You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહિલા ટી-20 ક્રિકેટ વિશ્વકપ 2023 શરૂ, ભારતની પ્રથમ મૅચ પાકિસ્તાન સામે રવિવારે રમાશે
આઇસીસી મહિલા ટી-20 ક્રિકેટ વર્લ્ડકપ, 2023નો પ્રારંભ આવતી કાલ એટલે કે 10 ફેબ્રુઆરીથી થઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાના યજમાન પદે આઈસીસી મહિલા ટી-20 ક્રિકેટ વર્લ્ડકપની આ આઠમી આવૃત્તિ છે.
કેટલી ટીમ ભાગ લઈ રહી છે?
સૌપ્રથમ મહિલા ટી-20 ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન ઇંગ્લૅન્ડમાં 2009માં કરવામાં આવ્યું હતું. 2012 સુધી તેમાં આઠ ટીમ ભાગ લેતી હતી, જેને 2014માં વધારીને દસ કરવામાં આવી હતી. તેમાં બાંગ્લાદેશ તથા આયર્લૅન્ડની ટીમને પણ સામેલ કરવામાં આવી છે.
આ સ્પર્ધાની અગાઉની સાત આવૃત્તિ 2009, 2010, 2012, 2014, 2016, 2018 અને 2020માં યોજાઈ હતી. 2022માં કોરોના મહામારીને કારણે તેનું આયોજન થઈ શક્યું ન હતું.
ફૉર્મેટ કેવું છે?
મહિલા ટી-20 ક્રિકેટ વર્લ્ડકપમાં 10 ટીમને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ગ્રૂપ-1માં ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ છે, જ્યારે ભારતીય ટીમ ગ્રૂપ-2માં છે. ભારતની સાથે તેમાં ઇંગ્લૅન્ડ, વેસ્ટ ઈન્ડીઝ, પાકિસ્તાન અને આયર્લૅન્ડની ટીમ છે.
આઈસીસી મહિલા ટી-20 ટીમ રેન્કિંગમાં કોણ, ક્યા સ્થાને છે?
ટીમ રેન્કિંગમાં ઑસ્ટ્રેલિયા પહેલા સ્થાન છે, જ્યારે ઇંગ્લૅન્ડ બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને ન્યૂઝીલૅન્ડ, ચોથા સ્થાને ભારત, પાંચમા સ્થાને દક્ષિણ આફ્રિકા, છઠ્ઠા સ્થાને વેસ્ટ ઇન્ડીઝ, સાતમા સ્થાને પાકિસ્તાન, આઠમા સ્થાને શ્રીલંકા, નવમા સ્થાને બાંગ્લાદેશ અને દસમા સ્થાને આયર્લૅન્ડની ટીમ છે.
ભારતની સાથે આખી દુનિયાની નજર આ વર્લ્ડકપ પર હશે. અલબત્ત, ભારત હજુ સુધી આ વર્લ્ડકપ જીતી શક્યું નથી.
આઈસીસી મહિલા ટી-20 ક્રિકેટ વર્લ્ડકપની પહેલી મૅચ દક્ષિણ આફ્રિકા તથા શ્રીલંકા વચ્ચે કેપ ટાઉનમાં 10 ફેબ્રુઆરીએ રમાશે. 11 ફેબ્રુઆરીએ બીજી મેચ વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લૅન્ડ વચ્ચે, જ્યારે ત્રીજી ઑસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત-પાકિસ્તાનની ટીમ ક્યારે ટકરાશે?
એ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે 12 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં ટક્કર થશે. એ દિવસે કેપટાઉનમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે પણ મૅચ રમાશે.
સેમિફાઇનલ અને ફાઇનલ ક્યારે રમાશે?
ટુર્નામેન્ટની પહેલી સેમિફાઇનલ 23 ફેબ્રુઆરીએ, જ્યારે બીજી સેમિફાઇનલ 24 ફેબ્રુઆરીએ રમાશે. ફાઇનલ મૅચ કેપટાઉનમાં 26 ફેબ્રુઆરીએ રમાશે.
અસાધારણ પરિસ્થિતિમાં 26મીએ ફાઇનલ મૅચ ન યોજી શકાય તો આઇસીસીએ 27 ફેબ્રુઆરીનો દિવસ રિઝર્વ રાખ્યો છે.
ભારતીય ટીમમાં કોણ-કોણ છે?
ભારતીય ટીમનાં કૅપ્ટન હરમનપ્રીતકોર છે, જ્યારે ટીમના અન્ય ખેલાડીઓમાં સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યસ્તિકા ભાટિયા, ઋચા ઘોષ, જેમિમા રોડ્રિગ્ઝ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર, અંજલિ સરવાની, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ અને શિખા પાંડેનો સમાવેશ થાય છે. સભ્ભીનેની મેઘના, સ્નેહ રાણા અને મેઘના સિંહ રિઝર્વ ખેલાડી છે.
ક્યા ખેલાડીઓ પર રહેશે નજર?
ભારતીય મહિલા ક્રિકેટર રેણુકા સિંહને આ વર્ષની 25 જાન્યુઆરીએ આઈસીસી ઇમર્જિંગ વીમેન પ્લેયર ઑફ ધ યર તરીકે ચૂંટી કાઢ્યાં હતાં. ભારતીય બૉલર રેણુકાસિંહે ઑસ્ટ્રેલિયાનાં ડાર્સી બ્રાઉન, ઇંગ્લૅન્ડનાં એલિસ કેપસે અને ભારતનાં જ યાશિકા ભાટિયાને પાછળ છોડીને આ ખિતાબ પ્રાપ્ત કર્યો છે.
જોકે, વ્યક્તિગત રેંકિંગની વાત કરીએ તો એમઆરએફ ટાયર-આઇસીસી વીમેન ટી-20 રેંકિંગ (25 જાન્યુઆરી)ની બૉલરોની લિસ્ટમાં રેણુકા સિંહ સાતમા સ્થાને છે.
મહિલા બૉલરોની યાદીમાં ઇંગ્લૅન્ડનાં સોફી એક્લેસ્ટોન ટોચે છે, જ્યારે બીજા સ્થાને ઇંગ્લૅન્ડનાં જ સારા ગ્લેન છે. આ લિસ્ટમાં રેણુકાની ઉપર, ત્રીજા સ્થાને દીપ્તિ શર્મા ટોપ રેંકિંગ ભારતીય મહિલા ક્રિકેટર છે, જ્યારે ટૉપ-10માં રેણુકા પછી નવમા સ્થાને સ્નેહ રાણા છે.
બૅટ્સવીમેન લિસ્ટમાં ઑસ્ટ્રેલિયાનાં તાહિલા મેગ્ના ટોચ પર છે, જ્યારે ભારતનાં સ્મૃતિ મંધાના ત્રીજા અને શેફાલી વર્મા આઠમા સ્થાને છે.
આ વર્લ્ડકપમાં હરમનપ્રીતકોર ઉપરાંત સ્મૃતિ મંધાના પાસેથી પણ સારા પ્રદર્શનની આશા છે. જાણકારો માને છે કે 26 વર્ષનાં સ્મૃતિ ભવિષ્યમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કૅપ્ટન બની શકે છે. ક્રિકેટના પ્રશંસકોને સ્મૃતિ મંધાના પાસેથી પણ સારી પ્રદર્શનની આશા છે.
ઓલ રાઉન્ડર રેંકિંગમાં ઑસ્ટ્રેલિયાનાં એશ ગાર્ડનર ટોચ પર છે, જ્યારે ભારતનાં દીપ્તિ શર્મા ત્રીજા સ્થાને છે.
વિજેતા બનવાના મજબૂત દાવેદાર કોણ છે?
ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ જાન્યુઆરી, 2022થી અત્યાર સુધીમાં માત્ર એક મૅચ હારી છે. કાંગારુ ટીમનો એ પરાજય ભારત સામે થયો હતો. એ મૅચનો નિર્ણય પણ સુપરઓવરમાં થયો હતો. એટલે કે બન્ને ટીમ વચ્ચે 'કાંટે કી ટક્કર' થઈ હતી.
ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ અત્યાર સુધીમાં રમાયેલા સાત ટી-20 વર્લ્ડકપ પૈકીના પાંચમાં ચૅમ્પિયન બની છે.
ઇંગ્લૅન્ડની ટીમ 2009માં મહિલા ક્રિકેટ ટી-20 વર્લ્ડકપની સૌપ્રથમ વિજેતા છે, પરંતુ 2012, 2014 અને 2018માં ફાઇનલ સુધી પહોંચવા છતાં તે બીજી વાર વર્લ્ડકપ જીતી શકી નથી. ઇંગ્લૅન્ડની ટીમ 2022માં 18માંથી 13 મૅચ જીતી છે.
ઑસ્ટ્રેલિયા પછી ઇંગ્લૅન્ડની મહિલા ક્રિકેટ ટીમ આ વખતના વર્લ્ડકપમાં વિજેતાપદના મજબૂત દાવેદારોમાં બીજા ક્રમે છે.
વેસ્ટ ઇન્ડીઝની મહિલા ક્રિકેટ ટીમ 2016માં વર્લ્ડ ચૅમ્પિયન બની હતી, પરંતુ તેનું પાછલા વર્ષનું પ્રદર્શન તેને બીજી વખત ચૅમ્પિયન બનાવી શકે તેવું જણાતું નથી.
પરિસ્થિતિ એવી છે કે વેસ્ટ ઇન્ડીઝની ટીમનું પ્રદર્શન સરેરાશથી પણ નબળું થઈ ગયું છે. ગત વર્ષે વેસ્ટ ઇન્ડીયન ટીમ કુલ 18 મૅચ રમી હતી, પણ તેમાંથી પાંચ જ જીતી શકી હતી.
ન્યૂઝીલૅન્ડની મહિલા ક્રિકેટ ટીમ વિજેતાપદની ત્રીજી સૌથી મજબૂત દાવેદાર છે. તે છેલ્લી 18માંથી 10 મૅચ જીતી છે. જોકે, આ ટીમ ક્યારેય વર્લ્ડ કપ જીતી શકી નથી, પરંતુ 2009 અને 2010માં તે ફાઇનલ સુધી જરૂર પહોંચી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ગત વર્ષના જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 30 ટી-20 મેચ રમી છે અને તેમાંથી 17માં વિજેતા બની છે.
ભારતીય ટીમ માટે આ વર્લ્ડકપ બહુ મહત્ત્વનો છે, કારણ કે ભારતીય ટીમ અત્યાર સુધી ક્યારેય ચૅમ્પિયન બની નથી. જોકે, 2020ના મહિલા ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ છેક ફાઇનલ સુધી પહોંચી હતી.
મહિલા આઈપીએલનો પ્રારંભ
પુરુષોની આઈપીએલની માફક દેશમાં આ વર્ષે માર્ચમાં મહિલા આઈપીએલનું આયોજન પણ કરવામાં આવ્યું છે. એ માટેના મીડિયા રાઈટ્સ વેચાઈ ચૂક્યા છે.
બીસીસીઆઈના સચિવ જય શાહે એક ટ્વીટ દ્વારા માહિતી આપી હતી કે વાયકોમ-18ને રૂ. 951 કરોડમાં વીમેન આઈપીએલના મીડિયા રાઈટ્સ આગામી પાંચ વર્ષ માટે આપવામાં આવ્યા છે. વીમેન આઇપીએલના પ્રારંભને જય શાહ મહિલાઓના ઉત્થાન તરફનું એક મોટું પગલું માને છે.
વીમેન આઇપીએલની પાંચ ટીમ માટે કુલ રૂ. 4669ની બોલી લગાવવામાં આવી છે. સૌથી મોંઘી અમદાવાદ ટીમને અદાણી સ્પૉર્ટ્સલાઇન પ્રાઇવેટ લિમિટેડે રૂ. 1289 કરોડમાં ખરીદી છે.
એ સિવાય મુંબઈ ટીમને ઈન્ડિયાવિન સ્પૉર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે રૂ. 912.99 કરોડમાં, બૅંગલુરુ ટીમને રૉયલ ચેલેન્જર્સ સ્પૉર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે રૂ. 901 કરોડમાં, દિલ્હી ટીમને જેએસડબ્લ્યુ જીએમઆર ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડે રૂ. 810 કરોડમાં અને લખનૌ ટીમને કેપ્રી ગ્લોબલ હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડે રૂ. 757 કરોડમાં ખરીદી છે.
જય શાહે ટ્વિટર પર લખ્યું હતું કે "ક્રિકેટ માટે આજનો દિવસ ઐતિહાસિક છે, કારણ કે વીમેન્સ પ્રીમિયર લીગના પ્રારંભિક બીડિંગમાં મેન્સ આઈપીએલનો 2008નો રેકૉર્ડ તૂટી ગયો છે. વિજેતાઓને અભિનંદન. અમને આ લિલામીમાંથી રૂ. 4669.99 કરોડ મળ્યા છે. મહિલા ક્રિકેટ માટે આ એક ક્રાંતિની શરૂઆત છે અને તે માત્ર મહિલા ક્રિકેટરો માટે જ નહીં, પરંતુ સમગ્ર ખેલજગત માટે એ પરિવર્તનનો પ્રારંભ છે."
મહિલા આઈપીએલની શરૂઆતથી યુવા ખેલાડીઓને તક મળવાની આશા છે. નવા ખેલાડીઓને લીગ મારફત ઓળખ આપવાના અને મહિલા ક્રિકેટને મેન્સ ક્રિકેટની સમાંતર લાવવાના પ્રયાસ થશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો