ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં પોસ્ટર લાગ્યાં, વડોદરામાં રોડ શોમાં અરવિંદ કેજરીવાલ શું બોલ્યા?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • શુક્રવારે આપ નેતા રાજેન્દ્ર પાલ ગૌતમે કરેલા નિવેદન બાદ વિરોધ
  • રાજ્યના વિવિધ શહેરોમાં કેજરીવાલ વિરુદ્ધના પોસ્ટર અને હોર્ડિગ્સ લાગ્યા
  • આમ આદમી પાર્ટીએ આ હોર્ડિગ્સ પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવ્યો

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે 8 અને 9 ઑક્ટોબર દરમિયાન રાજ્યના પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના વિરોધમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને દાહોદ અને અન્ય શહેરોમાં પોસ્ટર લાગ્યાં છે.

એટલું જ નહીં પોસ્ટર્સના આધારે વડોદરામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કાર્યકર્તાઓએ કેજરીવાલને સભા નહીં કરવા દેવા વિરોધ કર્યો છે. જેને પગલે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું છે.

આપ આ પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ માટે ભાજપને જવાબદાર ઠેરવે છે, તો ભાજપ આ પોસ્ટર્સ અને હોર્ડિંગ્સને આપની હિન્દુવિરોધી માનસિકતા ગણાવે છે અને તેની વિરુદ્ધ હિન્દુ સમાજનો આક્રોશ યોગ્ય હોવાનું કહે છે.

આ પોસ્ટર વિવાદ મામલે વડોદરાની રેલીમાં અરવિંદ કેજરીવાલે પણ શાબ્દિક પ્રહાર કર્યા હતા.

શું છે પોસ્ટર્સનો વિવાદ?

આ વિવાદની શરૂઆત દિલ્હીથી થઈ હતી. દિલ્હી સરકારમાં મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ ધર્મ પરિવર્તન સંબંધિત કાર્યક્રમમાં હાજર રહેતા વિવાદ સર્જાયો છે.

સમાજકલ્યાણ મંત્રી અને સીમાપુરીથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજેન્દ્ર પાલ ગૌતમે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ એક કાર્યક્રમમાં સામેલ રહ્યા, જેમાં અંદાજે 10 હજાર લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.

રાજેન્દ્ર પાલ દ્વારા આ કાર્યક્રમમાં આપવામાં આવેલાં નિવેદનોને કેજરીવાલની મુસ્લિમ ટોપી પહેરેલી તસવીર સાથે મૂકવામાં આવ્યાં છે.

પોસ્ટરમાં કેજરીવાલના ફોટોગ્રાફની સાથે 'હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ઇશ્વર માનીશ નહીં. આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર' લખવામાં આવ્યું છે.

કેટલાંક પોસ્ટરની નીચે હિન્દુ હિતરક્ષક સમિતિ, કર્ણાવતીનું નામ લખવામાં આવ્યું છે.

સુરતમાં આપના કાર્યકર્તાઓ દ્વારા, જ્યારે રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા આ પોસ્ટર્સ અને હોર્ડિંગ્સને દૂર કરવામાં આવ્યાં હતાં.

વડોદરાની સભામાં કેજરીવાલ શું બોલ્યા?

  • જે લોકોએ આ પોસ્ટર લગાવ્યાં છે એ લોકો મારી નફરતમાં એટલા આંધળા થઈ ગયા છે કે તેમણે ભગવાનને પણ છોડ્યા નથી
  • આજના દિવસે જ્યારે મારું ગુજરાતમાં આવવાનું નક્કી થયું તો ભાજપવાળાએ મારી વિરુદ્ધ દરેક જગ્યાએ પોસ્ટર લગાવી દીધાં. તે મારી વિરુદ્ધ ગમે તે કરે, મને તેની સાથે કોઈ જ વાંધો નથી, પરંતુ તેમણે પોસ્ટર પર ભગવાન માટે અપશબ્દો લખ્યા અને ભગવાનનું અપમાન કર્યું
  • હું એક ધાર્મિક માણસ છું, હનુમાનજીનો કટ્ટર ભક્ત છું. હનુમાનજીની અસીમ કૃપા મારા પર છે. બધી જ આસુરી શક્તિઓ મારી વિરુદ્ધ એકઠી થઈ ગઈ છે
  • ભગવાન અમારી સાથે છે, લોકો અમારી સાથે છે, જનતા પરિવર્તન ઇચ્છે છે અને તેના કારણે આ લોકો વ્યાકુળ થઈ ગયા છે
  • આ બધા કંસનાં સંતાનો છે. ભગવાનનું અપમાન કરે છે. ભક્તોનું અપમાન કરે છે. ગુંડાગીરી કરે છે, મારઝૂડ કરે છે
  • હું આમને જણાવવા માગું છું કે મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો. મને ભગવાને આ કંસનાં સંતાનોનું નાશ કરવા માટે મોકલ્યો છે

આમ આદમી પાર્ટીએ શું કહ્યું?

આમ આદમી પાર્ટી ગુજરાતના મુખ્ય પ્રવક્તા યોગેશ જાદવાણીએ કહ્યું કે, "જેટલાં પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ લાગ્યાં છે, તેની પાછળ ભાજપનાં બૅનર લાગેલાં છે. હું આટલાં વર્ષોથી જાહેરજીવનમાં છું, મેં ક્યારેય કોઈ હિન્દુ હિતરક્ષક સમિતિ જેવા સંગઠનનું નામ સાંભળ્યું નથી."

"ભાજપે પોતે જ કેજરીવાલને બદનામ કરવા આ પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ લગાવવાનો ખર્ચો કર્યો છે. જે સંદિગ્ધ રીતે આ ઘટના બની છે, તેના માટે હું ગુજરાતમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જવાબદાર માનું છું અને તેની પાછળ હર્ષ સંઘવીનો દોરીસંચાર હોવાનું માનું છું."

જ્યારે આમ આદમી પાર્ટીના રાજકોટના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કેજરીવાલને હનુમાનભક્ત ગણાવ્યા હતા.

તેમણે કહ્યું, "હનુમાન ભગત કેજરીવાલને આ રીતે ટોપી પહેરાવીને એનાં પોસ્ટરો મારવાં એ હિન્દુત્વને નીચલી કક્ષાએ લઈ જવા માગતા નબળી માનસિકતાના લોકોનું આ કામ છે. મને ગૌરવ છે હું હિન્દુ છું, કેજરીવાલસાહેબને ગૌરવ છે એ હિન્દુ છે. રાષ્ટ્ર માટે શું થવું જોઈએ, હિન્દુત્વ માટે શું થવું જોઈએ એ બધી જ ચિંતાઓ ભાજપ કરતાં પણ વધારે અમે કરી રહ્યા છીએ."

તેમણે કહ્યું કે, "આટલાં બધાં પોસ્ટર્સ લગાડવાના પૈસા ક્યાંથી આવ્યા? ભાજપ સિવાય આટલા પૈસા કોઈની પાસે છે જ નહીં. આખા ગુજરાતમાં (પોસ્ટર) લગાડવાના પૈસા સ્વાભાવિકપણે જ ભાજપે જ આપ્યા હોય. અને આ પોસ્ટર લાગ્યાં પછી તેને ઉતારવા નહીં તેવી સૂચના પણ ભાજપની સરકારે જ તંત્રને આપી હોય."

ભાજપે શું આપ્યો જવાબ?

જોકે, ભાજપના મીડિયા સેલના કન્વીનર અને પ્રવક્તા યમલ વ્યાસે આપના આક્ષેપોના વિરોધમાં કહ્યું, "આપના નેતાઓની હિન્દુવિરોધી માનસિકતા કંઈ નવી નથી."

"આ પક્ષના ગોપાલ ઇટાલિયા જેવા સ્થાનિક નેતાએ પણ હિન્દુ સંતો અને કથાકારો વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કર્યાં હતાં અને આવા અનેક બીજા દાખલા પણ છે. આ પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ આપની હિન્દુવિરોધી માનસિકતા સામે હિન્દુ સમાજનો આક્રોશ છે."

ભાજપના નેતા અને પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું, "આમ આદમી પાર્ટીનો એક મહત્ત્વનો મંત્રી એમ બોલે કે હું ધર્માંતરણ કરાવીશ અને હું હિન્દુ દેવી-દેવતાઓને માનતો તો આ બાબત આમ આદમી પાર્ટીનું કૅરેક્ટરને ખુલ્લું પાડે છે."

"ગુજરાત આવી વાત ચલાવશે નહીં. આ જ ગુજરાતે સૂત્ર આપ્યું હતું કે, હિન્દુ હિત કી બાત કરેગા, વો હી દેશ પે રાજ કરેગા. આ ગુજરાત હિન્દુ હિતવિરોધી વાત ચલાવશે નહીં."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો