પંજાબ : કેદીઓને 'જીવનસાથી સાથે સમય પસાર કરી શકે' માટે પંજાબની જેલમાં પલંગ સાથેના રૂમની સુવિધા

    • લેેખક, અરવિંદ છાબરા
    • પદ, બીબીસી ન્યૂઝ, ચંદીગઢ

60 વર્ષની વયના ગુરજીત સિંહ હત્યાના આરોપી છે, તેઓ છેલ્લા થોડા મહિનાથી પાકિસ્તાનની સરહદ નજીકના ભારતના પંજાબના તરણતારણની ગોઈંદવાલા જેલમાં છે.

તેઓ કહે છે કે, "જેલ એટલે જેલ અને કોઈ પણ જેલમાં એકલતા અને હતાશાનું વાતાવરણ હોય છે, પરંતુ મારી પત્ની મને મળવા આવી અને અમે જેલમાં એક ખાનગી રૂમમાં કેટલાક કલાકો સાથે પસાર કર્યા તેનાથી મને ઘણી રાહત થઈ."

ગુરદાસપુરના રહેવાસી ગુરજીત પંજાબ સરકારના આભારી છે, કારણ કે રાજ્ય સરકારે જેલમાં બંધ ઓરડામાં વૈવાહિક મુલાકાતો એટલે કે કેદીઓને તેમનાં જીવનસાથી જોડે મુલાકાતની પરવાનગી આપવાનું તાજેતરમાં શરૂ કર્યું છે.

પંજાબ આવી 'કૉન્જુગલ વિઝિટ્સ'ની છૂટ આપનારું દેશનું પ્રથમ રાજ્ય છે. આ વ્યવસ્થા જેલના કેદીઓને કેદ દરમિયાન તેમના જીવનસાથી સાથે આત્મીયતાસભર સમય પસાર કરવાની તક આપે છે.

આ મુલાકાત દરમિયાન તેઓ જીવનસાથી જોડે જાતીય સંબંધ પણ બાંધી શકે છે.

ગોંઈદવાલા જેલમાં આ યોજનાનો લાભ લેનારા સૌપ્રથમ કેદી ગુરજીત કહે છે કે, "દંપતિએ ઘણુંબધું સાથે મળીને કરવાનું હોય છે. અમે પરિણીત યુગલ છીએ અને લગ્ન એ પ્રેમ અને શુદ્ધતાનું શાશ્વત બંધન છે. તેથી, જો સરકારે કોઈ યોજના શરૂ કરી હોય તો આપણે તેનો લાભ લેવો જ જોઈએ."

આ યોજના શરૂ કરવામાં આવી એ પહેલાં કેદીઓને તેમના મુલાકાતીઓને શારીરિક સ્પર્શની છૂટ ન હતી. જેલમાંથી મુલાકાતી કક્ષને અલગ પાડતા કાચ અથવા સ્ક્રીન મારફત તેઓ એકબીજાને જોઈ શકતા હતા, પરંતુ તેમણે ફોન મારફત વાત કરવી પડતી હતી.

પંજાબના સ્પેશ્યલ ડિરેક્ટર જનરલ (પ્રિઝન્સ) હરપ્રીત સંધુ બીબીસી સાથે વાત કરતાં કહે છે કે, "જેલમાં ન હોય તેવા જીવનસાથીને સજા કરવાનું કોઈ કારણ નથી. તેથી, કેદીઓના તણાવને નિયંત્રણમાં રાખવા અને સમાજમાં તેમનો પુનઃ પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે, અમે પંજાબની જેલોમાં વૈવાહિક મુલાકાતની યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો.''

''આ પાઇલટ પ્રોજેક્ટ દેશમાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે. આ યોજના રાજ્યની ત્રણ જેલોમાં 20 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી અને ત્રીજી ઑક્ટોબરથી કુલ 25 પૈકીની 17 જેલો સુધી વિસ્તારવામાં આવી છે."

તેઓ ઉમેરે છે કે, "કૉન્જુગલ વિઝિટ્સ અથવા જાતીય સંબંધ એક શારીરિક જરૂરિયાત છે. અનેક દેશોમાં આવી વ્યવસ્થા છે. આ વ્યવસ્થાને ટેકો આપતા અનેક આદેશો પણ અદાલતોએ આપ્યા છે."

અધિકારીઓના જણાવ્યા મુજબ, "કેદીઓમાં આ યોજના અત્યંત લોકપ્રિય પુરવાર થઈ છે, કારણ કે કૉન્જુગલ વિઝિટ્સ માટેની 385 અરજીઓ યોજના શરૂ થયાના પ્રથમ સપ્તાહમાં જ મળી હતી."

ભારતીય દંડ સંહિતાની કલમક્રમાંક 420 હેઠળ છેતરપિંડી બદલ કારાવાસની સજા ભોગવતા 37 વર્ષના જોગા સિંહ પ્રારંભે અરજી કરનારા કેદીઓ પૈકીના એક છે.

તેઓ કહે છે કે "મારા પરિવારના લોકોનું મોં મહિનાઓ સુધી જોઈ નહીં શકવાને કારણે હું માનસિક રીતે અસ્વસ્થ હતો, પરંતુ મારી પત્ની સાથેની મુલાકાતથી હું ફરી તાજોમાજો થઈ ગયો."

અમૃતસરમાં રહેતા જોગા સિંહના જણાવ્યા મુજબ, "જેલના કર્મચારીઓ કેદીઓના જીવનસાથીઓ જોડે કેવો વર્તાવ કરશે એ બાબતે તેમને શરૂઆતમાં શંકા હતી, પરંતુ બધું સમુસુતરું પાર પડ્યું હતું."

કૉન્જુગલ રૂમ

ગોઈંદવાલા સાહિબ ખાતેની જેલની મુલાકાત લઈએ તો અન્ય કારાગારોની માફક આ જેલમાં પણ એક મુખ્ય દરવાજે અને બીજી તેનાથી થોડા મીટર દૂર આવેલા મોટા દરવાજા પર ડબલ ક્લિયરન્સ સિક્યૉરિટી સિસ્ટમ છે. આ વિસ્તારમાં આવેલા મકાનના પહેલા માળે કૉન્જુગલ રૂમ બનાવવામાં આવ્યો છે. ઍટેચ્ડ બાથરૂમ સાથેના તે ઓરડામાં એક ડબલ બૅડ, એક ટેબલ, બે ખુરશીઓ, પાણી ભરેલો જગ તથા બે ગ્લાસ રાખવામાં આવ્યા છે.

જેલના વૉર્ડન લલિત કોહલીએ બીબીસીને જણાવ્યું હતું કે, "કેદીને તેના જીવનસાથી જોડે રૂમમાં મોકલીને દરવાજો બંધ કરી દેવામાં આવે છે. તેમને રૂમમાં મહત્તમ બે કલાક સાથે ગાળવાની છૂટ હોય છે. તેમને કોઈ મદદ જોઈતી હોય તો તેઓ બેલ દબાવે એટલે ગાર્ડ હાજર થાય છે. યુગલોને કૉન્ડોમ પણ પૂરાં પાડવામાં આવે છે."

કૉન્જુગલ વિઝિટ્સની અરજીને સ્વીકારવી કે નકારવી તેનો નિર્ણય કરતા લલિત કોહલી કહે છે કે, "અમે નોંધ્યું છે કે સામાન્ય રીતે યુગલ એકાદ કલાક સાથે પસાર કરે છે."

કોહલીના જણાવ્યા મુજબ, "યોગ્યતા માટે કેદીનું વર્તન તથા રેકૉર્ડ સૌથી વધુ મહત્વનાં હોય છે. હાલના તબક્કે એક જીવનસાથીને જ કૉન્જુગલ વિઝિટની પરવાનગી આપવામાં આવે છે. તમામ બારીઓ અને બીજાં ઍક્ઝિટ પૉઇન્ટ્સ નિયમ અનુસાર બંધ રાખવાનાં હોય છે."

'માત્ર સેક્સ માટે નહીં'

વૈવાહિક મુલાકાત જેલના કેદીઓને કારાવાસ દરમિયાન તેમના જીવનસાથી સાથે આત્મીયતાભર્યો સમય પસાર કરવાની તક આપે છે.

પંજાબ સરકારે આ સંબંધી નોંધમાં શબ્દકોશની વ્યાખ્યા ટાંકી છે, વ્યાખ્યા મુજબ,જીવનસાથી જેલમાં બંધ કેદીની મુલાકાત લઈ શકે છે અને મુલાકાત દરમિયાન પરિણીત દંપતી જાતીય સંબંધ પણ બાંધી શકે છે.

જેલ અધિકારીના જણાવ્યા મુજબ, "કૉન્જુગલ વિઝિટ્સની પરવાનગીનો હેતુ મજબૂત પારિવારિક સંબંધને પ્રોત્સાહિત કરવાનો, કેદીઓનું વર્તન સુધારવાનો, કારાવાસની નકારાત્મક અસર ઘટાડવાનો અને કેદીઓના પુનર્વસનની તકો ઉજળી બનાવવાનો છે."

સરકારી નોંધ જણાવે છે કે અમેરિકા, ફિલિપિન્સ, કૅનેડા, સાઉદી અરેબિયા, જર્મની, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, અને ફ્રાન્સ સહિતના વિશ્વના અનેક દેશોમાં ચોક્કસ માપદંડોને આધારે કૉન્જુગલ વિઝિટ્સની પરવાનગી આપવામાં આવે છે. અલબત્ત, ભારતમાં આવી કોઈ વ્યવસ્થા ન હોવાનું હરપ્રીત સંધુએ જણાવ્યું હતું.

તેમ છતાં, કેદીઓ અને તેમના પરિવારો વૈવાહિક સંબંધોના પરિપૂર્ણતા માટે પેરોલ મેળવવા વારંવાર કોર્ટમાં અરજીઓ કરતા રહે છે.

ચાલુ વર્ષની શરૂઆતમાં આવા જ એક કેસમાં પંજાબ તથા હરિયાણા હાઈકોર્ટે એક પત્નીની, હત્યા સબબ સજા ભોગવતા તેમના પતિ માટેની અરજી ફગાવી દીધી હતી.

જેલમાં કૉન્જુગલ વિઝિટ્સનું વાતાવરણ તૈયાર કરવાની યોજના બનાવવા માટે જેલ સુધારણા સમિતિની રચનાનો આદેશ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે 2014માં આપ્યો હતો.

કૉન્જુગલ વિઝિટ્સ માટેના કેદીઓના અધિકાર સંબંધી નિયમો ઘડી કાઢવા હરિયાણા સરકારે ન્યાયમૂર્તિ એચ એસ ભલ્લાના વડપણ હેઠળ 2021માં એક જેલ સુધારણા સમિતિની રચના કરી હતી.

ગૅન્ગસ્ટર્સને પણ કૉન્જુગલ વિઝિટ્સની પરવાનગી મળે?

જેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે સિદ્ધુ મૂસેવાલાના નામે વિખ્યાત પંજાબી ગાયક શુભદીપ સિંહની હત્યાના તમામ 18 આરોપીઓ ગોંઈદવાલા જેલમાં કેદ છે, કારણ કે આ જેલ અત્યાધુનિક હોવાની સાથે રાજ્યની સૌથી સલામત જેલ હોવાનું માનવામાં આવે છે.

અલબત્ત, અત્યંત જોખમી હોય તેવા ગૅન્ગસ્ટર્સના જીવનસાથીઓને કૉન્જુગલ વિઝિટ્સની પરવાનગી આપવામાં આવતી નથી, એમ જેલ અધિકારીઓ જણાવ્યું હતું.

જેલની સલામતીને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવે છે.

સૌથી વધુ જોખમી કેદી-ગૅન્ગસ્ટર-આતંકવાદી તરીકે વર્ગીકૃત કરાયા હોય તેવા, બાળશોષણ, જાતીય અપરાધો કે ઘરેલુ હિંસાના કેદીઓ, છેલ્લા ત્રણ મહિનામાં જેલમાં કોઈ ગુનો આચર્યો હોય તેવા કેદીઓ, જેલમાં સોંપવામાં આવેલું કામ છેલ્લા ત્રણ મહિનાથી યોગ્ય રીતે ન કરતા હોય તેવા કેદીઓ અને જેલના વડા દ્વારા નિર્ધારિત સારા વર્તન તથા શિસ્તનું પાલન ન કરતા હોય તેવા કેદીઓ આ યોજના હેઠળ પરવાનગીને પાત્ર નથી.

ટીબી, એચઆઈવી, એસટીડી વગેરે જેવા ચેપી રોગથી પીડાતા કેદીઓને જેલના તબીબી વડા પરવાનગી આપે તો જ આ યોજનાને પાત્ર ગણાય છે. એ ઉપરાંત લાંબા સમયથી જેલમાં હોય તેવા કેદીઓને તેમજ માત્ર એક જ સંતાન ધરાવતા કેદીઓને અગ્રતા આપવામાં આવે છે.

પેરોલપાત્ર કેદીઓ આ યોજના માટે લાયકાત ધરાવતા કેદીઓમાં સૌથી છેલ્લા ક્રમે હોય છે, કારણ કે તેઓ થોડા-થોડા મહિને ઘરે જઈ શકતા હોય છે.

જેલમાં સુવિધાઓની ટીકા

પંજાબ સરકાર જેલમાં કેદીઓને અનેક સુવિધાઓ આપતી હોવાની ટીકા કરતા લોકોમાં સિદ્ધુ મૂસેવાલાનાં માતા ચરણકૌરનો સમાવેશ થાય છે. હત્યા કેસનો આરોપી દીપક ટીનુ પહેલી ઑક્ટોબરે પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યાના એક દિવસ પછી ચરણકૌરે આક્ષેપ કર્યો હતો કે પંજાબ સરકાર જેલની કોટડીઓમાં ગૅન્ગસ્ટર્સને ઘણી સુવિધાઓ આપે છે.

દીપક હાલ જેલમાં કેદ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનો ગાઢ સાથીદાર છે અને તેને મૂસાવાલા હત્યાકેસમાં ચાર્જશીટ કરવામાં આવ્યો છે.

ચરણકૌરે જેલમાં પૂરી પાડવામાં આવતી પલંગની વ્યવસ્થાનો સંદર્ભ ટાંકીને જણાવ્યું હતું કે કેદીઓને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે છે.

જોકે, કેદીઓ અને તેમના પરિવારજનોને કોઈ ફરિયાદ નથી.

ગુરજીત સિંહ કહે છે કે આ યોજનાનો અમલ માત્ર પંજાબની જ નહીં દેશની અન્ય જેલોમાં પણ કરવો જોઈએ, કારણ કે તે કેદીઓની સુધારણાની દિશામાંનું મોટું પગલું સાબિત થશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો