમેજ સ્રોત, Getty Images
નાગરિકોની ઓળખના રક્ષણ હેતુથી નારી અને બાળ મંત્રાલયે આપેલા તેમના અહેવાલ આધારિત આ નિર્ણય લેવામાં આવી રહ્યાનું અહેવાલમાં લખાયું છે.
હાલમાં ભારતમાં ત્રણ રંગના પાસપોર્ટ આપવામાં આવે છે.
સરકારી અમલદારો માટે સફેદ રંગનો પાસપોર્ટ, રાજદ્વારીઓ (ડિપ્લોમેટ્સ) માટે લાલ રંગનો પાસપોર્ટ અને અન્ય ભારતીય નાગરિકો માટે બ્લુ રંગનો પાસપોર્ટ આપવામાં આવે છે.
નવા અપાનારા પાસપોર્ટ નાસિક ખાતેના સિક્યુરિટી પ્રેસમાં બનાવવામાં આવશે અને હાલના પાસપોર્ટની અવધી પુરી થયે નવા પાસપોર્ટ નાગરિકોને આપવામાં આવશે.

ત્રણ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ ક્રૂડ ઓઇલના ભાવ તૂટયા

ઇમેજ સ્રોત, AFP
ત્રણ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ શુક્રવારે ક્રૂડ ઓઇલના ભાવ પાછા તૂટયાનું ધ હિન્દૂના અહેવાલમાં જણાવાયું છે.
ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 70 ડોલર (અંદાજિત 4,452.70 ભારતીય રૂપિયા મૂલ્ય બરાબર) પ્રતિ બેરલ વટાવી ગયો હતો.
બ્રેન્ટ ક્રૂડનો 70 ડોલર પ્રતિ બેરલનો ભાવ ડિસેમ્બર 2014 પછી ત્રણ વર્ષના ગાળામાં નોંધાયેલો સૌથી વધુ ભાવ હોવાનું અહેવાલમાં લખાયું છે. જોકે, શુક્રવારે આ ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
ઓપેક (ઓઇલ પ્રોડ્યૂસિન્ગ એન્ડ એક્સપોર્ટિન્ગ કન્ટ્રીઝ) સમૂહે ઓઇલ ઉત્પાદનમાં જાહેર કરેલ કાપ અને અમેરિકામાં ઘટી રહેલા ક્રૂડ ઓઇલના સંગ્રહને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવો ત્રણ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યાનું પણ અહેવાલમાં લખાયું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












