એલેનોર તોફાને યુરોપમાં વાહનવ્યવહાર અને જનજીવન ઠપ

એલેનોર વાવાઝોડાને કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા, સાથેસાથે સમગ્ર યુરોપમાં જનજીવન ઠ થઈ ગયું છે અને રોજિંદા જીવનમાં એલેનોરે એક પ્રકારે વિક્ષેપ સર્જ્યો છે.

એક સ્કીઅર ફ્રેન્ચ આલ્પ્સમાં મૃત્યુ પામ્યો હતો, દેશમાં અન્ય જગ્યાએ પંદર લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંના ચાર ગંભીર છે.

સ્પેનના ઉત્તરી બાસ્ક કિનારા પર ભારે મોજાંથી બે લોકો માર્યા ગયા હતા.

આ તોફાન યુકેમાં ઘુસ્યા બાદ ઉત્તરીય યુરોપના મોટા ભાગના વિસ્તારોને એક પ્રકારે ફટકો પડ્યો છે. તેના કારણે હજારો ઘર અને પરિવહન અસરગ્રસ્ત થયાના અહેવાલો છે.

તમને આ પણ વાંચવું ગમશે

તોફાન અને વાવાઝોડાને કારણે પવનની ગતિ યુકેમાં 100 માઇલ પ્રતિ કલાક (160 કિલોમીટર પ્રતિ કલાક) અને ફ્રાન્સમાં 147 માઇલ પ્રતિ કલાક (90 કિલોમીટર પ્રતિ કલાક) સુધી પહોંચ્યાના અહેવાલો છે.

ઉત્તરી ફ્રાન્સમાં તોફાનને કારણે બે લાખથી વધુ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

એલેનોર તોફાન અન્ય પ્રદેશો તરફ આગળ વધી રહ્યા હોવાના પણ સમાચાર છે, જેમાં કોર્સિકાનો સમાવેશ થાય છે.

રાજધાની પેરિસ અને દેશના પૂર્વ ભાગમાં ફ્લાઇટના સમયપત્રકને વિપરીત અસર પહોંચી હતી.

પેરિસમાં ભારે પવન ફૂંકાવાને કારણે એફિલ ટાવર મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યો હતો.

તોફાનને કારણે ઝાડ પડવાથી મૃત્યુ થવાની સંભાવનાઓને ધ્યાનમાં લેતા તકેદારીના પગલાં રૂપે શહેરના બગીચાઓ - પબ્લિક પાર્ક પણ બંધ કરવામાં આવ્યાં છે.

પૂર્વી ફ્રાન્સના હૌટ-સેવેઇ વિસ્તારમાં મોરીલેનમાં વૃક્ષ પડી જવાથી એક સ્કિયર મૃત્યુ પામ્યો હતો.

જર્મનીમાં બરગલાઈંડ નામના તોફાને દેશના મોટાભાગના વિસ્તારને આવરી લેતા જર્મનીમાં જાહેર જનજીવન ઠપ થઈ ગયું છે.

અહેવાલો મુજબ દેશના પશ્ચિમ ભાગમાં 120 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાયો હતો અને વાહન-વ્યવહાર ઠપ થઇ ગયો હતો.

સ્વિત્ઝરલૅન્ડમાં પણ ભારે નુકસાન થયું હોવાની જાણકારી છે, જેમાં 14,000 ઘરો વીજળી વિહોણા થઈ ગયાના અહેવાલો સાંપડી રહ્યા છે.

સાથે સાથે એક ટ્રેન પાટા પરથી ઉતરી પડતા કેટલાયે મુસાફરો ઈજાગ્રસ્ત થયાના સમાચાર મળ્યા છે.

રોઇટર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલો મુજબ તોફાની પવનને કારણે સેન્ટ પૅલેન કેન્ટોનમાં સ્કી લિફ્ટમાં ઘણા લોકો ફસાયાની વાત સામે આવી હતી.

સ્ટાન વિસ્તારમાં એક હલકા વજનવાળું (લાઇટવેઇટ) વિમાન ઊંધુ પડી ગયું હોવાના અહેવાલો છે.

સાથે સાથે સ્વિત્ઝરલેન્ડની રાજધાની બર્નમાં 13 મીટર (42 ફૂટ) ઊંચું ક્રિસમસ ટ્રી ઉખડીને ઉડીને દૂર પડી ગયું હોવાની જાણકારી મળી છે.

દરમિયાન સ્વિસ શહેર લુસેર્ન નજીકના પિલાટસ પીક પર 195 કિલોમીટર પ્રતિ કલાકની (122 માઇલ્સ પ્રતિ કલાકની) રેકોર્ડ ગતિએ પવન નોંધાયો હોવાનું બ્રોડકાસ્ટર એસઆરએફે જણાવ્યું છે.

બેલ્જિયમ શહેરને 'ઓરેન્જ' એલર્ટ પર મૂકવામાં આવ્યું હતું, જે ચાર સ્તરની ચેતવણી પદ્ધતિમાંનું ત્રીજું સ્તર છે.

ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાનમાં લેતા સ્થાનિક અધિકારીઓએ તકેદારી રૂપે લોકોને વૃક્ષની ડાળીઓ અને અન્ય ઉડતી વસ્તુઓને કારણે બહાર જતી વખતે સાવધ રહેવાની ચેતવણી આપી છે.

નેધરલેન્ડ્સમાં પવનની ગતિ 110 કિલોમીટર પ્રતિ કલાકથી (68 માઇલથી) વધુ રેકોર્ડ કરવામાં આવી હતી.

પવનની પ્રચંડ ગતિને કારણે એમ્સ્ટરડેમના શિફોલ એરપોર્ટ ખાતે સેંકડો હવાઈ ઉડ્ડયનો રદ કરવામાં આવી હતી.

એક વ્યક્તિ વૃક્ષ તૂટી જવાથી ઇજાગ્રસ્ત થયાના અહેવાલો છે. સાથે મુખ્ય રસ્તાઓ અને ટ્રેન લાઇનો પણ બંધ કરવામાં આવી હતી.

દેશના મોટા ભાગના વિસ્તારો સમુદ્ર સપાટીથી નીચે હોઈ ડચ સત્તાવાળાઓએ પ્રથમ વખત પૂરને રોકવા માટે તમામ પાંચ મુખ્ય દરિયાઈ અવરોધો બંધ કરી દીધા છે.

યુકેમાં હજારો ઘરો વીજળી વિહોણા છે અને એલેનોર તોફાનને કારણે વાહનવ્યવહારમાં પણ વિક્ષેપ ઉભો થયો છે.

મેટ ઓફિસે વેલ્સ, ઇંગ્લેન્ડ અને ઉત્તરીય આયર્લૅન્ડના મોટાભાગ ઉપરાંત દક્ષિણ સ્કોટલેન્ડના ભાગો માટે હવામાનની ચેતવણી ઉચ્ચારી હતી.

હવામાન ખાતાની આગાહી મુજબ બુધવારે રાત્રે પવનની ગતિ 100 માઇલ્સ પ્રતિ કલાક (161 કિલોમીટર પ્રતિ કલાક) સુધી નોંધવામાં આવી હતી.

રિપબ્લિક ઑફ આયર્લેન્ડમાં 97 માઇલ્સ પ્રતિ કલાકની ગતિએ પવનનો વેગ રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

તોફાનને કારણે આયર્લેન્ડમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા મુસાફરીમાં વિક્ષેપ પડ્યાના અહેવાલોની સાથે સાથે ઇમારતોને પણ નુકસાન થયાના અહેવાલો જાણવા મળ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો