You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રવીન્દ્ર જાડેજાએ ફેંકેલો એ બૉલ, જેને રમવામાં સ્મિથ ગોથું ખાઈ બોલ્ડ થયા
રવીન્દ્ર જાડેજાએ કેવી રીતે સ્ટીવ સ્મિથને પોતાની જાળમાં ફસાવીને બૉલ્ડ કર્યા તેની ચર્ચા થઈ રહી છે.
નાગપુર ટેસ્ટમાં જાડેજાએ સ્મિથને આર્મ બૉલ પર બોલ્ડ કર્યા. આ બૉલ ટર્ન થવાને બદલે વિકેટ પર પડીને ઝડપથી અંદર તરફ આવે છે અને સ્ટીવ સ્મિથ આ બૉલ રમવામાં ગોથું ખાઈ ગયા.
જાણકારો કહે છે કે જાડેજાએ સ્મિથને ફસાવવા માટે ચારો નાખ્યો એટલે કે પોતાના ચક્રવ્યૂહમાં ફસાવ્યા. જાડેજા સ્મિથને સતત સ્ટંપ પર બૉલ ફેંકતા રહ્યા અને તેને બહારની તરફ ટર્ન કરાવતા રહ્યા. પરંતુ જે બૉલ પર સ્મિથ આઉટ થયા તે બૉલ બહાર જવાને બદલે અંદર તરફ આવ્યો.
બૉલ સ્મિથના બેટ અને પેડ વચ્ચેથી નીકળીને સીધો તેમના સ્ટંપને અથડાયો.
આર્મ બૉલ સ્મિથની કમજોરી
સ્ટીવ સ્મિથને આઉટ કરવા આમ તો આસાન નથી. દુનિયાનાં તમામ મેદાનો પર સ્મિથ ચારે તરફ ફટકાબાજી કરી શકે છે. પણ જ્યારે તેઓ નાગપુર ટેસ્ટમાં જાડેજા સામે આવ્યા ત્યારે ચિત્ર કંઈક અલગ જ હતું.
સ્ટીવ સ્મિથ જાડેજાની સ્પિન સામે પરેશાન નજરે પડ્યા. નાગપુર ટેસ્ટમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઊતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમ જાડેજા સામે હતી. પણ પીચ પર અડિંગો જમાવીને બેઠેલા સ્મિથને જાડેજાએ એટલા પરેશાન કર્યા કે તેઓ ભૂલ કરી બેઠા.
સ્મિથ જાડેજાના એક બૉલ પર બૉલ્ડ થયા ત્યારે તેમનો સ્કોર 37 રન હતો અને તેમણે 107 બૉલનો સામનો કર્યો હતો.
જાણકારો કહે છે કે સ્મિથ ટેસ્ટ મૅચમાં સ્પીનર્સ સામે આર્મ બૉલને કારણે જ ઘણી વાર આઉટ થયા છે. તેઓ 28 વખત આર્મ બૉલ પર વિકેટ ગુમાવી ચૂક્યા છે. બહાર જતા બૉલ પર તેમણે 22 વાર વિકેટ ગુમાવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાડેજાએ અત્યાર સુધીમાં સ્મિથને પાંચ વખત આઉટ કર્યા છે. તેઓ સ્મિથ સામે 400 ડોટ બૉલ ફેંકી ચૂક્યા છે એટલું જ નહીં જાડેજાએ સ્મિથને ત્રીજી વાર બોલ્ડ કર્યા છે. જાડેજા એકમાત્ર બૉલર છે જેમણે સ્મિથને ટેસ્ટમાં સૌથી વધુ વખત બોલ્ડ કર્યા હોય.
જાણકારો એમ પણ કહે છે કે જાડેજાની સટીક લાઈન-લેન્થ અને આર્મ બૉલ સ્મિથને પરેશાન કરે છે અને આ જ કમજોરીનો જાડેજા ફાયદો ઉઠાવે છે.
સ્મિથે જાડેજાને અંગુઠો બતાવી બિરદાવ્યા
મૅચમાં સ્ટીવ સ્મિથ જાડેજાની બૉલિંગ સામે ઇશારો કરીને બિરદાવતા પણ કરતા જોવા મળ્યા. સ્મિથ ઘણી વાર બૉલરોની શાનદાર બૉલિંગ બદલ તેમને બિરદાવતા જોવા મળે છે.
સ્મિથે આઉટ થયા તે પહેલાં એક બૉલ પર જાડેજાને થમ્બ બતાવીને બિરદાવ્યા હતા.
ગત પ્રવાસ દરમિયાન સ્મિથ ઇશાંત શર્માની બૉલિંગ વખતે અજીબોગરીબ રીતે મોં મચકોડતા જોવા મળ્યા હતા. આ તસવીર ખૂબ વાઇરલ થઈ હતી.
જાડેજા-અશ્વિનની જોડીએ ઑસ્ટ્રેલિયાને 177માં ઑલઆઉટ કર્યું
મૅચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ઑસ્ટ્રેલિયાની ટીમ 177 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
નાગપુર ટેસ્ટમાં પાંચ વિકેટ સાથે જાડેજાએ ટેસ્ટ કરિયરમાં 11મી વખત પાંચ વિકેટો ઝડપી છે.
અશ્વીને જાડેજાનો સાથ આપતા ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાઝ અને મોહમ્મદ શમીએ 1-1 વિકેટ ઝડપી હતી.
અશ્વિન માટે પણ આ મૅચ ઐતિહાસિક બની છે. અશ્વિને એલેક્સ કૅરીને 36 રન પર ક્લીન બૉલ્ડ કર્યા એ સાથે તેમણે ટેસ્ટ કરિયરમાં 450 વિકેટો પૂરી કરી હતી.
અશ્વિન 89ની ટેસ્ટમાં સૌથી ઝડપી 450 વિકેટ ઝડપનાર વિશ્વના બીજા બૉલર બન્યા છે.
પહેલા નંબરે શ્રીલંકાના મુથૈયા મુરલીધરન છે. જેમણે 80મી ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો