You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુલાયમસિંહ યાદવ પંચતત્ત્વમાં વિલીન, અખિલેશ યાદવે મુખાગ્નિ આપ્યો: પ્રેસ રિવ્યૂ
સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી મુલાયમસિંહ યાદવના અંતિમસંસ્કાર કરી દેવામાં આવ્યા છે.
સેફઈમાં મેલા ગ્રાઉન્ડમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. મુલાયમસિંહના પુત્ર અખિલેશ યાદવે પિતાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપ્યો હતો.
મુલાયમસિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપવા માટે રક્ષામંત્રી રાજનાથસિંહ, બૉલીવૂડ અભિનેતા અભિષેક બચ્ચન, જયા બચ્ચન, વરુણ ગાંધી, તેજસ્વી યાદવ સહિત અનેક મોટા નેતાઓ પહોંચ્યા હતા.
મુલાયમસિંહ યાદવ 22 ઑગસ્ટથી ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં છેલ્લા કેટલાય દિવસોથી સારવાર હેઠળ હતા અને સોમવાર 10 ઑક્ટોબરે સવારે તેમનું નિધન થયું.
ઉત્તરપ્રદેશની સરકારે મુલાયમસિંહના અવસાન પર શોક વ્યક્ત કરીને રાજ્યમાં ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે.
દ્વેષયુક્ત ભાષણોથી દેશનું વાતવારણ બગડી રહ્યું છે: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ યુ.યુ લલિતે હેટ સ્પીચથી દેશનું વાતાવરણ બગડી રહ્યું હોવાની ટિપ્પણી કરી છે.
ઇન્ડિયન એક્સ્પ્રેસ અખબારમાં પ્રકાશિત સમાચાર અનુસાર હેટ સ્પીચના મુદ્દે સરકારની નિષ્ક્રિયતા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થયેલી એક જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન સોમવારે મુખ્ય ન્યાયાધીશ યુ.યુ લલિતે અરજીકર્તાને કહ્યું કે હેટ સ્પીચથી દેશનું વાતાવરણ મલિન થઈ રહ્યું હોવાની તેમની વાત સાચી હોઈ શકે છે અને તેના પર અંકુશની જરૂર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જાહેરહિતની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, "બહુમતી હિંદુ મતો જીતવા, તમામ પદો પર સત્તા મેળવવા, જનસંહાર કરવા અને ભારતને 2024ની ચૂંટણીઓ પહેલાં હિંદુ રાષ્ટ્ર બનાવવા" માટે લઘુમતી સમાજ વિરુદ્ધ દ્વેષયુક્ત ભાષણો (હેટ સ્પીચ) કરવામાં આવી રહ્યા છે.
શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથને મળ્યું 'મશાલ'નું ચૂંટણીચિહ્ન
ભારતીય ચૂંટણી પંચે સોમવારે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાને નવું નામ અને પક્ષનું ચિહ્ન આપ્યું છે. ચૂંટણી પંચના નિર્ણય અનુસાર શિવસેનાનું ઉદ્ધવ ઠાકરે જૂથને 'મશાલ'નું ચિહ્ન આપવામાં આવ્યું છે અને આ જૂથ 'શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)' નામથી ઓળખાશે.
જ્યારે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેના નેતૃત્ત્વ હેઠળના જૂથને 'બાલાસાહેબચી શિવસેના' નામ મળ્યું છે. જોકે તેમને ચૂંટણી પંચે પક્ષનું કોઈ ચિહ્ન આપ્યું નથી. એકનાથ શિંદે જૂથે પક્ષના પ્રતીક તરીકે 'ત્રિશૂળ', 'ઊગતો સૂર્ય', અને 'ગદા'ના વિકલ્પો આપ્યા હતાં, જેને ચૂંટણી પંચે વિવિધ કારણોસર સ્વીકાર્યા નથી. ચૂંટણી પંચે તેના પત્રમાં કહ્યું હતું કે, 'ત્રિશૂળ' અને 'ગદા' ધાર્મિક અર્થઘટન ધરાવે છે અને 'ઊગતા સૂર્ય'નું ચિહ્ન ડીએમકે પક્ષ પાસે છે, આથી આ ચિહ્નો તેમને ફાળવી શકાય તેમ નથી. પંચે શિંદે જૂથને 11 ઑક્ટોબર સવારે દસ કલાક સુધીમાં પક્ષના ચિહ્ન માટે ત્રણ નવા વિકલ્પ સૂચવવા જણાવ્યું છે.
ભાજપના સંસદ સભ્ય પરવેશ વર્માની કથિત 'હેટ સ્પીચ' સામે કાર્યવાહી કરવા કૉંગ્રેસની માગ
દિલ્હીના નંદનગરી વિસ્તારમાં એક હિંદુ વ્યક્તિ મનીષની હત્યાના વિરોધમાં ઉત્તર પૂર્વ દિલ્હીના દિલશાદ ગાર્ડનમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા યોજવામાં આવેલી 'વિરાટ હિંદુ સભામાં' ભાજપના સંસદ સભ્ય પરવેશ વર્માએ કથિત રીતે 'એમનો' 'સંપૂર્ણ બહિષ્કાર' કરવાની વાત કરી. તેમણે કોઈ સમુદાયનું નામ નથી લીધું. તેમના આ ભાષણની એક ક્લિપ સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહી છે.
પરવેશ વર્માની 'હેટ સ્પીચ'ને લઈને ટીકા થઈ રહી છે.
વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલના જણાવ્યા અનુસાર આ સભાના આયોજનનો સંદર્ભ 'દિલ્હીમાં સતત હિંદુઓની હત્યા હતો' અને તેનાથી 'લોકોમાં ખૂબ ગુસ્સો હતો.'
દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારી સંજય કુમાર સૈને જણાવ્યું કે મનીષની હત્યામાં તમામ 6 આરોપીઓ મુસ્લિમ છે, પરંતુ આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી.
વિનોદ બંસલે બીબીસીની સાથેની વાતચીતમાં કહ્યું કે, "આજ સુધી પોલીસે કદી એવું માન્યું છે કે આ કોઈ સાંપ્રદાયિક મામલો છે? એવું ક્યારેય નથી થયું."
બીબીસીની પરવેશ વર્મા સાથે વાતચીત નથી થઈ શકી, પરંતુ ઇન્ડિયન એક્સ્પ્રેસ અખબાર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તેમણે ભાષણમાં કોઈ ધાર્મિક સમુદાયનું નામ નથી લીધું.
આ ઘટના બાદ કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદે પોતાના ટ્વીટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ પૂછ્યું કે 'શું તેઓ આ ભાષણની હિમાયત કરે છે?'
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો