આ રીતે ઊજવો ઘોંઘાટ અને પ્રદૂષણથી મુક્ત મનોહર દિવાળી

    • લેેખક, નતાશા બધવાર
    • પદ, બીબીસી માટે

જ્યારે છત્તીસગઢના બસ્તરમાં ગાઢ જંગલમાં બનેલા સર્કિટ હાઉસમાં રોકાઈ હતી ત્યારે મેં મારા જીવનમાં દિવાળીની પહેલી રંગોળી બનાવી હતી.

એ વર્ષે હું ભિલાઈમાં રહેતી હતી અને કેટલાક યુવાઓને ડૉક્યુમેન્ટરી ફિલ્મનો કોર્સ શીખવતી હતી. આ વર્ષની જેમ એ વર્ષે પણ દિવાળી સપ્તાહના અંતમાં હતી અને મને દિલ્હીમાં મારા ઘરે આવવાનો સમય મળ્યો નહોતો.

મારાં સાથીદારો માર્ગારેટ અને અજય સાથે મળીને મેં બસ્તરની અંદર (જ્યાં સુધી અમે જઈ શકીએ ત્યાં સુધી) જવાનો નિર્ણય કર્યો. અમને અમારા કામમાંથી એક વિરામની જરૂર હતી અને જંગલ અમને આમંત્રણ આપી રહ્યું હતું.

અમે દુર્ગ-ભિલાઈ-રાયપુરના ઔદ્યોગિક વિસ્તારથી યાત્રા શરૂ કરી. જ્યારે અમે જગદલપુરને પાર કર્યું ત્યારે અમારા વિશ્વના સૌથી વધુ જૈવવિવિધતાં જંગલોમાં હતાં, જે એકદમ જાદુઈ જેવું લાગતું હતું.

ઇન્દ્રાવતી નદીમાં ચિત્રકૂટનો ધોધ પડતો જોઈને જે દૃશ્ય ખડું થયું એનો અનુભવ શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. નદીમાં પડતા ધોધનો જે અવાજ આવી રહ્યો હતો, એમાં મારા બધા વિચારો ડૂબી ગયા હતા.

અમે પહાડની બાજુમાં ઊભા રહીને જોઈ રહ્યા હતા કે નદી કેવી રીતે પથરાળ જમીન સાથે અથડાઈ રહી છે. અમે નરમ ટીપાંથી ઘેરાયેલાં હતાં. વિચાર પણ આવતો હતો કે શું સ્વર્ગ આવું જ હશે?

અમે નિર્જન જંગલમાં ગયાં અને રાતમાં લગભગ ખાલી પડેલા સર્કિટ હાઉસમાં પહોંચ્યાં. દિવાળીની સવારે અજય, કેરટેકર સાથે મળીને ભોજનની વ્યવસ્થામાં લાગી ગયાં. માર્ગારેટ લંડનથી આવેલી ફિલ્મમૅકર હતી, તેણે મારી સામે જોતાં પૂછ્યું કે તું દિવાળી પર શું કરી રહી છે?

મેં આ પહેલાં એકલાં ક્યારેય કશું કર્યું નહોતું. ઘરમાં અન્ય લોકો જે કરતાં હું પણ એ જ કરતી હતી. એવામાં હું અચરજમાં વિચારતી હતી કે આ દિવાળીના અવસરને બધા માટે કેવી રીતે અલગ બનાવું?

પહેલી વાર એવો મોકો હતો કે હું પહેલી વાર આગવા અંદાજમાં દિવાળી ઊજવી શકતી હતી. જંગલમાં નીરવ શાંતિ હતી, તેને પહેલાં જ મેં અપનાવી લીધી હતી.

મને ત્રણ રંગ મળ્યા- ભૂરો, લાલ માટી અને સફેદ ચૉક પાઉડર. અમે જ્યાં રહેતાં હતાં, તેના દરવાજાની બહાર સિમેન્ટેડ તળિયા અને ગલીઓમાં ડિઝાઇન બનાવવાની શરૂઆત કરી. રંગોળીમાં મેં ફૂલ, પ્રાણીઓ અને એક જેવી આકૃતિવાળી પૅટર્ન બનાવી.

બહુ ઝડપથી દંડાકરણ્યનાં જંગલોમાં રાત પડી. પૌરાણિક રામાયણ અનુસાર, આ જંગલમાં 14 વર્ષના વનવાસ દરમિયાન રામ, સીતા અને લક્ષ્મણ રહ્યાં હતાં. રાતના અંધારામાં છોડ-પાન પર પડતી તારાની રોશની જ એકમાત્ર સ્રોત હતી.

પોતાની દુનિયાને રોશન બનાવવા માટે અમારે દિવાળીનાં દીવડાંની જરૂર નહોતી. પ્રકૃતિએ અમને દિવાળીની ઉત્તમ ભેટ આપી હતી.

પક્ષીઓના માળા ગૂંજતા હતા, ઝાડીઓમાંથી કીડા-મકોડાનો અવાજ આવતો હતો. આ જ અવાજમાં રામ, સીતા અને લક્ષ્મણનો અયોધ્યાવાપસીનો જશ્ન ઉજવાતો હતો. અમે લોકો અંદરોઅંદર હસતાં હતાં કે દિવાળી ઊજવવા એ જગ્યાએ આવ્યાં છીએ, જ્યાં રામ, સીતા અને લક્ષ્મણને વનવાસ દરમિયાન રહેવું પડ્યું હતું.

મને પરિવારની ખોટ તો સાલતી હતી પણ રંગોથી ભરેલી મારી આખી દિવાળી સંપન્ન થઈ ગઈ હતી.

આ વર્ષે હું દિવાળીના આસપાસના માહોલ પર લખી રહી છું. હવે હું મેટ્રો સિટીમાં રહેતી એક મા છું. બાળકોને સ્કૂલમાં જણાવાયું છે કે પહેલેથી પ્રદૂષિત વાતાવરણમાં દિવાળી પર ઘોંઘાટ અને પ્રદૂષણ વધારવાનું નથી.

પિતરાઈઓ વચ્ચે સુંદર અને આકર્ષક ફટાકડાના ઉપયોગની હોડ પણ જામી છે, જે કોઠી, ચકરડી અને રૉકેટ જેવો ઓછો અવાજ કરે છે.

મારી મા અને મોટી દીકરી, બંને લાંબા સમયથી અસ્થમાથી પીડિત છે, દર વરસે દિલ્હીની દિવાળીમાં તેમની મુશ્કેલીઓ વધી જાય છે. આ વરસે સુપ્રીમ કોર્ટે ફટાકડાના વેચાણ પર રોક લગાવી છે, પરંતુ સોશિયલ મીડિયામાં આ નિર્ણયને હિન્દુ સંસ્કૃતિ પર હુમલો ગણાવીને તેની ટીકા કરાઈ રહી છે.

પોતાનાં સ્વજનો અને જાત માટે વધુથી વધુ લોકો ઘોંઘાટમુક્ત, રચનાત્મક અને ઉત્તમ દિવાળી ઊજવે, હું તો એ જ ઇચ્છું છું. તેના માટે આપણે મોંઘી ભેટની લેવડદેવડથી બચવાની પણ જરૂર છે.

આપણે ફટાકડા અને જંક ફૂડ હૅમ્પરો પર થતો ખર્ચ ટાળવો જોઈએ. આપણે આ પૈસા કોઈ સારા કામ માટે દાન કરવા જોઈએ.

આપણામાંથી ઘણાને ફટાકડાના પ્રદૂષણને લીધે શહેરથી દૂર અને પછી જંગલોની વચ્ચે જવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે.

એવામાં આપણે બધાએ પોતાનાં આનંદ, ઉત્સવ, ભક્તિ વગેરેને આંકવાની જરૂર છે.

મારું માનવું છે કે એક સમાજ અને ભારતીય નાગરિક તરીકે આપણે આના માટે તૈયાર છીએ. આપણે આ જાત માટે, પોતાનાં બાળકો માટે અને આપણને જોઈ રહેલા ઇશ્વર માટે કરવું જોઈએ.

(લેખમાં વ્યક્ત લેખિકાના અંગત અનુભવો છે)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો