અમિત જેઠવા હત્યાકેસ: પૂર્વ MP દીનુ સોલંકીના ભત્રીજા શિવા સોલંકીની સજા કયા આધારે મોકૂફ રખાઈ?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

દલિત આરટીઆઈ ઍક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકેસમાં ગુજરાત હાઈકોર્ટે ભાજપના પૂર્વ સંસદસભ્ય દીનુ સોલંકીના ભત્રીજા શિવા સોલંકીની સજા મોકૂફ કરી છે.

હાઈકોર્ટે નોંધ્યું હતું કે નીચલી અદાલતે ચૂક કરી હતી અને રાજકીય ગણતરીપૂર્વક તેમને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા હોવાની શક્યતા નકારી શકાય નહીં.

જેઠવા પરિવારના વકીલ તરફથી અદાલતમાં રજૂઆત કરવામાં આવી હતી કે સીબીઆઈની કોર્ટ દ્વારા શિવા સોલંકીને 'મુખ્ય કાવતરાખોરોમાંથી એક' ઠેરવાયો હોવાથી તેને જામીન ન મળવા જોઈએ.

ગીરનાં જંગલોમાં ચાલતા કથિત ગેરકાયદેસર ખાણકામ અંગે અમિત જેઠવાએ કેટલીક આરટીઆઈ અરજીઓ દાખલ કરી હતી, એ પછી જુલાઈ-2010માં ગુજરાત હાઈકોર્ટ પાસે તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

જુલાઈ-2019માં શિવા ઉપરાંત, સંસદસભ્ય દીનુ સોલંકી, શૂટર શૈલેશ પંડ્યા તથા ચાર અન્યોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને જનમટીપની સજા ફટકારવામાં આવી હતી. સપ્ટેમ્બર-2021માં દીનુ સોલંકીની સજા મોકૂફ કરવામાં આવી હતી.

ઉચ્ચ અદાલતનાં અવલોકનો

ઉચ્ચ અદાલતની બેન્ચે નોંધ્યું હતું કે સીબીઆઈ કોર્ટે નોંધેલા પુરાવા, રજૂઆતો અને નિષ્કર્ષોને ધ્યાને લેતા 'પ્રથમદર્શીય' સીબીઆઈની કોર્ટે 'ચૂક' કરી હોવાનું જણાય છે, કારણ કે સાંયોગિક પુરાવાના આધારે દોષિત ઠેરવવા માટે સર્વોચ્ચ અદાલત દ્વારા જે સિદ્ધાંત નક્કી કરવામાં આવ્યા છે, 'એ તમામ'નો ભંગ કરવામાં આવ્યો છે.

હાઈકોર્ટે નોંધ્યું હતું કે (પૃષ્ઠક્રમાંક 11) ઘટનાક્રમની શ્રૃંખલાને ધ્યાને લેતા અરજદારને 'રાજકીય ગણતરીપૂર્વક ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા હોવાની શક્યતા નકારી શકાય નહીં અને હાલના તબક્કે રાજકીય આયામ ઉપર વિચાર નથી કરી રહ્યા.'

આ પહેલાં સપ્ટેમ્બર-2021માં હાઈકોર્ટે ભાજપના પૂર્વ સંસદસભ્ય દીનુ સોલંકીને જામીન આપ્યા હતા અને તેની જનમટીપની સજા મોકૂફ કરી હતી.

પોતાના ચુકાદામાં ઉચ્ચ અદાલતે નોંધ્યું હતું કે આ કેસમાં સમાન સંજોગ હેઠળના સહઆરોપી (પેજનંબર આઠ) બહાર છે એટલે સમાનતાના આધારે શિવાને જામીન મળવા જોઈએ, જો કે તે 'એકમાત્ર' કારણ ન હતું.

અગાઉ પણ અલગ-અલગ તબક્કે શિવાને અલગ-અલગ કારણસર જામીન મળ્યા હતા, (પેજનંબર 11) તે સમયે તેણે કોઈ વાંધાજનક આચરણ કર્યું હોવાની કોઈ ફરિયાદ કોઈ પક્ષકાર તરફથી આવી ન હતી.

આગળ અદાલતે અવલોક્યું હતું કે અરજદારે સાત વર્ષ 11 મહિના અને 14 દિવસ જેલમાં વીતાવ્યા છે. આ પહેલાં 923 જૂની અરજીઓ પડતર છે અને હાલની અરજી પર તત્કાળ સુનાવણી હાથ ધરવામાં આવે તેની કોઈ શક્યતા જણાતી નથી, એટલે સૈદ્ધાંતિક રીતે સજામોકૂફીની ઉપર વિચારણા કરવી જરૂરી બની રહે.

સુનાવણી, સાક્ષી અને ષડયંત્ર

જ્યારે હાઈકોર્ટમાં શિવા સોલંકીની સજા મોકૂફીની અરજી ઉપર સુનાવણી થઈ રહી હતી, તે પહેલાં જ ધર્મેન્દ્રગિરિ નામના સાક્ષી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની ઉપર દબાણનો પ્રયાસ થયો હતો.

ભરત નાયકે બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું, "અમારી રજૂઆત હતી કે કોર્ટે બધા પુરાવા અને સંજોગોને ધ્યાનમાં લે. અમિત જેઠવા હત્યા કેસમાં ત્રણ મુખ્ય કાવતરાખોર તરીકે જેમનાં નામ બહાર આવ્યાં છે, તેમાં શિવા સોલંકીનું નામ છે. જો તે જેલની બહાર આવશે તો પુરાવા સાથે ચેડાં કરી શકે છે અને સાક્ષીઓને પ્રભાવિત કરવા માટે પ્રયાસ કરી શકે છે. (આ મતલબના) ભૂતકાળમાં તેમની સામેના કેસ થયા છે."

કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવા સોલંકી વતી હાજર રહેલા વકીલ નિરૂપમ નાણાવટીએ આ એફઆઈઆરને સ્ટન્ટ ગણાવી હતી અને સજા મોકૂફીની અરજી ઉપર સુનાવણી થવાની હોય ત્યારે અરજદારે આ પ્રકારનું કૃત્ય કરવાને કોઈ કારણ નથી.

એફઆઈઆરને ઉચ્ચ અદાલતે રેકર્ડ પર લીધી હતી અને ઉમેર્યું હતું કે એ કેસમાં કાયદો કાયદાનું કામ કરશે. એક વર્ષ માટે ધર્મન્દ્રગિરિના રહેણાકનગર ઉનામાં નહીં (પેજનંબર 14) પ્રવેશવાનો આદેશ પણ હાઈકોર્ટે આપ્યો છે. અપીલનો નિકાલ ન થાય, ત્યાં સુધી તેને ગુજરાત નહીં છોડવા આદેશ કર્યો છે.

દર મહિનાની પહેલી તારીખે શિવા સોલંકીએ પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું રહેશે (પેજનંબર 12) અને સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ નહીં કરે. આ સિવાય ત્રણ દિવસમાં પાસપૉર્ટ જમા કરાવવા આદેશ આપ્યો છે અને જો પાસપૉર્ટ ન હોય તો એવા મતલબની ઍફિડેવિટ સંબંધિત સેશન્સ કોર્ટમાં જમા કરાવવા કહ્યું છે.

સરકારી વકીલ તરીકે આરસી કોડેકર હાજર રહ્યા હતા. જસ્ટિસ એસ. એચ. વોરા અને જસ્ટિસ મૌના ભટ્ટની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો.

સીબીઆઈનો ચુકાદો

અમદાવાદસ્થિત સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) કોર્ટે તમામ પુરાવાને ધ્યાને લેતા શિવા સોલંકીને જનમટીપની સજા ફટકારી હતી અને રૂ.15 લાખનો દંડ કર્યો હતો.

જો દંડ ન ભરે તો વધુ ત્રણ વર્ષની સજા ભોગવવાનું ઠેરવ્યું હતું. આ સિવાય કલમ 120 (બ) હેઠળના ગુના માટે ત્રણ વર્ષની સજા અને રૂ. પાંચ હજારનો દંડ ફટકાર્યા હતા. જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સખત જેલની સજા કરી હતી.

આ કેસની સુનાવણી દરમિયાન 105 સાક્ષી ફરી ગયા હતા, જેમાંથી અમુકે સીઆરપીસીની (ક્રિમિનલ પ્રૉસિજર કોડ) કલમ 164 હેઠળ નિવેદન નોંધાવ્યા હતા. આ કલમ હેઠળ આપવામાં આવેલા નિવેદન પછી જો કોઈ સાક્ષી ફરી જાય તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

સીબીઆઈ કોર્ટના સ્પેશિયલ જજ કે. એમ. દવેએ આરોપી શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ સહિત સાતને દોષિત ઠેરવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સુનાવણી દરમિયાન જજ દવેએ 24*7 પોલીસસુરક્ષાની માગણી કરી હતી અને આ મતલબનો પત્ર સીબીઆઈને લખવામાં આવ્યો હતો.

એ સમયે સજાની જાહેરાત પછી મૃતકના પિતા ભીખાભાઈએ કહ્યું હતું કે 'ન્યાય માટેની મારી 10 વર્ષથી ચાલી રહી હતી. આ ચુકાદાથી સંતોષ અને આનંદ છે. દંડ પેટે મળેલી રકમ અમિતનાં પુત્ર-પુત્રીનાં ભણતર માટે ખર્ચીશ.'

પુત્રનું અવસાન

પ્રતાપ ઉર્ફ શિવા સોલંકીના 24-વર્ષીય દીકરાનો અભ્યાસ યુકેમાં ઑક્સફૉર્ડ યુનિવર્સિટી ખાતે ચાલતો હતો, કોરોના શરૂ થયા બાદ તેઓ પોતાના વતન પાછા આવી ગયા હતા.

ઑક્ટોબર-2020માં દેવલી ગામે તેમણે મિત્રની રિવૉલ્વરથી આત્મહત્યા કરી લીધી હતી. એમના મૃતદેહ પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી ન હતી અને પોલીસે તેને આત્મહત્યાનો કેસ કહ્યો હતો. પુત્રની અંતિમક્રિયામાં ભાગ લેવા માટે શિવા સોલંકીને 10 દિવસના જામીન મળ્યા હતા.

જુલાઈ-2019માં સજા થઈ તે પછી જુલાઈ-2020, ઑક્ટોબર-2020, નવેમ્બર-2020, જાન્યુઆરી-2021માં અંતિમવિધિમાં ભાગ લેવા, કે આપ્તજનની બીમારી સબબ હંગામી જામીન અને ફર્લો મળ્યા હતા.

જુલાઈ-2022માં શિવા સોલંકીનાં પત્નીએ ટ્વીન્સને જન્મ આપ્યો હતો. એ પછી પત્નીને થયેલી કેટલીક બીમારીઓ સબબ સારવાર અંગેનો નિર્ણય લેવા માટે શિવા સોલંકીએ જામીન માગ્યા હતા, ત્યારે ઉચ્ચ અદાલતે તેને હંગામી રાહત આપી હતી.

અમિત જેઠવા હત્યાકેસ

અમરેલીના ખાંભામાં જન્મેલા દલિત આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) ઍક્ટિવિસ્ટ અમિત જેઠવાએ ગીરના જંગલમાં ચાલી રહેલા કથિત ગેરકાયેદસર ખનનનો પર્દાફાશ કરવા માટે ચળવળ હાથ ધરી હતી.

તા. 20મી જુલાઈ, 2010ના સાંજેના સમયે ગુજરાત હાઈકોર્ટની સામે અજાણ્યા શખ્સોએ જેઠવાની (ઉં.વ.42) ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

અમરેલી, જૂનાગઢ તથા ગીર-સોમનાથ જિલ્લામાં એશિયાઈ સિંહો વસવાટ કરે છે. તેમના વિસ્તાર સમાન ગીરના જંગલોમાં કથિત ગેરકાયદેસર ખનન સહિતની ગેરરીતિઓ સામે જેઠવાએ ચળવળ હાથ ધરી હતી.

આ માટેની માહિતી એકઠી કરવા તેમણે આરટીઆઈનો ઉપયોગ કર્યો હતો. જેઠવા તથા તેમના જેવા અન્ય આરટીઆઈ કર્મશીલોની દેશભરમાં હત્યા બાદ આરટીઆઈ ઍક્ટિવિસ્ટ્સને સુરક્ષા આપવા માટે વિશેષ બિલ સંસદમાં રજૂ થયું હતું, પરંતુ તે કાયદાનું સ્વરૂપ ધારણ કરી શક્યું ન હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો