You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિમૅન્સ પ્રિમિયર લીગ: મૅન્સ ટીમની માફક વિમેન્સ ગુજરાત જાયન્ટ્સ પણ ચૅમ્પિયન બની શકશે?
માત્ર ભારતીય ધરતી પર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મહિલા ક્રિકેટ ધીમે-ધીમે વિકાસ કરી રહ્યું છે, તેમાં પણ છેલ્લા બે થી ત્રણ દિવસમાં જો કોઈએ સૌથી વધારે આકર્ષણ જગાવ્યું હોય, તો તે છે વિમૅન્સ પ્રીમિયર લીગ.
ભારતીય મૅન્સ ક્રિકેટ ટીમે પ્રવાસી અને અત્યંત મજબૂત એવી ઑસ્ટ્રેલિયન ટીમને અઢી દિવસમાં જ ટેસ્ટ મૅચમાં હરાવી દીધી, તેમ છતાં તેના બે દિવસમાં તો આ સફળતા ભૂલાઈ ગઈ, કેમ કે 13મી ફેબ્રુઆરીએ વિમૅન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)ની હરાજી યોજાઈ અને તે સાથે ભારત અને વિશ્વભરની પ્રતિભાશાળી મહિલા ક્રિકેટર્સ છવાઈ ગયાં.
ક્રિકેટમાં ધીમે-ધીમે પરિવર્તન આવી રહ્યું છે અને તેને વધારે આકર્ષક બનાવવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડે હવે મૅન્સની માફક મહિલા ખેલાડીઓ માટે પણ ટી20 ક્રિકેટ લીગનો પ્રારંભ કરવાનો નિર્ણય લીધો છે.
મૅન્સ ક્રિકેટની આઈપીએલની (ઇન્ડિયન પ્રીમિયર લીગ) સફળતાનો લાભ વિમૅન્સ પ્રીમિયર લીગને મળે અને તેના જેવી જ લોકપ્રિયતા હાંસલ થાય તેવી ગણતરીની સાથે બોર્ડ પોતાની તિજોરી પણ વધારે છલકાય તેમ ઇચ્છે તે સ્વાભાવિક છે, પરંતુ તેનો આખરી લાભ તો સેંકડો મહિલા ક્રિકેટર્સને પણ થઈ શકે છે, એ ભૂલવું જોઈએ નહીં.
ક્રિકેટ: મૅન્સ અને વિમૅન્સ
થોડા સમય અગાઉ એક તરફ ભારતીય મૅન્સ ક્રિકેટ ટીમ વિરાટ કોહલીની આગેવાની હેઠળ ઇંગ્લૅન્ડમાં આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી રમી રહી હતી, ત્યારે એ જ અરસામાં ભારતની મહિલા ટીમ ઇંગ્લૅન્ડમાં જ વર્લ્ડકપમાં રમી રહી હતી.
એક રીતે બીસીસીઆઈ (બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા) અને આઈસીસીએ (ઇન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ) મહિલા ક્રિકેટનું આયોજન શરૂ કર્યા બાદ વિશ્વભરમાં મહિલા ક્રિકેટને પ્રોત્સાહન મળ્યું છે, તેનું ઉદાહરણ એટલે હરમનપ્રીત કૌરની ભારતીય ટીમ.
જોકે હવે માત્ર ભારત જ ક્રિકેટરમાં આગળ છે અથવા તો ભારતીય મહિલા ખેલાડીઓ પર જ ધ્યાન કેન્દ્રીત થાય છે તેમ કહી શકાય નહીં, કેમ કે આ વખતની વિમેન્સ લીગની હરાજીમાં ઘણાં ખેલાડીને લાભ થયો છે.
કોઈએ કલ્પના કરી ન હતી કે મહિલા ખેલાડીઓ આ પ્રકારની લીગ થકી રાતોરાત કરોડપતિ બની જશે. એવું નથી કે તેમનામાં અગાઉ પ્રતિભા ન હતી, પરંતુ તેમના પર ધ્યાન કેન્દ્રીત કરાયું નહોતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક ઘટના, અનેક પરિણામ
આજે સ્થિતિ એવી છે કે સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર કે શફાલી વર્મા ઘર ઘરમાં જાણીતું નામ બની ગયું છે. તેમની રમત અને હવે તેમની આવક જોઈને માતા-પિતા કદાચ પોતાની દીકરીને ક્રિકેટમાં કારકિર્દી બનાવતા અટકાવશે નહીં.
જો એમ થશે તો એક સમય એવો આવશે કે લોકપ્રિયતાના મુકાબલામાં મૅન્સ અને વિમૅન્સ ક્રિકેટ વચ્ચે સ્પર્ધા થવા લાગશે અને તેનો લાભ કરોડો ક્રિકેટપ્રેમીઓને મળશે.
1983માં કપિલ દેવની ભારતીય ટીમે ઇંગ્લૅન્ડમાં વર્લ્ડ કપ જીત્યો અને 1989માં સચીન તેંડુલકરનું ક્રિકેટમાં આગમન થયું તે બે પ્રસંગે ક્રિકેટની સિકલ (ખાસ કરીને ભારતીય ક્રિકેટની) બદલી નાખી હતી.
અહીંથી આ રમતમાં અઢળક પૈસો આવવા લાગ્યો. તેવી જ રીતે મિતાલી રાજ, હરમનપ્રીત કૌર, ઝુલન ગોસ્વામી, સ્મૃતિ મંધાના અને શફાલી વર્માના આગમન અને વિમૅન્સ પ્રીમિયર લીગનું આયોજન મહિલા ક્રિકેટમાં નવી ક્રાંતિ લાવી શકે છે.
હજી તાજેતરનાં વર્ષો સુધી જોઈએ તો વિમૅન્સ ક્રિકેટ તરફ કોઈ ધ્યાન આપતું ન હતું. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મૅન્સ વર્લ્ડ કપ કે મૅન્સ ચૅમ્પિયન્સ ટ્રૉફીની સાથે સાથે જ વિમૅન્સ ટુર્નામેન્ટ યોજવાની શરૂઆત કરી અને મૅન્સ ટુર્નામેન્ટના પ્રસારણ તથા અન્ય માર્કેટિંગ રાઇટ્સ ખરીદનારી કંપનીઓને મહિલાઓની ટુર્નામેન્ટના અધિકારો ખરીદવાની પણ ફરજ પાડી.
ગુજરાત ટીમનાં 'જાયન્ટ્સ'
આ બાબતે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો. હવે વાત કરીએ વિમેન્સ પ્રીમિયર લીગની અને ખાસ કરીને ગુજરાત જાયન્ટ્સની ટીમની. ટી20 લીગમાં હજી એક વર્ષ અગાઉ ગુજરાત જાયન્ટ્સે ડગલું ભર્યું અને તે ડગલું હરણફાળ પુરવાર થયું કેમ કે આઈપીએલની 2022ની સિઝનને અંતે ઐતિહાસિક મોટેરા સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સની હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળની ટીમ પહેલી વખત આઈપીએલમાં ભાગ લેતી હોવા છતાં આઈપીએલ ચૅમ્પિયનની ટ્રૉફી સાથે જોવા મળી.
પોતાની પહેલી જ સિઝનમાં અને એ પણ એવી ટીમ જેની પાસેથી ખાસ અપેક્ષા રખાતી ન હતી તેણે ટાઇટલ જીતીને ચમત્કાર સર્જી દીધો.
આ વખતની મહિલા ગુજરાત જાયન્ટ્સની ટીમમાં પણ હાર્દિકની ટીમની માફક એવા કોઈ સુપરસ્ટાર નથી, પરંતુ તેમાં ઑલરાઉન્ડર્સની ભરમાર લાગેલી છે. સ્નેહ રાણા કે એશલે ગાર્ડનર 26મી માર્ચ (ફાઇનલ) સુધીમાં લોકપ્રિયતાનાં નવાં શિખર સર કરી લે તો નવાઈ નહીં, કેમ કે હવે તેમની પાસેથી અપેક્ષાઓ વધારે રહેશે.
જાયન્ટ્સે આ વખતે પણ ખેલાડીઓનાં નામ કે લોકપ્રિયતા નહીં, પરંતુ પ્રતિભાને ધ્યાનમાં રાખી છે તેનું સૌથી મોટું ઉદાહરણ સ્નેહ રાણા છે. જાયન્ટ્સે 11.5 કરોડ રૂપિયાના કુલ ખર્ચે 18 ખેલાડીની ખરીદી કરી છે.
આ સંખ્યા એ દર્શાવે છે કે તેમને જથ્થા (ક્વૉન્ટિટી)માં નહીં, પરંતુ ગુણવત્તા (ક્વૉલિટી)માં રસ છે. ભારતીય ડૉમેસ્ટિક ક્રિકેટમાં સ્નેહ રાણા બહોળો અનુભવ ધરાવે છે.
1994ની 18મી ફેબ્રુઆરીએ દહેરાદૂનમાં જન્મેલાં રાણા વિમેન્સ લીગમાં જાયન્ટ્સ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ખેલાડી બની શકે છે, કેમ કે તેમણે 16 વર્ષની વયે કારકિર્દીનો પ્રારંભ કર્યો અને એક દાયકાથી તે ભારતીય મહિલા ક્રિકેટ સાથે સંકળાયેલાં છે.
વનડેમાં અને ટી20માં તે 24-24 વિકેટ ખેરવી છે, તો ઓવરઑલ ટી20માં તો તે જંગી સંખ્યામાં એટલે કે 111 મૅચ રમી છે અને તેમાં 112 વિકેટ ઝડપી છે. ઉપયોગી બૅટર તરીકે તેમણે 900 રન પણ ફટકાર્યા છે. સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે તેઓ 94.04 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરે છે તો બૉલિંગમાં ઓવરદીઠ પાંચની આસપાસ રન આપવાની ઍવરેજ ધરાવે છે.
આ વખતે મુંબઈમાં માત્ર બે જ મેદાન પર લીગ મૅચો રમાશે અને ડીવાય પાટીલ તથા બ્રૅબોર્ન સ્ટેડિયમની પીચોનો ઇતિહાસ જોતાં રાણા તેમના ફ્લાઇટેડ બૉલથી કમાલ કરી શકે છે.
ભારતની સ્મૃતિ મંધાના બાદ આ વખતની હરાજીમાં સૌથી જંગી રકમ જો કોઈને ફાળે ગઈ હોય તો તે છે ઑસ્ટ્રેલિયાનાં એશલે ગાર્ડનર. ગુજરાત જાયન્ટ્સે તેમના માટે 3.2 કરોડ રૂપિયાની રકમ ખર્ચી છે. સ્વાભાવિકપણે જ તે સૌથી મોંઘાં વિદેશી ક્રિકેટર પુરવાર થયાં છે.
1997ની 15મી એપ્રિલે જન્મેલાં ગાર્ડનરે આ હરાજીના આગલા જ દિવસે જ વિમેન્સ ટી20 વર્લ્ડકપમાં પાર્લ ખાતે બાંગ્લાદેશ સામે 12 રનમાં પાંચ વિકેટ ઝડપીને કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, જેના 24 કલાકમાં જ તેમની તિજોરીમાં 3.2 કરોડ રૂપિયાનો વધારો થઈ ગયો હતો.
ગાર્ડનર અત્યંત વિચક્ષણ અને અભ્યાસુ ક્રિકેટર છે. તે સારી રીતે જાણે છે કે ડીવાય પાટીલ અને બ્રૅબોર્ન સ્ટેડિયમની પીચ કેવો વર્તાવ કરે છે, કેમ કે તેમણે ખુદે જ આ અંગે વાત કરી હતી કે સારા સ્ટ્રોક-પ્લેયરને આ બંને પીચ પરથી રન મળી શકે છે અને ભૂતકાળમાં મુંબઈમાં તેમણે ઘણા રન ફટકાર્યા છે.
ગાર્ડનરના રેકર્ડ પર નજર કરીએ તો ટી20 ઇન્ટરનેશનલમાં 1000 થી વધારે રન અને 49 વિકેટ એ બાબતનો પુરાવો છે કે તેઓ જાયન્ટ્સ માટે એક ઑલરાઉન્ડર તરીકે ખૂબ જ સફળ થઈ શકે છે.
તમામ પ્રકારના ટી20માં ગાર્ડનરે ત્રણ હજારથી વધારે રન ઉપરાંત 115 વિકેટ પણ ખેરવી છે, તો ઑસ્ટ્રેલિયન ટી20 એટલે કે બિગ બેશમાં તો તેમનું નામ 2000 થી વધારે રન અને 65 વિકેટ સાથે મોખરે છે.
વિમેન્સ પ્રીમિયર લીગ માટે ગુજરાત જાયન્ટ્સે આ વખતે વિદેશી ખેલાડીઓની પસંદગી પર ભાર મૂક્યો છે. તેમાં ડેન્ડ્રા ડોટ્ટિન અને એનાબેલ સધરલૅન્ડ જેવાં કાંગારૂ ખેલાડીઓ છે જે વિશ્વની કોઈ પણ હરીફ ટીમને ભારે પડી શકે છે.
આ ઉપરાંત હરલિન દેઓલ પણ જાયન્ટ્સ પાસે છે જેમણે ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સારો દેખાવ કર્યો છે, પરંતુ તેમને બાદ કરતાં બે પસંદગી જરા અચરજ પમાડે તેવી છે. જાયન્ટ્સે એસ. મેઘના અને દયાલન હેમલત્તાની પસંદગી કરી છે.
આ બે ખેલાડી એવા કોઈ જોરદાર ફૉર્મમાં નથી અને છેલ્લા કેટલાક સમયથી ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે, તેમ છતાં તેમની પર રખાયેલો ભરોસો કદાચ ભારે પણ પડી શકે છે. હેમલત્તા વારંવારની ઈજાથી પરેશાન છે, તો અત્યંત કટોકટીભરી પરિસ્થિતિમાં મેઘના કેટલાં સફળ થશે તે અંગે ઘણાને શંકા છે.
ટી20 મેચમાં લગભગ દર વખતે અંતિમ ઓવર્સમાં પરિસ્થિતિ વિકટ બનતી રહેતી હોય છે તેવામાં આ ખેલાડીઓ ટીમને કેટલી મદદગાર થશે તે જોવાનું રહેશે.
જોકે બેથ મૂની કે સોફિયા ડન્કલી અને સુષ્મા વર્માની કાબેલિયત અને અનુભવ ટીમને કામ લાગી શકે છે. અન્ય ટીમો પાસે પણ અત્યંત પ્રતિભાશાળી ખેલાડીઓ છે.
વર્તમાન મહિલા ક્રિકેટમાં દરેક ટીમ પાસે એકાદ બે સ્ટાર ખેલાડી છે અને હવે તે તમામનો સંગમ વિમેન્સ પ્રીમિયર લીગ ટી20માં થવાનો છે, ત્યારે એ કળવું મુશ્કેલ છે કે કઈ ટીમ મેદાન મારી જશે. પરંતુ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ પાસેથી ઘણી અપેક્ષા રહેશે અને આ જ બે ટીમ ચોથી માર્ચે સૌ પ્રથમ વિમેન્સ ટી20 લીગમાં આમને સામને ટકરાવાની છે.
ખેલાડીનાં ખિસ્સામાં ખણખણાટ
ગુજરાત જાયન્ટ્સે ઑસ્ટ્રેયિયન ખેલાડી એશલે ગાર્ડનરને રૂ. ત્રણ કરોડ 20 લાખ આપીને ટીમમાં સામેલ કર્યાં છે. બેથ મૂની વધુ એક કરોડપતિ ખેલાડી છે. તેમના માટે ટીમે રૂ. બે કરોડનો ખર્ચ કર્યો છે. આ સિવાય હરલી ગાલા, પી. સિસોદિયા અને શબનમ શકીલને રૂ. 10-10 લાખ ચૂકવીને ટીમમાં લીધાં છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો