AUS vs Ind : રવીન્દ્ર જાડેજા પર કથિત 'બૉલ ટેમ્પરિંગના આક્ષેપ' વિશે બીસીસીઆઈએ શું કહ્યું?

  • નાગપુર ટેસ્ટમાં પ્રથમ દિવસે પાંચ વિકેટ સાથે જાડેજાએ ટેસ્ટ કરિયરમાં 11મી વખત પાંચ વિકેટો ઝડપી હતી.
  • જાડેજા ઈજાગ્રસ્ત હોવાને કારણે પાંચ મહિના પછી બૉર્ડર-ગાવસ્કર ટ્રોફીથી વાપસી કરી રહ્યા છે.
  • સોશિયલ મીડિયામાં ઑસ્ટ્રેલિયાના મીડિયામાં તેમે બૉલ ટેમ્પરિંગ કરવાની ચર્ચા કરવામાં આવી.
  • જોકે રવીન્દ્ર જાડેજા વિરુદ્ધ કોઈ આધિકારિક ફરિયાદ કે પગલાં લેવાના કોઈ અહેવાલ નથી.
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર બીસીસીઆઈએ આ ઘટના બાબતે આઈસીસીના રેફરીને સ્પષ્ટીકરણ આપ્યું છે. શું કહ્યું બીસીસીઆઈએ?

ભારતીય ક્રિકેટ ટીમ ઑસ્ટ્રેલિયા સાથે નાગપુર ખાતે પહેલી ટેસ્ટમૅચ રમી રહી છે, ત્યારે ઑસ્ટ્રેલિયન મીડિયાના અહેવાલથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે.

ગુરૂવારે રવીન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ લઈને ઑસ્ટ્રેલિયન ટીમને પરેશાનીમાં મૂકી દીધી હતી.

આ અંગે સોશિયલ મીડિયા અને ઑસ્ટ્રેલિયન મીડિયામાં ચર્ચા છેડાઈ હતી, જેમાં કાંગારૂ ટીમના પૂર્વ ખેલાડીઓએ પણ ઝંપલાવતા વાતને વેગ મળ્યો હતો.

આને કારણે ઈજા બાદ પરત ફરેલા અને ઑસ્ટ્રેલિયા માટે મુશ્કેલી ઊભી કરી રહેલા રવીન્દ્ર જાડેજાએ શું લાગાડ્યું, તેના વિશે ચર્ચા ચાલુ થઈ હતી.

જોકે, ભારતીય ટીમે આ અંગે મૅચના રેફરીને સ્પષ્ટતા કરીને વિવાદ ઉપર પડદો પાડવાનો પ્રયાસ કર્યો છે.

53 ઓવર પછી ચાર વિકેટ ગુમાવીને ભારતે 155 રન બનાવ્યા હતા.

કથિત ક્રિમ અને કાંગારૂઓ

ગુરૂવારે સોશિયલ મીડિયા ઉપર વાઇરલ વીડિયોને ટાંકતા ઑસ્ટ્રેલિયન મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે રવીન્દ્ર જાડેજાને અન્ય ખેલાડી પાસેથી 'કશુંક' લઈને આંગળી પર લગાડ્યું હતું.

ઑસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરોની ટિપ્પણીથી આ ચર્ચાને વેગ મળ્યો હતો. આ સંદર્ભના એક અહેવાલને રિટ્વીટ કરતા પૂર્વ ક્રિકેટર માઇકલ વૉ લખ્યું, 'તે આંગળી ઉપર શું લગાડી રહ્યા છે ? અગાઉ આવું ક્યારેય નથી જોયું.'

જ્યારે વિવાદ થયો ત્યારે ઍલેક્સ કેરી અને અને પીટર હૅડ્સકૉમ્બ ક્રિઝ પર હતા.

એક સોશિયલ મીડિયા યૂઝરે ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન માઇક પેનને એક વીડિયો ટૅગ કરીને શંકા વ્યક્ત કરી હતી, 'લાગે છે કે ગ્રીપ વધારવા માટે ખેલાડી (મોહમ્મદ સિરાજ) બૉલરને કંઈક આપી રહ્યા છે અને તે પોતાની સ્પિનિંગની આંગળી ઉપર તેને લગાડી રહ્યા છે, તમારો શું અભિપ્રાય છે ?' માઇક પેને તેનો જવાબ 'રસપ્રદ' લખીને ચર્ચાને વેગ આપ્યો હતો.

આ મુદ્દો ઑસ્ટ્રેલિયાની ટીમે મૅચ રેફરી સાથે નહોતો ઉઠાવ્યો છતાં ભારતીય કૅમ્પે સ્પષ્ટતા કરીને અટકળો ઉપર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો હતો.

દરમિયાન મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ભારતીય ટીમે મૅચના રૅફરીને જણાવ્યું હતું કે રવીન્દ્ર જાડેજા દ્વારા તેમની દર્દશામક દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અન્ય અહેવાલોમાં પણ ઈએસપીએન ક્રિક ઇન્ફો વેબસાઇટને ટાંકીને આ વાત લખવામાં આવી છે.

બીજી તરફ ઈએસપીએન ક્રિક ઇન્ફોએ માહિતી આપી છે કે રવીન્દ્ર જાડેજા અને કૅપ્ટન રોહિત શર્માએ મૅચ રેફરીને આ બાબતે માહિતી આપી છે. આ રિપોર્ટ અનુસાર વીડિયો વાઇરલ થયા બાદ મૅચ રેફરીને જણાવવામાં આવ્યું કે જાડેજા પોતાની આંગળીમાં દુખાવો ઘટાડવા માટે ક્રીમ લગાડી રહ્યા હતા.

પરંતુ આ મામલે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે.

ડાબોડી સ્પિનર જાડેજા ઈજા બાદ સક્રિય ખેલમાં પુનરાગમન કરી રહ્યા છે. તેમણે ઑસ્ટ્રેલિયાને પહેલી ઇનિંગમાં 177 રનમાં સમેટી લેવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે 47 રન આપીને પાંચ વિકેટ લીધી હતી.

રવિચંદ્રન અશ્વિને 42 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. આ સાથે જ તેમણે 89 ટેસ્ટમાં 450 વિકેટ ખેરવી હતી. આ સાથે જ તેઓ સૌથી ઝડપી આ સિદ્ધિ મેળવનાર ભારતીય ખેલાડી બન્યા છે અને તેઓ અનિલ કુંબલેથી આગળ નીકળી ગયા છે.

શ્રૃંખલા શરૂ થઈ તે પહેલાં પણ ઈયાન હેલી જેવા ઑસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ભારતની પીચો 'ગેરવ્યાજબી' હોવાનું જણાવીને વિવાદ છેડ્યો હતો.

જાડેજાનું પ્રદર્શન ચર્ચામાં

મૅચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ઑસ્ટ્રેલિયાની ટીમ 177 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

નાગપુર ટેસ્ટમાં પાંચ વિકેટ સાથે જાડેજાએ ટેસ્ટ કરિયરમાં 11મી વખત પાંચ વિકેટો ઝડપી હતી.

રવીન્દ્ર જાડેજાએ કહ્યું કે તેઓ પોતાના પ્રદર્શનને લઈને ઘણા રોમાંચિત છે. હાલ ભારતની ટેસ્ટ મૅચ પર મજબૂત પકડ દેખાઈ રહી છે.

મૅચ પછી રવીન્દ્ર જાડેજાએ કહ્યું કે, "જે રીતે મેં બૉલિંગ કરી, હું તેનાથી ખુશ છું. પાંચ મહિના પછી રમવું એ પણ ટૅસ્ટ મૅચ ઘણું મુશ્કેલ હોય છે. હું તૈયાર હતો અને મેં પોતાની ફિટનેસ પર ઘણી મહેનત કરી છે."

જાડેજાએ કહ્યું કે, "હું ગત દિવસોમાં રણજી મૅચ રમી રહ્યો હતો, જ્યાં મેં 42 ઓવર બૉલિંગ કરી. આ કારણે મને પોતાના પર ભરોસો આવ્યો અને પછી હું ટેસ્ટ રમવા માટે તૈયાર હતો."

ઑસ્ટ્રેલિયાના પૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે રવીન્દ્ર જાડેજાના પ્રદર્શનનાં વખાણ કર્યાં.

બૉલ ટેમ્પરિંગ અને ભારતીય ખેલાડીઓના વિવાદ

ક્રિકેટ મૅચ દરમિયાન જ્યારે ખેલાડીઓ જાણીજોઈને બૉલને એવો કરી દેતા હોય છે જેનાથી બૉલિંગ પ્રભાવિત થાય છે, તેને બૉલ ટૅમ્પરિંગની શ્રેણીમાં રખાય છે.

ક્રિકેટમાં બૉલની ચમકતો રાખવા માટે ખેલાડી પોતાની પૅન્ટ પર તેને રગડે છે અને ક્યારેક થૂકથી ચમકાવે છે.

આ બધું ક્રિકેટમાં સામાન્ય છે પરંતુ તેના પર ક્રીમ લગાડવો, બૉલના આકાર સાથે છેડછાડ કરીને તેને ખરાબ કરવો બૉલ ટૅમ્પરિંગની શ્રેણીમાં આવે છે.

કેટલીક વખત બૉટલના ઢાંકણાંથી કે પછી બીટથી બૉલને ટૅમ્પર કરવાનો પ્રયત્ન થયો છે અને આઈસીસીએ આમાં કાર્યવાહી પણ કરી છે.

સ્પિન અથવા વધુ સ્વિંગ માટે ખેલાડીઓએ આની સાથે ટૅમ્પરિંગ કરી છે અને તેને લઈને કેટલીક વખત વિવાદ થયા છે.

બૉલ ટૅમ્પરિંગથી જોડાયેલા નિયમનો આઈસીસીની નિયમ સંખ્યા 41 અને સબ સેક્શન ત્રણમાં વિસ્તારથી ઉલ્લેખ કરાવમાં આવ્યો છે.

જો અમ્પાયર કોઈ ખેલાડીને મેદાન પર બૉલ ટૅમ્પરિંગનો દોષિત જાહેર કરે તો વિપક્ષ ટીમને પાંચ રન મળે.

સાથે જ વિપક્ષના કૅપ્ટન જો ચાહે તો બૉલ તેજ સમયે બદલી શકાય.

કોઈ બૉલર મૅચ પછી વારંવાર બૉલ ટૅમ્પરિંગનો પ્રયત્ન કરે તો તેને તે મૅચમાં બૉલિંગ કરવા પર પ્રતિબંધ લાદી શકાય છે.

કેટલીક અન્ય સ્થિતિઓમાં તે ટીમના કૅપ્ટન પર પણ દંડ ફટકારવામાં આવી શકે છે.

બૉલ ટૅમ્પરિંગના આરોપ ઑસ્ટ્રેલિયા, વૅસ્ટ ઇન્ડીઝ, પાકિસ્તાન, ઇંગ્લૅન્ડ અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ પર લાગ્યા છે અને સજા પણ થઈ છે.

ભારતના સચીન તેંડુલકર અને રાહુલ દ્રવિડ પર પણ આરોપ લાગ્યા હતા, જોકે કહેવામાં આવ્યું કે આ અજાણતા થયું હતું.

2001માં સચીન તેંડુલકર પર આરોપ લાગ્યા હતા. પોર્ટ એલિઝાબેથ સામે મૅચ હતી અને સચીનને બૉલ ટૅમ્પરિંગ માટે સસ્પેન્ડ કરાયા હતા. તેમના પર મૅચ ફીનો 75 ટકા ભાગનો દંડ ફટકારાયો હતો. વિવાદ બાદ આઈસીસીએ પ્રતિબંધ પાછો ખેંચ્યો હતો.

2004માં રાહુલ દ્રવિડ પર આરોપ લાગ્યા હતા અને 50 ટકા મૅચ ફી દંડમાં લેવાઈ હતી.

એક અન્ય વિવાદમાં 2006માં પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટેસ્ટ મૅચમાં બૉલ ટૅમ્પરિંગના આરોપને કારણે મૅચ પરિણામ પર અસર પડે.

લંડનના ઓવલ મેદાન પર ચાલતી મૅચના ચોથા દિવસે પાકિસ્તાનની સમગ્ર ટીમ પર બૉલ ટૅમ્પરિંગના આરોપ લાગ્યા.

અંપાયર ડેરેલ હેયર અને બિલી ડૉક્ટ્રોવે પાકિસ્તાની ખેલાડીઓ પર આરોપ લગાવ્યો.

તેમના વિરોધમાં પાકિસ્તાની ખેલાડીઓએ ટી-બ્રેક બાદ મેદાન પર આવવાની ના પાડી. અંપાયરે તેમને મેદાનમાં આવવા રહ્યું પરંતુ તેઓ ન આવ્યા અને મૅચ ખતમ કરવાની જાહેરાત કરાઈ. ઇંગ્લૅન્ડની ટીમ વિજેતા જાહેર કરાઈ.

બાદમાં પાકિસ્તાની ખેલાડી મેદાન પર આવ્યા પરંતુ અંપાયરોએ સ્પષ્ટ કર્યું કે મૅચ સમાપ્ત થઈ ગઈ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો