You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રવીન્દ્ર જાડેજા અને અશ્વિનનો તરખાટ, ઑસ્ટ્રેલિયાની ઈનિંગ અને 132 રને હાર
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીની પ્રથમ મૅચમાં ભારતનો એક ઇનિંગ અને 132 રને વિજય થયો છે.
ત્રીજા દિવસે લંચ બાદ બેટિંગ માટે ઊતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમ ટી-બ્રેક પહેલાં જ માત્ર 91 રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
બીજી ઇનિંગમાં ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. ઑસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 177 રન બનાવ્યા હતા.
ત્રીજા દિવસે ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં ઑસ્ટ્રેલિયા પર 223 રનોની લીડ હાંસલ કરી હતી. ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 139.3 ઓવરમાં 400 રન બનાવ્યા અને ઑલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ઑસ્ટ્રેલિયા માત્ર 91 રન બની શક્યું હતું.
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી ટેસ્ટ સિરીઝમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મૅચ યોજાવાની છે. આ સિરીઝમાં ભારત ક્યારેય ઑસ્ટ્રેલિયા સામે હાર્યું નથી.
મૅચ ભારતના સ્પિનરોના નામે
ઑસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગમાં રવીન્દ્ર જાડેજા ભારે પડ્યા હતા. તો બીજી ઈનિંગમાં અશ્વિન હાવી રહ્યા હતા. પહેલી ઈનિંગમાં જાડેજાએ 22 ઓવરમાં 47 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તો બીજી ઈનિંગમાં અશ્વિને 12 ઓવરમાં 37 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
જાડેજા અને અશ્વિને મળીને કોઈ ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅનને મેદાન પર ટકવા દીધા નહોતા.
પહેલી ઈનિંગમાં પણ અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઈનિંગમાં જાડેજાએ બે વિકેટ ઝડપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલી ટેસ્ટમાં અશ્વિને 8 વિકેટ અને જાડેજાએ 7 વિકેટ ઝડપી હતી.
આમ ઑસ્ટ્રેલિયાની બંને ઈનિંગમાં આ બંને સ્પિનરોએ મળીને 15 વિકેટ ઝડપી હતી.
બૉલિંગ ઉપરાંત જાડેજા બેટથી પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જાડેજાએ 70 રન બનાવ્યા હતા. જાડેજાએ અક્ષર પટેલ સાથે 88 રનની ભાગીદારી નોંધાવી હતી. અક્ષર પટેલ 84 રન બનાવીને આઉટ થયા હતા.
ઑસ્ટ્રેલિયાનો બીજી ઈનિંગમાં કંગાળ દેખાવ
ઑસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ 32.3 ઓવરમાં માત્ર 91 રનમાં સમેટાઈ ગઈ હતી. જેમાં મહત્તમ 25 રન સ્ટિવ સ્મિથના હતા. ઑસ્ટ્રેલિયાના 7 ખેલાડીઓ 10 કરતાં ઓછા રનમાં આઉટ થયા હતા.
બે ખેલાડીઓ વોર્નર અને કેરી 10 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે માર્નસ લાબુશાને 17 રન બનાવી શક્યા હતા.
બેટિંગમાં રોહિત, જાડેજા અને અક્ષર ચમક્યા
ભારતની પહેલી ઈનિંગને સ્થિર કરવામાં કપ્તાન રોહિત શર્માનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો. રોહિત શર્માએ 15 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 120 રન બનાવ્યા હતા.
જોકે રોહિતનો સાથ આપવામાં ટૉપ ઑર્ડર બૅટ્સમૅનો નિષ્ફળ ગયા હતા.
રાહુલ 20 રન, પૂજારા 7 રન, કોહલી 12 રન અને સૂર્યકુમાર યાદવ 8 રન નોંધાવીને આઉટ થઈ ગયા હતા. એક તબક્કે ભારતની ટીમના 7 વિકેટે 240 રન હતા.
ત્યારબાદ અક્ષર અને જાડેજાની બાજી સંભાળી લીધી હતી. મોહમ્મદ શમીએ પણ મહત્ત્વના 37 રન નોંધાવ્યા હતા.
શમીએ પહેલી ઈનિંગમાં એક અને બીજી ઈનિંગમાં બે વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજે માત્ર એક વિકેટ લીધી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો