ચીન કૉંગ્રેસ : જિનપિંગ સંબોધનમાં પોતાની ઝીરો-કોવિડ પૉલિસીના બચાવમાં ઊતર્યા - પ્રેસ રિવ્યૂ

બીજિંગમાં યોજાઈ રહેલી ચીનની ઐતિહાસિક કૉમ્યુનિસ્ટ પાર્ટી કૉંગ્રેસની શરૂઆતમાં જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સંકેત આપ્યા છે કે તેમની વિવાદાસ્પદ ઝીરો-કોવિડ પૉલિસીમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં.

શક્યતા છે કે કૉંગ્રેસની દાયકાઓ જૂની પરંપરાને તોડીને આ વખતે સભ્યો શી જિનપિંગને ત્રીજી વખત પાર્ટીપ્રમુખનું પદ સોંપશે.

શી જિનપિંગે પોતાના સંબોધનમાં કહ્યું, "ઝીરો-કોવિડ પૉલિસી એ વાઇરસને પ્રસરતો રોકવા માટે લોકોની લડાઈ છે."

આ પૉલિસીના કારણે ઘણા જીવ બચ્યા છે પણ ચીનનાં નાગરિકો અને અર્થતંત્ર પર તેની વિપરીત અસર પણ પડી છે.

લૉકડાઉન સહિતના વિવિધ પ્રતિબંધોના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

કૉંગ્રેસની બેઠક શરૂ થાય તે પહેલાંથી બીજિંગમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુરુવારે જ શહેરમાં શી જિનપિંગ અને ઝીરો કોવિડ પૉલિસીના વિરોધમાં એક દુર્લભ અને નાટકીય વિરોધપ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

પોતાના સંબોધનમાં જિનપિંગે તાઇવાનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે સ્વશાસિત તાઇવાન ખુદને મેઇનલૅન્ડથી અલગ સમજે છે.

ધીરે-ધીરે બોલતાં જિનપિંગે કહ્યું કે મેઇનલૅન્ડ સાથે તેનું મિલન થવું જ જોઈએ અને થશે જ. આ માટે બળનો ઉપયોગ કરવો પડશે તો એ પણ કરાશે. આ ટિપ્પણી પર તેમના સમર્થકો તાળીઓ પાડવા લાગ્યા હતા.

હૉંગકોંગ મુદ્દે તેમણે કહ્યું, "બીજિંગે ત્યાં શાંતિ સ્થાપવાનું શરૂ કરી દીધું છે. ત્યાંની પરિસ્થિતિ 'અરાજકતાથી શાસન' સુધી પહોંચાડી દીધી છે."

બીજિંગમાં 2019માં લોકતંત્રસમર્થક પ્રદર્શનો યોજાયા બાદ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરી દીધો હતો.

જિનપિંગે રાજકીય માળખામાં વિભાજનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેમના શાસન દરમિયાન પાર્ટીમાં છુપાયેલા ગંભીર ખતરાને દૂર કરવામાં આવ્યા છે.

પાર્ટીના નેતાપદ સુધી પહોંચ્યા બાદથી તેમણે પાર્ટીના સર્વોચ્ચ પદ સુધી ફેલાયેલા વ્યાપક ભ્રષ્ટાચાર અંગે થઈ રહેલી કાર્યવાહી પર નજર રાખી અને તેમાં સુધારા પણ લાવ્યા. જોકે, ટીકાકારોએ તેને એક રાજકીય શુદ્ધિકરણની કાર્યવાહી ગણાવી હતી.

જિનપિંગે પોતાના સંબોધનમાં લગભગ 73 વખત 'સુરક્ષા' શબ્દનો ઉપયોગ કરીને એમ પણ કહ્યું હતું કે ચીન પોતાની આર્મીમાં ઝડપથી વધારો કરશે.

કૉંગ્રેસમાં જિનપિંગનું આ વર્ષનું સંબોધન લગભગ બે કલાક ચાલ્યું હતું. જે 2017માં તેમના સંબોધન કરતાં ઘણું નાનું હતું.

તેમના આ સંબોધન દરેક શબ્દોની ખૂબ તકેદારીપૂર્વક પસંદગી કરવામાં આવી હતી કારણ કે તેના પર વિશ્વભરના રાજકીય વિશ્લેષકોની નજર હોય છે.

અમૂલે દેશભરમાં દૂધનો ભાવ વધાર્યો પણ ગુજરાતને બાકાત રાખ્યું

દિવાળી પહેલાં ગુજરાત કૉ-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)એ દેશભરમાં અમૂલ દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. જોકે, ગુજરાતને તેનાંથી બાકાત રાખવામાં આવ્યું છે.

'ઇન્ડિયન ઍક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે,આ ભાવવધારો અમૂલ ગોલ્ડ અને ભેંસનાં દૂધ પૂરતો જ સીમિત છે. ચાલુ નાણાકીય વર્ષમાં અમૂલે ત્રીજી વખત ભાવવધારો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી બે મહિનામાં ચૂંટણી યોજાવાની હોવાથી ગુજરાતને ભાવવધારાથી બાકાત રાખવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

'ઇન્ડિયન ઍક્સપ્રેસ' દ્વારા જ્યારે જીસીએમએમએફના સીઓઓ જયેન મહેતાને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું, "આ મૅનેજમૅન્ટનો નિર્ણય છે. એમાં હું કંઈ ના કહી શકું."

છેલ્લા એક વર્ષમાં અમૂલ ગોલ્ડ દૂધની કિંમતમાં 10 ટકાનો વધારો થયો છે.

અગાઉ જીસીએમએમએફ દ્વારા આ ભાવવધારાનો બચાવ કરતાં કહેવામાં આવ્યું હતું કે પશુઓનો ચારો મોંઘો થઈ ગયો હોવાથી અને અમૂલનાં અન્ય ઉત્પાદનોની માગ વધી રહી હોવાથી દૂધના ભાવમાં વધારો કરવામાં આવે છે.

યુક્રેનના પાવરપ્લાન્ટ પર રશિયન મિસાઇલના હુમલા બાદ વીજળી બચાવવાની અપીલ

યુક્રેનની રાજધાની કિએવ પાસે આવેલા એક પાવરપ્લાન્ટ પર રશિયાએ મિસાઇલથી હુમલો કર્યો છે. ત્યાર બાદથી કિએવના લોકોને સાંજના સમયે વીજળીનો ઉપયોગ ઘટાડવા માટે અપીલ કરવામાં આવી છે.

જોકે, અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે રશિયાના આ હુમલા બાદ વીજપુરવઠો ફરીથી સ્થાપિત કરી દેવાયો છે. એમ છતાં યુક્રેનિયન વીજકંપની 'યુક્રેનર્જો'એ લોકોને સાંજે પાંચથી 11 વાગ્યા સુધી વીજવપરાશ ઘટાડવાની અપીલ કરી છે.

આ માત્ર કિએવ પૂરતું સીમિત નથી.

યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના ઉપપ્રમુખ કાઇરિલો તિમોશેંકોએ કહ્યું કે ઝાઇટૉમિર, ચર્કાસી અને ચેર્નિહાઇવના લોકોને પણ વીજવપરાશ પર અંકુશ રાખવાનું જણાવાયું છે.

તેમણે ટેલિગ્રામ પર કહ્યું, "જો આ સલાહને નજરઅંદાજ કરવામાં આવશે તો સમસ્યા સર્જાઈ શકે છે અને મીણબત્તીનો સહારો લેવો પડી શકે છે."

યુક્રેનર્જોએ વીજળી બચાવવા માટે વધુ વીજળી વાપરતાં ઉપકરણોનો ઉપયોગ ન કરવા અને બિનજરૂરી લાઇટો બંધ રાખવા આગ્રહ કર્યો છે.

ઓવૈસીની પાર્ટીના નેતાએ કહ્યું- 'અમે અહીં 832 વર્ષ સુધી રાજ કર્યું', પોલીસ ફરિયાદ દાખલ

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમના નેતા અને ઉત્તર પ્રદેશ પ્રમુખ શૌકત અલી વિરુદ્ધ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે તેમણે ઉત્તર પ્રદેશના સંભલમાં હિંદુઓ વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું હતું. શનિવારે તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.

વીડિયોમાં તેઓ કહે છે, "મુસલમાનોએ હિન્દુસ્તાન પર 832 વર્ષ સુધી રાજ કર્યું. તમે (હિંદુ) અમારા બાદશાહ સામે પોતાના હાથ પાછળ રાખીને 'જી હજૂરી' કરતા હતા. જોધાબાઈ કોણ હતી? અમે તો ક્યારેય કોઈ ભેદભાવ કર્યો નથી. અમારાથી મોટા બિનસંપ્રદાયયિક કોણ છે?"

શૌકત અલીએ સાધુ-સંતોને લઈને પણ આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

જિલ્લા પોલીસ અધીક્ષક ચક્રેશ મિશ્રાએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું, "શૌકત અલી વિરુદ્ધ આઈપીસીની કલમ 153એ(ધર્મના આધારે બે સમૂહ વચ્ચે તણાવ પેદા કરવો) અને 295એ (ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો પ્રયાસ) અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો