You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
INDvAUS: વિરાટ કોહલી ખરેખર આઉટ હતા? શું કહે છે આઈસીસીનો નિયમ?
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન વિરાટ કોહલીને એલબીડબલ્યુ આઉટ આપવાને થઈને વિવાદ સર્જાયો છે.
દિલ્હી ટેસ્ટના બીજા દિવસે જ્યારે ભારતીય ટીમની બેટિંગ ચાલી રહી હતી ત્યારે 44 રન પર બેટિંગ કરી રહેલા વિરાટ કોહલીને એલબીડબલ્યુ આઉટ આપવામાં આવ્યા હતા.
અમ્પાયરે જે રીતે વિરાટને આઉટ જાહેર કર્યા તેને લઈને વિવાદ સર્જાયો છે, કારણ કે બૉલ પહેલાં તેમના પૅડ પર નહીં પરંતુ બૅટ પર વાગ્યો હતો.
જો વિરાટની વિકેટને ધ્યાનપૂર્વક જોવામાં આવે તો આઈસીસીના નિયમો અનુસાર તેમને ખોટી રીતે આઉટ આપવામાં આવ્યા હતા એવી ચર્ચા થઈ રહી છે.
વિરાટ કેવી રીતે આઉટ થયા?
હાલમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટેસ્ટ મૅચ ચાલી રહી છે. ચાર ટેસ્ટ મૅચની સિરીઝની આ બીજી મૅચ છે. પ્રથમ મૅચ ભારત જીતી ચૂક્યું છે.
મૅચની પ્રથમ ઇનિંગમાં ઇંગ્લૅન્ડે 262 રન બનાવ્યા હતા, જેને ચેઝ કરવા માટે ભારતીય ટીમ મેદાને હતી.
ભારતીય ઇનિંગની 50મી ઓવરમાં વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા ક્રીઝ પર હતા અને ઑસ્ટ્રેલિયન સ્પીનર કુહ્નમૅન બૉલિંગ કરી રહ્યા હતા.
કુહ્નમૅનના બૉલને ડીફેન્ડ કરતી વખતે બૉલ વિરાટ કોહલીના બૅટ અને પૅડને વાગ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમ્પાયરે તાત્કાલિક કોહલીને આઉટ જાહેર કર્યા, જેની સામે વાંધો ઉઠાવતા તેમણે કહ્યું કે બૉલ પહેલાં તેમના બૅટને અડ્યો હતો અને પછી પૅડને. પછી કોહલીએ જ રિવ્યુ માગ્યો.
રિવ્યુમાં દેખાડવામાં આવ્યું ત્યારે પણ 'અલ્ટ્રા ઍજ'માં બૉલ પહેલાં બૅટને અડક્યો હોવાનું જોવા મળ્યું. રિવ્યુમાં તેને 'અમ્પાયર્સ કૉલ' જણાવવામાં આવ્યો.
એવામાં થર્ડ અમ્પાયરે ગ્રાઉન્ડ પરના અમ્પાયરનો નિર્ણય યથાવત રાખ્યો અને વિરાટ કોહલીને આઉટ જાહેર કરવામાં આવ્યા.
શું કહે છે નિયમ?
આ પ્રકારના કિસ્સામાં જો આઈસીસીના નિયમો પર ધ્યાન આપવામાં આવે તો વિરાટ કોહલીને જે રીતે આઉટ આપવામાં આવ્યા તે એકદમ અયોગ્ય કહી શકાય.
એમસીસીના નિયમ 36.2.2 અનુસાર, એલબીડબલ્યુ દરમિયાન જો બૉલ બૅટર અને બૅટ બંનેને એકસાથે અડકે ત્યારે માનવામાં આવશે કે બૉલ પહેલાં બૅટને વાગ્યો છે.
આ પરથી સ્પષ્ટ થાય છે કે વિરાટ કોહલીના કિસ્સામાં જે રીતે બૉલ તેમને અને બૅટને બંનેને અડક્યો હોવાથી આઉટ ન આપી શકાય, પરંતુ અમ્પાયરે કોહલીને આઉટ જાહેર કર્યા.
વિરાટ કોહલીને જ્યારે આઉટ જાહેર કર્યા ત્યારે મેદાનમાં મોટી સ્ક્રિન પર પણ રિવ્યુ બતાવવામાં આવી રહ્યો હતો.
કોહલી અમ્પાયરના નિર્ણયથી ચોંકી ગયા હતા અને ક્રોધે ભરાયા હતા.
ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા બાદ તેમણે ટીમના સભ્યો સાથે મળીને રિવ્યુ ચકાસ્યો હતો, જેને જોઈને તેઓ ગુસ્સે પણ થયા હતા.
વિરાટ કોહલીની આ વિકેટને લઈને સોશિયલ મીડિયા પર પણ લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી હતી અને ખોટી રીતે વિકેટ આપવા બદલ ઑન ગ્રાઉન્ડ અમ્પાયરને દોષી ઠેરવ્યા હતા.
બીજા દિવસના અંતે મૅચની સ્થિતિ
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી મૅચનો બીજો દિવસ પૂર્ણ થતા સુધીમાં ઑસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટના નુક્સાન પર 61 રન છે.
દિલ્હીમાં ચાલી રહેલી આ મૅચની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ છે. પ્રથમ ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાએ 263 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમ 262 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.
હાલ બીજી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયન ટીમના ઉસ્માન ખ્વાજા છ રન બનાવીને આઉટ થઈ ગયા છે. હાલ ટ્રૅવિસ હેડ (39 રન) અને માર્નસ લબુશેન (16 રન) ક્રીસ પર ટકેલા છે.
ઑસ્ટ્રેલિયાના ઑફ સ્પિનર નાથન લૉયનની ધારદાર બૉલિંગ સામે દિલ્હી ટેસ્ટમાં ભારતીય ટીમનો ટૉપ ઑર્ડર ધ્વસ્ત થયો હતો.
ભારતે બીજા દિવસે વગર કોઈ નુક્સાને 21 રન સાથે રમવાનું શરૂ કર્યું હતું.
ઓપનર કેએલ રાહુલ (17 રન)ની સૌથી પહેલા વિકેટ પડી હતી. તેમના બાદ કૅપ્ટન રોહિત શર્મા 32 રન પર આઉટ થયા હતા.
પોતાની 100મી ટેસ્ટ રમી રહેલાં ચેતેશ્વર પૂજારા ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. શ્રેયસ અય્યર માત્ર ચાર રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાર મૅચોની ટેસ્ટ સિરીઝની આ બીજી મૅચ છે. પ્રથમ ટેસ્ટ મૅચમાં ભારતની જીત થઈ હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો