ઈરાન : 50 વર્ષ સુધી તેઓ સાબુ-પાણીને અડ્યા પણ નહીં અને જ્યારે સ્નાન કર્યું ત્યારે મોત થઈ ગયું

ઇમેજ સ્રોત, AFP

- અમોઉ દક્ષિણી ઈરાનના ફાર્સ વિસ્તારમાં રહેતા હતા
- દાયકાઓ સુધી ન નાહવાના કારણે તેમની ત્વચા કાળી થઈ ગઈ હતી અને પરુ ભરાઈ ગયું હતું
- ન્યૂઝ એજન્સી અનુસાર, તેઓ સડેલું માંસ ખાતા હતા અને ઑઇલના એક જૂના કેનથી ગંદું પાણી પીતા હતા.

સોશિયલ મીડિયામાં એક સમાચાર ઘણા વાઇરલ થતાં જોવા મળી રહ્યા છે, જેમાં એક સંન્યાસી વર્ષોથી નાહ્યા વગર પોતાનું જીવન જીવતા હતા અને જ્યારે નાહ્યા ત્યારે તેમનું મૃત્યુ થઈ ગયું.
કેટલાક મહિના પહેલાં જ તેઓ દાયકામાં પ્રથમ વાર નાહ્યા હતા.
અમોઉ હાજી સાબુ અને પાણીથી 50 વર્ષથી વધુ સમય સુધી દૂર રહ્યા હતા. તેમને ડર હતો કે, તેના ઉપયોગથી તેઓ બીમાર પડી શકે છે.
અમોઉ દક્ષિણી ઈરાનના ફાર્સ વિસ્તારમાં રહેતા હતા. પહેલા પણ ગામના લોકોએ તેમને નાહવાનું કહ્યું હતું, પરંતુ તેઓ શરીરને સાફ રાખવાથી દૂર રહેતા હતા.
પરંતુ સ્થાનિક મીડિયા અનુસાર, કેટલાક મહિના પહેલાં અમોઉ હાજીએ ગામ લોકોના આગ્રહમાં આવી ગયા અને પોતાનું શરીર સાબુ-પાણીથી સાફ કરી દીધું.
ઈરાનની ઇરના ન્યૂઝ એજન્સી અનુસાર, નાહ્યા પછી જ તેઓ બીમાર પડી ગયા અને ગયા રવિવારે તેમનું મૃત્યુ થઈ ગયું.
તેહરાન ટાઇમ્સને વર્ષ 2014માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, તેમનું મનપસંદ ભોજન સાહી (પૉર્ક્યૂપાઇન) છે અને એ જમીનમાં બનેલા એક હોલમાં અને ગામ લોકો દ્વારા બનાવવામાં આવેલી એક ઝૂંપડીમાં દેજગાહ ગામમાં રહેતા હતા.
તેમણે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેઓ આવું જીવન જીવે છે કેમ કે જવાનીમાં કડવા અનુભવ થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દાયકાઓ સુધી ન નાહવાના કારણે તેમની ત્વચા કાળી થઈ ગઈ હતી અને પરુ ભરાઈ ગયું હતું.

સિગારેટના શોખીન

ઇમેજ સ્રોત, AFP
ન્યૂઝ એજન્સી અનુસાર, તેઓ સડેલું માંસ ખાતા હતા અને ઑઇલના એક જૂના કેનથી ગંદું પાણી પીતા હતા.
તેમને ધૂમ્રપાન કરવું ગમતું હતું. એક તસવીરમાં તેઓ એકસાથે કેટલીય સિગારેટના કશ લેતા જોવા મળે છે.
ન્યૂઝ એજન્સી અનુસાર, તેમને નાહવાની કોઈ સલાહ આપે અથવા પીવા માટે ચોખ્ખું પાણી આપે તો તેઓ દુખી થઈ જતા હતા.
જોકે નાહ્યા વગર આટલો લાંબો સમય પસાર કરવાનો રેકૉર્ડ તેઓ બનાવી શક્યા કે નહીં, તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
વર્ષ 2009માં એક ભારતીય વ્યક્તિ વિશે રિપોર્ટ હતા કે તેમણે તેમના દાંત 35 વર્ષ સુધી ના તો સાફ કર્યા હતા અને ના તો ક્યારેય બ્રશ કર્યું હતું.
તેમની સાથે પછી શું થયું એ અંગે નવી જાણકારી સામે નથી આવી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.આજે સૂર્યગ્રહણ, ભારતમાં પડનારી અસર અહીં જાણો













