શું આસિયાન ક્ષેત્રમાં ભારતનું વર્ચસ્વ વધી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
આસિયાન ક્ષેત્ર એટલે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનું એક જૂથ.
આ દસ સભ્યોની સંસ્થાના નિર્માણનો મુખ્ય ઉદ્દેશ દક્ષિણ-પૂર્વ એશિયા પ્રદેશમાં અર્થતંત્ર, રાજકારણ, સલામતી, સંસ્કૃતિ અને પ્રાદેશિક સહકારને વધારવા માટેનો હતો.
ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર અને થાઇલેન્ડ જેવા પાંચ દેશોએ ઓગસ્ટ 1967માં આસિયાન રચ્યું હતું.
જ્યારે આ સંસ્થાની રચના થઈ ત્યારે એવો અંદાજ ન હતો કે આ સંસ્થા તેની સ્થાપનાના પચાસ વર્ષ પૂર્ણ કરી શકશે. મનિલામાં ફિલિપાઇન્સ ખાતે મંગળવારે આ સંસ્થાનું એકત્રીસમું શિખર સંમલેન સમાપ્ત થયું.
મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભારતના રાજદૂત રહી ચૂકેલા વિવેક કાત્જુ આસિયાનની રચનાને અત્યંત સફળ ગણાવે છે.

અમેરિકા-ચીનની દખલ

ઇમેજ સ્રોત, Getty Images
કાત્જુ કહે છે, "આસિયાને 10 દેશોની સ્વતંત્ર ઓળખ પ્રસ્થાપિત કરી છે. રાજકીય - રાજદ્વારી દ્રષ્ટિએ તેના તરફ જોવાનું સફળ થયું છે."
આસિયાન રાષ્ટ્રો અસંગત હોવા છતાં પોતાના રાષ્ટ્ર અને ક્ષેત્રને સ્પર્શતા મુદ્દાઓનો ઉકેલ લાવે છે. આસિયાન રાષ્ટ્રોમાં રહેલી તેમની એકતા છે જે તેમને મજબૂત કરે છે.
આજે આસિયાન વિકાસશીલ દેશોનું એક જૂથ છે પરંતુ તેના સભ્ય ન હોય તેવા યુએસએ, ચીન અને જાપાન જેવા શક્તિશાળી રાષ્ટ્રો તેમાં ખૂબ જ રસ ધરાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને આ વાંચવું પણ ગમશેઃ
ભારત આસિયાન રાષ્ટ્રોનું સભ્ય ન હોવા છતાં આ સંસ્થા ભારત માટે બહુ મહત્વ ધરાવે છે.
મલેશિયામાં ભારતનાં ઉચ્ચાયુક્ત રહી ચુકેલા વીણા સિક્રી વેપાર અને દરિયાઈ સુરક્ષાના મુદ્દાને ટાંકીને ભારતનાં આસિયાન રાષ્ટ્રોમાં રહેલાં હિતો-રસ વિષે પ્રકાશ પાડે છે.
સિક્રીના કહેવા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત આસિયાન રાષ્ટ્રો અને આસિયાન ક્ષેત્રના પ્રવાસે જાય છે.
સિક્રી ઉમેરે છે કે દર વખતે વડાપ્રધાન મોદી આસિયાન ક્ષેત્ર કે રાષ્ટ્રોનો પ્રવાસ કરે છે ત્યારે નવા નવા મુદ્દાઓની ચર્ચાઓને તે સક્રિય સ્વરૂપ આપે છે.

ઇન્ડો-પેસિફિક પ્રદેશ

ઇમેજ સ્રોત, Getty Images
સિક્રી કહે છે "છેલ્લાં 25 વર્ષથી આસિયાન અને ભારત વચ્ચેની વાટાઘાટો સતત ચાલું છે."
સિક્રી ઉમેરે છે કે ધીમે ધીમે ભારતે આસિયાન રાષ્ટ્રો સાથે વેપારમાં વધારો કર્યો છે અને આ રીતે સભ્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધોનો વ્યાપ વધી રહ્યો છે.
સિક્રી કહે છે કે વડાપ્રધાન મોદીએ દરિયાઈ માર્ગોની કનેક્ટિવિટી પર પણ ઘણું ધ્યાન આપ્યું છે. ઉપરાંત આ વિસ્તારને ભારત પેસિફિક ક્ષેત્ર તરીકે સંબોધવામાં આવતા ભારતને એક નવી ઓળખ મળી રહી છે.
વિવેક કાત્જુ આસિયાન ક્ષેત્રમાં ભારતની ભૂમિકાને બહુ મહત્વપૂર્ણ માને છે. કાત્જુ કહે છે કે આસિયાન ક્ષેત્રનો દરેક સભ્ય દેશ ભારતની જવાબદારી અને ભારતની ભૂમિકા આસિયાન ક્ષેત્રમાં વધે તેવું ઈચ્છી રહ્યો છે.
કાત્જુ ઉમેરે છે કે તેથી જ ભારતને આવા મહત્વપૂર્ણ શિખર સંમેલનોમાં આમંત્રિત કરવામાં આવે છે. કાત્જુ કહે છે કે અમેરિકા પણ ભારતની ભૂમિકાનો સ્વીકાર કરવા લાગ્યું છે.
કાત્જુ ઉમેરે છે કે આ ક્ષેત્રને પહેલા એશિયા-પ્રશાંત ક્ષેત્ર તરીકે સંબોધતું આવેલું અમેરિકા પણ હવે આ ક્ષેત્રને ભારત-પ્રશાંત ક્ષેત્ર તરીકે સંબોધવા લાગ્યું છે.

શિખરવાર્તા એક ખેલ છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા અને ભારત સિવાય આસિયાન ક્ષેત્રમાં ચીનની ભૂમિકા બહુ મોટી થઈ ગઈ છે. કાત્જુ આ સ્વીકારે છે અને કહે છે કે આ જ કારણ છે કે અમેરિકા આસિયાન મુદ્દે ભારતનું વધુને વધુ સમર્થન કરી રહ્યું છે.
કાત્જુ કહે છે કે અમેરિકાનો વર્ષો પહેલા ઘણો દબદબો હતો જે ચીનના તાકાતવર થયા બાદ ખતમ થઈ ગયો હતો. કાત્જુ ઉમેરે છે કે અમેરિકા ભારતને આગળ કરીને ચીનની તાકાતને ખતમ કરવા માંગે છે.
તો બીજી તરફ વરિષ્ઠ પત્રકાર એસ. ડી.ગુપ્તા આ શિખર સંમેલનને એક 'ખેલ' તરીકે સંબોધે છે.
ગુપ્તાના જણાવ્યા પ્રમાણે આસિયાન રાષ્ટ્રો વ્યાપાર માટે ચીન પર નિર્ભર થઈ ગયા છે.
આસિયાન રાષ્ટ્રોમાં અમેરિકાના ત્રણથી ચાર લશ્કરી થાણાઓ છે પરંતુ વ્યાપારિક સંબંધોને કારણે ચીન આ રાષ્ટ્રો સાથે રાજદ્વારી સંબંધો - નિકટતા ધરાવે છે.
એસ.ડી. ગુપ્તાના કહેવા પ્રમાણે આસિયાન રાષ્ટ્રો અને ચીન વચ્ચે સૌથી મોટી સમસ્યા દક્ષિણ ચીન સાગર (સાઉથ ચાઈના સી) છે.
ગુપ્તા ઉમેરે છે કે ચીન સાઉથ ચાઈના સીના મુદ્દાને એટલે નથી ઊભો થવા દેતો કારણ કે ચીન આ ક્ષેત્રમાં વ્યાપાર પણ કરવા માંગે છે.
અમેરિકાએ સાઉથ ચાઈના સીના મુદ્દાને અનેક વખત ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ ચીને આ મુદ્દાને હંમેશા દબાવી દીધો છે.

સાઉથ ચાઈના સીનો મુદ્દો

ઇમેજ સ્રોત, Getty Images
ભારતનો મોટો વેપાર સાઉથ ચાઈના સી માર્ગે થાય છે તેથી ભારત આ મુદ્દે દખલ કરી રહ્યું છે. ગુપ્તા કહે છે, "ભારત અને અમેરિકા સાઉથ ચાઈના સી માર્ગે સ્વતંત્ર રીતે વ્યવહારો કરી શકે એવી હિમાયત કરી રહ્યાં છે."
ગુપ્તા જણાવે છે કે આ મુદ્દો ઉઠાવવાથી ભારતનો વેપાર પ્રભાવિત થઈ શકે છે એટલે ભારતે આ મુદ્દો આસિયાનમાં ઉઠાવવો જોઈએ.
સાઉથ ચાઈના સીના મુદ્દે આસિયાન રાષ્ટ્રો ખુલ્લે આમ ચીનની વિરૂધ્ધમાં જવાની હિંમત નથી કરતા.
ગુપ્તા કહે છે કે ચીનને આસિયાન રાષ્ટ્રો એક અજગર તરીકે જુએ છે જે તેમને કોઈપણ સમયે (આર્થિક અને રાજકીય રીતે) ગળી જઈ શકે છે.
વિવેક કાત્જુ એવો દાવો કરે છે કે ચીન અને અમેરિકાની દખલઅંદાજીને કારણે આસિયાન એવડું મોટું જૂથ બની ગયું છે જેમાં શક્તિશાળી દેશો રસ લેતા થયા છે.
આ સંદર્ભે વીણા સિક્રી કહે છે કે આ વિવાદ ચોક્કસપણે તમામ દેશો વચ્ચે છે. સાથે સાથે સિક્રી એ પણ કહે છે કે વિવાદ એટલો પણ ખરાબ નથી કે સંબંધ વધુ ખરાબ થઈ શકે.
સિક્રી ભારપૂર્વક કહે છે કે સંવાદ દ્વારા સાઉથ ચાઈના સી વિવાદનો ઉકેલ લાવી શકાય એમ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












