અમેરિકા: ગીતાંજલિ રાવે પાણીમાં સીસું શોધવાની કિફાયતી પદ્ધતિ શોધી

ભારતીય મૂળની 11 વર્ષીય વિદ્યાર્થિની ગીતાંજલિ રાવે પાણીમાં લેડ(સીસું)નું પ્રદૂષણ શોધવાની કિફાયતી પદ્ધતિ વિકસાવી છે.

આ માટે તેને અમેરિકાનો 'ટૉપ યંગ સાયન્ટિસ્ટ'નો ઍવૉર્ડ એનાયત થયો છે.

આ ઍવૉર્ડ સ્પર્ધા માટે કુલ દસ પ્રતિયોગીઓને તેમના વિચારોને વિકસિત કરવા માટે ટોચના વૈજ્ઞાનિકો સાથે ત્રણ મહિના વિતાવવા માટે પસંદ કરાયાં હતાં.

તેમાં ગીતાંજલિ રાવનો પણ સમાવેશ થતો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

ગીતાંજલિએ બનાવેલું ઉપકરણ કાર્બન નૅનોટ્યૂબ્સની મદદથી પાણીમાં લેડ(સીસું) શોધી કાઢે છે.

કિફાયતી પદ્ધતિની શોધ

અમેરિકામાં સંખ્યાબંધ જળસ્ત્રોત લેડથી પ્રદૂષિત છે.

ગીતાંજલિએ જણાવ્યું કે તેની શોધ વર્ષ 2014-15માં અમેરિકાના મિશિગન પ્રાંતનાં ફ્લિંટ શહેરમાં થયેલા જળ પ્રદૂષણથી પ્રેરિત છે.

આ મામલે અધિકારીઓ પર સદોષ માનવધના કેસ પણ ચાલી રહ્યા છે.

અત્યાર સુધી પાણીમાં લેડ છે કે નહીં તેની શોધ કરવી ઘણી ખર્ચાળ હતી અને પાણીના નમૂના લેબોરેટરીમાં મોકલવા પડતા હતા.

ગ્રીક દેવીનાં નામ પરથી ઉપકરણનું નામ

પરંતુ ગીતાંજલિએ બનાવેલું ઉપકરણ કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકાય છે.

ઉપકરણને મોબાઇલ ઍપ્લિકેશન સાથે જોડીને પાણીમાં લેડની હાજરી તરત જ માલૂમ કરી શકાય છે.

શુદ્ધ જળની ગ્રીક દેવી ''ટેથીજ'નાં નામ પરથી જ આ ઉપકરણનું નામ રાખવામાં આવ્યું છે.

ગીતાંજલિએ 'બિઝનેસ ઇન્સાઈડર' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉપકરણને વધુ સારું બનાવવા તેના પર વધુ કામ કરવા માંગે છે.

તેણે કહ્યું,"જો નાહવાના પાણીમાં લેડ હોય તો શરીર પર ચકામા પડી જાય છે. તેને ચર્મરોગના નિષ્ણાત તરત જ ઓળખી શકે છે."

ગીતાંજલિ જનીનવિદ્યા કે ચેપી મહારોગની સંશોધક બનવા માંગે છે.

ગીતાંજલિને અવૉર્ડની સાથે 25 હજાર ડૉલર (લગભગ 16.22 લાખ રૂપિયા)ની ઇનામી રકમ પણ મળી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો