You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કચ્છનું માધાપર 'દેશનું સૌથી સમૃદ્ધ' ગામ કેવી રીતે બન્યું?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- ગુજરાતનાં સૌથી વધુ ધનાઢ્ય ગામો પૈકી એક માધાપરની બીબીસી ગુજરાતીની ટીમે મુલાકાત લીધી
- ભુજની નજીક આવેલા માધાપર ગામમાં લોકોને ઘરે નળથી પાણી આપવાની સગવડ તો વર્ષો પહેલાંથી શરૂ થઈ ગઈ હતી
- NRIઓના ગામમાં હજારો કરોડ રૂપિયા બૅન્કોમાં હોવા છતાં એવી કઈ સમસ્યાઓ છે જેને લઈને ગ્રામજનો ચિંતિત છે?
વીસમી સદીના શરૂઆતના દાયકામાં જ્યારે કચ્છ જિલ્લાના માધાપર ગામથી પાટીદાર સમુદાયના લોકોએ મહેનત મજૂરી અને રોજીરોટી માટે વહાણવટાથી આફ્રિકાની વાટ પકડી હશે ત્યારે તેમની આગામી પેઢીઓ તેમના ગામને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવશે તેનો કોઈને ભાગ્યે જ અંદાજ હશે.
આજે ભારતના સૌથી અમીર ગામડાંમાંથી એક ગણાતું માધાપર લગભગ પાંચ હજાર કરોડ રૂપિયાની બૅન્ક ડિપૉઝિટ ધરાવે છે.
હવે ગુજરાતનાં ગણ્યાં-ગાંઠ્યાં શહેરોને બાદ કરીએ તો કોઈ કસબા કે નાના શહેરમાં ક્લબ હાઉસ હોવાની વાત અત્યારે પણ નવાઈ પમાડે છે, જ્યારે બિનનિવાસી ભારતીય (નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ - એનઆરઆઈ)ના ગામ તરીકે ઓળખાતા માધાપરની સમૃદ્ધિનો ખ્યાલ એ વાત પરથી આવી શકે આ ગામમાં વર્ષોથી તમામ સુવિધા સાથેનું ક્લબ હાઉસ છે.
ગુજરાતના લગભગ 18 હજાર ગામડાંમાં સૌથી અલગ ઓળખ ધરાવતા માધાપરની બીબીસીએ મુલાકાત લીધી.
શું છે માધાપરનો ઇતિહાસ?
માધાપર ગામનો ઇતિહાસ લગભગ 550 વર્ષ જૂનો છે. આ ગામ માધા કાનજી સોલંકી દ્વારા વસાવવામાં આવ્યું હતું. આજે પણ તેમના વંશજો આ ગામમાં જ રહે છે.
એક સમયે કચ્છના રાજવીઓનાં સંતાનોના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલી દરબારી શાળા માધાપરમાં છે. જે લગભગ 128 વર્ષ જૂની છે અને હવે ત્યાં પોલીસ સ્ટેશન છે.
ઇંગ્લૅન્ડમાં સ્થાયી થયેલા માધાપરના પાટીદાર સમાજ દ્વારા તૈયાર કરવામાં આવેલી વેબસાઇટ માધાપર.યુકેમાં દર્શાવેલા ગામના ઇતિહાસ અનુસાર માધાપર ગામમાં શરૂઆતમાં મિસ્ત્રી સમાજના લોકો રહેતા હતા અને પાટીદારો વર્ષ 1576ની આસપાસ માધાપર આવીને સ્થાયી થયા.
આજે માધા કાનજી સોલંકી દ્વારા વસાવેલું માધાપર બે વિભાગમાં વહેંચાયેલું છે. જૂનો વાસ અને નવો વાસ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માધા કાનજીએ વસાવેલું એ ગામ જૂના વાસ તરીકે ઓળખાય છે અને 150 વર્ષ પહેલાં ગામના પાટીદાર આગેવાન શામજીભાઈ પટેલે નવા વાસની રચના કરી.
વર્ષ 1990 સુધી સંયુક્ત નગરપંચાયત ધરાવતા માધાપર ગામમાં હવે બે ગ્રામ પંચાયત - માધાપર જૂનો વાસ અને માધાપર નવો વાસ છે.
બન્ને માધાપરના બે અલગ સરપંચ પણ છે. માધાપર જૂના વાસના સરપંચ છે ગંગાબહેન મહેશ્વરી અને માધાપર નવા વાસના સરપંચ છે અરજણભાઈ ભુડિયા.
કેવી રીતે શરૂ થયું સ્થળાંતર?
માધાપરથી વિદેશમાં વસવાટના ઇતિહાસની માહિતી આપતાં પાટીદાર લેઉવા પાટીદાર સંઘના પ્રમુખ જયંતભાઈ માધાપરિયા વધુમાં કહે છે કે, "તમામ પાટીદાર સમુદાયના લોકો, અહીંયાં આશરે 100 વર્ષ પહેલાં રહેવા આવ્યા હતા અને પહેલાં તેઓ ખેતમજૂરીનું કામ કરતા હતા."
"સૌરાષ્ટ્રનાં વિવિધ ગામડાંથી અહીં આવીને તેમણે મજૂરીનું કામ કર્યું અને જ્યારે તેમાંથી અમુક લોકોને જહાજમાં બેસીને વિદેશમાં જવાનો મોકો મળ્યો, તો પ્રથમ વખત તેઓ ઇસ્ટ આફ્રિકા જવા માંડ્યા. અમારી જાણ પ્રમાણે અહીંથી લોકોએ 1920ના દાયકામાં પહેલી વખત વિદેશમાં જવાની શરૂઆત કરી હતી. ઇસ્ટ આફ્રિકાની રેલવે લાઇન માટે મજૂરી માધાપરના પાટીદારોએ કરી છે."
નવા વાસના સરપંચ અરજણભાઈ ભુડિયાના જણાવ્યા અનુસાર, એ સમયે કોઈને ઇંગ્લૅન્ડ કે બીજા કોઈ દેશોમાં જવાનું નહોતું બન્યું.
તેમણે કહ્યું, "કચ્છમાં લેઉવા પાટીદારોનો 24 ગામનો સમાજ છે. એ સમયે પાટીદારો પોતાના પરિવારો અને સમાજમાંથી અન્ય યુવાનોને પોતાની સાથે આફ્રિકા કામ કરવા માટે લઈ જતા હતા. બીજા સમાજોમાં એવું વલણ નહોતું જોવા મળતું."
"આમ માધાપર અને તેની આસપાસનાં 24 ગામોના લેઉવા પાટીદારોના ઘણા પરિવારો આજે વિદેશમાં સ્થાયી થયા છે. 1972 સુધી માધાપરના પાટીદારો આફ્રિકાના દેશોમાં જ હતા. ત્યાર બાદ ત્યાંથી ભારતીયોનું પલાયન શરૂ થયું ત્યારે પાટીદાર પરિવારો લંડન, દુબઈ, મસ્કતમાં સ્થાયી થયા. હાલમાં ત્યાંથી અમારા સમાજના લોકો હવે ઑસ્ટ્રેલિયા, અમેરિકા જેવા દેશોમાં સ્થાયી થયા છે."
અરજણભાઈ ભુડિયા પ્રમાણે, નવા વાસમાં રહેતા મોટા ભાગના લોકોના કોઈ ને કોઈ સગાંસંબંધીઓ હાલમાં વિદેશમાં રહે છે અને તેઓ ગામના વિકાસકાર્યો માટે સમયાંતરે દાન આપતા હોય છે, જેના કારણે અનેક વિકાસનાં કામો થઈ શકે છે.
તેઓ કહે છે કે, "જે લોકો હાલમાં વિદેશમાં સ્થાયી થઈ ચૂક્યા છે, તેઓ સતત પોતાના પરિવારજનો, સગાંસંબંધીઓ વગેરેને તેમને ત્યાં બોલાવતા રહે છે, જેના કારણે માધાપરના નવા વાસથી વિદેશ જવાની પ્રક્રિયા વર્ષોથી અવિરતપણે ચાલુ છે."
કેવી રીતે માધાપર બન્યું દેશનું સૌથી સમૃદ્ધ ગામ?
ગામમાં રહેતા એનઆરઆઈઓએ એક માતબર રકમ થાપણ સ્વરૂપે પાછી આ ગામમાં મોકલી છે, જેના કારણે 60 હજારની વસ્તીના આ ગામમાં 16 બૅન્ક કાર્યરત છે, અને કદાચ એટલા માટે અનેક સમાચારપત્રો આ ગામને દેશના સૌથી ધનાઢય ગામમાંના એક તરીકે ઓળખાવે છે.
માધાપર દેશનું અને કદાચ એશિયાનું સૌથી સમૃદ્ધ ગામ બની શક્યું તેની પાછળ અહીં શિક્ષણને શરૂઆતથી જ પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું જણાય છે.
અરજણભાઈ ભુડિયા કહે છે, "કામ માટે આફ્રિકા ગયેલા માધાપરના વતનીઓએ એ સમજી લીધું હતું કે વિદેશમાં કામ કરવા માટે ત્યાંના લોકો સાથે વાત કરતા આવડવું જરૂરી છે અને એટલે લગભગ 1946ના વર્ષમાં જ નવા વાસમાં સ્કૂલ બનાવવા માટે આફ્રિકામાં એ સમય છ હજાર શિલિંગનો ફાળો કરીને સ્કૂલ બનાવી."
"એટલું જ નહીં, 1952માં વાંચનાલય બની ગયાં હતાં અને પરિવાર સાથે વિદેશ જનારી મહિલાઓ ઘરે રહીને પણ કામ કરી શકે તે માટે ત્યાં સીવણકામ શીખવાના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા હતા."
માધાપર સૌથી સમૃદ્ધ ગામ બન્યું તે માટે શિક્ષણ ઉપરાંત આ જ ગામના આગેવાનો આફ્રિકામાં વસતા 24 ગામના પાટીદાર સમાજના લોકોનાં નાણાં દેશમાં લાવવાનું કામ કરતા હોવાનું કામ પણ જવાબદાર હતું.
અરજણભાઈ કહે છે, "1974 સુધી માધાપરના જ જાદવજી વેલજી વસાણી પાટીદાર સમાજનાં 24 ગામોના લોકોની બચત અને નાણાં આફ્રિકાથી અહીં લઈ લાવીને લેવડ-દેવડ કરતા એટલે આ બધાં ગામોનાં વિદેશથી આવતાં મોટાં ભાગનાં નાણાં માધાપરમાં જ રહેતાં."
કરોડો રૂપિયાની બૅન્ક ડિપોઝિટ્સ પાછળનું કારણ?
માધાપરમાં એકઠાં થતાં નાણાં આખરે બૅન્કોના રાષ્ટ્રીયકરણ બાદ ધીરેધીરે વિવિધ બૅન્કોની ફિક્સ ડિપૉઝિટમાં પરિણમ્યાં. આજે લગભગ તમામ મુખ્ય બૅન્કોની શાખા માધાપર નવા વાસમાં આવેલી છે.
આ ગામની ગ્રામ પંચાયતની ઇમારતવાળા રોડ પર લાઇનબંધ બૅન્કો જોઈ શકાય છે. આ ઇમારત વીરાંગનાભવન તરીકે ઓળખાય છે, કારણ કે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે આ ગામની મહિલાઓએ ભારતીય સૈન્ય માટે રન વે બનાવી દીધો હતો. આ ઘટના પરથી ભુજ- પ્રાઇડ ઑફ ઇન્ડિયા નામની ફિલ્મ પણ બનેલી છે.
અરજણભાઈ ભુડિયા કહે છે, "વર્ષ 1961-62માં જ્યારે બૅન્કોનું રાષ્ટ્રીયકરણ થયું તે પછી સરકાર દ્વારા બૅન્કો અને પોસ્ટ ઑફિસમાં નાની બચત યોજના શરૂ કરવામાં આવી હતી. એ સમયે માધાપરમાં આસપાસનાં અન્ય ગામોનાં નાણાં પણ ડિપૉઝિટ તરીકે રહેતાં હોવાથી એ બધાં નાણાં નાની બચત યોજનામાં ગયાં."
"વિદેશથી પોતાની નિવૃત્તિની બચત સાથે અહીં આવીને વસતા લોકોને એ ડિપૉઝિટના વ્યાજમાંથી જ સારી એવી આવક થતી. જે તેમના સ્થાનિક નિભાવખર્ચ માટે પૂરતી હતી. આથી ઘણી બધી ડિપૉઝિટનું વ્યાજ પણ વપરાયા વિના એકઠું થતું રહ્યું અને એ વ્યાજના પણ વ્યાજને કારણે હવે અહીં ઓછામાં ઓછી 1200 કરોડની ડિપૉઝિટ તો પડેલી છે."
ભીમજીભાઈ ભુડિયા નામના એક એનઆરઆઈ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "એવા અનેક લોકો છે કે જેઓ પોતાની જીવનભરની કમાણી અહીંની બૅન્કમાં મૂકીને તેના વ્યાજથી હાલમાં ભારતમાં પોતાનું જીવન વિતાવે છે. હું અને મારાં પત્ની પણ આવી જ રીતે અહીંયાં જીવન પસાર કરીએ છીએ."
તેઓ કહે છે કે, લોકો પોતાનાં ઘર બનાવે, ગાડી ખરીદે, ટુ વ્હીલર ખરીદે, શૉપિંગ કરે તો તેનો સીધો ફાયદો અહીં રહેતા લોકો અને કારીગરોને થાય છે અને તેના કારણે જ આ ગામનું અર્થતંત્ર બીજાં ગામો કરતાં સારું છે.
ભીમજીભાઈનાં પત્ની ચંદ્રલતાબહેન ભુડિયાના પિતા માધાપરથી કેન્યા ગયા હતા. ચંદ્રલતાબહેન કહે છે, "કેન્યામાં જ્યારે રાજકીય પરિબળો યોગ્ય ન હતાં, તો મારો પરિવાર યુકે જતો રહ્યો અને અમે બધા ત્યાં જ મોટાં થયાં. યુકેમાં મારા પતિ અને મારો પરિવાર મળ્યો અને ત્યાં મારાં લગ્ન થયાં."
હાલમાં ચંદ્રલતાબહેન અને ભીમજીભાઈ બન્ને નિવૃત્ત થઈ ચૂક્યાં છે અને માધાપરમાં જ રહે છે.
શું છે માધાપરના પ્રશ્નો?
નવા વાસના પાટીદાર સમાજે પોતાના સમાજનાં મંડળો દ્વારા વિદેશમાંથી દાનથી મળેલી રકમને કારણે શિક્ષણ સંસ્થાઓ અને અન્ય કામો કર્યાં છે.
જોકે, માધાપરની બૅન્કોમાં પડેલા હજારો કરોડ રૂપિયાની ડિપૉઝિટ વ્યક્તિગત હોવાથી તેને સીધો લાભ ગામને નથી મળ્યો. હા વિકાસનાં કામો માટે દાન મળતું રહે છે.
આ ગામમાં લોકોને ઘરે નળથી પાણી આપવાની સગવડ તો વર્ષો પહેલાંથી શરૂ થઈ ગઈ હતી. હાલમાં આ ગામને 11 બોરવેલથી પાણી મળે છે. જેમાંથી ત્રણ બોરવેલનું પાણી હવે પીવાલાયક નથી.
અરજણભાઈ ભુડિયાએ જણાવ્યું કે, "સરકારી રિપોર્ટ પ્રમાણે ત્રણ બોરના પાણીમાં ટીડીએસનું પ્રમાણ બે હજાર કરતાં વધી ગયું છે. હવે તે બોરવેલનું પાણી પીવાલાયક નથી, તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે."
ભુડિયાએ જણાવ્યા અનુસાર, માધાપર ગામમાં એક સમયે 20 ફૂટે પાણી મળતું હતું, જે હવે 800 ફૂટ નીચે જતું રહ્યું છે. બોરવેલ ઉપરાંત લગભગ 20થી 30 ટકા પાણી નર્મદાથી મળે છે, પરંતુ આ પાણી મળવાનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી માધાપર ગામને ગ્રાઉન્ડ વૉટર પર ખૂબ વધારે નિર્ભર રહેવું પડે છે.
