You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ગુજરાત ચૂંટણી માટે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કર્યા ત્રણ વાયદા- પ્રેસ રિવ્યૂ
કૉંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું કે જો તેની પાર્ટી ગુજરાતમાં સત્તા પર આવશે તો કૉન્ટ્રેક્ટ પર કામ કરનારાઓની નોકરી પાકી કરવામાં આવશે અને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવશે.
હિંદીમાં કરવામાં આવેલા ટ્વીટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, કૉંગ્રેસનો પાક્કો વાયદો. સંવિદાકર્મીઓને પાકી નોકરી. જૂની પેન્શન સ્કીમ લાગુ કરાશે. સમય પર પ્રમોશન રાજસ્થાનમાં લાગુ કર્યું, હવે ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર બનતા જ કર્મચારીઓને તેમનો અધિકાર મળશે.
ગુજરાત ચૂંટણી માટે ચૂંટણીપંચ નવેમ્બરની શરૂઆતના અઠવાડિયામાં મતદાનની તારીખોની જાહેરાત કરશે.
ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો મળી હતી ત્યાં જ કૉંગ્રેસને 77 બેઠકો પર સંતોષ કરવો પડ્યો હતો. ગુજરાત વિધાનસભામાં 182 બેઠકો છે.
યુનિફોર્મ સિવિલ કોડ પર કેજરીવાલે ભાજપ પર શું સવાલ ઉઠાવ્યા?
યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતાની જરૂરિયાતની તપાસ માટે ઉચ્ચ કમિટીની રચનાના ગુજરાત સરકારના નિર્ણય પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટિપ્પણી કરી છે.
ભાવનગરમાં આવેલા અરવિંદ કેજરીવાલે એક પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું કે ભાજપની યોજના યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવાની નથી.
તેમણે કહ્યું, "બંધારણના આર્ટિકલ 44માં સ્પષ્ટ લખ્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવો એ સરકારની જવાબદારી છે. સરકારે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવો જોઈએ અને એ એવો બનવો જોઈએ, જેમાં બધા સમુદાયની મંજૂરી હોવી જોઈએ."
"ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું? ઉત્તરાખંડ ચૂંટણી પહેલાં એક સમિતિ બનાવી, જે ઉત્તરાખંડ ચૂંટણી જીત્યા બાદ પોતાના ઘરે જતી રહી. હવે ગુજરાતની ચૂંટણીના ત્રણ દિવસ પહેલાં એક સમિતિ બનાવી અને એ પણ હવે ચૂંટણી બાદ પોતાના ઘરે જતી રહેશે. મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં આ સમિતિ કેમ નથી બનાવતા?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેજરીવાલે કહ્યું, "જો તેમની નિયત યુનિફોર્મ સિવિલ કોડ બનાવાની હોય તો આ દેશમાં બનાવીને કેમ નથી લાગુ કરતા? શું લોકસભા ચૂંટણીની રાહ જોઈ રહ્યા છો? પહેલા તમે એમને જઈને પૂછજો કે કેજરીવાલ કહી રહ્યા છે કે તમારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો નથી, તમારી નિયત ખરાબ છે."
અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા
પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.
ગારિયાધારમાં યોજાયેલી આપની સભામાં આ બંને નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ તેમના જોડાવવા અંગે જાહેરાત કરી હતી અને તેમનું સ્ટેજ પર સ્વાગત કર્યું હતું.
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે તેમની સાથે અન્ય કાર્યકરો પણ આપમાં જોડાઈ રહ્યા છે.
બીબીસીના સહયોગી ધર્મેશ અમીનના જણાવ્યા અનુસાર, અલ્પેશ કથીરિયાને વરાછા બેઠક પરથી ચૂંટણી લડાવાય તેવી પણ શક્યતા છે. વ્યવસાયે વકીલ એેવા અલ્પેશ કથીરિયા સુરતમાં પાટીદાર આંદોલનને વેગ આપવામાં સક્રિય રહ્યા હતા.
વડા પ્રધાન મોદી ગુજરાતમાં
વિધાનસભા ચૂંટણી હવે નજીકમાં છે અને નેતાઓની ગુજરાત મુલાકાત પણ વધી ગઈ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી પહેલી નવેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે છે. એવું માનવામાં આવે છે કે પહેલી નવેમ્બર બાદ ગુજરાતમાં ચૂંટણી જાહેર થઈ શકે છે.
ગુજરાત સરકારના પ્રવક્તા અને મંત્રી જિતુ વાઘાણીએ આપેલી માહિતી અનુસાર, વડા પ્રધાનના હસ્તે વિવિધ વિકાસકામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30મી ઑકટોબરે વડોદરા આવશે અને સી-295 ઍરક્રાફટ નિર્માણના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ 31મી ઑક્ટોબરે કેવડિયામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરશે.
તેમજ નરેન્દ્ર મોદીના હસ્તે વડોદરા, થરાદ અને જાંબુઘોડા ખાતે વિવિધ વિકાસકામોનાં ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે.
વડા પ્રધાન પહેલી નવેમ્બરના રોજ માનગઢ હિલ રાજસ્થાન ખાતેના કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
'ભાજપ ચૂંટણી સમયે આવા મુદ્દા ઉઠાવે છે'
ગુજરાતમાં સમાન સિવિલ કોડની જરૂરિયાત ચકાસવા માટે એક ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણયને ચૂંટણીલક્ષી પણ માનવામાં આવે છે.
એઆઈએમઆઈએમના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસસુદ્દીન ઓવૈસીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.
એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા તેમણે કહ્યું કે "ભાજપની આ બહુ જૂની આદત છે કે ચૂંટણી આવે ત્યારે આવા મુદ્દાઓને ચૂંટણીમાં લાભ માટે ઉઠાવે છે. આ અપેક્ષિત હતું. ભાજપ અસલી મુદ્દાઓ પર વાત કરવા માગતો નથી. તેની નિષ્ફળતા છુપાવવા માટે આવા મુદ્દાઓ ઉઠાવે છે."
તેમણે કહ્યું કે "ખુદ લૉ કમિશને પણ કહ્યું છે કે આ દેશને હાલ યુનિફોર્મ સિવિલ કોડની જરૂર નથી."
તેમણે કહ્યું કે હાલમાં દેશની રાજનીતિમાં મુસલમાનોને "રાજકારણમાંથી અદૃશ્ય" કરી દેવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારના મંત્રી પરસોત્તમ રૂપાલાએ ગુજરાત સરકાર દ્વારા કૅબિનેટ મિટિંગમાં રાજ્યમાં સમાન સિવિલ કોડની જરૂરિયાત ચકાસવા માટે સમિતિની રચના અંગેના નિર્ણય વિશે વાત કરતાં કહ્યું હતું કે, "આ એક અલગ પ્રકારનો અને દેશને નવી દિશા આપનારો નિર્ણય છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો