હિંદુ મહાસભાએ દુર્ગાપૂજામાં મહિષાસુરને મહાત્મા ગાંધી જેવો બતાવ્યો, વિવાદ વકરતાં ચહેરો બદલ્યો

દુર્ગા

ઇમેજ સ્રોત, SANJAY DAS

    • લેેખક, પ્રભાકરમણિ તિવારી
    • પદ, બીબીસી માટે, કોલકતાથી
લાઇન
  • કોલકતાના કસ્બા વિસ્તારમાં રૂબી ક્રૉસિંગ પાસે આયોજિત દુર્ગા પૂજામાં અસુરની જે પ્રતિમા બનાવાઈ હતી, એ એકદમ મહાત્મા ગાંધી જેવી જ હતી. આ મામલે રાજકીય વિવાદ વકરતાં પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો અને બાદમાં આયોજકોએ રાતોરાત મૂર્તિ બદલી નાખી
  • હિંદુ મહાસભા તરફથી આયોજિત આ પૂજા અને મૂર્તિની તસવીરો રવિવારે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયાં. વાઇરલ તસવીરોમાં જોવા મળે છે કે દુર્ગાની પ્રતિમા સાથે જે અસુરની પ્રતિમા બનાવાઈ છે એનો ચહેરો એકદમ મહાત્મા ગાંધી જેવો લાગે છે
  • આ મામલે પહેલા પશ્ચિમ બંગાળ પ્રદેશ કૉંગ્રેસના સભ્ય કૌસ્તુભ બાગચીએ આયોજકો વિરુદ્ધ ટીટાગઢ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો. એ બાદ કસ્બા પોલીસ સ્ટેશને પણ જાતે સંજ્ઞાન લીધું અને કેસ દાખલ કર્યો
લાઇન

રવિવારે જ્યારે સમગ્ર ભારત રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની જયંતિ ઊજવી રહ્યું હતું ત્યારે પશ્ચિમ બંગાળમાં ગાંધીજીને લઈને જ કંઈક એવું થયું કે વિવાદ સર્જાયો. અહીં હિંદુ મહાસભા દ્વારા આયોજિત દુર્ગાપૂજાએ વિવાદ જન્માવ્યો છે.

વાત એમ છે કે કોલકતાના કસ્બા વિસ્તારમાં રૂબી ક્રૉસિંગ પાસે આયોજિત આ પૂજામાં અસુરની જે પ્રતિમા બનાવાઈ હતી, એ એકદમ મહાત્મા ગાંધી જેવી જ હતી. આ મામલે રાજકીય વિવાદ વકરતાં પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો અને બાદમાં આયોજકોએ રાતોરાત મૂર્તિ બદલી નાખી.

હવે એમની દલીલ છે કે આ તો માત્ર એક સંયોગ હતો. હિંદુ મહાસભાનાના કાર્યકારી અધ્યક્ષ ચંદ્રચૂડ ગોસ્વામીનું કહેવું છે, "ગાંધીજીએ એવું કોઈ કામ નથી કર્યું કે જેથી એમનું સન્માન કરાય. જોકે, અમારો ઉદ્દેશ કોઈની લાગણીઓ દુભાવવાનો નહોતો. વાળ વિનાનું માથું અને ચશ્મા પહેરેલી વ્યક્તિ ગાંધી જ હોય એ જરૂરી નથી. અસુરે ઢાલ પણ પકડી હતી. મહાત્મા ગાંધીએ ક્યારેય ઢાલ પકડી નહોતી."

હિંદુ મહાસભા તરફથી આયોજિત આ પૂજા અને મૂર્તિની તસવીરો રવિવારે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયાં. વાઇરલ તસવીરોમાં જોવા મળે છે કે દુર્ગાની પ્રતિમા સાથે જે અસુરની પ્રતિમા બનાવાઈ છે એનો ચહેરો એકદમ મહાત્મા ગાંધી જેવો લાગે છે.

સોશિયલ મીડિયા પર તસવીર પોસ્ટ થયા બાદ આ પૂજાને લઈને વિવાદ વકર્યો હતો.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

આ મામલે પહેલા પશ્ચિમ બંગાળ પ્રદેશ કૉંગ્રેસના સભ્ય કૌસ્તુભ બાગચીએ આયોજકો વિરુદ્ધ ટીટાગઢ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો. એ બાદ કસ્બા પોલીસ સ્ટેશને પણ જાતે સંજ્ઞાન લીધું અને કેસ દાખલ કર્યો.

ચોતરફ નિંદા અને વિવાદ થતાં રાતોરાત અસુરનો ચહેરો બદલી દેવાયો.

મૂર્તિની આંખો પરથી ચશ્માં હઠાવી દેવાયાં અને ચહેરા પર મૂછ પણ લગાવી દેવાઈ. માથે નકલી વાળ પણ લગાવી દેવાયા.

line

'આ સંયોગ માત્ર'

દુર્ગા

ઇમેજ સ્રોત, SANJAY DAS

આ પૂજાના આયોજક અને હિંદુ મહાસભાના કાર્યવાહક પ્રદેશ અધ્યક્ષ ચંદ્રચૂડ ગોસ્વામી દાવો કરે છે કે મહાત્મા ગાંધીને અસુર તરીકે નહોતા દર્શાવાયા. આ માત્ર સંયોગ હતો. મહાસભાએ પહેલાં પણ આ પૂજાનું આયોજન કર્યું હતું.

તેમનું કહેવું હતું, "એ સાચું કે અસુરનો ચહેરો ગાંધીજીને મળતો આવતો હતો પણ ગાંધીજીને અસુરના રૂપે નહોતા દર્શાવાયા. આ માત્ર એક સંયોગ હતો. પણ અમે લોકો મોહનદાસ કરમચંદ ગાંધીને રાષ્ટ્રપિતા નથી ગણતા. અમે નેતાજીનું સન્માન કરીએ છીએ."

આયોજકોનો દાવો છે કે 'ઉપરના દબાણ'ને લીધે મૂર્તિનો ચહેરો બદલી દેવાયો છે અને આ બધું પોલીસે કર્યું છે.

હિંદુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષ સુંદરગિરિ મહારાજ કહે છે, "હિંદુ સમુદાયના લોકો ધાર્મિક કરતાં દાર્શનિક વધુ છે. ગાંધીજી કોઈ પણ રીતે મહાત્મા નહોતા. એવામાં જો અસુરની મૂર્તિ ગાંધીજી જેવી દેખાય તો એમાં કંઈ ખોટું નથી."

line

રાજકીય વિવાદ વકર્યો

દુર્ગા

ઇમેજ સ્રોત, SANJAY DAS

આ મામલે રાજકીય વિવાદ પણ વકર્યો છે. તૃણમૂલ કૉંગ્રેસના મહાસચિવ કુણાલ ઘોષ કહે છે, "આવી ઘટનાઓની કલ્પના પણ ના કરી શકાય. આનાથી ભાજપનો અસલી ચહેરો સામે આવ્યો છે. મહાત્મા ગાંધી દેશના રાષ્ટ્રપિતા છે. એમની વિચારધારાનું આખી દુનિયા સન્માન કરે છે. રાષ્ટ્રપિતાનું અપમાન સહન કરવામાં નહીં આવે."

પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ આ ઘટનાની નિંદા કરી છે.

તેમણે આયોજકો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ કરવાની માગ કરી છે. ભાજપે પણ આ ઘટનાની નિંદા કરી છે.

line

યુનેસ્કોની પ્રતિનિધિ સૂચિમાં પણ સામેલ

દુર્ગા

ઇમેજ સ્રોત, SANJAY DAS

પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજા એ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી પણ સામાજિક મેળ વધારવાનો અને રાજકારણમાં ચમકવાની સાથોસાથ આર્થિક રીતે પણ એક મોટો અવસર ગણાય છે.

આ ઉપરાંત આ એક સાહિત્યિક ઉત્સવ પણ છે.

તમામ મીડિયા હાઉસ આ પ્રસંગે વિશેષાંક બહાર પાડે છે, જેની લાખો નકલો વેચાતી હોય છે.

યુનેસ્કોએ ગત વર્ષે 13થી 18 ડિસેમ્બરે ફ્રાન્સના પેરિસમાં યોજાયેલી પોતાની આંતર-સરકારી સમિતિના 16મા સત્ર દરમિયાન કોલકતાની દુર્ગાપૂજાને યુનેસ્કોની માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની પ્રતિનિધિ સૂચિમાં સામેલ કરી હતી.

મમતા સરકારે બંગાળમાં વિશ્વપ્રસિદ્ધ દુર્ગાપૂજાને આંતરારાષ્ટ્રીય ઉત્સવની માન્યતા આપવા માટે યુનેસ્કોમાં આવેદન કર્યું હતું.

અત્યાર સુધી વિશ્વનાં માત્ર છ રાષ્ટ્રના ઉત્સવોને જ યુનેસ્કોએ આંતરરાષ્ટ્રીય ઉત્સવ તરીકે માન્યતા આપી છે.

યુનેસ્કોએ દુર્ગાપૂજાને વારસાનો દરજ્જો આપતાં કહ્યું હતું, "અમે ભારત અને ભારતીયોને અભિનંદન પાઠવીએ છીએ. અમને આશા છે કે દુર્ગાપૂજાને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતમાં સામેલ કર્યા બાદ સ્થાનિક લોકો આને લઈને હજુ વધારે ઉત્સાહિત થશે."

"સાંસ્કૃતિક વિરાસત માત્ર નિશાન અને વસ્તુઓનું સંકલન નથી. આમાં પરંપરા અને આપણા પૂર્વજોની ભાવના પણ સામેલ છે, જે આગામી પેઢીઓને મળતી હોય છે."

યુનેસ્કોએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું, "દુર્ગાપૂજા દરમિયાન વર્ગ, ધર્મ અને જાતીયપણાનું વિભાજન તૂટી જતું હોય છે. દુર્ગાપૂજાને ધર્મ અને કળાના જાહેર પ્રદર્શનનું સૌથી સારું ઉદાહરણ ઉપરાંત સહયોગી કલાકારો અને ડિઝાઇનરો માટે એક મોટી તકના રૂપે જોવામાં આવે છે."

રાજ્યમાં દુર્ગાપૂજાનું અર્થતંત્ર 32 હજાર 377 કરોડ રૂપિયાનું છે. આમાં છૂટકબજારની ભાગીદારી 27 હજાર 634 કરોડ રૂપિયાની છે. દુર્ગાપૂજામાં મૂર્તિનિર્માણ, ઝગમગાટ અને સજાવટ, પ્રાયોજન, જાહેરાત જેવા લગભગ દસ ઉદ્યોગોની સક્રિયતા જોવા મળે છે.

જાણકારો અનુસાર કોલકતા પૂજા દરમિયાન કૉર્પોરેટ હાઉસ 800થી લઈને 1,000 કરોડ રૂપિયા કરતાં વધારેનો ખર્ચ કરતાં હોય છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન