'15 દિવસથી અગરમાં ગયા નથી અને જો હજુ નહીં જઈએ તો સુકાઈ જશે', વર્ષોથી મીઠું પકવતા અગરિયા અને સરકાર વચ્ચેનો સંઘર્ષ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
37 વર્ષીય દેવાયત આહીરે જન્મથી જ પોતાના દાદા અને પિતાને મીઠાના અગરમાં કામ કરતા જોયા છે. તેઓ જ્યારે સમજણા થયા ત્યારથી જ પોતાના જીવનનો મોટા ભાગનો સમય કચ્છના રણમાં વિતાવ્યો છે. ચોમાસું પૂર્ણ થાય ત્યારે રણમાં જવાનું અને ફરી ચોમાસું ન આવે ત્યાં સુધી ત્યાં જ રહેવાનું અને મીઠું પકવવાનું.
બસ આ જ તેમનું અને તેમના જેવા 1700 અગરિયાનું જીવન છે.
દર વર્ષે 15 સપ્ટેમ્બરે અગરિયા પોતપોતાના અગરમાં જતા રહે છે અને તે પછીના મહિના દરમિયાન હાડ થીજવતી ઠંડી તેમજ પરસેવે રેબઝેબ કરી નાખે એવી ગરમીમાં મીઠું પકવે છે.
દેવાયત આહીર કહે છે કે મીઠું પકવવાની આ કળા તેઓ પોતાના પૂર્વજો પાસેથી શીખ્યા છે. તેમના પ્રમાણે સૌપ્રથમ બ્રિટિશ સરકારે તેમને 1930ના દાયકામાં મીઠું પકવવા રણમાં મોકલ્યા હતા. ત્યારથી આ પ્રક્રિયા ચાલતી આવી છે.
એક તરફ અગરિયાની આ મીઠું પકવવાની પરંપરાગત રીત અને બીજી તરફ તેઓ જ્યાં મીઠું પકવે છે, ત્યાં વધી રહેલી જંગલી પ્રાણી ઘુડખરની સંખ્યા અને ઘુડખર અભયારણ્ય.
છેલ્લાં ઘણાં વર્ષોથી આ અગરિયા અને સરકારના જંગલખાતા વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, કારણ છે 'વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ઍક્ટ 1972' અને 'વન અધિકારનો 2006નો કાયદો.'
આ સંઘર્ષ કેમ છે અને આ કાયદા અગરિયાને કેવી રીતે અસર કરે છે તે જાણવા અમે અગરિયા અને જાણકારો સાથે વાત કરી.

કાયદાની આંટીઘૂટી અને 'પરંપરાગત અગરિયા'

ઇમેજ સ્રોત, Pankti Jog
વર્ષોથી અગરિયા માટે કામ કરતા પંક્તિ જોગ જણાવે છે કે એક બાજુ 'વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ઍક્ટ' અંતર્ગત આ વિસ્તારને ઘુડખર માટે આરક્ષિત કરી દેવામાં આવ્યો છે. બીજી બાજુ આ રણપ્રદેશને જંગલ કહેવાય છે, જેના કારણે અહીં વન અધિકારનો કાયદો પણ લાગુ પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બે કાયદાઓની આંટીઘૂંટી વિશે તેઓ કહે છે, "વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ઍક્ટ અંતર્ગત અહીં જંગલી પ્રાણી (ઘુડખરો)ની સંખ્યા વધારે હોવાથી ત્યાં માનવીય હસ્તક્ષેપ હોઈ શકે નહીં. પણ 2006માં બનાવવામાં આવેલો વન અધિકારનો કાયદો કહે છે કે જંગલ વિસ્તાર સાથે 'પરંપરાગત' રીતે સંકળાયેલા લોકોને ત્યાં રહેવાનો અને કામ કરવાનો અધિકાર છે."
અહીં નોંધવાલાયક શબ્દ છે 'પરંપરાગત'. કારણ કે અન્ય વિવાદ એ પણ છે કે પરંપરાગત અગરિયા કોણ અને બિનપરંપરાગત કોણ?
આ વિશે વાત કરતા વનવિભાગના અધિક મુખ્ય વનસંવર્ધક નિત્યાનંદ શ્રીવાસ્તવ જણાવે છે, "વનવિભાગના જાહેરનામા અનુસાર, જે લોકો વર્ષ 1986 પહેલાંથી અહીં મીઠું પકવી રહ્યા છે તેમને પરંપરાગત અગરિયા કહી શકાય."

'ઘણા લોકો 'પરંપરાગત અગરિયા' બનીને ઘૂસી ગયા'

ઇમેજ સ્રોત, Sulemanbhai
કચ્છ જિલ્લામાં આવેલ અગરિયા હિતરક્ષક સંઘ વર્ષોથી અગરિયાની સમસ્યા અંગે સરકારને રજૂઆતો કરવાની સાથેસાથે વાટાઘાટ પણ કરે છે.
આ સંસ્થાના પ્રમુખ સુલેમાનભાઈ કહે છે, "અમારી સમજ અને શક્તિ પ્રમાણે કરેલા સર્વે મુજબ અહીં પરંપરાગત અગરિયાના 160 પરિવાર છે. આ અગરિયા મોટા ભાગના સમાજના છે. જે ત્રણ-ત્રણ પેઢીથી અહીં મીઠું પકવી રહ્યા છે."
વનવિભાગે પણ તાજેતરમાં એક સર્વે પણ હાથ ધર્યો હતો. જેમાં પરંપરાગત અગરિયાની સંખ્યા સહિતની માહિતી એકઠી કરવામાં આવી હતી.
જોકે આડેસર રેન્જના ફોરેસ્ટ ઑફિસર જિગર મોદી જણાવે છે કે આ સર્વેની કામગીરી હજી પણ ચાલુ હોવાથી તેની વિગતો જાહેર કરવામાં આવી નથી.
ઘણા અગરિયાનું માનવું છે કે ઘણા લોકો 'પરંપરાગત અગરિયા' બનીને રણપ્રદેશમાં ઘૂસી ગયા છે અને તેમણે આડેધડ દબાણો ઊભા કરી દીધા છે, જેના કારણે ખરેખરમાં જે અગરિયા પરંપરાગત રીતે ત્યાં રહે છે, તેમને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
નિત્યાનંદ શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે, "રણપ્રદેશમાં દબાણ વધી જવાથી હાલ ત્યાં તમામ લોકોને પ્રવેશવાથી અટકાવી દેવાયા છે. આ વિશે વાટાઘાટ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેનું નિરાકરણ આવી શકે છે."

'હું અને મારા બાળકો અગરમાં જન્મ્યાં, અમે નહીં તો કોણ?'

ઇમેજ સ્રોત, PANKTI JOG
જોકે, પરંપરાગત તેમજ બિનપરંપરાગત અગરિયા અને વનસંરક્ષણને લગતા બે કાયદાની આંટીઘૂંટી વચ્ચે અગરિયાની રોજગારી ખતરામાં મુકાઈ ગઈ છે.
67 વર્ષીય સુલેમાનભાઈનો અગર આડેસરમાં છે. વર્ષમાં આઠ મહિના મીઠું પકવીને તેઓ સરેરાશ સાડા ત્રણ લાખ રૂપિયા કમાઈ લે છે. આ વર્ષે તેમનું લગભગ બે હજાર ટન જેટલું મીઠું પાકવા માટે તૈયાર છે અને મે મહિનામાં તેની ડિલિવરી પણ આપવાની છે. પરંતુ તેમને અગરમાં જવાની મનાઈ હોવાથી તેઓ અસમંજસમાં છે કે આગળ શું થશે.
તેઓ કહે છે, "મારો જન્મ મીઠાના અગરમાં જ થયો હતો અને મારાં બાળકો પણ અહીં જ પેદા થયાં હતાં. હવે જો અમે પરંપરાગત અગરિયા ન કહેવાઈએ તો કોણ કહેવાય? અત્યારે તો અમારા અગર પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને અમે અહીં ગામમાં બેઠા છીએ. અમને ડર છે કે અમે મહેનતથી પકવેલું મીઠું ખરાબ થઈ જશે."
આરએફઓ જિગર મોદીના જણાવ્યા પ્રમાણે, હાલમાં 'સ્ટેટસ ક્વો' જાળવવાનો હુકમ હોવાથી તે વિસ્તારમાં લોકોને જવા દેવાની મનાઈ છે.

'સરકારની પ્રક્રિયાથી વાંધો નથી, પણ...'
હાલમાં આ સમસ્યા અંગે સરકાર અને અગરિયા વચ્ચે વાટાઘાટ ચાલી રહી છે અને તમામ અગરિયાઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમને પાછા તેમના અગરમાં જવા દેવામાં આવશે.
અગરિયા હિતરક્ષક સમિતિના અન્ય એક આગેવાન ઘનશ્યામભાઈ ઝુલુ કહે છે, "અમને સરકારની કોઈ પ્રક્રિયાથી વાંધો નથી, પણ તેના કારણે ઘણા પરંપરાગત અગરિયા પરેશાન થઈ રહ્યા છે. અમે સરકારને રજૂઆત કરી છે, અમને આશા છે કે વહેલી તકે તેનું સમાધાન થશે."
જો સમાધાન આવવામાં મોડું થશે તો અગરિયાને લાખો રૂપિયાનું નુક્સાન થઈ શકે છે. અન્ય એક અગરિયા દેવાયત આહીર કહે છે, "અમે છેલ્લાં 15 દિવસથી અગરમાં ગયા નથી અને જો બીજા 15 દિવસ નહીં જઈએ તો અમારા અગર સુકાઈ જશે અને તેની સીધી અસર મીઠાના ઉત્પાદન પર પડશે, જેનું નુકસાન અગરિયાને જ થશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