માધાપરના જમીનના પાણીમાં ટીડીએસ વધી ગયું છે, તે અંગેનો સરકારી રિપોર્ટ બીબીસી ગુજરાતી પાસે છે.
માધાપર જૂના વાસના આગેવાન અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂકેલા આગેવાન હિતેશ ખંડોર કહે છે, "માધાપરમાં પહેલાં આઠ હજાર લિટરની પાણીની ક્ષમતા ધરાવતી ટાંકી હતી, જે હવે 78 લાખ લિટરની ક્ષમતાની થઈ છે. ઉપરાંત માધાપરમાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રોડ અને ગટરનાં કામકાજ પૂર્ણ થઈ ચૂક્યાં છે. હવે ગામના વિકાસમાં વૃદ્ધિની જરૂરિયાત છે."
માધાપર જૂના વાસનાં સરંપચ ગંગાબહેન મહેશ્વરી છે. તેમના પતિ નારણ મહેશ્વરીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "જેમ માધાપરમાંથી પાટીદારો વિદેશમાં સ્થાયી થયા છે, તેમ માધાપરની આસપાસનાં ગામોમાંથી અન્ય સમાજના લોકો પણ પોતાનાં સંતાનોના અભ્યાસ માટે માધાપર આવીને સ્થાયી થયા છે."
"અહીંથી ભુજ નજીક પડે અને જીવન-જરૂરિયાતની સુવિધાઓ માધાપરમાં સરળતાથી મળી રહે છે, જેને કારણે લોકો ભુજને બદલે માધાપર પસંદ કરે છે."
તેમણે વધુમાં કહ્યું, "અત્યારે ગામમાં કૉલેજની જરૂર છે. અમારા ગામમાંથી લગભગ ત્રણ હજાર વિદ્યાર્થીઓ કૉલેજના અભ્યાસ માટે ભુજ અપ-ડાઉન કરે છે. જો અહીં કૉલેજ હોય તો આ પ્રશ્નનો ઉકેલ આવી શકે. ઉપરાંત માધાપર આટલું વિકસિત હોવા છતાં અહીં ગામનું પોતાનું બસ સ્ટેન્ડ નથી."
તેમણે વધુમાં કહ્યું, "ગામમાં મધ્યમવર્ગના લોકો વધુ રહે છે એટલે રોજગારી માટે સ્કિલ વધે તે માટે સ્કિલ ડેવલપમૅન્ટ માટેની ટ્રેનિંગ મળી રહે તે માટેનાં નવાં કામ કરવાની જરૂર છે."
માધાપર નવા વાસમાં એક ક્લબ હાઉસ બનાવવામાં આવેલું છે, જેમાં એક આંતરાષ્ટ્રીય સ્તરનું ટેનિસ કોર્ટ, બૅડમિન્ટન કોર્ટ, ઉપરાંત ક્રિકેટ, વૉલીબૉલ નેટ, કાર્ડ રૂમ વગેરેની સુવિધાઓ છે.
અહીં ફૂટબૉલ ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવી રહ્યું છે. આ ક્લબ હાઉસની વાર્ષિક ફી એક હજાર રૂપિયા છે. જોકે આ ક્લબ હાઉસમાં મુખ્યત્વે એનઆરઆઈ લોકો સાંજનો સમય પસાર કરે છે.
જ્યારે બીબીસી આ ક્લબ હાઉસમાં પહોંચી તો એનઆરઆઈ લોકો સાથે મુલાકાત થઈ.
રામજી મનજી ગામી નામના એક કેન્યન ઉદ્યોગપતિએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "અહીંના લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવાની જરૂર છે. અહીંની નદીના પટમાં લોકો ખૂબ કચરો ફેંકે છે. આ કચરો હવે સાફ કરવો ખૂબ મુશ્કેલ થઈ ગયો છે."
આ જ રીતે અન્ય એક એનઆરઆઈ વેલજી ગામી કહે છે, "આજકાલ ઘણા લોકોએ પોતાના મકાન કરતાં બીજી જમીનો પર ગેરકાયદેસર બાંધકામો કરી લીધાં છે, આ પ્રકારનાં દબાણો દૂર થવાં જોઈએ."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો