રણજી ટ્રોફી : સૌરાષ્ટ્રને ત્રણ વર્ષમાં બે વખત ટાઇટલ જીતાડનારી ટીમ વિશે તમે કેટલું જાણો છો?

ઇમેજ સ્રોત, ANI
સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીમાં ત્રણ સીઝનમાં બીજી વખત ચૅમ્પિયન બની છે. સૌરાષ્ટ્રની ટીમ કોરોના મહામારીના લગભગ એકાદ મહિના અગાઉ બંગાળને હરાવીને રણજી ટાઇટલ જીતી હતી અને ત્યાર બાદ એક સીઝન રણજી ટ્રોફી મુલતવી રાખવી પડી હતી. અને હવે 2022-23ની સીઝનમાં એ જ બંગાળને તેના ઘરઆંગણે જ શાનદાર ઢબે હરાવીને સૌરાષ્ટ્ર ચૅમ્પિયન બની ગયું છે.
સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમમાં આવેલા આ અચાનકના સુખદ ફેરફાર અંગે વિચારીએ તો સૌપ્રથમ નામ હોઠ પર આવે તો તે છે કૅપ્ટન જયદેવ ઉનડકટનું.
આમ તો એકમાત્ર ઉનડકટને કારણે જ સૌરાષ્ટ્રની ટીમ ટાઇટલ જીતી તેવું નથી પરંતુ ટીમની સફળતાનો મોટો હિસ્સો અને ટીમની મહેનતનો મોટાભાગના ભાર પોરબંદરના આ અત્યંત પ્રતિભાશાળી ક્રિકેટરે પોતાના ખભે ઉપાડી લીધો હતો.
જયદેવ ઉનડકટના અનુભવે જ ટીમના નવા અને તરવરિયા યુવાનોને પ્રેરિત કર્યા અને આજે પરિણામ સૌની સમક્ષ છે.
સૌરાષ્ટ્રની ટીમ ચૅમ્પિયન બની તેની પાછળ ઘણાં પરિબળો કામ કરી ગયાં છે પરંતુ તેની ચર્ચા કરતાં અગાઉ ફાઇનલમાં ટીમે કેવો દેખાવ કર્યો તે અંગે વાત કરવી જરૂરી છે.
કોલકાતાના ઇડન ગાર્ડ્ન્સ ખાતે રમાયેલી ફાઇનલમાં એક રીતે કહીએ તો પહેલા દિવસે પહેલા કલાકમાં જ મૅચનું પરિણામ લગભગ પાક્કું થઈ ગયું હતું કેમ કે સૌરાષ્ટ્રએ ટૉસ જીતીને હરીફ ટીમને બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
પોતાનો જ નિર્ણય સાર્થક કરી રહ્યા હોય તેમ જયદેવ ઉનડકટ પહેલી જ ઓવરમાં ત્રાટક્યા અને એક વિકેટ ખેરવી તો બીજી ઓવરમાં ડાબોડી ઝડપી બૉલર ચેતન સાકરિયા બે વખત ત્રાટક્યા. અહીંથી જ ટીમના વિજયનો પાયો નખાઈ ગયો.
બંગાળ પોતાનો ગઢ કહેવાય તેવા ઇડન ગાર્ડન્સ પર માંડ 174 રન કરી શક્યું. જવાબમાં સૌરાષ્ટ્રએ 404 રન નોંધાવીને જંગી સરસાઈ હાંસલ કરી લીધી અને એ 230 રનની સરસાઈ સૌરાષ્ટ્રને ખૂબ મદદરૂપ બની ગઈ કેમ કે અંતે તેને મૅચ જીતવા માટે માંડ 12 રન કરવાના રહી ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બંગાળની ટીમ બીજા દાવમાં લડત તો આપી શકી પરંતુ તેમ છતાં તેઓ સરસાઈ સુધી માંડ પહોંચી શક્યા અને સૌરાષ્ટ્રએ નવ વિકેટથી મૅચ જીતી લીધી.
આમ સૌરાષ્ટ્ર રણજી ટ્રોફીના ઇતિહાસમાં માત્ર બીજી જ વખત ટાઇટલ જીતી શક્યું અને તે પણ ત્રણ વર્ષના ગાળામાં. ફાઇનલમાં ઉનડકટનું પ્રદર્શન ઉલ્લેખનીય રહ્યું કેમ કે રવિવારે ચોથા દિવસે સવારે તેમણે ચેતન સાકરિયા સાથે જે રીતે વેધક બૉલિંગ કરી તે બંગાળ માટે પ્રહાર સમી બૉલિંગ બની રહી.
સાકરિયાએ ત્રણ વિકેટ ખેરવી તો છ વિકેટ જયદેવ ઉનડકટના ભાગે આવી.
હવે છેલ્લાં કેટલાંક વર્ષથી સૌરાષ્ટ્રની ટીમને મળેલી સફળતા પાછળનાં કારણો અને ટીમમાં કરવામાં આવેલાં પરિવર્તન ઉપર એક નજર કરીએ.

કપ્તાન જયદેવ ઉનડકટ

ઇમેજ સ્રોત, ANI
સૌપ્રથમ તો જયદેવ ઉનડકટથી જ શરૂઆત કરવી પડે. ઉનડકટની સૌથી મોટી ખાસિયત હોય તો તે છે ટકાઉપણું અને ધીરજ.
તેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી સૌરાષ્ટ્ર માટે રમી રહ્યા છે અને ફૉર્મમાં હોય કે ન હોય પણ તે ટીમમાં ટકી રહેવા માટે જરૂરી પ્રદર્શન તો કરતા જ રહ્યા છે.
તેનું એક ઉદાહરણ એ છે કે લગભગ એક દાયકા સુધી રાષ્ટ્રીય પસંદગીકારો તેમને ભૂલી ગયા હતા તેમ છતાં તાજેતરમાં તેમને ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદ કરવા માટે પસંદગીકારો મજબૂર બન્યા હતા.
સામાન્ય રીતે કોઈ ખેલાડી દસ વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં પુનરાગમન કરે તેવું કમસે કેમ હાલના ક્રિકેટમાં તો શક્ય લાગતું નથી પરંતુ આ ગાળામાં ઉનડકટે સતત શાનદાર પરફૉર્મન્સ ટકાવી રાખ્યું છે.
તેમણે 2019-20માં સૌરાષ્ટ્રને ચૅમ્પિયન બનાવ્યું તો એવી જ રીતે ભારત-એ ટીમ માટે રમીને તેમણે ટીમને દુલીપ ટ્રોફીમાં પણ વિજેતા બનાવી હતી.
વર્તમાન સીઝનમાં પણ ઉનડકટે 26 વિકેટ ઝડપી છે. ધર્મેન્દ્રસિંહ જેજા (43), ચેતન સાકરિયા (27) અને યુવરાજ ડોડિયા (30) ની સરખામણીએ ઉનડકટની 26 વિકેટ ઓછી લાગે પણ આ માટે તે માત્ર ચાર જ મૅચ રમ્યા છે.
બાકીના સમયમાં તેઓ ભારતીય ટીમની સાથે હતા એટલે રણજી મૅચ રમી શક્યા ન હતા. આ વખતે પણ સેમિફાઇનલમાં તેઓ રમી શક્યા ન હતા પરંતુ ટીમ ફાઇનલમાં આવી ત્યારે બીસીસીઆઈએ ઉનડકટને તેમની સૌરાષ્ટ્રની ટીમ માટે રમવા માટે મુક્ત કર્યા જેનું પરિણામ એ આવ્યું કે બંગાળના બીજા દાવમાં તેમણે છ વિકેટ ખેરવી.
સૌરાષ્ટ્રના ઇતિહાસમાં તેની ટીમ માત્ર બીજી વખત રણજી ટાઇટલ જીતી તેમાં બંને વખતે કૅપ્ટન જયદવ ઉનડકટ જ હતા.

અર્પિત વસાવડા

ઇમેજ સ્રોત, Facebook/Arpit Vasavda
ઉનડકટ બાદ સૌરાષ્ટ્રની ટીમના બીજા હીરો છે અર્પિત વસાવડા. સેમિફાઇનલમાં વસાવડાની બેવડી સદીએ જ સૌરાષ્ટ્રને વિજય અપાવવામાં મદદ કરી હતી.
છેલ્લાં 11 વર્ષથી સૌરાષ્ટ્ર માટે રમી રહેલા અને 1988માં રાજકોટમાં જન્મેલા અર્પિત હવે 34 વર્ષના થયા છે, તે માત્ર તેમની જન્મતારીખ પરથી જ કહી શકાય કેમ કે તેઓ જે રીતે રન કરી રહ્યા છે તે જોતાં તેની ઉંમર આંકવી મુશ્કેલ છે.
કર્ણાટક સામે બૅંગલુરુમાં રમાયેલી સેમિફાઇનલમાં હરીફ ટીમે 407 રનનો સ્કોર નોંધાવ્યો અને સૌરાષ્ટ્રની પ્રથમ ત્રણ વિકેટ સસ્તામાં પડી ગયા બાદ બે અનુભવી બૅટ્સમૅન શેલ્ડન જૅક્સન અને અર્પિત વસાવડાએ બેવડી સદીની જંગી ભાગીદારી નોંધાવીને ટીમને 500થી વધુનો સ્કોર કરવામાં મદદ કરી.
આવી જ રીતે બીજા દાવમાં ટાર્ગેટ સામે રમતી વખતે સૌરાષ્ટ્રનો ધબડકો થયો ત્યારે અડિખમ રહીને વસાવડાએ જ ટીમને ચાર વિકેટે વિજય અપાવ્યો.
આ મૅચમાં તેઓ બેવડી ભૂમિકામાં હતા. એક તો તેઓ બૅટિંગમાં ટીમને મદદરૂપ થયા અને સાથે સાથે તેઓ કૅપ્ટન પણ હતા. ટીમને ફાઇનલમાં પહોંચાડવામાં ઉપયોગી થનારા વસાવડાએ ફાઇનલમાં ઉનડકટના આગમન સાથે તેમના સિનિયરને કપ્તાનીની જવાબદારી સોંપી દીધી. આવી જ રીતે ફાઇનલમાં તેમણે ફટકારેલા 81 રન પણ ટીમને સરસાઈ અપાવવામાં મદદરૂપ બન્યા.
વસાવડાએ વર્તમાન સીઝનમાં 907 રન ફટકાર્યા અને તેમને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ જાહેર કરાયા. એવું જરૂરી નથી હોતું કે ફાઇનલ રમનારી ટીમનો જ કોઈ ખેલાડી પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બને પરંતુ અર્પિત વસાવડાની રમત નિરાળી રહી કે તેને આ ઍવૉર્ડ આપવામાં કોઈને ખચકાટ થયો નહીં હોય.
અર્પિત વસાવડા અને જયદેવ ઉનડકટે સમગ્ર સીઝનમાં પ્રભાવી દેખાવ કર્યો હતો પરંતુ કોઈ ટીમ માત્ર બે ખેલાડીના પ્રદર્શનથી ચેમ્પિયન બની શકે નહીં તે તો સૌ કોઈ કબૂલશે.

ટીમના બૉલર્સનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન

ઇમેજ સ્રોત, ANI
સૌરાષ્ટ્રની ટીમમાં પણ આવું જ કંઈક બન્યું હતું કેમ કે ટીમને ફાઇનલ સુધી પહોંચાડવા માટેના પ્રયાસમાં વસાવડા તો સતત રન વરસાવી રહ્યા હતા પરંતુ તેમને દરેક મૅચમાં જયદેવ ઉનડકટની મદદ મળતી ન હતી ત્યારે ચેતન સાકરિયા ઝડપી બૉલિંગ આક્રમણ સંભાળતા હતા.
સાકરિયાને જાણે એક આદત પડી ગઈ હોય તેમ તેઓ લગભગ દરેક મૅચમાં પ્રારંભે જ ટીમને સફળતા અપાવતા રહ્યા છે.
ભાવનગરના મધ્યમર્ગીય પરિવારમાંથી ભારે સંઘર્ષ કરીને આવેલા આ ડાબોડી ઝડપી બૉલરે નવ મૅચમાં 25ની આસપાસની સરેરાશથી 27 વિકેટ ઝડપી હતી. સેમિફાઇનલ અને ફાઇનલમાં તો તેણે ખરેખર કમાલ કરી દીધી હતી.
જોકે આ ઉપરાંત બે બૉલર એવા છે જે ભલે ફાઇનલમાં ખાસ આકર્ષણ જગાવી શક્યા નહીં કેમ કે કોલકાતામાં તો ઉનડકટ અને સાકરિયાની બોલબાલા રહી અને સ્પિનર્સને ખાસ કાંઈ કરવાનું આવ્યું ન હતું પરંતુ સમગ્ર સીઝનમાં સૌરાષ્ટ્રની સફળતાની વાત થાય ત્યારે લૅફ્ટ આર્મ સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજ ડોડિયાનો ઉલ્લેખ કરવો જ પડે.
આ બંને બૉલર આ સીઝનમાં ટીમના સૌથી સફળ બૉલર રહ્યા છે. જાડેજાએ અન્ય જાડેજા (રવીન્દ્ર જાડેજા)ની ખોટ સાલવા દીધી ન હતી અને સીઝનમાં તેણે દસ મેચમાં 43 વિકેટ ખેરવી.

ઇમેજ સ્રોત, ANI
આમ ટીમમાં તેઓ બૉલિગમાં સૌથી મોખરે રહ્યા અને ભારતમાં તેઓ ચોથા ક્રમે રહ્યા કેમ કે જલજ સક્સેના (50), શમ્સ મુલાણી (46) અને કિશનસિંઘ (44)એ તેના કરતાં વધારે વિકેટ ઝડપી હતી.
ધર્મેન્દ્ર જાડેજા સૌરાષ્ટ્ર માટે 100 વિકેટ લેનારા સૌથી યુવાન બૉલર તરીકેના તો રેકૉર્ડ ધરાવે જ છે પરંતુ તેની પાસેથી ભવિષ્યમાં વધુ સારા પ્રદર્શનની અપેક્ષા એટલા માટે રખાય છે કેમ કે તે હજી યુવાન છે.
આવું જ કંઈક ઑફ સ્પિનર યુવરાજ ડોડિયા વિશે કહી શકાય. તેમને છેલ્લી એકાદ બે મૅચમાં રમવાની તક મળી નહીં પરંતુ તે અગાઉ જૂનાગઢના આ 22 વર્ષીય સ્પિનરે છ મૅચમાં 30 વિકેટ ઝડપી હતી.
ખાસ વાત તો એ છે કે યુવરાજ હજી તેમની પહેલી જ સીઝનમાં રમી રહ્યા છે અને તાજેતરમાં જ તેઓ અંડર-25ની ટીમમાંથી રમીને આવ્યા છે.
આ ઉપરાંત તેઓ સૌરાષ્ટ્રની અંડર-25 ટીમમાં પણ સારો દેખાવ કરતા રહ્યા હોવાને કારણે તેમને જુનિયર ટીમમાં જરૂર હોય ત્યારે રણજી ટીમમાં સામેલ કરાતા ન હતા.
સૌરાષ્ટ્રના સૌથી અનુભવી ઑફ સ્પિનર કમલેશ મકવાણાએ હવે નિવૃત્તિ લઈ લીધી છે ત્યારે યુવરાજ પાસેથી કમલેશ જેવી જ લાંબી કારકિર્દી તથા ટીમના ભવિષ્યના સફળ બૉલર તરીકેની અપેક્ષા રખાય છે.
વસાવડા ઉપરાંત ઓપનર અને વિકેટકીપર હાર્વિક દેસાઈ (614 રન, 22 શિકાર), અનુભવી શેલ્ડન જૅક્સન (588 રન), ચિરાગ જાની (569, 15 વિકેટ) અને પાર્થ ભૂત (16 વિકેટ)નું પણ ટીમની સફળતામાં સહિયારું યોગદાન રહ્યું છે.

કોચ નીરજ ઓડેદરા

ઇમેજ સ્રોત, ANI
હવે વાત કરીએ તો કોચ નીરજ ઓડેદરાની. સૌરાષ્ટ્રના આ ભૂતપૂર્વ ક્રિકેટર હવે કોચ બની ગયા છે અને તેમના આગમન બાદ ટીમના પ્રદર્શનમાં મોટાં પરિવર્તન આવ્યાં છે.
તેમણે દરેક ખેલાડી પાસેથી તેમની આવડત અને ક્ષમતા મુજબ કામ લીધું છે. સૌથી મોટી વાત તો એ છે કે નીરજ ઓડેદરા દરેક ખેલાડીની ખૂબી અને ખામીથી પરિચિત છે કેમ કે તે છેલ્લા કેટલાક સમયથી ટીમની સાથે છે.
પોરબંદરના હોવાને નાતે કૅપ્ટન જયદેવ ઉનડકટ સાથે પણ તેમનો તાલમેલ સારો છે અને તેનો લાભ ટીમને મળી રહ્યો છે.
નીરજને કોચિંગના ગુણ તેમના પિતા અને ભૂતપૂર્વ રણજી ક્રિકેટર રામભાઈ ઓડેદરા પાસેથી મળ્યા છે જેઓ છેલ્લા ત્રણેક દાયકા કરતાં વધારે સમયથી પોરબંદરમાં કોચિંગ સાથે સંકળાયેલા છે. તેમણે તૈયાર કરેલા ઘણા ખેલાડી રણજી ટ્રોફી રમી ચૂક્યા છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનના પ્રમુખ જયદેવ શાહ, ભૂતપૂર્વ વડા નિરંજન શાહ તથા વર્તમાન સેક્રેટરી હિમાંશુ શાહે પણ ટીમને મેદાન બહારની સવલત માટે ક્યારેય પાછું વળીને જોયું નથી.
જરૂર હતી ત્યારે ઉનડકટને ભારતીય ટેસ્ટ ટીમમાંથી પરત બોલાવીને ફાઇનલમાં રમાડવા માટે સજ્જ કરવાની પહેલ પણ આખરે તો ઍસોસિયેશને જ કરી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














